Get The App

શ્રીસૂક્તમ્ : લક્ષ્મીતંત્ર અને ગ્વેદની સર્વોચ્ચ શક્તિશાળી સાધના

Updated: Nov 9th, 2024


Google NewsGoogle News
શ્રીસૂક્તમ્ : લક્ષ્મીતંત્ર અને ગ્વેદની સર્વોચ્ચ શક્તિશાળી સાધના 1 - image


- સનાતન તંત્ર  - પરખ ઓમ ભટ્ટ

- આ સૂક્ત માત્ર ધન અને કીર્તિની પ્રાપ્તિ સુધી સીમિત નથી, પરંતુ તેના દ્વારા માનસિક શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ પણ પ્રાપ્ત થાય છે

હિં દુ ધર્મમાં વેદોને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે, અને વેદિક ફિલોસોફીએ આપણા જીવનને હંમેશા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દિશા આપવાનું કામ કર્યું છે. વેદોના કેટલાક સ્તોત્ર આપણાં જીવન સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. ગ્વેદના નાસદીય સૂક્તમાં પ્રકૃતિ અને કુદરતની વાત કરવામાં આવી છે જ્યારે શ્રીસૂક્તમાં દેવી લક્ષ્મીની સ્તુતિ કરવામાં આવી છે. શ્રીસૂક્તના પાઠ કરવાથી માત્ર આર્થિક સમૃદ્ધિ જ નથી આવતી પરંતુ માનસિક અને આધ્યાત્મિક શાંતિ પણ મળે છે. માનવજીવનમાં તમામ પ્રકારની સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના આ સ્તોત્રમાં કરવામાં આવી છે. શ્રીસૂક્ત 'ગ્વેદ' અને 'લક્ષ્મીતંત્ર' એમ બંનેમાં આપવામાં આવેલી શક્તિશાળી સાધના છે. વેદ અને તંત્ર એમ બંને શાસ્ત્રોમાં તેના વિધિ-વિધાન અપાયેલાં છે.

દેવી લક્ષ્મીને તેમાં 'શ્રી' તરીકે સંબોધવામાં આવ્યા છે. સંસ્કૃતમાં 'શ્રી' શબ્દ સૌંદર્ય, ઐશ્વર્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે. શ્રીસૂક્તમાં ૧૬ ચા છે કે જેમાં દેવી લક્ષ્મીના વિવિધ સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સૂક્ત માત્ર વૈદિક કાળમાં જ નહીં, પરંતુ આજે પણ અત્યંત પ્રભાવશાળી અને વ્યાપકપણે પ્રચલિત છે. તેની શક્તિઓનું વર્ણન ઘણા પુરાણો અને શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આ સૂક્તનો નિયમિત પાઠ કરવાથી વ્યક્તિ જીવનમાં ધન, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ કરે છે.

શ્રીસૂક્તની રચના વૈદિક કાળમાં કરવામાં આવી હતી અને તેનો ગ્વેદના મંડળ ૫માં સમાવેશ કરવામાં આવ્યો છે. તે દેવી લક્ષ્મીના મહિમાનું વર્ણન 

કરે છે.

દેવી વ્યક્તિના જીવનમાં સંપત્તિ અને સંપત્તિના આગમનનું પ્રતીક છે. આ સૂક્ત માત્ર ધન અને કીર્તિની પ્રાપ્તિ સુધી સીમિત નથી, પરંતુ તેના દ્વારા માનસિક શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ પણ પ્રાપ્ત થાય છે.

શ્રીસૂક્તનું અર્થઘટન માત્ર ભૌતિક સંપત્તિ સુધી મર્યાદિત નથી. વેદ અનુસાર, 'શ્રી' શબ્દનો અર્થ થાય છે 'સંપૂર્ણ સમૃદ્ધિ' - જેનો અર્થ થાય છે માનસિક, શારીરિક અને આધ્યાત્મિક સમૃદ્ધિ. માનવજીવનની તમામ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે શ્રીસૂક્તની રચના થઈ છે. આમાં, માત્ર ભૌતિક સુખ-સુવિધાઓ જ નહીં, પરંતુ જીવનમાં શાંતિ, સંતુલન અને સંતોષ પ્રાપ્ત કરવાનો માર્ગ પણ મોકળો થાય છે. આ સૂક્ત વ્યક્તિને તેની આંતરિક શક્તિઓથી વાકેફ કરે છે અને તેને જીવનના દરેક ક્ષેત્રમાં સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપે છે.

આધુનિક જીવનશૈલીમાં જ્યાં વ્યક્તિ ભૌતિક સુખ-સુવિધાઓ અને સમૃદ્ધિ તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે, ત્યાં શ્રીસૂક્તનું મહત્વ વધી જાય છે.

શ્રીસુક્તમ સાધના એ મુખ્યત્વે ૧૬ દિવસ સુધી ચાલતી સાધના છે કે જે જો નિયમો અનુસાર અને ભક્તિ સાથે કરવામાં આવે તો અપાર લાભ મળે છે. સાધકે દરરોજ સાંજે જપ અને બીજે દિવસે વહેલી સવારે એક યજ્ઞા કરવાનો હોય છે કે જેમાં શ્રી સુક્તમ મંત્રનો જાપ કરવામાં આવે છે અને હવન કરવામાં આવે છે. સાધના દરમિયાન ઘી, હવન-સમાગ્રી, અગ્નિ-સમિધા વગેરે જેવી કેટલીક વિશિષ્ટ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક દિવસ માટે વિશિષ્ટ મંત્રો અને યજ્ઞા સામગ્રીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેનો ઉપયોગ આદર અને સમર્પણ સાથે કરવામાં આવે છે.

સાધકે પ્રથમ દિવસે સંકલ્પ લેવો જરૂરી છે. આ સંકલ્પ એક પ્રતિજ્ઞાાના રૂપમાં છે કે જેમાં સાધક માતા લક્ષ્મી અને વૈશ્વિક શક્તિઓને આ સાધના પૂર્ણ કરવા અને ઇચ્છિત પરિણામ મેળવવા માટે પ્રાર્થના કરે છે. સાધના ઔપચારિક રીતે સંકલ્પથી શરૂ થાય છે. આ પછી દરરોજ શ્રી સુક્તમના મંત્રનો જાપ કરવામાં આવે છે અને યજ્ઞા કરવામાં આવે છે. જો કોઈ સાધક શારીરિક રીતે યજ્ઞા કરવામાં અસમર્થ હોય, તો તે તેને માનસિક રીતે પણ કરી શકે છે.

શ્રી સુક્તમ સાધનાનું એક મહત્વનું પાસું એ સાધકની આંતરિક યાત્રા છે. આ સાધના માત્ર ભૌતિક લાભ માટે કરવામાં આવતી નથી, પરંતુ તેનો હેતુ સાધકની અંદર દિવ્યતા અને આધ્યાત્મિક જાગૃતિનો વિકાસ કરવાનો છે. શ્રી સુક્તમના મંત્રો સાધકના મન અને આત્માને શુદ્ધ કરે છે અને તેને આધ્યાત્મિક પ્રગતિના માર્ગ પર લઈ જાય છે તે વાતમાં કોઈ શંકાને સ્થાન નથી.


Google NewsGoogle News