Get The App

નવા વર્ષે સાહસની દુનિયાનું એક અદ્ભુત પ્રકરણ ખોલીએ...

Updated: Nov 10th, 2024


Google NewsGoogle News
નવા વર્ષે સાહસની દુનિયાનું એક અદ્ભુત પ્રકરણ ખોલીએ... 1 - image


- સારા આઉટન : જમીન અને દરિયાઈ માર્ગે દુનિયા ખૂંદનારી યુવતી

- સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

- હિન્દ અને પ્રશાંત મહાસાગરને રોવિંગ બોટની મદદથી એકલા હાથે પાર કરનારી સારા દુનિયાની સૌથી યુવા સાહસિક છે. તેણે એન્જિનથી ચાલતા વાહનના ઉપયોગ વગર દુનિયાની પરિક્રમા કરી છે.... 

નવા વર્ષે સાહસની દુનિયાનું એક અદ્ભુત પ્રકરણ ખોલીએ... 2 - image

- સાહસ કે બીજું કંઈ પણ કરવા માટે ધીરજ આવશ્યક છે. ૨૧મી સદીમાં આપણે અધીરા-ઉતાવળા બની ગયા છીએ, પરંતુ ધીરજથી ભલભલી લડાઈઓ જીતી શકાય છે. ઃ સારા આઉટન

દ રિયાઈ અને જમીની માર્ગે દુનિયાની પરિક્રમા કરવાનું કામ કપરું છે, પરંતુ એમાંય જો એન્જિનથી ચાલતા વાહનના ઉપયોગ વગર, માત્ર આપબળે ચાલતા વાહનોથી દુનિયા ઘૂમવાની હોય તો એમાં જબરી હિંમત જોઈએ. વળી, એ કામ એકલા પાર પાડવાનું હોય તો અપાર સાહસની જરૂર પડે છે. અજાણ્યા દરિયામાં, અજાણ્યા માર્ગો પર માત્ર ખપ પૂરતો સામાન લઈને નીકળી પડવું તે જેવું તેવું સાહસ નથી. કેટ-કેટલી મુશ્કેલીઓ સાહસિક સામે પડકાર સર્જે છે. ખાસ તો જુદા-જુદા ખંડનું ઝડપથી બદલાઈ જતું તાપમાન આવા સાહસને પ્રભાવિત કરે છે. અલગ અલગ દેશના હવામાનની સાહસિકના શરીર પર અવળી અસર પડતી રહે છે અને એમાં શારીરિક-માનસિક સંતુલન જાળવી રાખવાનું કામ સૌથી વિકટ છે. 

સાહસિકે ક્યારેક દરિયાઈ તોફાનોનો સામનો કરવો પડે છે, તો ક્યારેક અતિભારે વરસાદ અને પૂરનો પ્રકોપ પણ ખમવો પડે છે. હાથ કે પગની મદદથી ચાલતા વાહનોમાં કશીક ગરબડ સર્જાય તો અવાવરું જગ્યાએ ફસાઈ જવું પડે છે. ક્યારેક નક્કી કરેલા માર્ગે આફત આવી પડતાં કે સ્થાનિક સરકારી અધિકારીઓની પરવાનગી ન મળતાં છેક છેલ્લી ઘડીએ રૂટ બદલવો પડે છે. ઘણી વખત જે દેશમાંથી પસાર થવાનું હોય ત્યાંના સ્થાનિક પરિબળો પણ સાહસયાત્રાને પ્રભાવિત કરે છે. આવા સાહસમાં ઘણી વખત જીવનું જોખમ પણ આવી પડે છે.

પાર વગરની વિષમતા છતાં ઘણાં સાહસિકો દરિયાઈ અને જમીની માર્ગે આપબળે ચાલતા વાહનો લઈને અદ્વિતીય સાહસ કરવા નીકળી પડતા હોય છે. માર્ગમાં અનેકાનેક મુશ્કેલીઓ આવે છતાં નક્કી કરેલા લક્ષ્યથી બિલકુલ હટયા વગર સાહસ પાર પાડીને જ પાછા ફરે છે. અડગ મનોબળ ધરાવતા આવા જ યુવા સાહસિકોમાં આજે પહેલી હરોળનું નામ છે - સારા આઉટન.

