ભારતના મેધાવી ચેસ ખેલાડી અર્જુનની ચેસ ઈતિહાસમાં ઐતિહાસિક સિદ્ધિ
- Sports ફન્ડા - રામકૃષ્ણ પંડિત
- ચેસ જગતમાં ખેલાડીની ઉચ્ચસ્તરની પ્રતિભાના પ્રમાણ સમાન ૨૮૦૦ ઈએલઓ રેટિંગને પાર કરનારો અર્જુુન ભારતનો બીજો અને ઈતિહાસનો માત્ર ૧૬ મો ખેલાડી બન્યો
ખા ણમાંથી નીકળતા કાચા હીરાની જેમ પ્રત્યેક બાળકમાં અસીમ અને અદ્ભુત પ્રતિભા પડેલી હોય છે. જ્યારે આ પ્રતિભાની પરખ થયા બાદ તેને યોગ્ય ઘડામણની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે ત્યારે તે તેની આગવી ચમકને હાંસલ કરે છે. આ જ ચમક થકી દુનિયામાં તે આગવી ઓળખ ઉભી કરવાની સાથે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. ભારતીય ચેસ જગતના ઉભરતા સિતારા સમાન ખેલાડી અર્જુન ઐરિગેેસી ૨૧ વર્ષની ઉંમરે જ વિશ્વના મહાન ખેલાડીઓની હરોળમાં સ્થાન મેળવવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી ચૂક્યો છે. ભારતીય ચેસની સાથે બૌધ્ધિક ક્ષમતાના જીવંત પ્રમાણ સમાન અર્જુન હાલ દુનિયાના ટોચના ચાર ખેલાડીમાં સ્થાન જમાવી ચૂક્યો છે.
ચેસની દુનિયામાં ખેલાડીનું મૂલ્યાંકન તેના ઈએલઓ રેટિંગ આધારે કરવામાં આવે છે. આ રેટિંગ ખેલાડીની સફળતાના ગ્રાફ સમાન હોય છે અને તેના સહારે જ ખેલાડીની પ્રતિભા, સફળતા અને કાબેલિયતની ઓળખ થાય છે. તેલંગણાના વતની એવા અર્જુને ૨૮૦૦ ઈએલઓ રેટિંગ પાર કરવાની સાથે વિશ્વ ચેસમાં એક એવો ઈતિહાસ રચી દીધો છે કે, જેને હાંસલ કરવા માટે ભલભલા ધુરંધરો હાંફી જતાં હોય છે. ભારત માટે ગૌરવની વાત એ પણ છે કે, અર્જુન ૨૮૦૦ ઈએલઓ રેટિંગના જાદુઈ આંકડાને પાર કરનારો પાંચ વખતના ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ પછીનો બીજો ખેલાડી છે.
દિમાગને કસવાની સાથે સાથે ખેલાડીની ધીરજની કસોટી કરતી ચેસની રમતના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર ૧૫ જ ખેલાડી એવા હતા કે, જેઓ આ ૨૮૦૦ ઈએલઓ રેટિંગના જાદુઈ આંકને પાર કરી શક્યા હતા. હવે આ યાદીમાં ૧૬ ખેલાડી તરીકે અર્જુને પોતાનું નામ નોંધાવી દીધું છે. આ જ કારણે ચેસ જગત ભારતના આ યુવા ખેલાડીની વિરલ પ્રતિભાને આકાશી ઉંચાઈને હાંસલ કરતી જોવા માટે ઉત્સુક બની છે. અર્જુને છેલ્લા બે વર્ષમાં કરેલા સાતત્યભર્યા દેખાવ અને પોતાના કરતાં વધુ રેટિંગ ધરાવતા ખેલાડીઓ સામેના વિજયને સહારે આ સિદ્ધિ હાંસલ કરી છે.
