Get The App

નવા વરસમાં સદાય નવા રહેવા માટે TOP TEN એજન્ડા!

Updated: Nov 10th, 2024


Google NewsGoogle News
નવા વરસમાં સદાય નવા રહેવા માટે TOP TEN એજન્ડા! 1 - image


- સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા

- દરેક સપ્તાહે પાલન કરવા જેવી આ દસ ટેવો રાખીશું તો બહુ બધા ફોરવર્ડિયા ઠલવાતા જ્ઞાાન વિના તનદુરસ્ત ને મનદુરસ્ત રહીશું

સો શ્યલ મિડિયા પર અવનવા ક્રેઝી રૂલ્સ, પ્રોટોકોલ્સની ભરમાર છે આજકાલ. અંકુર વારિકુ (લે, એ કોણ એ નથી ઓળખતા ? તો એનો ઓનલાઈન જન્મારો એળે ગયો !) એ હમણા રિલેશનશિપ્સ માટેના ૨-૨-૨ પ્રિન્સિપલને ફલોટ કરેલો, યાને વિડિયોમાં તરતો મૂકેલો. બકૌલ, ૨-૨-૨ દરેક કપલે બે સપ્તાહમાં એક ડેટ નાઈટ ઉજવવી, (ડેટ નાઈટ એટલે પરણ્યા કે બાળકો બાદ પણ કરિઅર, સ્ટેટસ, ઉંમર બધું ભૂલીને ટીનએજરની જેમ ફન એન્જોય કરવું, સજીધજીને ડિનર પર જવું વગૈરાહ) બે મહિને વીકએન્ડના દિવસો એકમેક જોડે કોઈ રોમેન્ટિક ડેસ્ટિનેશન પર પ્રવાસે જવું અને બે વર્ષે એક વીક માટે અગાઉ ન ગયા હો એવા સ્થળે જવું.

વચ્ચે આપણે ત્યાં રીલના પ્રમોશન માટે સિક્યુરિટીના બહાને બેન થઈ ગયેલા ટિકટોકમાં ૩૦-૩૦-૩૦ રૂલની ફિટનેસ માટે ધૂમ હતી. સવારે ઉઠી પહેલી ૩૦ મિનિટમાં ૩૦ ગ્રામ પ્રોટીન આરોગી ૩૦ મિનિટ લો ઈન્ટેન્સિટી એક્સસાઈઝ કરવાની ! આમ અકેલુંઅટ લાગે. જોકે, બધાને લાગુ ન પડે. કોઈ સવારે ઉઠી ૩૦ મિનિટમાં ખાતા ન હોય તો કોઈને સીધું પ્રોટીનવાળું ફૂડ ફાવે નહિ કે કોઈ તરત કસરત ના કરે તો કોઈ ૩૦ મિનિટથી વધારે કરે. અને દરેકના બોડી રિસ્પોન્સ અલગ હોય, નેચરલ હેબિટ જૂદી બની હોઈ. એટલે એક્સપર્ટસના મતે આ કોઈ અમૃતઔષધ નહોતું, પણ ટ્રેડિંગ થઈ ગયું.

તો આપણે ત્રણ દસકાથી નવા નવા આઈડિયાઝની ખાણ ઉલેચીએ છીએ, ત્યારે પ્યારા રીડરબિરાદરો માટે પણ નવા વિક્રમ સંવતમાં પ્રથમ લેખે કશુંક નવું કરીએ. મૌલિક, ઓરિજીનલ ફોર્મ્યુલા. એ પણ લગભગ બધા એજ ગુ્રપ અને બેકગ્રાઉન્ડના લોકો, કોઈ વધારાના ખર્ચ વિના થોડા ફેરફાર સાથે આસાનીથી અમલમાં મૂકી શકે એવી યુનિવર્સલ અને સિમ્પલ !

બહુ મોટા મોટા પ્લાનિંગ પણ નહિ. વીકલી ફોલો અપ. આખા વરસને બાવન સપ્તાહમાં વંહેંચી નાખવાનું. એમાંથી પાંચ-સાત સપ્તાહ પ્રસંગોપાત માંદગી, લગ્નમરણ જેવી બાહ્ય ઘટનાઓ કે પ્રવાસને લીધે પાલન ના થઈ શકે તો ૪૫ અઠવાડિયા સુધી ચાલી જાય. એક વાત યાદ રાખજો. ભલે, આ વાતો થોડીઘણી 'લે, આમાં નવું શું કહ્યું' જેવી પ્રેડિકટેબલ લાગે, પણ એનું કારણ એ જ કે એ સાયન્ટિફિક છે. માટે માળખું વ્યકિતગત છે, સચ્ચાઈ આ સૂચનો પાછળ સિધ્ધ થયેલા સંશોધનોની છે.

