આત્મશ્રદ્ધા અને પ્રભુશ્રદ્ધાની બે પાંખોથી ક્યાંય પણ વિહાર થઈ શકે!
- જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર
- 'જિજ્ઞાાસા માટેનું પ્રથમ પગથિયું એ છે કે તમારું મન અજ્ઞાાત અવસ્થામાં હોવું જોઈએ. મનની આ અવસ્થામાં આપણે જીવન શું છે, મૃત્યુ શું છે, પ્રેમ શું છે એ વિશે કશું જાણતા નથી.'
આ પણી અનોખી સત્સંગ સભામાં એક વિરલ ઘટના આકાર લઈ રહી છે અને એ વિરલ ઘટના છે શ્રી વિમલાબહેન ઠકારના જિજ્ઞાાસુઓને આપેલા પ્રશ્નોનાં ઉત્તરની. તેઓ જિજ્ઞાાસુઓને જ કહેતાં કે, 'જિજ્ઞાાસા માટેનું પ્રથમ પગથિયું એ છે કે તમારું મન અજ્ઞાાત અવસ્થામાં હોવું જોઈએ. મનની આ અવસ્થામાં આપણે જીવન શું છે, મૃત્યુ શું છે, પ્રેમ શું છે એ વિશે કશું જાણતા નથી. આપણે ગ્રહણશીલ છીએ. જોવા અને સાંભળવા માટે આપણા મનનાં દ્વાર ખુલ્લાં છે.'
આવી રીતે જિજ્ઞાાસુઓનાં અનેક પ્રશ્નોનાં એમણે ઉત્તર આપ્યાં. એ ઉત્તરમાં જીવનનું અર્ક, સત્વ અને સત્ય કેન્દ્રસ્થાને રહેતું નથી. ક્યારેક એ ઉત્તર કોઈકના મનને અનુકૂળ લાગતો નહીં, પરંતુ પૂજ્યશ્રી વિમલા ઠકારનો હેતુ તો સહસંવાદનો હતો અને આ સહસંવાદમાં પ્રશ્નકર્તાઓ કેટલાંય જુદાં જુદાં પ્રશ્નો પૂછતાં અને તેઓ તેના ઉત્તર આપતાં. એમનાં એ જીવન વિશે આપણા અધ્યાત્મના ઊંડા અભ્યાસી અને આલેખક પ્રા.કાર્તિકેય ભટ્ટે 'મુક્તાત્માજીવાત્મા સંવાદ' નામના પુસ્તકમાં કરેલું માર્મિક આલેખન અહીં સંક્ષેપમાં જોઈએ.
શ્રી વિમલાબહેન ઠકારે ઘણા લાંબા સમય સુધી પૂર્ણ એકાંત અને મૌન જીવન વ્યતિત કર્યું હતું, પરંતુ એ પછી આધ્યાત્મિક જિજ્ઞાાસુઓ માટે જીવનસત્તાએ ફરીથી બોલવાની પ્રેરણા કરી અને તેઓ અત્યંત આનંદપૂર્વક અને સહજતાથી એ કરતા રહ્યાં. ચાલીસેક દેશોમાં એમણે પરિભ્રમણ કર્યું. જ્ઞાાનેશ્વરી (ભગવદ્ગીતા) અને ઉપનિષદો પર વ્યાખ્યાનો આપ્યાં, પણ એની સાથોસાથ અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર જેવાં વિષયો પર એમણે મનનીય પ્રવચનો આપ્યાં. જીવનને ચાહનારા વિમલાબહેન ઠકારનાએ શબ્દો યાદ કરીએ.
તેઓ કહે છે, 'જીવન પોતે પરમાત્મા છે, જીવન અત્યંત પવિત્ર વસ્તુ છે અને જીવવું એ પ્રભુની પૂજા છે. હું તો મારી સમજનો નાનકડો દીપક લઈને જીવતી થઈ. આવું જો તમે કરશો તો સમ્યક્ જીવનનો રસ્તો ખૂલી જશે. એમ કહી આપણું પથદર્શન કરનારાં, અધ્યાત્મની અગ્નિશિખા સરીખાં વિમલાબહેન ઠકારને આધ્યાત્મિકતાનો સાચો વારસો તેમના કુટુંબીજનો પાસેથી જ મળ્યો હતો. તેઓ કહે છે ઃ 'મારા ઘડતરમાં મા, નાના તથા મારા બાપુજીનો ઘણો મોટો ફાળો છે. નાના વિવેકાનંદના પ્રેમી હતા. પરિવારમાં બાળક ચાર વર્ષનું થાય એટલે નાના જાતે જ એને દક્ષિણેશ્વર લઈ જતા. રામકૃષ્ણદેવની પાટ પાસે લઈ જઈ કહેતા,
'ઠાકુર, આ બાળકને જ્ઞાાન અને ભક્તિનું વરદાન આપો.'
