ક્રિયાવાચી કહેવતોની કમાલ .
- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- ક્રિયાવાચી આવી તો અનેક કહેવતો નોંધી શકાય પણ મૂળ વાત એ છે કે કોઈપણ કહેવત અનુભવમાંથી ઘડાતી હોય છે એમાં પ્રજાનું શાણપણ સારી પેઠે સચવાયેલું હોય છે
સં સ્કૃત 'કથ' ધાતુમાં જેનાં રૂપ રહેલાં છે એવી ગુજરાતી કહેવતોમાં પાર વગરનું વૈવિધ્ય જોવા મળે છે. ગુજરાતી અપભ્રંશમાં 'પખાના' અને 'ઉખાણા' કહેવતના જ પર્યાયો છે. કહેવત જીવન અનુભવોની ખાણ છે. એ અનુભવોની અભિવ્યક્તિ છે. તેનું કર્તૃત્વ કોઈ એક વ્યક્તિનું નથી. સમાજની માલિકી છે. કહેવત માનવ જીવનમાં ધર્મ, જાતિ, પ્રકૃતિ, વ્યવહાર, સંબંધ, જ્ઞાતિજન્ય લાક્ષણિકતાઓ અને માનવમૂલ્યોને આવરી લઈને પરંપરા સંચિત જીવન અનુભવોને સરળ ભાષામાં સૂત્રરૂપે રજૂ કરે છે. આજે આપણે થોડીક ક્રિયાવાંચી કહેવતો વિશે વાત કરીએ.
'ફરે તે ચરે અને બાંધ્યું ભૂખે મરે' અહીં ફરવું-ચરવું બાંધવું - ભૂખે મરવું બધી જ ક્રિયાઓ છે. જે પર્વતની જેમ સ્થિર છે તેને અન્યના પરિચયો ઓછા થવાના પણ જે ફરતું રહે તેને માત્ર પેટ નહિ સમગ્ર ઇન્દ્રિયો સંતર્પક કરવાનાં ઠેકાણાં મળતાં રહે છે. પણ જે બાંધેલું ઢોર છે તેને તો કોઈ આપે તો ખાઈ શકે બાકી તો ભૂખે મરવાનો દહાડો આવે. આવી ક્રિયાવાંચી કહેવતોની થોડીક વિગતો જોઈએ. 'કરો તેવું પામો', 'વાવો તેવું લણો', 'કરે તે ભરે' 'અણ બોલાવ્યું બોલે તે તણખલા ને તોલે' સ્વમાન વગરનો સંબંધ નકામો તેવો અર્થ આપે છે. 'અણવીંધેલું મોતી નીવડે વખાણ' એટલે કસોટી કર્યા પછી જ વ્યક્તિની પરખ થાય. 'અત્તરનાં છાંટણાં હોય ફુવારા ના હોય' દરેક બાબતનું પ્રમાણભાન હોવું જોઈએ. 'આથમતાને કોઈ ના માને' સૌ ઊગતાની જ પૂજા કરે છે. 'આદુ ખાઈને પૂંઠે લાગવું જોઈએ', કામની પાછળ પડી જવું જોઈએ, 'ઈકે ના મારો દીકે મારો' ધોકાથી નહિ, બુદ્ધિથી વિજય મેળવો, વ્યર્થ જીભાજોડી કરનારને કહેવાય 'ઉપાડી જીભ ને વળગાડી તાળવે', 'ઊંઘ આવે તો કાંટાની વાડેય આવે' ઊંઘ જગ્યાનું મહત્ત્વ સમજતી નથી, એ ગમે ત્યારે ગમે ત્યાં આવી જાય છે. 'કોઈ રાજી રૂડે, કોઈ રાજી ભુંડે', કોકને સારું ગમે, કોકને ખરાબ પણ ગમે. 'કોહ્યા કોહ્યાં પણ સાગનાં લાકડાં' સજ્જન વ્યક્તિ ગરીબ હોય પણ તે સાત્વિક હોય. 'ખડકી ઉઘાડી ને ખાળે ડૂચા' મૂળ મોટી જગ્યા ખુલ્લી હોય અને બાકીનાં નાકાં બંધ કર્યા હોય. 'ખાધુ ધાન અને ગયું માન' અમુક મર્યાદા સુધી જ માણસનું માન જળવાય છે. 'ખાધે પીધે દિવાળી' એટલે બસ લહેર કર્યા કરવી એવો અર્થ થાય છે. 'ખાતી જાય પીતી જાય અને ઘરના દાડા ગણતી જાય.' ખાય પીએ અને ઘરનો તમાશો પણ જુએ.