    

સારા આઉટને ઓક્સફર્ડ યુનિવર્સિટીની સેન્ટ હ્યુજીસ કોલેજમાંથી બાયોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. કોલેજની સ્પર્ધામાં તેણે પ્રથમ વખત ૨૦૦૪માં રોવિંગ બોટની હરીફાઈમાં ભાગ લીધો હતો. એ રીતે હલેસાંથી ચાલતી હોડીના સાહસ સાથે તેનો પહેલોવહેલો પરિચય થયો. ચારેક વર્ષમાં નાની-મોટી સાહસની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને રોવિંગ બોટ, કાયેક બોટ તેમ જ સાઈક્લિંગનો બરાબર અનુભવ મેળવ્યો.

૨૦૦૯માં ઓસ્ટ્રેલિયાના ફ્રેમેન્ટલ બંદરેથી મોરેસિયસ સુધી રોવિંગ બોટની મદદથી સોલો સાહસ કર્યું. રોવિંગ બોટથી એકલા હિન્દ મહાસાગર ખૂંદનારી એ સૌથી યુવા સાહસિક અને પ્રથમ મહિલા બની ગઈ. આવું સાહસ ખેડનારી તે દુનિયાની ચોથી વ્યક્તિ હતી. ૨૦૦૬માં અવસાન પામેલા પિતાના સ્મરણમાં ચેરિટી આપવા માટે તેણે આ સાહસયાત્રા કરી હતી, જેમાં ૩૦ હજાર પાઉન્ડ જેવી રકમ એકઠી થઈ હતી અને સારી એવી પ્રસિદ્ધિ પણ મળી હતી. ગિનેસ બુકમાં આ સાહસનો રેકોર્ડ નોંધાયો ને પ્રતિષ્ઠિત રોયલ જ્યોગ્રાફિકલ સોસાયટીનું સભ્યપદ મળ્યું.

આ સાહસ પછી સારાનો આત્મવિશ્વાસ બુલંદી પર હતો. ૨૦૧૧માં ૨૫-૨૬ વર્ષની વયે તેણે મોટા સાહસની જાહેરાત કરી. 'લંડનથી લંડન વાયા વર્લ્ડ' એવા સાહસ હેઠળ સારાએ સમુદ્ર અને જમીન મારફતે પૃથ્વીની પરિક્રમાનું બીડું ઝડપ્યું. સાહસ સામે મોટા પડકારો હતા. યાત્રા દરમિયાન તે એવા જ વાહનોનો ઉપયોગ કરવાની હતી, જેમાં એન્જિન ન હોય. તેણે એવા વાહનો પસંદ કર્યા હતા જે માત્ર સાહસિકની શારીરિક શક્તિથી ચાલતા હોય. આ રીતે દુનિયાનું પરિભ્રમણ કરનારી એ જગતની સંભવતઃ પ્રથમ મહિલા બનવાની હતી. સાહસયાત્રા દરમિયાન સારાએ રોવિંગ બોટ સાઈકલ અને કાયેક બોટ સિવાયના વાહનોનો ઉપયોગ ન કરવાનું ઠરાવ્યું. રોવિંગ બોટ અને કાયેક બોટ ચલાવવામાં થોડો ફરક હોય છે. રોવિંગ બોટ એટલે એવી બોટ જેમાં બંને તરફ હલેસાં પહેલેથી જ નિયત ભાગમાં લગાવાયા હોય છે. કાયેક બોટમાં હલેસું બોટ સાથે લગાવેલું નથી હોતું, સાતેક ફૂટ લાંબાં એક હલેસાંને નાવિક પાણીમાં બંને તરફ ફેરવીને બોટ ચલાવે છે. બંને બોટ શારીરિક બળથી જ ચાલે છે. એમાં એન્જિન હોતું નથી.

    

એપ્રિલ-૨૦૧૧માં લંડનથી તેણે વિશ્વપ્રવાસ આરંભ્યો. સાઈકલ સવારી કરીને યુરોપ ઘૂમ્યા બાદ તુર્કીના ઈસ્તામ્બુલ થઈને એશિયામાં પ્રવેશ કર્યો. પશ્વિમ એશિયાના દેશોને પાર કરીને ત્યાંથી મધ્યએશિયાનો પ્રવાસ ખેડયો. દક્ષિણ એશિયન દેશોમાં થતી એની સાઈકલ પૂર્વ એશિયાના દેશોને પાર કરતી કરતી જાપાન આવી પહોંચી. અહીં સુધીનો પ્રવાસ શારીરિક રીતે થકાવી દેનારો હતો, છતાં એને માનસિક શાંતિ હતી. જે તે દેશના ચોમાસા અને પૂરની સ્થિતિને બાદ કરતાં બહુ વાંધો આવ્યો ન હતો.