વિવેકાનંદની બેઠક પાસે લઈ જઈને કહેતા ઃ 'સ્વામીજી, આને જ્ઞાાન અને વૈરાગ્યનું વરદાન આપો.' બાપુજી રામતીર્થના પ્રેમી હતા. વિમલાબહેનનો જન્મ ૧૫ એપ્રિલ, ૧૯૨૧માં રામનવમીના શુભ દિવસે થયો હતો.
વિમલાબહેને કહ્યું હતું ઃ 'એક ક્રાંતિકારી પરિવારમાં મારો ઉછેર થયો છે. બાપુજીના એક મુસ્લિમ મિત્ર હતા. એમનાં છોકરાંઓ બાપુજી પાસે ગીતા શીખતાં અને અમે ચાચા પાસે કુરાને શરીફની આયાતો શીખતાં. હરિજનોને પણ સન્માનસહ અમારે ત્યાં જમાડતા હતા.'
મુક્તિ માટેની દીકરીની તાલાવેલી જોઈને પિતાએ શીખ આપતાં કહ્યું હતું, 'પરમ સત્ય તારી ભીતર છે. એ જ ગુરુ બનીને પથદર્શન કરશે. બહાર ગુરુ શોધવાની જરૂર નથી.'
'ઈશ્વર કોઈ સિદ્ધાંત કે તત્વ નથી. એ તો જીવનનું સનાતન સ્પંદન છે. તેના વિના શરીર ઉઠાવવું એ કેવળ શબયાત્રા જેવું છે.' એ શીખ વિમલાજીને એમના નાના પાસેથી મળી હતી. સૌપ્રથમ વખત અમેરિકાની (પરદેશની) યાત્રાએ જતાં 'આટલે દૂર હું એકલી ?' એવી મૂંઝવણ અનુભવતાં વિમલાજીને પ્રભુશ્રદ્ધાની દીક્ષા આપતાં હોય તેમ તેમના અક્કાએ કહ્યું હતું, 'બસ, આ જ તારી ભક્તિ ? તું એમ સમજે છે કે તારા પરમાત્મા ભારતમાં છે અને અમેરિકામાં નથી ? અમેરિકામાં તું એકલી ક્યાં છો ?'
વિમલાજીએ છ વર્ષની... હિસ્સો બની ગઈ !
વિમલાજી કહે છે, 'આત્મશ્રદ્ધા અને પ્રભુશ્રદ્ધા એ બે પાંખો હોય તો ક્યાંય પણ વિહાર થઈ શકે.' વિમલાજીએ કહ્યું હતું, 'નામથી પર, રૂપથી પર દોડવાની ચેતાનાની આદત ક્યારે શરૂ થઈ તેની આજેય મને ખબર પડતી નથી.'
પાંચ વર્ષની વયે વ્યક્તિગત ઈશ્વર - Personal God ને લગતી ૫રંપરાગત કલ્પનાએ વિમલાજી માટે એક જીવંત વાસ્તવિકતાનો આકાર ધારણ કર્યો હતો. બાર વર્ષની વયે વિમલાજીએ ભારતના સર્વ અગ્રગણ્ય સંતપુરુષોનાં ચરિત્રો અને જીવનકથાઓ વાંચી કાઢ્યાં હતાં. એ કાળે રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, સ્વામી રામતીર્થે વિમલાજીના ચિત્તને અત્યંત પ્રભાવિત કર્યું હતું. પંદર વર્ષની વયે વ્યક્તિગત ઈશ્વરનું સ્થાન આત્મશક્તિએ [Soul Force] લીધું હતું તર્કશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, માનસશાસ્ત્ર, અધ્યાત્મશાસ્ત્ર વગેરેના અભ્યાસને કારણે વિમલાજીની દષ્ટિમર્યાદા વિસ્તૃત બની હતી. વિદેશી તત્ત્વચિંતકોના અભ્યાસ અને અમેરિકા અને ઈંગ્લૅન્ડ જેવા દેશોની સફરમાંથી સમગ્ર માનવજીવનને નવા વૈજ્ઞાનિક અભિગમ વડે નિહાળવાની અને ઉકેલવાની વિમલાજીને પ્રેરણા થઈ હતી. વિમલાજી કહે છે, 'આધ્યાત્મિક જીવનને લગતા આગળના ખ્યાલોને અને આદર્શોને મેં ભૂંસી નાંખ્યા. ચાલુ પરંપરાગત અર્થો સમજાવતા મોક્ષને પ્રાપ્ત કરવાનો મારા મનનો આવેગ ઓગળી ગયો.'
