Get The App

સ્માર્ટ ટીવીની ગિફ્ટ .

Updated: Nov 9th, 2024


Google NewsGoogle News
સ્માર્ટ ટીવીની ગિફ્ટ                            . 1 - image


- ઝાકળઝંઝા - રવિ ઈલા ભટ્ટ

- 'હું તને એક ગિફ્ટ આપીશ અને તું પણ મને એક ગિફ્ટ આપજે. શરત એટલી જ છે કે, મારે શું જોઈએ છે એ હું તને નહીં કહું, પણ તારે મને કહેવાનું છે કે તારે શું જોઈએ છે.'

'અ નુશ્રી, તહેવારો શરૂ થઈ ગયા છે. આપણે મકાન તો નવું લઈ લીધું પણ તેને ઘર બનાવવાની જવાબદારી હવે તારી છે. આ ક્રેડિટ કાર્ડ લે અને તારે જે જોઈએ તે લઈ આવ. ઘરને સુંદર રીતે શણગારી દે. તું જેવી રીતે શણગાર સજીને મારા ઘરે આજથી એક દાયકા પહેલાં આવી હતી તેવી જ રીતે આ ઘરને પણ સુંદર બનાવી દે. કોઈપણ વાતે ઓછું રાખીશ નહીં.' - સુરમ્યના અવાજમાં અલગ જ રણકો હતો. નવરાત્રી અને દિવાળીની જાણે કે ધામધૂમથી ઉજવણી કરવાના મૂડમાં હતો.

'તમે કહો છો તો મારે ક્યાં વિચારવાનું જ રહ્યું. મારે મન તો ભાવતું હતું અને વૈદે કીધા જેવું છે. હું શોપિંગ વિશે તમારી સાથે વાત કરવાની જ હતી અને હવે તમે જ છુટ્ટોદોર આપી દીધો. મી. ભોજક હવે ખિસ્સા ખાલી થવા માંડશે જોજો.' - અનુશ્રીએ પણ લહેકા સાથે કહ્યું અને બંને હસી પડયા. 

'સારું તું શોપિંગ જે કરે એ પણ તારે ગિફ્ટમાં શું જોઈએ છે. આ દિવાળી ઉપર હું તને એક ગિફ્ટ આપીશ અને તું પણ મને એક ગિફ્ટ આપજે. બોલ શું કહેવું છે તારું? શરત એટલી જ છે કે, મારે શું જોઈએ છે એ હું તને નહીં કહું પણ તારે મને કહેવાનું છે કે તારે શું જોઈએ છે. આ વખતે તને થોડી મહેનત કરાવવી છે.' - સુરમ્ય બોલ્યો અને અનુશ્રીના ચહેરા ઉપર હાસ્ય દોડી આવ્યું.

સુરમ્યના કહ્યા બાદ અનુશ્રીએ ધીમે ધીમે શોપિંગ શરૂ કરી દીધું. તે દિવસ દરમિયાન ઘરના કામ પૂરા કરીને બપોર પછી પોતાની ફ્રેન્ડ નવ્યા સાથે શોપિંગ કરવા જતી. એક દિવસ સાંજે તેઓ શોપિંગ કરીને પરત આવતા હતા ત્યારે એક કેફેમાં સુરમ્ય કોઈ યુવતીની સાથે બેઠો હોય તેવું તેને લાગ્યું. કેફે સામેની તરફ હતું અને તેઓ રસ્તાની બીજી તરફ સિગ્નલ પાસે હતા. તેમ છતાં અનુશ્રીએ ટુવ્હિલર ઉપરથી ઉતરીને કેફેમાં નજર કરી તેને લાગ્યું કે, સુરમ્ય જ છે પણ કન્ફર્મ કરવા માટે સામેની તરફ જવાય એટલો સમય નહોતો.

સિગ્નલ ખુલ્યું એટલે નવ્યાએ એક્ટિવા હંકારી મુક્યું પણ અનુશ્રીના વિચારોના અશ્વ તો તેનાથી વધારે ગતિથી ભાગવા લાગ્યા. તેણે નવ્યાને આ વિશે વાત કરી. નવ્યાએ કહ્યું કે, ચિંતા ના કરીશ આપણે કાલે શોધી કાઢીશું. તે કેફે મારી મિત્રના કઝિનનું છે. તેઓ ઘરે આવ્યા અને થોડીવાર રહીને નવ્યા પોતાના ઘરે જતી રહી. 

અનુશ્રીને હવે ચેન પડતું નહોતું. તેના મગજમાં એક વાત ઘર કરી ગઈ હતી કે, પેલા કેફેમાં સુરમ્ય જ હતો. તે કોઈ છોકરી સાથે જ બેઠો હતો. તેણે મને-કમને રસોઈ તો બનાવી પણ સુરમ્યના આવવાની રાહ જોવા લાગી. સાડા આઠ વાગ્યે સુરમ્ય ઘરે આવ્યો. બંને ડિનર કરવા બેઠા પણ અનુશ્રીનો જરાય મુડ નહોતો. સુરમ્ય તે પામી ગયો હતો.

