Get The App

હું તો ચાલી .

Updated: Nov 9th, 2024


Google NewsGoogle News
હું તો ચાલી                                            . 1 - image


- વિન્ડો સીટ - ઉદયન ઠક્કર

- આપણે સંબંધને, સમયને કોમોડીટી બનાવી નાખીએ છીએ. પછી તેને કેમ વાપરવી, બચાવવી, ખરીદવી તેની ચિંતામાં જીવનની સાંજ પાડી દઈએ છીએ.                                           

'ઘ રનાં સૌ જમીને 'સુરભિ' જોવા બેઠાં ને મેં વાસણ ઉટકવા ફળિયાની ચોકડીમાં પગ મૂક્યો ત્યાં જ ધગધગતા અંગારા પર પગ દેવાઈ ગયો હોય એવી લ્હાય લાગી તળિયામાં. જોઉં તો વીંછી! તરત એમને સાદ દેવાઈ ગયોઃ જુઓ તો આ વીંછી છે કે શું?'

'હું તો ચાલી' નવલિકા વાર્તાનાયિકાના સ્વમુખે કહેવાઈ છે. પતિએ પથ્થરિયા વીંછીને મારવા ધોકો ઉપાડયો કે નાયિકા બોલી ઊઠી, 'અરર! મારશો મા એને, એની માથે પગ આવે તો ડંખે જ ને બિચારો!' પણ ધોકાના ધડાધડ અવાજમાં નાયિકાનો સ્વર ચગદાઈ ગયો. સૌ ભેગાં થઈ ગયાં. પતિએ પગની પીંડીએ કચકચાવીને દોરી બાંધી. ફુઈ ખોળામાં પગ લઈ ડંખ પર ભાર દઈને મીઠું ઘસવા લાગ્યાં. નાયિકાનાં શરીર અને મન સાવ નોખાં થઈ ગયાં હતાં. તેના મનમાં લહેર ઊપડી ઃ

'હાશ, કાલથી ઘડિયાળને કાંટે દોડવાનું બંધ. રોજ રોજ એમની ટક ટકની ચિંતા નહિ. ..ખાલી થઈ જતા પાકીટની ચિંતા નહિ.... દાર્જિલિંગના પ્રવાસમાં જવાની જીદ લઈ બેઠેલા બકુલને મનાવતાં બીજી બાજુ જોઈ આંખો નહિ લૂછવી પડે... કેવી હળવાશ લાગે છે!.. જાણે આંખમાં ધીરે ધીરે કોઈ મીઠું ઘેન અંજાતું જાય છે.' પતિ નાયિકાને પૂછે છે, 'હવે કેમ છે?' આંખમાં મલકાટ સાથે જવાબ આવે છેઃ

'કાં? શું કામ મારી આટલી બધી ચિંતા કરો છો? રોજ તમને કાંઈને કાંઈ વાંધા પડતા'તા- નહિ ખાઉં ડુંગળીનું શાક, જમવું જ નથી જા... બકુલનું દૂધ બનાવ્યું તો સાથે મારું દૂધ ન બનાવી લેવાય?.. હવે તમારે કોઈ ફરિયાદ જ નહિ કરવી પડે ને. આખેઆખી હું જ ચાલી જાઉં છું લ્યો.'

પેટમાં અગ્નિ ન ઊપડે માટે કોઈ ઘી-સાકર ચટાડે છે. વાર્તાનાયિકા કહે છે, 'હવે તો અંદર ને બા'ર અગ્નિ જ અગ્નિ છે ને!... તમારી આંખમાં આ તગતગતું આંસુડું જોઈને મારી બા યાદ આવી જાય છે... મળશું હવે તો આવતે ભવે મારી માવડી, આવતા ભવેય તારી કૂખે જ અવતરીશ... આ ભવે તો મારા બકુલને જાળવજે..' બોલતાં બોલતાં આંખો બીડાતી જાય છે. મીંચાતી આંખે ફુઈના શબ્દો કાને અથડાય છે- ચિંતા કરવા જેવું નથી. સવાર થતાં તો એય તમારે રાતી રા'ણ જેવી જાણે કાંઈ થયું જ નથી એવી ધમકારા દેતી ઊઠી જશે.. નાયિકા મનોમન કહે છે, લ્યો, આવજો ત્યારે, હું તો આ ચાલી.