જ્યારે ઓછું ઈએલઓ રેટિંગ ધરાવતો ખેલાડી તેના કરતાં વધુ ઈએલઓ રેટિંગ ધરાવતા ખેલાડીને હરાવીને પોતાનું રેટિંગ વધારી શકે છે. જ્યારે વધુ રેટિંગ ધરાવતો ખેલાડી તેના કરતાં ઓછું રેટિંગ ધરાવતા ખેલાડીને હરાવે તો તેને ખુબ જ ઓછા રેટિંગ પોઈન્ટ આપવામાં આવે છે. આમ, ઈએલઓ રેટિંગમાં કુદકો લગાવવા માટે ખેલાડીએ સતત તેના કરતાં વધુ ઈએલઓ રેટિંગ ધરાવતા ખેલાડીને હરાવવા પડે. અર્જુનમાં તેના નામ પ્રમાણે જ ગુણ છે અને આ કારણે તે પોતાના લક્ષ્ય પર અડગ રહીને આગળ વધતો રહ્યો છે.
ભારતની પુરુષ ચેસ ટીમે ઓલિમ્પિયાડના ઓપન વિભાગમાં સૌપ્રથમ વખત જીતેલા સુવર્ણચંદ્રકમાં અર્જુન ઐરિગેસીનું પ્રદાન પાયારુપ રહ્યું હતુ. તેને ભારતે ત્રીજા બોર્ડ પર એટલે કે રેટિંગ પ્રમાણે જોતા ત્રીજા ક્રમના ખેલાડી તરીકે તેની બરોબરીના કે તેની નજીકના ખેલાડીની સામે ટકરાવાનું હતુ. અર્જુન ચેસ ઓલિમ્પિયાડમાં સતત છ બાજી જીતનારો એકમાત્ર ખેલાડી હતો. તેણે કુલ મળીને ૧૧માંથી ૧૦ પોઈન્ટ હાંસલ કરતાં વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક તો જીત્યો જ હતો, તેની સાથે સાથે ભારતને ચેમ્પિયન બનાવ્યું હતુ. આ સફળતાના કારણે રેટિંગમાં તેને જબરજસ્ત ફાયદો મળ્યો હતો.
ચેસ ઓલિમ્પિયાડ બાદ તેણે લંડનમાં ડબલ્યુઆર ચેસ માસ્ટર્સ કપ જીતી લીધો હતો અને યુરોપીયન કલબ કપ ટુર્નામેન્ટમાં રશિયાના ગ્રાન્ડમાસ્ટર દિમિત્રી એન્ડેરકિનને હરાવીને ૨૮૦૦ ઈએલઓ રેટિંગના માઈલસ્ટોનને હાંસલ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય ચેસમાં છેલ્લા બે વર્ષમાં અર્જુને ચેસ ઓલિમ્પિયાડમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. આ ઉપરાંત એશિયન ગેમ્સ ૨૦૨૨માં રજત ચંદ્રક જીતનારી ભારતીય ટીમમાં પણ તે સામેલ હતો.
આંતરરાષ્ટ્રીય ચેસમાં યુવા વયે આગવો પ્રભાવ પાડનારા અર્જુનનો જન્મ હાલના તેલંગણાના વારંગલમાં રહેલા એક સંપન્ન પરિવારમાં થયો હતો. અર્જુનના પિતા ડૉ ઈ. શ્રીનિવાસન રાવ ન્યૂરોસર્જન તરીકે કાર્યરત છે. જ્યારે તેની માતા જ્યોતિ ઘરની જવાબદારી સંભાળતાં. અર્જુનને તેની બહેન કિર્તનાએ પણ ચેસ ખેલાડી તરીકે સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
માત્ર પાંચ વર્ષની વયના અર્જુનની અસાધારણ યાદશક્તિથી પ્રભાવિત થયેલા શિક્ષિકાએ તેના માતા-પિતાને સલાહ આપી કે, તમેે અર્જુનને ચેસના કોચિંગમાં મૂકો. જોકે તે સમયે તેમનો પરિવાર તિરુપતિમાં રહેતો હતો, જ્યાં તેની ચેસની તાલીમ શક્ય નહતી. આ કારણે ત્રણેક વર્ષના ઈંતજાર બાદ તેનું કોચિગ શરુ થયું અને સ્થાનિક કોચીસના માર્ગદર્શન બાદ ૧૧ વર્ષની વયે તે ટોચની મહિલા ખેલાડી હરિકા દ્રોણાવલીના કોચ એન. રામારાજુના માર્ગદર્શનમાં તેેણે ચેસનું પદ્ધતિસરનું જ્ઞાાન પ્રાપ્ત થયું.
