Get The App

કાદંબરીની સંઘર્ષભરી કામયાબી

Updated: Nov 9th, 2024


Google NewsGoogle News
કાદંબરીની સંઘર્ષભરી કામયાબી 1 - image


- આજકાલ - પ્રીતિ શાહ

- 'જો હું એક વ્યવસાયને સફળતાપૂર્વક ચલાવી શકતી નથી, તો બીજાને તેમ કરવામાં કેવી રીતે મદદ કરી શકું?'

આં ત્રપ્રિન્યોર તરીકે અનેક મહિલાઓને પ્રેરણા આપનાર અને તેમના જીવનમાં પ્રકાશ પાથરનાર કાદંબરી ઉમાપતિનો જન્મ ચેન્નાઈના મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેમના પિતા કેન્દ્ર સરકારના કર્મચારી હતા અને માતા ગૃહિણી. નાનપણમાં કાદંબરીને જે જોઈતું હોય તે સહજતાથી મળી જતું. જરૂરિયાતો પણ ઓછી હતી અને તે એના માતા-પિતા પૂરી પાડતા હતા, તેથી વિશેષ વિચારવાનું રહેતું નહીં. તેની આસપાસ કોઈ વ્યવસાયી નહોતા, તેથી તેણે ક્યારેય વ્યવસાય કરવા વિશે વિચાર્યું નહોતું કે સ્વપ્નેય ખ્યાલ નહોતો કે તે આંત્રપ્રિન્યોર તરીકે કામ કરશે. તેણે ઈ. સ. ૨૦૦૦માં શ્રી રામચંદ્ર મેડિકલ કોલેજ એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટયૂટમાંથી એલાઈડ હેલ્થ સાયન્સીસમાં અને તેમાંય કાર્ડિયાક ટેકનોલોજીમાં સ્નાતકની ડિગ્રી મેળવી. કોલેજમાં અભ્યાસકાળ દરમિયાન જ કાદંબરીના લગ્ન થયા અને કોલેજના છેલ્લા વર્ષમાં હતી, ત્યારે એક પુત્રીની માતા પણ બની.

કાદંબરી ઉમાપતિની આંત્રપ્રિન્યોરની યાત્રા શરૂ થઈ તેની પાછળ તેને બે વ્યવસાયમાં મળેલી નિષ્ફળતા કારણભૂત છે. ૨૦૦૬માં એણે રીક્રૂટમેન્ટ કંપનીની સ્થાપના કરી. તેમનો વ્યવસાય ખૂબ સરસ ચાલતો હતો અને નફો પણ થતો હતો. પ્રતિતિ ગ્રાહકો અને મજબૂત સમર્પિત કર્મચારીઓ પણ હતા, પરંતુ ભાગીદારો સાથે મતભેદ થતાં મેળ ન થયો અને તેમના ગ્રાહકોને અન્ય કંપની સાથે જોડી દેતાં આર્થિક નુકસાન સાથે વ્યવસાય સમેટી લેવો પડયો. ૨૦૧૦માં તેના ફોટોગ્રાફર અને આંત્રપ્રિન્યોર પતિની સાથે કામ શરૂ કર્યું અને ફોટોગ્રાફીના વ્યવસાયને વિકસાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. ત્રણ વર્ષમાં મર્યાદિત માર્કેટિંગ બજેટની સાથે ફોટોગ્રાફીના વ્યવસાયમાં ઘણી સફળતા મેળવી અને આર્થિક રીતે પણ મજબૂત બન્યા. આ સફળતાથી પ્રેરાઈને કાદંબરીની ઇચ્છા ફોટોગ્રાફી ફ્રેન્ચાઇઝી શરૂ કરવાની હતી, પરંતુ તેમના પતિને થયું કે જે છે તે બરાબર છે, તેને વધારવાની જરૂર નથી. બંનેની જુદી વિચારસરણી જોતાં મિત્રએ સલાહ આપી કે તે આગવો પંથ કંડારે.

