કમ-બેક કિંગ .
- પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ
- 'હવે તો વધુ 'નિર્ભય' બન્યો છું, કારણ કે દડો માથા પર અથડાય તો ય વાંધો નથી. ગમે તેટલો ઝડપી દડો નંખાય, તો પણ અગાઉની માફક સ્ટ્રોક લગાવું છું અને લગાવતો રહીશ.'
ત મારું જૂનું અને જાણીતું મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ હોય, તેમને ફાવતી સ્પીનને યારી આપતી પીચ તમે ફરમાયશ કરીને તૈયાર કરાવી હોય અને આબાદ સ્પીનરોનો સાથ હોય તેમ છતાં ભારતીય ટીમ એની નબળી બેટિંગને કારણે કરુણ પરાજય પામી. બે ટેસ્ટની બહાર પછી આબરુ બચાવવા માટે ખેલતી ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડનાં સ્પીનરો સામે સ્પીન ગોલંદાજી ખેલવાની કોઈ આવડત બતાવી નહીં અને મોંમાં તરણું લઈને ન્યૂઝીલેન્ડને શરણે ગયા.
આવી પરિસ્થિતિમાં એક માત્ર વિકેટકીપર અને બેટર ઋષભ પંત વિરોધી ગોલંદાજોનો હિંમતભેર સામનો કરતો રહ્યો અને ભારતીય બેટિંગની લૂંટાતી આબરુ બચાવી શક્યો. હજી બે વર્ષ પણ થયા નથી અને ૨૦૨૨ની ત્રીજી ડિસેમ્બરે લગભગ જીવલેણ કહી શકાય એવા કાર અકસ્માતમાં એ ઘાયલ થયો હતો. દિલ્હી-દહેરાદૂન હાઈ-વે પર રુડકી પાસે થયેલા અકસ્માત સમયે એની બચવાની આશા ઘણી ઓછી હતી. ક્રિકેટની વાત તો ઘણી દૂર હતી અને ભારત તરફથી ખેલવાનું તો સ્વપ્ન આવે તેવું પણ નહોતું. માથા પર બે ઘા, જમણા ઘૂંટણું લીગામેન્ટ ફાટી ગયેલું, જમણા કાંડા પર ઈજા, અંગૂઠા અને પીઠ પર ભારે ઈજા. એના ઘૂંટણ અને પગની ઘૂંટી પર ઈજા એટલો સોજો અને દુઃખાવો હતો કે સ્કેન કરવાનું પણ મોકૂફ રાખવું પડયું.
સતત આખુંય વર્ષ એને ક્રિકેટથી દૂર રહેવું પડયું. આઈ.પી.એલ. અને વન-ડે વિશ્વકપ ગુમાવવો પડયો. કેટલાંય ઓપરેશન, ફિઝિયોથેરાપી સતત ચાલતા રહ્યા, પરંતુ પંતની ખૂબી એ રહી કે સતત પોતાના પ્રશંસકો સાથે સંવાદ કરતો રહ્યો. પોતાની તબિયતના સમાચાર પણ આપતો રહ્યો અને સાથોસાથ ક્રિકેટના મેદાન પર પાછા આવવાનો પોતાનો દ્રઢ સંકલ્પ દર્શાવતો રહ્યો. મેદાન પર પાછા આવવા માટે શારીરિક નિર્બળતાઓ તો પાર કરવાની હતી, પણ એની સાથોસાથ માનસિક દ્રઢતાની પણ એટલી જ જરૂર હતી અને એ સતત કહેતો કે, 'ક્રિકેટમાં મને સૌથી વધુ ગમતું ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ અને એમાં ટેસ્ટમાં હું પાછો આવ્યા વિના નહી રહું.'
વીસ મહિના સુધી ટેસ્ટ ક્રિકેટમાં અનુપસ્થિત રહેલો ઋષભ પંત દબાણ વગર ખેલવાની પોતાની આગવી સ્ટાઈલ અને સકારાત્મકતા સાથે પાછો આવ્યો. લોકો કહેવા લાગ્યા કે, 'ઋષભ પંતે જ્યાંથી ટેસ્ટ ક્રિકેટ રમવાનું છોડયું હતું ત્યાંથી જાણે પુનઃશરૂઆત કરી.' આથી જ સેટ-બેક ગમે તેવો હોય પણ કમ-બેક તો ઋષભ પંત જેવો થવો જોઈએ. આવા ક્રિકેટના કમ બેકની વાત યાદ આવે, ત્યારે નરિમાન કોન્ટ્રાક્ટરનું આપોઆપ સ્મરણ થાય છે.