'સંઘર્યો સાપ પણ કામનો' કહેવતમાં સંઘરવું એટલે ક્રિયા. આ કહેવત કથા રસપ્રદ છે. રતિલાલ નાયકના કહેવત કોશમાં એક વાર્તા છે - એક વેપારી હતો એ ભારે કરકસરિયો હતો. ઉપયોગી અને બિન ઉપયોગી બધી જ વસ્તુ સંઘરતો એને એમ કઈ વસ્તુ ક્યારે કામ આવે તેના વિશે અગમચેતી ધરાવતો. આજે ભલે નકામી લાગે પણ એ ચીજ કાલે કામ પણ લાગે એક ઉનાળામાં વેપારી અગાશીમાં સૂતા હતા. સવારે જાગીને જુએ તો અગાશીમાં મરેલો સાપ પડેલો. તેમનાં પત્ની ઉપર આવ્યાં. સાપ જોઈને ગભરાઈ ગયાં. 'કોણ નાખી ગયું હશે આ સાપ ? કે કોઈ સમડીની ચાંચમાંથી પડી ગયો હશે ? ગમે તે હોય આ મરેલા સાપને દૂરદૂર નાખી આવો, તમારી ટેવ પ્રમાણે મરેલા સાપને સંઘરશો નહિ. વેપારીએ પત્નીને કહ્યું - 'સંઘરવો પડે, કામ લાગે.' એણે તો સાપને સંઘર્યો, અગાશીના એક ખૂણામાં ભલે પડયો રહે. એવામાં એવું થયું કે એક દિવસ રાજના રાજાની કુંવરી નદીએ ન્હાવા ગઈ. ગળાનો હાર કિનારે કાઢી નદીમાં ન્હાવા પડી એવામાં એક સમડી આવીને કુંવરીનો હાર ઉપાડી ગઈ. કુંવરીએ કિનારે હાર શોધ્યો ના મળ્યો. રાજાને જાણ કરી. રાજાએ ઢંઢેરો પિટાવ્યો. 'જે કોઈ કુંવરીનો હાર લાવી આપશે તેને એક હજાર સોનામહોરો ઈનામ આપવામાં આવશે.' દુકાને બેઠેલા વેપારીએ આ ઢંઢેરો સાંભળ્યો. સાંજે ઘરે ગયા. અગાશીમાં સૂવા ગયા પધારી પાથરવા ગયા ત્યાં માણેકનો લાલ હાર જોયો. નદીએથી ઊડતી ઊડતી સમડી આવી, પેલા મરેલા સાપને જોયો એટલે કિંમતી હાર ત્યાં નાખી દીધો અને સાપને ઊંચકીને ઊડી ગઈ. આ હાર હાથમાં આવતાં જ વેપારીએ સવારમાં રાજાના હાથમાં એ હાર પહોંચાડયો. રાજાએ બદલામાં વેપારીને એક હજાર સોનામહોરો ઈનામમાં આપી ઘરે આવી વેપારીએ કહ્યું, 'સાપ સંઘર્યો હતો.' એના બદલામાં આ સોનામહોરો મળી. મારી માન્યતા બરાબર છે ને કે 'સંઘર્યો સાપ પણ ખપ લાગે ?'
હાર્યું કરે પણ વાર્યું ન કરે - હારીને પાછો ફરે પણ અટકાવીએ તો ના અટકે.'
હણતાં ને હણીએ તો પાપ ન લાગે - મારે તેને મરાય
સાંભળીએ સૌનું કરીએ મનનું - મનને પૂછીને કામ થાય.
સંગત કીજિયે સબળકી નબળાનો ન કીજિયે નેહ પાંવ પલક રખ્યો ન ગયો, તુરત છીની દેહ (સોબત ક્ષમતાવાળાની કરાય)
સંભારીને નામું લખે તે ઊંટે ચઢીને ઊંઘે (હિસાબ વ્યવસ્થિત રાખે તેને ચિંતા ના હોય.
સાચાબોલો માનવી સગી માને પણ ના ગમે. (સત્ય બોલનાર કોઈને ગમતા નથી)
મોમાં રામ ને દાનત હરામ (દંભી માણસ માટે વપરાય)
પાણી પીને ઘર પૂછવું (કામ પૂર્ણ થયા પછી યોગ્યતાનો વિચાર કરવો)
નાતરે જવું ત્યારે દિવસ શા માટે ગાળવા ? (નાતરે જવામાં સમય શું કરવા વ્યથિત કરવો ?)
ન દીઠાનું દીઠું ને માર ખીરમાં મીઠું. (ના જોયું હોય તેવું હાથમાં આવે ત્યારે અવળું થાય)
ક્રિયાવાચી આવી તો અનેક કહેવતો નોંધી શકાય પણ મૂળ વાત એ છે કે કોઈપણ કહેવત અનુભવમાંથી ઘડાતી હોય છે એમાં પ્રજાનું શાણપણ સારી પેઠે સચવાયેલું હોય છે.