કાદંબરીએ બેંગાલુરુની આઈ.આઈ.એમ.માં એકવીસ દિવસનો મેનેજમેન્ટ પ્રોગ્રામ ફોર વિમેન આંત્રપ્રિન્યોર્સના ટ્રેઇનિંગ પ્રોગ્રામમાં ભાગ લીધો અને તેમાંથી વિમેન આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (વીડુ)નો જન્મ થયો.  જ્યારે તેમણે વીડુની શરૂઆત કરી, ત્યારે કોઈકે તેને એન.જી.ઓ.નું સ્વરૂપ આપવાની સલાહ આપી, પરંતુ તેમણે સ્પષ્ટ ના પાડીને કહ્યું કે, 'જો હું એક વ્યવસાયને સફળતાપૂર્વક ચલાવી શકતી નથી, તો બીજાને તેમ કરવામાં કેવી રીતે મદદ કરી શકું?' કાદંબરીને એક મહિલા આંત્રપ્રિન્યોરને કોઈના સહયોગ વિના કેવી તકલીફ પડે તેનો ખ્યાલ હતો, પરંતુ તેઓ સ્ત્રીઓ માટે એક પ્લેટફોર્મ બનાવવા માગતા હતા, જ્યાં તેઓ પરસ્પરનો સહયોગ મેળવી શકે.

૨૦૧૫માં એક લાખ રૂપિયાના મૂડીરોકાણ સાથે શરૂ કરેલી વીડુ આજે ચાળીસ લાખનું ટર્નઓવર ધરાવે છે અને ભારત તેમજ વિદેશોમાં તેઓ સ્ત્રીઓને સમગ્રતયા સહાય કરી રહ્યાં છે. વીડુની સભ્ય ફી પાંચસો રૂપિયા છે, જે ટેક્સી ભાડા કે એક કુર્તી કરતાં પણ ઓછી છે અને તેમાં તેઓ દર મહિને બે ટ્રેઇનિંગ પ્રોગ્રામનું આયોજન કરે છે. આમાં બિઝનેસ મોડલ, માર્કેટની રણનીતિ, જીએસટીના કાયદા, આયાત-નિકાસ અંગેની સમજ વગેરે વિષયોની તાલીમ આપવામાં આવે છે. એની સભ્ય ફી દર મહિને રીન્યૂ કરાવવાની હોય છે. તે ઉપરાંત તેઓ જુદા જુદા વ્યવસાય શરૂ કરવાના કોર્સ પણ ચલાવે છે. જેમાં 'હાઉ ટુ યુઝ બિઝનેસ નેટવર્કિંગ ફોર યોર બિઝનેસ ગ્રોથ'થી માંડીને 'સ્ટાર્ટ યોર મોન્ટેસરી ટીચર ટ્રેઇનિંગ એકેડેમી'ના કોર્સનો સમાવેશ થાય છે. તેઓ સ્ત્રીઓને આંત્રપ્રિન્યોર બનવામાં આવતી મુશ્કેલીઓને કેવી રીતે હલ કરવી તેના માટે માર્ગદર્શન આપીને તેવું વાતાવરણ પૂરું પાડે છે. વીડુના સહયોગથી બેથી ત્રણ વર્ષમાં તેઓ વ્યવસાયનો લક્ષ્યાંક પૂરો કરે છે. શ્રીરંજિતા પોતાના નાના બાળકને લઈને કાદંબરીને મળવા આવેલી અને તેની સાથે ટ્રેઇનિંગ પ્રોગ્રામ કર્યો તે પછી તેણે બાળકો માટેના શૈક્ષણિક રમકડાંનો વ્યવસાય 'લિટલ સ્પાર્કલ્સ ટોય્ઝ'ના નામે શરૂ કર્યો. આજે ભારતમાં તેના દોઢ હજાર ગ્રાહકો છે. એવી જ રીતે વિનોતિની શ્રીધર ચેન્નાઈમાં લિટલ બિટ્ટી નામે બાળકોના કપડાંનાં બે સ્ટોર ચલાવે છે.

દસ વર્ષથી સ્ત્રીસશક્તીકરણના ક્ષેત્રે કામ કરતાં કાદંબરીને અનેક એવોર્ડ મળ્યાં છે. તેમણે તેમના પુસ્તક 'વિઝનરી વિમેન કલેક્ટીવ'માં એકસો મહત્ત્વની સ્ત્રીઓના વ્યવસાય અંગે વાત કરી છે. વ્યવસાય કરતી સ્ત્રીઓ, કોમ્યુનિટી, બિઝનેસ ચેમ્બર્સ, મૂડીરોકાણકારો - બધાંને આ પુસ્તક ઉપયોગી છે. અત્યાર સુધીમાં પાંત્રીસ હજાર સ્ત્રીઓને માર્ગદર્શન પૂરું પાડનાર કાદંબરીએ નાઇજિરિયા અને મલેશિયામાં કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને આગામી પાંચ વર્ષમાં વીડુને વીસ દેશો સુધી પહોંચાડવા માગે છે.