(૧) એક દિવસ ઉપવાસ ઃ નોર્મલ તબિયત હોય ને બધું ખાવાની છૂટ હોય, તો પણ અને બીમારીને લીધે શરીર લથડયું હોય તો પણ, પ્રાચીન શાસ્ત્રોથી અર્વાચીન મેડિકલ સાયન્સ - બધા ફાસ્ટિંગના ફાયદા બાબતે એકમત છે. પણ બે બાબત મહત્ત્વની. ઉપવાસ એટલે પૂરો ચોવીસ (ખરેખર તો નીંદર ગણીને ૩૬!) કલાકનો ઉપવાસ કરવાનો. ફરાળ નહિ. એકટાણું નહિ. સવારે શરૂ કરી રાત્રે ૧૨ વાગે છોડવાનો નહિ. શક્ય હોય તો પાણી પીને ફક્ત ને નહિ તો સાંજે એક ટંક થોડા ફળો અને શાકભાજીનું કચૂંબર ખાવાનું. ધેટ્સ ઈટ. બીજું, ઉત્સાહમાં આવી યુટયુબ જોઈને અતિરેક પણ નહિ કરવાનો, કેવળ સળંગ સતત ઉપવાસથી થોડો સમય સારું લાગે પણ કાયમી ધોરણે વારંવાર કર્યા કરો તો ન્યુટ્રીશનલ પ્રોબ્લેમ થઈ શકે, ઇલેકટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થાય ! બસ, વન ફાસ્ટ એ વીક કોઈ પણ તાસીર માટે ઉત્તમ. શરીરને આરામ મળે ને પાચન માટેની જગ્યા મળે !

(૨) બે કલાક ચાલવાનું ઃ ચાલનારના માત્ર પગ જ નહિ, મગજ પણ ચાલે છે. અન્ય હળવી / ભારે જે કસરત કરવી હોય એ એક્સપર્ટને પૂછીને કરો. પણ આખા દિવસમાં સ્ટેપ ના ગણો તો પણ ટૂકડે-ટૂકડે કરો તો મિનિમમ પંદર-વીસ મિનિટના એક 'ચંક' એમ બે કલાક જરા ઝડપથી એક ધારું ચાલવાનું ! ભલે ઇયરપ્લગ ભરાવી હેડફોનમાં ગીતો કે વિડિયો સાંભળો. મોનોટાનસ યાને એકવિધતા લાગે તો લોકેશન ચેજ કરો પણ બે કલાક વોકિંગ ડેઈલી ઈઝ મસ્ટ. ખાધેલું સઘળું પચી જાય એ મુખ્ય ફાયદો. થાકને લીધે આરામ સારો થાય એ બીજો. વજન ઘટે ને સ્ફૂર્તિ વધે એ ત્રીજો. વળી, બ્રેઈન પણ શાર્પ આઈડિયાઝ આપે. લાંબા ચાલતા કોલ પણ મોબાઈલનો ખરો ઉપયોગ સમજીને એ... દરમિયાન ચાલવાનો છે !

(૩) ત્રણ કલાકની ફિલ્મ ઃ હા, આ પણ જરૂરી છે. મગજ સતત કામ કે પારકી પંચાતમાં પરોવાયેલું રાખશો તો પછી બોજથી થાકી જશે, ચીજો ભૂલવા લાગશો. ચીડિયો સ્વભાવ થતો જશે. હતાશા ઘેરી વળશે ધાર્યું નહિ થાય ત્યારે. માટે બી રિલેકસ્ડ. જ્ઞાાનતંતુઓને નિદ્રા વિના પણ આરામ આપો. સીરિઝમાં ઓવરડોઝ થતો હોય છે, ખેંચી ખેંચીને એપિસોડ્સ વધારાય કે સીકવન્સ આવ્યા કરે રોકડિયો પાક લણવા. એમાં સિલેકટિવ રહો પણ ઓટીટીને લીધે જગતભરની ફિલ્મો ઘરમાં ઠલવાય છે, ને થિયેટરો પણ બંધ નથી થયા. ફિલ્મોનો શોખ ન હોય તો મનગમતું મનોરંજન માણો. ગેમ્સ રમો. સંગીત સાંભળો. નૃત્ય કરો. પણ હળવાફૂલ રહેવા માટે મગજને આરામ આપો. ગાર્ડનિંગથી કૂકિંગ સુધીની હોબીઝ છે.