૧૯૬૨ના માર્ચ મહિનાની ૧૭મી તારીખે વેસ્ટ ઇન્ડિઝના બારબાડોસ ટાપુની ટીમની સામેની મેચમાં લંચ પછીની બીજી ઓવરની ચાર્લી ગ્રીફિથનો એ ચોથો દડો હતો. જાણે કોન્ટ્રાક્ટરની કારકિર્દી હરવા ન આવ્યો હોય ! એમને ઝડપી ગોલંદાજનો એ થ્રો કરેલો દડો એમના જમણા કાનથી એક ઈંચ દડો વાગ્યો. કોઈ વિશાળ વૃક્ષ એકાએક ધરતી પર કડડભૂસ કરતું તૂટી પડે એમ નરીમાન કોન્ટ્રાક્ટર પીચ પર ઢળી પડયા. નાક અને કાનમાંથી લોહીની ધારા વહેવા લાગી. બ્રિજટાઉન શહેરના કેન્સિંગ્ટન મેદાન પર એમ્બ્યુલન્સનો અવાજ ગાજી ઊઠયો. નરીમાન કોન્ટ્રાક્ટરનો ડાબો ભાગ પક્ષાઘાત પામ્યો હતો. મગજમાં જામી ગયેલા લોહીને બારબાડોસના સર્જને દૂર કર્યું, પણ એની સાથોસાથ મગજમાં બીજે સ્થળે લોહી ગંઠાવાની પ્રક્રિયા શરૂ થઈ રહી હતી.
એક ગંભીર ઓપરેશન કર્યાને આઠ કલાક પણ થયા ન હતા અને તરત જ અડધા અંગે પક્ષાઘાત (પૅરાલિસિસ) પામેલા કોન્ટ્રાક્ટર પર બીજી વાર ઓપરેશન કરવામાં આવ્યું. ભારત પાછા આવ્યા બાદ વેલૂરમાં ત્રીજી વખત ઓપરેશન થયું. ત્રણ-ત્રણ વખત મોતના મુખમાં જવા જેવા ખોપરી પરના ઓપરેશન પછી સામાન્ય માનવી તો દડાને જોવાની પણ હિંમત ન કરે. બેટને બાજુએ મૂકી દે અને ક્રિકેટને સદાને માટે અલવિદા કરી દે, પણ નરિમાન કોન્ટ્રાક્ટર ૧૯૬૨ના નવેમ્બરમાં તો ગુજરાતની રણજી ટ્રોફી ટીમ તરફથી એટલા જ હિંમત અને આત્મવિશ્વાસથી ઓપનિંગ બેટર તરીકે ખેલવા લાગ્યા. ૧૯૬૩-૬૪થી ૧૯૭૦-૭૧ સુધી રણજી ટ્રોફી ખેલ્યા અને આઠ સીઝનમાં ૧૮૪૦ રન કર્યા.
એમના આવા ભવ્ય ક્રિકેટના પુનરાગમન અંગે એક મુલાકાતમાં મેં પૂછ્યું, ''દુઃખદ એવા ગંભીર અકસ્માત પછી તમારી સામે દડો વિંઝાય ત્યારે તમને કેવી લાગણી થાય છે ?''
નરીમાન કોન્ટ્રાક્ટરે જવાબ આપ્યો, 'કશી જ નહીં. અગાઉ જેટલા જ ઉત્સાહથી હું ખેલું છું. વળી હવે તો વધુ 'નિર્ભય' બન્યો છું, કારણ કે દડો માથા પર અથડાય તો ય વાંધો નથી, કેમકે એમાં સ્ટીલની પટ્ટી નાખવામાં આવી છે. આથી ગમે તેટલો ઝડપી દડો નંખાય, તો પણ અગાઉની માફક સ્ટ્રોક લગાવું છું અને લગાવતો રહીશ.'
