મરણ પછી પણ જીવન ટકી રહે છે તે પુરવાર કરતી પુનર્જન્મની ઘટના
- અગોચર વિશ્વ - દેવેશ મહેતા
- જેમનું મૃત્યુ હિંસક પ્રકારે અથવા આક્રમણ દ્વારા થયું હોય તેમનો જન્મ જલદી થઈ જાય છે. એમાંથી મોટાભાગના તો એનો બદલો લેવા માટે જ ફરી જન્મતા હોય છે
દુ નિયાના લગભગ દરેક દેશમાં પ્રાચીન કાળના ધર્મશાસ્ત્રોમાં પૂર્વજન્મ-પુનર્જન્મનો સિદ્ધાંત નિરૂપતિ થાય તેવી ઘટનાઓનો નિર્દેશ જોવા મળે છે. તાજેતરમાં પૂર્વજન્મની ઘટનાઓ અંગે વિશ્વાસપાત્ર, વૈજ્ઞાનિક પદ્ધતિથી સંશોધનો થયા છે અને એના પરિણામો સાચા હોવાનો વિશાળ બહુમત ઊભો થયો છે. સી.જે. ડુકાસ, ઈયાન સ્ટિવન્સન, જીમ ટકર જેવા મનોવિજ્ઞાનીઓએ આ ક્ષેત્રે નોંધપાત્ર સંશોધનો કર્યાં છે.
યુનિવર્સિટી ઓફ વૉશિંગ્ટન અને બ્રાઉન યુનિવર્સિટીમાં અધ્યાપન કરનારા ફ્રાન્સમાં જન્મેલા અમેરિકન તત્ત્વચિંતક કર્ટ જ્હોન ડુકાસ (Curt John Ducasse) મૃત્યુ પછીના જીવન (Life After Death) ના સિદ્ધાંતની તાત્ત્વિક અને વૈજ્ઞાાનિક શોધ અંગે પ્રવૃત્ત રહ્યા હતા. ડુકાસ ૧૯૫૧માં 'અમેરિકન સોસાયટી ફોર સાઇકિકલ રિસર્ચ' સંસ્થામાં સામેલ થયા હતા અને ૧૯૬૬થી તેના પ્રેસિડેન્ટ રૂપે કામ કરતા હતા. આ સંસ્થા અલૌકિક ઘટનાઓ પર વૈજ્ઞાાનિક શોધ કરે છે. એના શરૂઆતના સભ્યોમાં વિલિયમ ક્રુક્સ જેવા વિજ્ઞાાની અને હેનરી સિડવિક અને વિલિયમ જેમ્સ જેવા તત્ત્વચિંતકો પણ હતા.
પ્રોફેસર ડુકાસે વિસ્તૃત સંશોધન બાદ એક પુસ્તક લખ્યું હતું - 'ધ ડોક્ટ્રિન ઓફ રિઇન્કાર્નેશન ઇન ધ હિસ્ટ્રી ઓફ થોટ'. એમાં પ્રાગૈતિહાસિક કાળથી માંડીને પ્રવર્તમાન કાળ સુધીની પુનર્જન્મ સંબંધી અનેક ઘટનાઓનો સમાવેશ કરાયો છે. એ રીતે 'એ ક્રિટિકલ એક્ઝામિનેશન ઓફ ધ બિલિફ ઇન એ લાઈફ આફ્ટર ડેથ' એ પુસ્તકમાં મૃત્યુ પછીના જીવનના વિચારની શોધ કરવાનો તાત્ત્વિક પ્રયાસ કરાયો છે. વિજ્ઞાાન લેખક માર્ટિન ગાર્ડિનરે જણાવ્યું હતું કે ડુકાસ ઇશ્વરમાં અવિશ્વાસને માનવ આત્માઓના પૂર્વ અસ્તિત્ત્વ અને પરલોકમાં વિશ્વાસ સાથે જોડવા ઉલ્લેખનીય હતા. ડૉ. ડુકાસે તેમના ગ્રંથમાં મહાન ભવિષ્યવેત્તા એડગર કેયસીનું પણ ઉદાહરણ આપ્યું છે. અમેરિકામાં પુનર્જન્મની વાતોનું પ્રચલન એડગર કેયસીના પ્રયત્નોના પરિણામે શરૂ થયું. કેયસીએ દાવો કર્યો હતો કે તે બાઈબલના સમયથી માંડીને વર્તમાન સુધી પુનર્જન્મ સંબંધી બધી ઘટનાઓને સંકલિત કરી શકે છે.