કાદંબરીની સંઘર્ષભરી કામયાબી 2 - image

- સુબેનેન્બાની નવી રોશની

- અનાથ બાળકો પ્રત્યે સહુને હમદર્દી તો હતી, પરંતુ કોઈ એક જ પરિવારમાં ચાર બાળકોનો સમાવેશ થઈ શકે તેમ નહોતો. દુઃખ તો માનવીને જોડે છે, પણ...

ના ગાલેન્ડના મોકોકચુંગ જિલ્લાના કાંગત્સુંગ ગામમાં સુબોનેમ્બાનો જન્મ થયો હતો. સુબોનેમ્બાના પિતા ઓ યંગર લોંગકુમેરે ૧૯૭૭માં ગુવાહાતી યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે પ્રથમ શ્રેણીમાં એમ.એ.ની ડિગ્રી હાંસલ કરી હતી અને તેઓ લેબર ઓફિસર તરીકે કામ કરતા હતા. તેમના ગામમાં શિક્ષણમાં પાયાનું કામ કરનાર તરીકે તેમના પિતાને યાદ કરવામાં આવે છે. ચાર ભાઈ-બહેનમાં સુબોનેન્બાનો બીજો  નંબર હતો. લોંગકુમેર પરિવાર આનંદથી રહેતો હતો, પરંતુ સુબોનેન્બા નવ વર્ષના હતા, ત્યારે તેમના પિતાનું કેન્સરની બીમારીમાં મૃત્યુ થયું. પિતાના મૃત્યુ પછી ત્રણ વર્ષમાં જ માતાનું ૧૯૯૦માં મૃત્યુ થયું. આમ બાર વર્ષની ઉંમરે તેઓએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી.

નાગા જનજાતિના રિવાજ પ્રમાણે ત્રણ દિવસના શોકને અંતે સગાંસંબંધીઓ આવ્યા. બાળકો પ્રત્યે સહુને હમદર્દી તો હતી, પરંતુ કોઈ એક જ પરિવારમાં ચાર બાળકોનો સમાવેશ થઈ શકે તેમ નહોતો. દુઃખ તો માનવીને જોડે છે, પરંતુ અહીં તો સહુ વિખરાઈ ગયા. સુબોનેન્બા તેમના કાકાને ત્યાં રહેવા લાગ્યા. ભોજન અને કપડાં તો મળી જતા, પરંતુ સાતમા ધોરણમાં ભણતા સુબોનેન્બાના ભણતરનો ખર્ચ ઉઠાવવા તેઓ રાજી નહોતા. સુબોનેન્બા અભ્યાસ કરવા માગતા હતા, તેથી કાકાએ તેમના ઢાબામાં કામ કરીને અભ્યાસનો ખર્ચ જાતે ઉપાડવાની વાત કરી. પિતાના એક મિત્રને આ વાતની ખબર પડી તેથી તેમણે ચાર વર્ષ સુધી તેમની અને તેમના મોટા ભાઈની સ્કૂલ ફી, પુસ્તકો અને યુનિફોર્મનો ખર્ચ આપ્યો. આમ છતાં કાકાના ઢાબા પર પાણી ભરવું, લાકડાં લઈ આવવાં, મહેમાનો માટે ભોજન બનાવવું અને અન્ય કામ કર્યા પછી સ્કૂલે જઈ શકતા. મેટ્રિક પછી મોટાભાઈને પોલીસની નોકરી મળી ગઈ અને તેથી સુબોનેન્બા સ્નાતક સુધી અભ્યાસ કરી શક્યા. ૨૦૦૦માં સ્નાતક થયા તે સમયે તેમને દીમાપુરમાં 'વર્લ્ડ વિઝન ઇન્ડિયા' નામની એન.જી.ઓ. વિશે જાણવા મળ્યું. આ સંસ્થા શિક્ષણ દ્વારા બાળમજૂરોનો પુનર્વાસ કરાવતી હતી. તેમાં નોકરી મેળવવા માટે અરજી કરી.