'પણ આ આટલું બધું બારણું કોણ ખખડાવે છે? આવું છું હોં.. આ ગેસ પર દૂધ ગરમ મૂક્યું છે ઇ ઊભરાઈ જશે પાછું, જરા ઉતારી લઉં.. ફળિયામાં બે-ચાર ભાણાં છે ઈયે ઊટકી લઉં. કાલથી ક્યાં ઊટકવાં છે મારે? પણ..આ બૂમ કોણ પાડે છે?

'વહુબેટા જાગો છો કે? દૂધ આવ્યું છે.'

'હેં સવાર થઈ ગયું? આંખો ચોળતી હું સફાળી બેઠી થઈ જાઉં છું. દોરી બાંધેલો પગ જમીન પર માંડી, માથે ઓઢી, દૂધની તપેલી લઈ ઉતાવળે પગલે હું બારણું ખોલું છું.'

વાર્તાકાર ઉષા ઉપાધ્યાયે પુરુષપ્રધાન પરિવારનું ચિત્ર દોર્યું છે. બાકી સૌ ટીવી જોતાં બેઠાં હોય પણ વાર્તાનાયિકાએ ફળિયે જઈ વાસણ ઉટકવાં પડે. જૂના રીતિરિવાજ પ્રમાણે તે પતિનું નામ ન લેતાં કેવળ 'એમને' કહે છે. નાયિકાનું નામ કશે આવતું નથી ઃ તે પોતાની ઓળખ ગુમાવી બેઠી છે. તળિયે ધગધગતો અંગારો ચંપાયો હોય તેવી લ્હાય લાગી, વીંછીને સગી આંખે જોયો, તોય તે પતિ પાસે પ્રમાણપત્ર માગતી હોય તેમ પૂછે છે, 'જુઓ તો આ વીંછી છે કે શું?' નાયિકાનાં સમભાવ અને સહનશીલતા કેવાં કે વીંછી મારતાં પતિને રોકે છે, 'અરર! મારશો મા એને, એની માથે પગ આવે તો ડંખે જ ને બિચારો!'

હવે જીવાશે નહિ, એવી પ્રતીતિ થતાં નાયિકાને કેવી અનુભૂતિ થાય છે? હાશકારાની! સુખના પ્રસંગો તો યાદ આવતા જ નથી. રોજેરોજનાં વૈતરાંમાંથી છૂટયાનો આનંદ વરતાય છે. સતત ગૃહકામ કરતી અને માત્ર મહેણાંનું મહેનતાણું રળતી ગૃહિણીની ઝાંખી અહીં થાય છે. વાર્તામાં અંતે અણધાર્યો વળાંક આવે છે. નાયિકા ઉગરી જાય છે. પરંતુ ઘાત ગયાની ઉજવણી કરવાનો વિચાર નથી તેને આવતો, ન પરિવારજનોને. તે રોજની જેમ કામે વળગી જાય છે,માથે ઓઢીને, ઉતાવળે પગલે. તેને પગે દોરો બાંધેલો છે, કહો કે સામાજિક કુરૂઢિની જંજીર બાંધેલી છે.

આ વાર્તાનું અર્થઘટન બીજી રીતે પણ કરી શકાય. સંત તુકારામને સ્વર્ગે લઈ જવા વિમાન આવ્યું હતું, પરંતુ પત્ની જીજાબાઈએ સાથે જવાની ના પાડી. રામનારાયણ પાઠકે 'તુકારામનું સ્વર્ગારોહણ' કાવ્યમાં જીજાબાઈની પ્રશંસા કરી ઃ સંસારચક્રને ગતિમાન રાખનારી સ્ત્રીનો તેમણે મહિમા કર્યો. આ વાર્તાની નાયિકા અંતે મૃત્યુને નકારે છે; તે ઉતાવળે પગલે બારણું ખોલે છે, માત્ર દૂધવાળાને નહિ, જીવનને પણ આવકારે છે.


Google NewsGoogle News