અમેરિકાની વર્જિનિયા યુનિવર્સિટીના સાઈક્યિટ્રિસ્ટ ઈયાન સ્ટિવન્સને ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં પરિભ્રમણ કરી પુનર્જન્મને લગતા ૧૬૦૦ કિસ્સા એકત્રિત કર્યા. તેમાંથી ૧૯૬૬માં 'ટ્વેન્ટી કેઇસિઝ સજેસ્ટિવ ઓફ રિઈન્કાર્નેશન' નામનું પુસ્તક લખ્યું. તે પછી ૧૯૯૭માં 'રિઇન્કાર્નેશન એન્ડ બાયોલોજી - કોન્ટ્રિબ્યુશન ટુ ધ ઈલિયોલોજી ઓફ બર્થ માર્કસ એન્ડ બર્થ ડિફેક્ટસ' નામનું પુસ્તક લખ્યું. ૨૦૦૩માં 'યુરોપિયન કેઇસિઝ ઓફ ધ રિઇન્કાર્નેશન' નામનું પુસ્તક લખ્યું. તેમણે ૧૪ જેટલાં પુસ્તકો અને ૩૦૦ જેટલા પેપર્સ પ્રકાશિત કર્યા છે.
ઈયાન સ્ટિવન્સન કહે છે કે પુનર્જન્મની ઘટના જુદા જુદા સ્થળોએ જુદો જુદો સમયકાળ ધરાવે છે. તુર્કસ્તાનમાં ૯ મહિના, શ્રીલંકામાં ૨૧ મહિના, ભારતમાં ૨૫ મહિના અને અલાસ્કાના વિલજિટ ઇન્ડિયન્સમાં ૪૮ મહિનાની સમય અવધિ પુનર્જન્મ માટે મહદંશે લાગતી જોવામાં આવે છે. જો કે જેમનું મૃત્યુ હિંસક પ્રકારે અથવા આક્રમણ દ્વારા થયું હોય તેમનો જન્મ જલદી થઈ જાય છે. એમાંથી મોટાભાગના તો એનો બદલો લેવા માટે જ ફરી જન્મતા હોય છે. આવા પ્રકારના પુનર્જન્મ શ્રીલંકા અને ભારતમાં ૪૦% અને લેબેનોન તથા સિરિયામાં ૮૦% જોવામાં આવ્યા છે. પુનર્જન્મમાં વ્યક્તિનું લિંગ પરિવર્તન પણ થતું હોય એવું જોવામાં આવ્યું છે. આ પ્રકારે પૂર્વજન્મના શરીરના સામાન્ય લક્ષણ ૨થી ૪ વર્ષની ઉંમર સુધી વિશેષ પ્રગટ થાય છે. ૫થી ૮ વર્ષની ઉંમર સુધીમાં સમાપ્ત થઈ જાય છે.