વ્યક્ત અને અવ્યક્ત સૃષ્ટિની સુંદર સમજ આપનાર વિમલામાને ૪-૫ વર્ષની ઉંમરથી અવ્યક્ત સૃષ્ટિ સાથે અપાર પ્રેમ હતો. તેઓ કહે છે, 'મને એમ લાગ્યા કરતું કે આ વ્યક્ત સૃષ્ટિ, અવ્યક્ત સૃષ્ટિની છાયા છે. આ વ્યક્ત સૃષ્ટિની સ્વંત્રતા છે એમ લાગતું જ નહિ. એમ લાગ્યા કરતું કે અવ્યક્તમાં સૃષ્ટિ છે અને આ તો પ્રતિબિંબ છે, છાયા છે. હવે સમજાય છે કે જે વિવિધ આકારના વિવિધ પ્રકારના પદાર્થ છે, વૃક્ષ છે, વેલ છે, પાન છે, ફૂલ છે, પથ્થરો છે, નદી છે, પહાડ છે, પશુ છે, પક્ષી છે, મનુષ્ય છે - આ બધું જે છે એ ભિન્ન ભિન્ન આકારમાં વહેતાં કેવળ સ્પંદનોનો પુંજમાત્ર છે.'
બાર વર્ષની વયે એક આસન પર બેસીને ૭૨ કલાક ધ્યાનમાં બેસવાનો પ્રયોગ કરનાર વિમલાજીએ ૧૪ વર્ષની વયે મૅટ્રિકની પરીક્ષા પસાર કરીને મા આનંદમયી પાસે જઈને સંન્યાસ લેવાની ઈચ્છા વ્યક્ત કરી. શ્રી માએ કહ્યું હતું, 'સંન્યાસ કપડામાં હોય ખરો ? જા, જા, ઘેર જા. સંન્યાસ દિલમાં હૃદયમાં જ જાગશે. કૉલેજના પ્રથમ વર્ષથી માંડીને અનુસ્નાતક થવા સુધીનું શિક્ષણ તેમણે ‘Earning and Learning'' થકી ૫ૂર્ણ કર્યું.
મૌનના આયામને શોધવા માટે હિમાલયમાં ટિહરીમાં સ્વામી રામતીર્થની ગુફામાં ફળ-મૂળ-કંદ ખાઈને દિવસોના દિવસો સુધી વિમલામાએ સ્વાધ્યાય કર્યો હતો. એ ગુફામાં વિમલાજી બાર અઠવાડિયાં રહ્યાં હતાં. પોતાની સમજ અનુસાર જે સાધના કરવી હતી તે તેમણે કરી. ત્યારે વિમલાજીને લાગ્યું, 'ગુફામાં જે શાંતિની અનુભૂતિ થાય છે એ વ્યવહારમાં રહીને થશે તો એ શાંતિ સાચી. બહાર સમાજમાં રહીને સંબંધોમાં ચિત્તની મુક્તદશા રહે તો એ સાચી મુક્તિ, લોકોની સાથે વાતો કરતાં અંદરનું મૌન અભંગ રહે તો એ સાચું મૌન.'
વન્યસંસ્કૃતિનાં ચાહક વિમલાજીનો નાતો અમુક અંશે વન, પર્વત, ગુફા, નદી, દરિયા વગેરે સાથે રહ્યો હતો. તેઓ કહે છે, 'વન, પર્વત, ગુફા સાથે મારો સંબંધ મને મારા બચપણમાં પાછી લઈ જાય છે. મેં અનેક અઠવાડિયાં 'રેવા' નામે ઓળખાતી નર્મદા નદીને કિનારે એક યોગી સાથે પસાર કર્યાં હતાં. યોગ-વિજ્ઞાાન સાથે મારો પ્રથમ પરિચય ત્યાં થયો. ત્યાર બાદ વન્યવિદ્યાલયના શિક્ષણ પછી, ઘણાં અઠવાડિયાં હિમાલયની ગુફામાં વિતાવ્યાં જ્યાં સ્વામી રામતીર્થ રહ્યા હતા. વન અને પર્વતો પ્રત્યે મને અપાર પ્રેમ. વિશ્વનાં પચરંગી વસ્તીવાળાં મહાનગર કરતાં વન્યસંસ્કૃતિમાં હું કંઈક વધુ આત્મીયતા અનુભવું છું. મુંબઈ, દિલ્હી, પૅરિસ, લંડન, આમ્સ્ટરડમ જેવાં મહાનગર મને ભય પમાડે છે. વન્યસંસ્કૃતિ મારા હૈયામાં જડાયેલી છે.
'મારું જીવન કોઈ વનવાસી જેવું રહ્યું છે. લાકડાં ભેગાં કરી, તેની આગમાં ભોજન પકાવી, ઘોર અંધારી રાતોમાં મેં સમય વિતાવ્યો છે. શ્રીલંકાનાં અરણ્યોમાં પણ હું ભમી છું. ત્યાંના બૌદ્ધ વિહારોમાં ગઈ છું અને નિર્ભેળ આનંદ માટે ગાઢ જંગલોમાં નિવાસ પણ કર્યો છે અને સાધુ-સંતોનાં સત્સંગથી જાગેલી જિજ્ઞાાસાને પરિણામે એ સંસારી મટીને સત્સંગી બની ગયા અને એ પછી આત્મરત જીવન જીવી જનારા શ્રી વિમલાબહેન ઠકારે એક નવી જ અધ્યાત્મસૃષ્ટિ આપણને આપી.'