આપણે ગમતું કરતા નથી, અણગમતું કર્યા કરીએ છીએ
- લેન્ડસ્કેપ - સુભાષ ભટ્ટ
જીવન એક અનિવાર્ય ઈમરજન્સી કેસ છે. દરેક પળ અપૂર્વ અને અનન્ય કટોકટી છે, ફરી નથી આવતી.
- ડૈનીન કાતાગીરી (ઝેન માસ્ટર)
પણ કમનસીબે, આપણને જીવનને ટેવ બનાવી નાખવાની કુટેવ છે. આપણે ેપ્રેમને સંબંધ અને સંબંધને સામાન બનાવી નાખીએ છીએ. આપણે; વિચારને વસ્તુ બનાવી નાખીએ છીએ, લાગણીને નામ આપી દઈએ છીએ, પળને સમયપત્રકમાં ફસાવી દઈએ છીએ.... આ રીતે જીવનને કોઠે પાડી દઈએ છીએ.આપણા નુતન વર્ષની શુભેચ્છાઓના છેલ્લા દસ વરસના કાર્ડના શબ્દો-ભાવ પણ લગભગ એકસરખાં હોય છે. બિબાઢાળ અને ઢાંચાઢાળ. આપણે આવા કેમ છીએ? કદાચ, આપણે જીવનને ઈન્સ્યોર્ડ અને સિક્યોર્ડ કરીને ઊંઘી જવું છે, ઝોમ્બી બની જવું છે. સો નથીંગ હેપન્સ. અથવા તો આપણે સંબંધને, સમયને, જીવનને કોમોડીટી બનાવી નાખીએ છીએ. અને પછી તેને કેમ વાપરવી, બચાવવી, ખરીદવી, વેડફવી તેની ચર્ચા અને ચિંતામાં જીવનની સાંજ પાડી દઈએ છીએ. ગમતું ટાળ્યા કરીએ છીએ અને અણગમતું કર્યા કરીએ છીએ. આ બધાનો સાર તો એટલો જ છે કે આપણે જીવન સામે ફેસ ટુ ફેસ ઉભા રહેવા પણ તૈયાર નથી. આ પળે અસામાન્ય જીવન પ્રેમી અને મરમી ખલીલ જીબ્રાન (ઈ.સ.૧૮૮૩ થી ૧૯૩૧)ના બાળપણનો એક પ્રસંગ યાદ આવે છે.
તે માત્ર નવ વરસનો હતો ત્યારે તેના બશેરી ગામની નજીક આવેલા બાલ્બેક સભ્યતાના અવશેષો જોવા તેના પરિવાર સાથે ગયેલો. જ્યાં તેણે ઘણા રેખા -ચિત્રો દોરેલા. ત્યાં એક રહસ્યમય ઘટના બનેલી. જીબ્રાને એક પાગલ જેવો ફકીર જોયો, સાંભળો તેમની વચ્ચેનો સંવાદ...
જીબ્રાન- તું અહીં શું કરી રહ્યો છે ?
ફકીર- જીવન નિરખી રહ્યો છું.
જીબ્રાન-બસ આટલું જ ?
ફકીર -શું તે પર્યાપ્ત નથી ?
જીવનભર જીબ્રાનના હૃદયમાં આ બાલ્બેક 'આત્માનું અભ્યારણ' હતું ત્યાંથી ઘરે પાછા જવાના સમયે તે ધુ્રસકે ધુ્રસકે ખૂબ રડેલો. કદાચ જીવનને સમગ્રતાથી નિરખવાનું હોય છે તેઓ વિચાર તે ત્યાં પામી ગયેલો.
આપણે પણ આ જીવન વહેણનો કાંઠો કે તેમાં અથડાયા કરતો પત્થર નથી બનવાનું. જીવન નિરખવાનું છે -વહેણ બની જીવવાનું પણ છે. આપણે સમૃધ્ધ છીએ દર ચોવીસ કલાકે આપણને ૧૪૪૦ મિનીટ્સ મળે છે તે દરેકમાં અમાપ સંભાવનાઓ છે- જીવનની અને જીવવાની. જીવન કોઈ દૂરનું સ્થળ નથી કે ત્યાં પહોંચવાનું હોય જીવન તો અહીં-અત્યારે પામવાનું છે. આપણે માનીએ છીએ કે કૃત્ય કર્યા પછી આનંદ આવે છે જ્યારે ખરી વાત તો એ છે કે ખરો આનંદ કૃત્યમાં જ છે, સાધનામાં જ છે-સાધ્યમાં નથી
ચાલો, વિક્રમ સંવત ૨૦૮૧ ના નવા નક્કોર કેનવાસ જેવા દિવસો મળ્યા છે તેમાં આપણે વિસ્મયકારી જીવન ચિત્રો દોરીએ. પણ હા આ નૂતન વરસથી યાદ રાખીએ કે ગઈકાલનું મુવી નથી જોવું, આવતીકાલનું મુવી નથી બનાવવું, બસ આજનું મુવી સમગ્રતાથી જીવીએ... હિન્દી કવિ શમશેર
લખે છે;
કાલ તુજસે હોડ હૈ મેરી
અપરાજીત તૂ, તુજ મેં અપરાજીત મેં વાસ કરું.