(૪) ચાર દિવસનું ઘરનું ભોજન ઃ બે ટંક જમતા હો તો આઠ ટંક થયા ચૌદમાંથી. ત્રણ દિવસ બહારનું ખાવાનું થતું હોય તો ચાર દિવસ ઘરનું, સાદું પણ સ્વાદિષ્ટ, પરંપરાગત ભોજન ગરમાગરમ લો. સતત બહાર રહેવાનું થાય તો ઘરના ભોજનના વિકલ્પે સેલડ કે ફ્રુટસ વધુ લો. પ્રિપર્ડે પ્રોસેસ્ડ નાસ્ત મિનિમમ રાખી ગરમ હળવા નાસ્તા જેમ કે સાઉથ ઇન્ડિયન કે પૌંઆ વગેરેની ટેવ પાડો અને છાશ કે નાળિયેર પાણી સોફ્ટ ડ્રિન્કસને બદલે લો. ફિલ્મ જોતી વખતે થિયેટરમાં આખા ટંકના ભૂખ્યા હો તો જ નાચોઝ, પોપકોર્ન લો. એક દિવસ ઉપવાસ તે ચાર દિવસ ઘર જેવું સિમ્પલ હેલ્થી ખાવાનું તો બે દિવસ કંઈક મનગમતું ખાઈ શકશો લાંબા સમય સુધી.

(૫) પાંચ કલાક નવા શોખ ઃ અઠવાડિયામા પાંચ કલાક નવી કોઈ પ્રવૃત્તિ કે જ્ઞાન મેળવવા માટે રાખો. નવી કસરત પણ શીખી શકાય અને વાનગી બનાવતા પણ. ફોટોગ્રાફી સરખી જાણો કે ડાન્સના સ્ટેમ્પસ માણો. ચિત્રકામ કે કોઈ વાદ્ય વગાડતા, આવડતું ન હોય તો મોબાઇલમાં મેસેજ ટાઇપ કરતા શીખી લેવાય અને અંગ્રેજી કે એવી કોઈ ઉપયોગી ભાષા શીખી લેવાય, ખેતી પણ શીખી શકાય અને કપડાંને ગડી કરતા કે ધોતા પણ શીખી શકાય. લાઇફ ઇઝ લર્નિંગ. જીવન પૂરું થાય છે, શિક્ષણ નહિ એટલે શીખતા રહેશો તો મનથી ુયુવાન રહેશો. કૂતુહલ જળવાયેલું રહેશે. નવી પ્રવૃત્તિ જીવનનો કંટાળો, ખાલીપો અને નિરાશા દૂર રશે. નવી કસરત શારીરિક ક્ષમતા વધારશે.

(૬) છ કલાક વાંચન ઃ ઝડપ સારી હોય તો એક સારું પુસ્તક પૂરું થઈ શકે. સપ્તાહમાં એક પુસ્તક વાંચવું નવું, એ તો બેસ્ટ. સ્ક્રીન ટાઇમ એટલો ઘટે. મનમાં નવી ઇમેજીનેશન આવે. નવા નવા વિચારો ઉમેરાય, અવનવું જ્ઞાાન મળતા જૂની જડ માન્યતા કે ખોટી માહિતી ઘટે. વિશ્વ સાહિત્યનો ઘર બેઠા પરિચય થાય. બૂક ના વાંચી શકો તો મેગેઝીન્સ હાથમાં લઈ આર્ટિકલ્સ વાંચો. પૂર્તિ વાંચો. ઓનલાઇન વિડિયો જ જોઈ પેસિવ થવાને બદલે એક્ટિવ થઈને ડિજીટલ વાંચો. બટ રીડ. ઇટ્સ એ નીડ ટુ લીડ. વાંચવાથી શબ્દો જડશે બોલવા માટે, ને કામ લાગશે કટોકટીમાં

(૭) સાત કલાક ઊંઘ ઃ વાંરવારના વિવિધ દેશોના સાયન્ટિફિક સ્ટડીમાં આ તો પુરવાર થયેલું છે કે, સ્વાસ્થ્યની ચાવી સારા પાચન અને સારી નિદ્રામાં છે. સાત કલાકની સરસ તરત આવે ને સપના ઓછા હોય એવી ગાઢ નિંદર ઓક્સિજન જેટલી અનિવાર્ય છે. પરાણે થતા સોશ્યલાઇઝિંગ ટાળી બાળકની જેમ નિંદર આવે તો કજીયો કરીને પણ સૂઈ જ જવાનું બેશરમ, બેફિકર થઈને. કામની જવાબદારીઓ કે શોખને લીધે ઉજાગરા થતા હોય તો રાજકોટવાસીઓ માફક બપોરે સૂઈ ઘટ પૂરી કરી લેવાની. પણ સાત કલાક રોજેરોજ ઊંઘ થવી જોઈએ.