નરિમાનનાં સ્મરણ સાથે જ મનસુર અલી ખાન પટૌડી યાદ આવે. ૧૯૬૧ની પહેલી જુલાઈની સાંજે ઇંગ્લેન્ડમાં સસેક્સની ટીમ સામે દિવસભર ફિલ્ડિંગ કરીને ભોજન પતાવીને મિત્રો સાથે પોતાના ઉતારા તરફ પાછો ફરતો હતો. સંધ્યાના સમયે દરિયાની ભેજવાળી હવા મંદ મંદ વહેતી હતી અને એની ઓક્સફર્ડ યુનિવર્સિટીની ટીમનો વિકેટ કીપર રોબિન્સ વોટર્સ મોટર ચલાવતો હતો. એવામાં વચ્ચેના રસ્તા પરથી મોટર આવી અને એમની મોટર સાથે અથડાઈ. પટૌડીને જમણા હાથ અને જમણા ખભા પર ઈજા થઈ, પણ બ્રાઈટનની હોસ્પિટલમાં વહેલી સવારે એ ઊઠયો, ત્યારે ડૉક્ટરે કહ્યું કે, ''પટૌડીની જમણી આંખમાં મોટરના આગળના કાચની કણી ઘૂસી ગઈ છે. ઓપરેશન કરીને કાઢવી પડશે.''
આ ઈજાને કારણે પટૌડીની આંખનો નેત્રમણિ (લેન્સ) પીગળી ગયો. આંખના બીજા ભાગોને નુકસાન થવાથી યુવાન પટૌડીની જમણી આંખનું તેજ લગભગ સદાને માટે વિલીન થઈ ગયું. બેટર પટૌડીને માટે આ ભારે મુશ્કેલ વાત હતી. બેટિંગ વખતે બંને આંખની જરૂર પડે અને ત્યારે એક આંખથી કઈ રીતે ઝઝૂમી શકાય ? ક્રિકેટના ઈતિહાસમાં એક આંખે ખોલનારા ખેલાડીઓ મળતા હતા. પતિયાલાના મહારાજાની ટીમ તરફથી ૧૯૧૧માં ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલા સફાકત હુસૈન, દક્ષિણ આફ્રિકાના નૂપન અને રણજી ટ્રોફીમાં સૌપ્રથમ હેટ્રીક મેળવનારા બકવા જીલાણી એક આંખ ધરાવતા હતા, પણ એ ગોલંદાજ હતા. મહાન ક્રિકેટર રણજીતસિંહ ૧૯૧૫માં એક આંખ ગુમાવ્યા પછી માત્ર ત્રણ મેચ રમી શક્યા. જેમાં બહુ ઓછી સફળતા મળી અને ક્રિકેટને તિલાંજલિ આપી. એમની ઇચ્છા એક આંખે બેટિંગ કરવાના વિષય પર પુસ્તક લખવાની હતી. એ કામ મન્સૂર અલી ખાન પટૌડીએ મેદાન પર કરી બતાવ્યું. બેટ્સમેન તરીકે પોતાની ટેક્નિકમાં સમૂળગુ પરિવર્તન આણ્યું અને એ મન્સૂર અલી ખાન ભારત તરફથી ચાલીસ ટેસ્ટ રમ્યો અને એમાંથી ૪૪ ટેસ્ટમાં એ ભારતીય ટીમનો સુકાની હતો.
તાજેતરનાં ઇતિહાસમાં આપણને ડાબોડી બેટર યુવરાજ સિંહ જોવા મળે છે. સ્ટુઅર્ટ બ્રોડની ગોલંદાજીમાં એક ઓવરમાં છ સિક્સર લગાવનાર આ ખેલાડી ૨૦૨૧ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો હીરો બન્યો. નેવું રનની સરેરાશથી એણે નવ મેચોના આઠ દાવમાં ૩૬૨ રન કર્યાં અને પાંચ રનની સરેરાશથી પંદર વિકેટ ઝડપી. એ સમયે વર્લ્ડ કપની કટોકટીની પળે યુવરાજ સિંહને લોહીની વોમિટ થઈ હતી. એ પછી તપાસ કરતા જાણ થઈ કે એના ડાબા ફેફસામાં કૅન્સરનું ટયૂમર હતું, જેને મીડિયાસ્ટિનલ સેમિનોમા કહે છે. અમેરિકામાં કીમો થેરાપી કરાવ્યા બાદ ફરી પછીના વર્ષે સપ્ટેમ્બરમાં એ ક્રિકેટ ખેલવા પાછો આવ્યો. ન્યૂઝીલેન્ડ સામે ખેલ્યા બાદ ૨૦૧૨માં એ ટી-ટ્વેન્ટી વિશ્વકપમાં પણ રમ્યો. આઈ.પી.એલ.માં દિલ્હી કેપિટલ્સ તરફથી ખેલ્યો અને એ પછી ગ્લોબલ ટી-ટ્વેન્ટીમાં એ રમી રહ્યો છે.