'આજે જમવાનું ભાવે તેવું નથી. તેં જ બનાવ્યું છે. તને કંઈ થયું છે.' - સુરમ્યએ સહજભાવે કહ્યું.

'ના.. ના એવું કશું જ નથી. આ તો આજે જરા... છોડો ને. તમે કેમ ઓછું ખાધું. સાંજે ક્યાંય કોફી પીવા ગયા હતા' - અનુશ્રીએ અણધાર્યાે સવાલ કર્યાે.

'અ... અ.. અરે ના ના.. ઓફિસમાં તો નાસ્તા-પાણી ચાલતા જ રહે છે. આજે ઓફિસમાં સેન્ડવિચ આવી હતી તો ખાધી હતી.' - સુરમ્યના જવાબમાં કંપન અનુભવાતું હતું.

'અચ્છા... મને એમ કે ક્યાંક મિત્રો સાથે કોફી પીવા કે નાસ્તો કરવા ગયા હશો. હશે કાલે સવારે કાંતાને નાસ્તામાં આપી દઈશું.' - અનુશ્રી બોલી અને ડાઈનિંગ ટેબલ ઉપરથી વાસણો લઈને રસોડામાં ગઈ. અનુશ્રીને સુરમ્યની જવાબ આપવાની પદ્ધતિ ઉપરથી ખ્યાલ આવી ગયો કે કંઈક લોચો છે. 

અનુશ્રીએ બીજા દિવસથી પોતાની વોચ વધારી દીધી. તેણે સુરમ્યનો ફોન પણ સમયાંતરે ચેક કરવાનું શરૂ કરી દીધું. નવ્યા સાથે જોડાઈને તેણે સુરમ્યની જાસુસી પણ કરાવી. તેમાં તેને ખાસ કંઈ મળ્યું નહીં. તેમ છતાં અનુશ્રીએ પોતાની રીતે મહેનત ચાલુ રાખી હતી. તેનું મન સ્વીકારવા તૈયાર નહોતું કે, સુરમ્ય સીધો છે. એક દિવસ તે નવ્યા સાથે ખરીદી કરીને તેના પરિચિત વ્યક્તિના કેફેમાં બેઠી હતી. બંને ચા-નાસ્તો કરતા કરતા વાતો કરતા હતા ત્યાં કેફેનો માલિક નવ્યા પાસે આવ્યો. તેણે નવ્યાને ફોન આપતા કહ્યું કે, લો તમારા ફોનમાં ક્લોનિંગ વોટ્સએપ ચાલુ કરી દીધું છે. તેને હિડન રાખ્યું છે. તમે જ પાસવર્ડ દ્વારા તેને ખોલી શકશો અને જોઈ શકશો. નવ્યા પોતાના બોયફ્રેન્ડ સાથે વાતો કરતી હતી તેના પરિવારને તેની જાણ ન થાય તે માટે આ કરાવ્યું હતું.

તેમની વાત સાંભળીને અનુશ્રીના મગજમાં વિચાર ઝબક્યો કે સુરમ્ય પોતે આઈટી એન્જિનિયર છે. તે આ બધું તો સરળતાથી કરી શકે છે. તેણે નવ્યાના મિત્રને આવું હિડન વોટ્સએપ કેવી રીતે શોધી શકાય તે વિશે પુછયું. તેણે કહ્યું કે, આ કરવા માટે ફોનને સિસ્ટમ સાથે કનેક્ટ કરવો પડે. દસ મિનિટ જોઈએ. ત્યારબાદ તેમાં અન્ય એક બગ નાખીને તેને રેકોર્ડ કરી શકાય અને બીજા ફોન દ્વારા જોઈ પણ શકાય અને તમામ કોલ સાંભળી પણ શકાય. 

અનુશ્રીએ બીજા દિવસે પેલા છોકરાને સવારે આઠ વાગ્યે પોતાના ઘરે બોલાવ્યો. સુરમ્ય જેવો નહાવા માટે ગયો કે તેણે ફોન લઈને પેલા છોકરાને આપી દીધો. પેલા છોકરાએ સુરમ્યનો ફોન પોતાના લેપટોપ સાથે કનેક્ટ કરીને માત્ર વોટ્સએપ જ નહીં અન્ય ઘણી હિડન એપ્સ શોધી કાઢી. તેણે એક બગ સુરમ્યના ફોનમાં નાખી દીધો અને તેનું એક્સેસ અનુશ્રીના ફોનમાં પણ આપી દીધું. અડધો કલાકમાં કામ પૂરું કરીને પેલો છોકરો નીકળી ગયો. સુરમ્ય નહાઈને, પૂજા કરીને બહાર આવ્યો ત્યારે તેનો ફોન ચાર્જિંગમાં યથાસ્થાને પડેલો હતો. તેણે માત્ર ફોન ઉપર નજર કરી અને નાસ્તો કરવા બેસી ગયો. 