પરંતુ હવેનો પ્રવાસ વધુ પડકારભર્યો હતો. જાપાનથી પ્રશાંત મહાસાગર ઓળંગીને અમેરિકાના અલાસ્કા સુધી જવાનું હતું. એ પ્રવાસ માટે સારાએ રોવિંગ બોટની મદદ લીધી. જાપાનથી ઉત્તર પ્રશાંત મહાસાગરમાં આગળનો પ્રવાસ શરૂ કર્યો જ હતો કે એકાએક સમુદ્રમાં ભયાનક તોફાન ત્રાટક્યું. રોવિંગ બોટને નુકસાન થયું. સારા પણ ઈજાગ્રસ્ત થઈ.

મધદરિયેથી ખૂબ જ ખરાબ સ્થિતિમાં એને રેસ્ક્યૂ કરવી પડી. ઈજામાંથી બહાર આવતા છ મહિના લાગી ગયા. ગુલિવર નામની તેની રોવિંગ બોટ હવે નકામી હતી. દરિયાના વિશાળ મોંજાની થપાટો એ ખમી શકે તેમ ન હતી. હેપી સોક્સ નામની નવી રોવિંગ બોટ સાથે સારા છ માસના વિરામ બાદ ફરીથી પેસિફિક મહાસાગરમાં ઉતરી.

આ સફળ ઐતિહાસિક બની રહેવાની હતી. સપ્ટેમ્બર-૨૦૧૩માં લગભગ ૩૭૫૦ નોટિકલ માઈલનું અંતર કાપીને તેણે ઉત્તર પ્રશાંત મહાસાગર પાર કર્યો. રોવિંગ બોટની મદદથી પેસિફિક મહાસાગર પાર કરનારી તે વિશ્વની પ્રથમ મહિલા સાહસિક બની. અગાઉ ઓસ્ટ્રેલિયાથી મોરેસિયસનું અંતર કાપીને હિન્દ મહાસાગરનો રેકોર્ડ બનાવ્યો હતો. હિન્દ અને પ્રશાંત મહાસાગર રોવિંગ બોટથી એકલા હાથે પાર કરનારી એ જગતની પ્રથમ મહિલા અને સૌથી યુવા સાહસિક બની.

અમેરિકાના અલાસ્કા પહોંચ્યા બાદ આગળનો પ્રવાસ શરૂ થાય તે પહેલાં પ્રશાંત મહાસાગરમાં ભયાનક તોફાન આવ્યું. મૂળ આયોજન પ્રમાણે અમેરિકાના અલાસ્કાથી રોવિંગ બોટમાં જ સારા બેરિંગ સાગર ઓળંગીને કેનેડા પહોંચવાની હતી. કેનેડાથી સાઈકલ લઈને અમેરિકામાં પ્રવેશવાનું હતું, પરંતુ વાતાવરણ અણધાર્યું બદલ્યું એટલે પ્રવાસનો રૂટ પણ બદલવો પડયો. થોડો વખત અલાસ્કાના હોમર ટાઉનમાં રહેવું પડયું. વાતાવરણ અનુકૂળ બન્યું તે પછી પશ્વિમ અમેરિકાના કાંઠાનો પ્રવાસ કરવા માટે સારાએ કાયેક બોટની મદદ લીધી. કોસ્ટલ શહેરો દરિયાઈ માર્ગે પાર કર્યા પછી તેનો આગળનો પ્રવાસ સાઈકલમાં શરૂ થયો. અમેરિકાના પશ્વિમકાંઠેથી સાઈકલમાં પૂર્વકાંઠે અને ત્યાંથી કેનેડા અને કેનેડાથી ફરી અમેરિકાના કેપ કોડમાં આવ્યા બાદ છેલ્લી અને લાંબી દરિયાઈ યાત્રાનો આરંભ થયો.