ભારતના યુવરાજ સિંહની સાથે ઑસ્ટ્રેલિયાનો મેથ્યૂ વેડ યાદ આવે. માત્ર સોળ વર્ષની વયે મેથ્યૂ વેડ ટેસ્ટિકુલર કેન્સરથી પીડિત હતો, પરંતુ ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ કિમોથેરાપી લીધી. વળી કલર બ્લાઇન્ડ થવાથી ક્યારેક અમુક ક્રિકેટ બોલના રંગોથી એ મુશ્કેલી અનુભવતો રહ્યો, પણ તેમ છતાં ૩૬ વર્ષની વય ધરાવતા મેથ્યૂ વેડે વિકેટ કીપર અને બેટર તરીકે તમામ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું.
પંતની સાથે વેસ્ટ ઇન્ડિઝના નિકોલસ પૂરનને યાદ કરવો જોઈએ. ૨૦૧૫ના જાન્યુઆરીમાં ટ્રિનિદાદ ટાપુના સેન્ટ મેરી ગામના રસ્તા પર અકસ્માત થતા એના ઘૂંટણ અને ઘૂંટીને ગંભીર ઈજાઓ થઈ. બે વર્ષ સુધી એ મેદાનની બહાર રહ્યો અને એ પછી એ જ સફળતા સાથે પુનરાગમન કર્યું. એક વિસ્ફોટક બેટર તરીકે ટી-ટ્વેન્ટી ક્રિકેટમાં અને ભારતની આઈ.પી.એલ.માં એ આગવું સ્થાન ધરાવે છે. તેમજ વેસ્ટ ઇન્ડિઝ તરફથી ઘણી મેચોમાં બેટિંગથી એનો તારણહાર બને છે.
બીમારીની વાત આવે, ત્યારે સુલતાન ઓફ સ્વિંગ તરીકે ઓળખાતા પાકિસ્તાનના શાનદાર ગોલંદાજ વસીમ અકરમનું સ્મરણ થાય. આ ડાબોડી ફાસ્ટ ગોલંદાજે જગતને 'રિવર્સ સ્વિંગ' ગોલંદાજીની ભેટ આપી. ૧૯૯૭માં વસીમને ટાઈપ વન ડાયાબિટીસ હોવાનું નિદાન થયું, ત્યારે લોકોએ માન્યું કે એની કારકિર્દીનો સૂર્ય અસ્ત પામ્યો છે, પણ વસીમ અકરમે એ પછી એની ક્રિકેટ કામિયાબીનો સૂર્ય મધ્યાહ્ને ચમકતો રાખ્યો. પાકિસ્તાનના સૌથી શક્તિશાળી ગોલંદાજ તરીકે વન-ડે ક્રિકેટમાં ૫૦૦ વિકેટ હાંસલ કરનાર પ્રથમ ગોલંદાજ તરીકે અને ૮૮૧ વિકેટ ઝડપવાનો વિક્રમ ધરાવનાર તરીકે તો વસીમ અકરમે ક્રિકેટના મેદાન પર કામયાબી મેળવી અને એ પછી પાકિસ્તાનની ટીમના કોચ અને હાલ કોમેન્ટ્રેટર તરીકે એ કામગીરી બજાવે છે. આવા કેટલાંય ક્રિકેટરો એ મુશ્કેલીના એવરેસ્ટને પરાજિત કરીને મેળવેલી સિદ્ધિનું સ્મરણ થાય છે. ક્યારેક એ વિશે હવે પછી.