(૮) આઠ કલાક બહાર ઃ આમ તો રોજ આઠ કલાક બાર જવું જોઈએ પણ નોકરી, ભણતર માટે એ થતું હોય એમ માની સપ્તાહમાં આઠ કલાક જેવો સમય જિંદગી ક્યા હૈ કિતાબો કો હટાકર દેખોની માફક રખડપટ્ટી કરવી. કોઈ ગમતા, મિત્રો સંબંધીઓને મળવું, મોબાઇલને બદલે માણસની આંખમાં આંખ નાખવી. ટહેલવું બને ને ફાવે તો બહાર જઈને રમતો રમવી, સ્ક્રીન પર નહિ. દોડવું કે બગીચાથી બજાર સુધી સૈરસપાટા કરવા. ફ્રેશ એરની, સનલાઇટની પણ એક થેરેપી છે. ઘોંઘાટિયા ગંદા સ્થળોથી દૂર રહીને એ ભોગવવી.

(૯) નવ કલાક પ્રેમ ઃ એકદમ જરૂરી છે આ. રિલેશન્સ માટે. પાર્ટનર કે લવર સાથે રહો. સંવનન કરો, સહશયન કરો, ગુડ સેક્સ ઇઝ મૂડ એલીવેટર, પણ એ સિવાય એકબીજાને સ્પર્શ કરો. વાળમાં આંગળી પરોવી બેસો. વ્હાલથી વાતો કરો, મીઠાં ચુંબનો લો. શરીરને એપ્રિશિએટ કરો. મસ્તીમજાક કરો ને શેરિંગ કરો. સપ્તાહમાં નવ કલાક પણ લવમેકિંગ માટે ટાઇમ નથી તો પ્રિયજનને બદલે બોસને થાબડભાણા કરવામાં જિંદગી બરબાદ થઈ જશે. કામની અગત્યતા હોય, તો આ પણ અગત્યનુંકામ છે. રોમેન્ટિક લાઇફ નથી ? નો વરીઝ. બાળકને લાડ કરો. રમાડો. ફેરવો. કાલીઘેલી વાતો કરો. બાળકો નથી આસપાસમા ? તો પ્રાણીપક્ષી સાથે પ્રેમ જતાવો. પ્રેમ તમારી અંદર ઉભરાતો રાખશો તો પાત્રો જડતા જશે પણ સૂકવી નાખશો તો ડિપ્રેશન ઘેરી વળશે. મિત્રો બનાવો ને મિત્રો સાથે ગોષ્ઠી કરો પણ હુંફાળા સંબંધો માટે સમય આપો.

(૧૦) દસ કલાક સળંગ મૌન ઃ કોઈ એક દિવસ સપ્તાહમાં પસંદ કરીને, સૂવા જવાનો સમય બાદ કરીને, કોઈ ધાર્મિક વ્રત જેટલી ચુસ્ત શિસ્તથી દસ કલાક સળંગ મૌન રાખવાનું વધુ કલાકો થાય તો જમાવટ. પણ મિનિમમ દસ કલાક. દરેક અઠવાડિયે. અવાજ તો સારો થશે ને શ્વાસોચ્છશ્વાસ પર ધ્યાન જતાં પ્રાણાયમ પણ થશે. પણ એથી વિશેષ તો એ કે ચિત્ત શાંત થશે. સેલ્ફ ઓડિટ થશે. અઠવાડિયામાં આપણે કરેલી ભૂલોનું આત્મનિરીક્ષણ થશે અને જે ગમ્યું હોય એ વાગોળી ફરીફરી કરવાનો ગુલાલ થશે. ખોટી ખટપટમાં જીવ નહિ પરોવાય. શાંતિ મળશે ભીતરથી અને સ્ટડી કરતા હો તો એકાગ્રતા અચૂક વધશે. મૌન સ્વયં એક સાધના છે, ભક્તિ ન કરો તો પ્રકૃતિને મહેસુસ કરવાની !

તો આ દસ આદતો મોટા ભાગના અઠવાડિયા માટે હશે તો બસ હર દિન દશહરા, હર રાત દિવાલીની જેમ વરસ નવું નક્કોર જ રહેશે કાયમ !

ફાસ્ટ ફોરવર્ડ

કોઈ ગમતું, વિયોગ બાદ

અચાનક મળી જાય,

એ દિવાળી.

પ્રિયજન નજીક આવે ને

શરમથી પાંપણ ઢળે,

એ દિવાળી.

ન બારણે કોઈ

છતાં દ્વાર ખખડે,

ને ઉઘાડો બારણાં તો

સામે હરિ મલકે...

એ દિવાળી

(વિહંગ મહેતા)


Google NewsGoogle News