બાળપણમાં ભારે આશાસ્પદ ખેલાડી તરીકે ઉભરી આવેલા અર્જુનની સફળતા શરુઆતમાં ખુબ જ મર્યાદિત રહી. તેણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો અને આંતરરાષ્ટ્રીય માસ્ટર્સ તરીકેના નોર્મ પણ મેળવ્યા. જોકે તે આઈએમ એટલે કે આંતરરાષ્ટ્રીય માસ્ટરના ટાઈટલને હાંસલ કરી શક્યો નહતો. સમય ઝડપથી વહી રહ્યો હતો અને દિવસમાં છ થી સાત કલાક સુધી ચેસના બોર્ડની સામે બેસી રહેવા છતાં અર્જુનને ધારી સફળતા મળતી નહતી અને આ બાબત તેના પિતાને અકળાવતી. એક વખત તો તેમણે અર્જુનની માતાને કહી દીધું કે, જો હવે છ મહિનામાં તે આંતરરાષ્ટ્રીય માસ્ટર નહીં બને તો ચેસ બંધ કરીને પછી ભણવા પર ધ્યાન આપવાનું કહી દેજે. પિતા નહતા ઈચ્છતા કે અર્જુન ચેસને કારણે તેની જિંદગીની મજા જ ગુમાવી બેસે.
અર્જુનને તો આ ડેડલાઈનની ખબર નહતી, પણ તેની માતાની મહેનત અને પ્રાર્થના ફળી અને તેણે ૧૪ વર્ષ અને ૧૧ મહિનાની ઉંમરે ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ હાંસલ કરી લીધો. આ માટે ભારતીય ગ્રાન્ડમાસ્ટર શ્રીનાથ નારાયણે પણ ઘણી જહેમત ઉઠાવી. તેણે અને નિહાલ સરીને અબુધાબીમાં યોજાયેલી ટુર્નામેન્ટમાં ગ્રાન્ડ માસ્ટર બનવાની સિદ્ધિ હાંસલ કરી. જેના કારણે તેની ચેેસ કારકિર્દી નવી જ ઊંચાઈ પર પહોંચી. અર્જુનના પ્રભાવશાળી દેખાવને પરિણામે જ ભારતની અંડર-૧૬ ટીમે તુર્કીમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક હાંસલ કર્યો હતો.
ધુરંધર ખેલાડી ગેરી કાસ્પારોવને આદર્શ માનતો અર્જુન દરેક બાજી જીતી જ લેવાના ઈરાદા સાથે ઉતરે છે અને આ માટે તે ગમે તેવું જોખમ ઉઠાવતા ડરતો નથી. ચેસમાં લેજન્ડ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકેલો મલ્ટીપલ વર્લ્ડ ચેમ્પિયન કાર્લસન કહે છે કે, અર્જુન જીતવા માટે ગાંડપણની હદ સુધીની આક્રમકતા અપનાવતા વિચારતો નથી. આ જ તેની રમતની ખુબી છે.
કારકિર્દીની શરુઆતમાં મળેલી કેટલીક નિષ્ફળતાને પગલે તે ધ્યાન અને યોગ તરફ વળ્યો. નિયમિત રીતે ધ્યાન કરવાના કારણેે તેની એકાગ્રતામાં વધારો થયો, તેની સાથે સાથે નિષ્ફળતા કે આંચકામાંથી બહાર આવવાની તેની કુશળતા પણ વધી. જેના સીધો ફાયદો છેલ્લા બેે-ત્રણ વર્ષમાં દેખાઈ રહ્યો છે. આ દરમિયાન જ તેણે આંતરરાષ્ટ્રીય ચેસમાં ધુરંધર ખેલાડીઓે હરાવીને ઈએલઓ રેટિંગમાં જબરજસ્ત સુધારો કરતાં આનંદ પછીના બીજા ભારતીય ખેલાડી તરીકેનું ગૌરવ હાંસલ કરી લીધું છે. તેનું લાંબા ગાળાનું લક્ષ્ય તો વિશ્વવિજેતા તરીકેનો ખિતાબ હાંસલ કરવાનું છે, પણ હાલ તેણે ભારતીય ચેસને વિશ્વના ફલક પર આગવું ગૌરવ અપાવી દીધું છે.