- ક્ષણનો સાક્ષાત્કાર
દીર્ઘકાળના સંશોધન પછી સર્જાયેલી એક ઘટનાને આપણે ચમત્કારરૂપે માની લઈએ છીએ અને પછી એ ઘટનાની પાછળનાં વર્ષોનાં સંશોધન અને અવિરત પુરુષાર્થને ભૂલી જઈએ છીએ. સફળતાની ક્ષણના સર્જનની પાછળ નિષ્ફળતાઓની લાંબી યાદી છુપાયેલી હોય છે અને દ્રઢ નિશ્ચયથી થયેલી નિરંતર ખોજનો ઇતિહાસ રહેલો હોય છે.
આપણે એમ માનીએ છીએ કે આર્કિમીડીઝે સ્નાન કરતાં કરતાં એને રાજાના સોનાંનાં મુગટમાં તાંબાનું કેટલું પ્રમાણ છે એ શોધી કાઢયું હતું અને એની પાછળનો સિદ્ધાંત હાથ લાગતા જ એ સ્નાન કરતા કરતા બહાર દોડી આવ્યા અને ભાન ભૂલીને 'યૂરેકા,' 'યૂરેકા' (મને જડી ગયું !, મને જડી ગયું !) એમ કહેતાં રસ્તા પર દોડી ગયા હતા. આપણે 'યૂરેકા' શબ્દને યાદ રાખ્યો, પણ આની પાછળ પ્રાચીન ગ્રીસનાં મહાન સંશોધક અને ગણિતજ્ઞા આર્કિમીડીઝે ઘણાં વર્ષો પસાર કર્યાં હતાં અને પોતાના અભ્યાસ, મનન અને પ્રયાસની ફલશ્રુતિ રૂપે આ 'યૂરેકા' શબ્દ આનંદના પ્રાગટયરૂપે બોલાયો હતો. આનો અર્થ એ કે 'યૂરેકા' એ સફળતાનો ઉદ્ગાર તો ખરો જ, પરંતુ એ સફળતાની પાછળ કોઈ ક્ષણિક વિચાર નહીં, બલ્કે એક લાંબી સૈદ્ધાતિક ખોજ હતી.
આવી જ ઘટના અંગ્રેજ ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી સર આઇઝેક ન્યૂટન (૧૬૪૨-૧૭૨૭)ના જીવનમાં જોવા મળે છે. વૃક્ષ પરથી પડતા સફરજનને જોઈને એણે ગુરૂત્વાકર્ષણનો નિયમ શોધ્યો હતો એમ કહીએ છીએ, પરંતુ હકીકત એ છે કે એ પૂર્વે સર આઇઝેક ન્યૂટને દકાર્ત, કોપરનિક્સ, ગેલિલીયો અને કેપલર જેવા મહાન વૈજ્ઞાાનિકોનાં ગ્રંથોનો ગહન અભ્યાસ કર્યો હતો. દ્વિપદી પ્રમેય જેવા મહત્ત્વનાં નિયમનું સંશોધન કર્યું હતું, જે આજે એની કબર પર કોતરવામાં આવ્યો છે. એ પછી કલનશાસ્ત્ર (કેલક્યૂલસ)નું સંશોધન કર્યું. પદાર્થની ગતિ વિશેનાં નિયમોનો વિચાર કર્યો. પદાર્થ પર લાગુ પડતાં બળો અને પદાર્થનાં સ્થાનાંતર વચ્ચેનાં સંબંધો એણે નિયમો દ્વારા અભિવ્યક્ત કર્યા અને આ બધું થયા પછી વૃક્ષ પરથી સફરજનને જોઈ મુક્ત પતના પામતા પદાર્થની ગતિ અંગેનો ગુરૂત્વાકર્ષણનો નિયમ સ્ફૂર્યો હતો.
હકીકતમાં એ સર આઇઝેક ન્યૂટનના ભૌતિકશાસ્ત્રના લાંબા અભ્યાસ અને સંશોધનનું પરિણામ હતું. બે દાયકા સુધી કામ કર્યા પછી એણે એના પુસ્તકમાં આનો ઉલ્લેખ કર્યો, એનો અર્થ એ જ એ કે પ્રતિભાના પ્રાગટયની પાછળ કેટલાંય વર્ષોની સંશોધનયાત્રા સમાયેલી હોય છે.