અમેરિકાના ઉત્તર પશ્ચિમી સમુદ્રના કિનારે રહેનારા રેડ ઇન્ડિયનોના પૂર્વ જ હજારો વર્ષ પૂર્વેથી એશિયાથી આવીને ત્યાં વસેલા છે. ત્યાં બનેલી એક ઘટનાનો સ્ટિવન્સને એમના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે. ઈ.સ. ૧૯૪૯માં વિલિયમ જ્યોર્જ સિનિયર એમના સ્થાનિક ક્ષેત્રમાં માછીમારોના આગેવાન હતા. એક દિવસ તેમણે તેમના પુત્ર અને પુત્રવધૂને પોતાની પાસે બોલાવીને કહ્યું - 'મને સ્વપ્ન દ્વારા સંકેત મળ્યો છે કે મારું ટૂંક સમયમાં જ મૃત્યુ થવાનું છે. મારા સ્વપ્નના સંકેતો હંમેશાં સાચાં પડે છે. હું કુટુંબ સાથે જોડાઈ રહેવા માગું છું. જો પુનર્જન્મ જેવી બાબત ખરેખર બનતી હશે તો હું તમારા પુત્ર તરીકે જન્મ લઈશ. તમારા પુત્રમાં મારા જેવી ખાસિયત, સ્વભાવ, દેખાવ અને શારીરિક ચિહ્નો હોય તો સમજજો કે મેં જ તમારા પુત્ર તરીકે જન્મ લીધો છે.'
થોડા દિવસો બાદ તે માછલી મારવા ગયો ત્યારે તેની હોડી ઉલટી થઈ જવાથી દરિયામાં ડૂબીને તે મરણ પામ્યો. તેનું સ્વપ્ન સાચું પડયું. એમાં વળી આ વાતને થોડો સમય વીત્યો હશે ત્યાં એ માછીમાર વિલિયમ જ્યોર્જ સિનિયરની પુત્રવધૂ ગર્ભવતી બની. તેણે એક પુત્રને જ જન્મ આપ્યો. તેનું નામ વિલિયમ જ્યોર્જ જુનિયર રાખવામાં આવ્યું. એના શરીર પર બરાબર એ જ જગ્યાએ એવા ચિહ્નો હતા જેવા એના દાદા વિલિયમ જ્યોર્જ સિનિયરના શરીર પર હતા. વિલિયમ જ્યોર્જ જુનિયર જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ તેના માતા-પિતાને ખાતરી થવા લાગી કે વિલિયમ જ્યોર્જ સિનિયરે જ એમના પુત્ર તરીકે જન્મ લીધો છે કેમકે એની આકૃતિ, પ્રકૃતિ અને અનેક બાબતો દાદાને મળતી આવતી હતી.
વિલિયમ જ્યોર્જ સિનિયરને બાસ્કેટ બોલ રમતી વખતે પગમાં ઈજા થઈ હતી જેના કારણે તે થોડું લંગડાતો ચાલતો હતો, વિલિયમ જુનિયર પણ બાળપણથી કશા કારણ વગર એના દાદાને જેવું લંગડાતો ચાલતો હતો. તેનો સ્વભાવ પણ બિલકુલ એમના જેવો ઉગ્ર અને ગુસ્સાવાળો હતો. બીજી એક વિસ્મયકારક બાબત એ હતી કે વિલિયમ જુનિયરને એના દાદાના મિત્રો અને ઓળખીતા વિશે એટલી સચોટ માહિતી હતી જેટલી એના દાદાને હતી. વિલિયમ સિનિયરના જીવનની નાની મોટી તમામ બાબતો, એમના મિત્રો સાથે થયેલા અનુભવો અને તેમની અંગત વાતચીત પણ વિલિયમ જુનિયર કહી શકતો હતો. એ જ રીતે જુનિયરે એના દાદાની સોનાની ઘડિયાળ ઓળખી કાઢી હતી તે તેમને કોણે આપી હતી તે પણ કહી બતાવ્યું હતું જે સાચું જ હતું. આ બધા ઉપરથી તેમને સૌને ખાતરી થઈ ગઈ હતી કે વિલિયમ જ્યોર્જ સિનિયરે જ એમના મરણ પૂર્વે જાહેર કર્યું હતું તે રીતે તેમના પુત્ર અને પુત્રવધૂ થકી વિલિયમ જ્યોર્જ જુનિયર રૂપે પુનર્જન્મ લીધો છે.