સુબોનેન્બા બાળમજૂરોને ભણાવવા માગતા હતા, પરંતુ વર્લ્ડ વિઝન ઇન્ડિયાએ બે વખત તેઓ આ અંગેની યોગ્યતા ધરાવતા નથી તેમ કહીને તેમની અરજી નામંજૂર કરી. સામે પક્ષે માસિક બે હજાર રૂપિયાના પગારે ડ્રાઇવરની નોકરીનો પ્રસ્તાવ મૂક્યો. સુબોનેન્બાએ  ડ્રાઇવરની નોકરી સ્વીકારી અને પાંચ વર્ષ સુધી સંસ્થામાં સ્વયંસેવક તરીકે પણ સક્રિય કામગીરી કરી. છેવટે સંસ્થાએ તેમને શિક્ષક તરીકે નોકરી આપી. પરંતુ એન.જી.ઓ.નું ફંડિંગ બંધ થવાથી તેઓએ બીજા જિલ્લામાં જવાનો નિર્ણય કર્યો. સુબોનેન્બાને બાળકોના ભવિષ્યની ચિંતા થવા લાગી. તેથી સ્કૂલ ચલાવવાની જવાબદારી તેમણે સંભાળી. સ્કૂલનું મકાન હતું, પરંતુ તે રજિસ્ટર્ડ નહોતી અને કોઈ ફંડ નહોતું. આવી પરિસ્થિતિમાં તેમણે પોતાની કાર વેચી દીધી અને એ પૈસામાંથી શિક્ષકોને પગાર આપ્યો.

૨૦૦૮માં એમણે શિક્ષકોને સ્કૂલે આવવાની ના પાડી દીધી, કારણ કે હવે તેમની પાસે પણ શિક્ષકોના પગારના પૈસા નહોતા, પરંતુ શિક્ષકોએ આંખમાં આંસુ સાથે પગાર વિના કામ કરવાની તૈયારી દર્શાવી. સહુએ સાથે મળીને કોમ્યુનિટી એજ્યુકેશન સેન્ટર સોસાયટીની શરૂઆત કરી. રાજ્ય સરકાર પાસે સામાજિક સંગઠન તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું અને કોમ્યુનિટી એજ્યુકેશન સેન્ટરના નામે સ્કૂલ શરૂ થઈ. તેમણે બાળમજૂરી અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે અભિયાન શરૂ કર્યું. તેમણે મોબાઈલ મેડિકલ યુનિટની શરૂઆત કરી છે, જે ગામડાંના ગરીબ લોકોને મેડિકલ સુવિધા પ્રદાન કરે છે. આજે વર્ષે સાડત્રીસ ગામના પાંચ હજાર લોકો તેનો લાભ લે છે. વિપ્રો કેયર્સના સહયોગથી અનૌપચારિક શિક્ષણ અભિયાન ચલાવે છે. તેઓ ચાઇલ્ડલાઇન ૧૦૯૮ના ડિરેક્ટર છે, જેમાં તેઓ સરકાર અને પોલીસ સાથે મળીને કામ કરે છે. બાળકો માટેનો ફોન આવે તો પહેલાં તેઓ તેને શેલ્ટર હોમમાં મોકલે છે. તેના માતા-પિતાની તપાસ કરીને તેને મેળવવાનો પ્રયાસ કરે છે, તેમાં નિષ્ફળતા મળે તો અનાથાશ્રમ કે દત્તક હોમમાં મોકલવામાં આવે છે.

સુબોનેન્બા લોંગકુમેર માને છે કે 'દરેક વ્યક્તિનું જીવન અણમોલ છે. જો કેટલાક લોકો મને ન મળ્યા હોત તો મારું જીવન ખોટી દિશામાં વળી ગયું હોત. હું પણ એ લોકોની જેમ બીજા લોકો માટે કામ કરવા માગું છું. હું દુનિયા તો બદલી શકું નહીં, પરંતુ અન્ય લોકોના જીવનમાં આશા જગાડી તેમને વધુ સારા જીવન તરફ લઈ જવામાં મદદ કરી શકું.'

આજે સુબોનેન્બા બે સ્કૂલના ચેરમેન છે. દીમાપુર ઉપરાંત તુલીમાં રેસીડેન્શિયલ રાજેશ્વરી કરુણા સ્કૂલમાં આશરે બસો બાળકો છે, જેમાંથી મોટાભાગના આદિવાસી છે. અહીં અભ્યાસ કરનારા મોટાભાગનાં બાળકો આજે સરકારી અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. અત્યાર સુધી ૨,૦૦૦ બાળકોના જીવનમાં શિક્ષણ દ્વારા રોશની ફેલાવનાર સુબોનેન્બાના મનમાં ભવિષ્યની અનેક યોજનાઓ આકાર લઈ રહી છે.


Google NewsGoogle News