મેસેચ્યુસેટ્સના કેપ કોડથી હોડી લઈને ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં ઝંપલાવ્યું. ૩૨૦૦ નોટિકલ માઈલનું આ અંતર પૂરું થાય એટલે સારાના નામે એન્જિનથી ચાલતા વાહનના ઉપયોગ વગર સમુદ્રી અને ભૂમિ માર્ગે દુનિયાની પરિક્રમા કરનારી સૌથી યુવા મહિલા સાહસિકનો રેકોર્ડ સર્જાવાનો હતો, પણ છેલ્લો અવરોધ બાકી હતો. અત્યાર સુધીની યાત્રા પૂરી થઈ ત્યાં ૨૦૧૫નું વર્ષ આવી ચૂક્યું હતું. જુલાઈ-૨૦૧૫માં લંડન આવવા મુસાફરી શરૂ થઈ હતી, જે ઓક્ટોબરમાં પૂરી થવાની ધારણા હતી, પણ જોકિન વાવાઝોડાંએ એટલાન્ટિક મહાસાગરને ધમરોળ્યો. સારાની બોટ એ વાવાઝોડાંના રસ્તામાં આવીને ડેમેજ થઈ. વિશ્વપ્રવાસનો છેલ્લો તબક્કો ફરીથી લંબાવવો પડયો. એને આફ્રિકન કાંઠાને સ્પર્શીને લંડન પહોંચવાનું હતું એમાં સમય લાગ્યો અને આખરે નવેમ્બર-૨૦૧૫માં સારાની વિશ્વયાત્રા પૂરી થઈ.

 આ વિશ્વપ્રવાસે સારા આઉટનને ઘણું શીખવ્યું. એનો નિચોડ સારાએ પુસ્તકોમાં આપ્યો. હિન્દ મહાસાગર ખૂંદ્યો એના અનુભવમાંથી લખાયેલું પુસ્તક 'અ ડીપ ઈન ધ ઓશન' ૨૦૧૧માં પ્રસિદ્ધ થયું હતું અને દુનિયાની પરિક્રમા પછી લખેલું 'ડેર ટુ ડુ' ૨૦૧૬માં પબ્લિશ થયું.

હિન્દ, પ્રશાંત અને એટલાન્ટિક મહાસાગરોને હોડીથી અને તેના કાંઠે આવેલા દેશોને સાઈકલથી પાર કરનારી સારા દુનિયાની એકમાત્ર મહિલા સાહસિક છે. ત્રણ-ત્રણ ગિનેસ રેકોર્ડ ધરાવતી ૩૯ વર્ષની સારા આઉટન હવે બ્રિટનમાં મોટિવેશનલ સ્પીકર તરીકે ય જાણીતી છે. સાહસની દુનિયાની ઘણાં પ્રતિષ્ઠિત પુરસ્કારો પર નામ કોતરાવનારી સારા સાહસ અંગે કહે છેઃ 'સાહસ માટે અપાર હિંમત જોઈએ, પરંતુ અચાનક આવી પડનારી મુશ્કેલીઓ સામે ઝઝૂમવા માટે પ્રકૃતિ પર વિશ્વાસ રાખવો જરૂરી છે. પ્રકૃતિ તમારી પરીક્ષા કરે છે ને પછી તમને મદદરૂપ પણ બને છે.'

નવા વર્ષે સારા આઉટનની આ સાહસયાત્રા આપણને પ્રેરણા આપે એવી છે. જમાનો ઝડપનો છે. ઈન્સ્ટન્ટ શોપિંગથી ઈન્સ્ટન્ટ ફૂડની બોલબાલા છે. પ્રવાસ પહેલાં કઈ ટ્રેન-બસ ઓછા સમયમાં પહોંચાડે છે એની ગણતરી મંડાતી હોય એવા સમયે ધીરજ કેળવવી કેવી રીતે? ત્યારે સારા આઉટનની આ સાહસયાત્રા આપણી મદદે આવે છે. એન્જિન વગરના વાહનોથી તેણે દુનિયા પાર કરી એમાં અપાર સાહસ ઉપરાંત કેટલી ધીરજની જરૂર પડી હશે? ચાર-સાડા ચાર વર્ષ સુધી સતત સપનું પૂરું કરવા ઝઝૂમવું પડયું હશે એમાં કેટલી ધીરજની જરૂર પડી હશે?

સારા પુસ્તકોમાં લખે છે : 'સાહસ કે બીજું કંઈ પણ કરવા માટે ધીરજ આવશ્યક છે. ૨૧મી સદીમાં આપણે અધીરા-ઉતાવળા બની ગયા છીએ, પરંતુ ધીરજથી ભલભલી લડાઈઓ જીતી શકાય છે.' 


Google NewsGoogle News