નાસ્તો પતાવીને સવા નવ વાગ્યે બંને સાથે જ બહાર જવા નીકળ્યા. સુરમ્યએ રસ્તામાં આવતા નવ્યાના ઘર પાસે અનુશ્રીને ડ્રોપ કરી દીધી અને પોતે ઓફિસ જવા નીકળી ગયો. 

અનુશ્રી અને નવ્યા પોતાની ખરીદી માટે નીકળી ગયા. રસ્તામાં જ્યારે જ્યારે અનુશ્રીને સમય મળતો તે પોતાના ફોનમાં નાખેલા ટ્રેકર દ્વારા ચેક કરતી હતી. સુરમ્યની કુંડળી હવે તેની સામે ખુલવા લાગી હતી. એક જ દિવસમાં અનુશ્રીએ છેલ્લાં દસ વર્ષના કૌભાંડો જાણવા મળ્યા હતા. તેને હવે સુરમ્ય ઉપર એક ટકો વિશ્વાસ રહ્યો નહોતો. તે બપોરે જ કામ પતાવીને ઘરે પાછી જતી રહી. સુરમ્યની જઘન્ય હકીકત જાણીને તે સાવ ભાંગી પડી હતી. તે પોતાના ઘરના સોફા ઉપર બેઠી બેઠી સાંજ સુધી રડતી રહી. સુરમ્ય આવ્યો અને ઘરનો દરવાજો ખખડયો ત્યારે તે ભાનમાં આવી. સીધી જ બાથરૂમમાં જતી રહી. 

'મારે એક સ્માર્ટ ટીવી જોઈએ છે. તમે કહેતા હતા ને ગિફ્ટ આપશો તો મને એક સરસ મોટું સ્માર્ટ ટીવી ગિફ્ટમાં આપજો. મમ્મીજી અને પપ્પાજી દિવાળીએ આપણા નવા ઘરે આવે છે. તેમની સાથે બેસીને ટીવી જોવું છે. તે પહેલાં ટીવી લાવીને ઈન્સ્ટોલ કરાવી દેજો.' - સુરમ્ય ફ્રેશ થઈને બહાર ડાઈનિંગ ટેબલ ઉપર ગોઠવાયો ત્યાં અનુશ્રી બોલી ગઈ.

'સારું. હું સંકેતને ફોન કરી દઈશ. તને જે બ્રાન્ડ ગમે તે કહેજે બે દિવસમાં ટીવી આવીને ચાલુ થઈ જશે.' - સુરમ્યએ કહ્યું અને બંને ડિનર કરીને પોતાના બેડરૂમમાં જતા રહ્યા. 

બે દિવસ બાદ ટીવી આવી ગયું, ઈન્સ્ટોલ પણ થઈ ગયું. અઠવાડિયા બાદ અનુશ્રીના સાસુ અને સસરા પણ આવી ગયા. દિવાળીની સાંજે પૂજા કરીને તથા ડિનર પતાવીને બધા લિવિંગ રૂમમાં ગોઠવાયા. અનુશ્રીએ ટીવી ચાલુ કર્યું અને પોતાનો ફોન કનેક્ટ કર્યો. તેમાં જે એપ હતી તેના દ્વારા સુરમ્યના ફોનની ક્લોન એપ્સ ખુલવા લાગી. 

સુરમ્યના ફોનમાં રહેલા વાંધાજનક વીડિયો, બિભત્સ તસવીરો, તેની ગર્લફ્રેન્ડ્સ, તેમની સાથેની એકાંતપળો અને બીજું ઘણું બહાર આવ્યું. સુરમ્યના મમ્મી-પપ્પા આ જોઈને સાવ ડઘાઈ ગયા. સુરમ્ય પણ કંઈ બોલે તે સ્થિતિમાં નહોતો. તેણે ઊભા થઈને અનુશ્રીના હાથમાંથી રિમોટ લઈને ટીવી બંધ કરી દીધું. તેણે પોતાનો ફોન હાથમાં લીધો ત્યાં જ એક વોટ્સએપ આવ્યો.

'ડાયવોર્સના પેપર્સ આવ્યા હશે. એક વખત વાંચી લેજો. આવતીકાલે સવારે હાર્ડ કોપી આવી જશે અને આપણા આ વાઈરસ ભરેલા સોફ્ટવેર જેવા લગ્નનો અંત આણી દઈશું. તમારી છેલ્લી ગિફ્ટ બદલ આભાર.' અનુશ્રીએ કહ્યું અને સુરમ્યએ વોટ્સએપ ખોલ્યું તો ખરેખર ડાયવોર્સના જ પેપર હતા. 

સુરમ્યના માતા-પિતા હતપ્રભ સ્થિતિમાં અનુ અને સુરમ્યની સામે જોઈ રહ્યા. સુરમ્ય કંઈપણ બોલ્યા વગર ઘરની બહાર જતો રહ્યો.


Google NewsGoogle News