અનન્યના વર્તનથી ભાઈબીજના પ્રકરણમાં એક નવો અધ્યાય ઉમેરાયો
- કેમ છે, દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- આંચલે કહ્યું હતું : મારે વારસામાં કશું જ જોઈતું નથી. તારા જેવો પ્રેમાળ ભાઈ જેને નસીબે લખાયો હોય એને બીજા કયા વારસાની જરૂર પડે?
'આં ચલ તો ડાહી દીકરી છે, એણે આવું ગાંડપણ દેખાડયું!'
'બીજું શું વળી, તમે તો કહેતા હતા કે મારી દીકરી આંચલ તો હીરા જેવી છે. દીકરીના સાચા સ્વભાવની ખબર બાપનું ઘર છોડે ત્યારે જ પડે.' આંચલની મમ્મી મહિમાદેવીએ કહ્યું. 'એ બધું તો ઠીક, પણ આપણી આંચલ કોઈ દુર્ગુણોનો ભંડાર નથી કે આપણા જમાઈ ગર્વકુમારે ઘર છોડીને જતા રહેવું પડે' આંચલના પપ્પા ઉમંગરાયે કહ્યું.
'આ જ મોટું દુઃખ છે ને ! તમે તો દોષનો ટોપલો પારકા જણ્યા પર ઢોળો છો.' મહિમાદેવીએ આક્રોશ ઠાલવતાં કહ્યું,
મમ્મી-પપ્પાના સંવાદો સાંભળીને કંટાળેલો ભાઈ અનન્ય એકાએક ડ્રોઈંગરૂમમાં ધસી આવ્યો. અને કહ્યું ઃ 'મમ્મી-પપ્પાજી, હવે બસ કરશો? આંચલદીદી હમણાં પંદર મિનિટ પહેલાં તો આવી છે. એને જરા શ્વાસ તો લેવા દો. ' અનન્યને જોઈને આંચલ દોડીને ભાઈને ભેટી પડી અને રડવા લાગી.
આંચલને ખુલ્લી હવામાં શ્વાસ લેવા માટે બાલ્કીમાં પડેલી ખુરશી પર અનન્યએ બેસાડી બન્ને જણાં વિતેલા સમયને યાદ કરવામાં પરોવાઈ ગયાં. ગર્વ, કેવું દેદીપ્યમાન વ્યક્તિત્વ હતું! પડછંદ કાયા, કાળી ભમ્મર આંખો, સ્મિત વેરતો ચહેરો બોલવા-ચાલવાની આગવી અદા, અનન્યને પણ ગર્વ જોતાંની સાથે જ પસંદ આવી ગયો હતો. આંચલને લગ્ન કરવાની જરા પણ ઉતાવળ નહોતી. એણે મમ્મીને કહ્યું હતું ઃ ''મમ્મી, મને પરણાવી દેવાની આટલી બધી શી ઉતાવળ?'
મહિમાદેવીએ કહ્યું હતું, 'ગર્વકુમાર જેવો વર મળવો મુશ્કેલ છે. માબાપ હંમેશાં દીકરીનું ભલું ચાહતાં હોય છે માટે 'હા' પાડી દે.'
મમ્મી તેની વાત સાંભળવા તૈયાર નથી એવું જાણ્યા પછી આંચલે ભાઈ અનન્યને પકડયો ઃ 'ભાઈ તું કેમ કશું બોલતો નથી? તું તો મારી તરફેણ કર.'
'દીદી, તારી ઉંમર હજુ ઓગણીસની છે. પણ તું તો જાણે છે ને આપણી મમ્મીનો સ્વભાવ. એ જીદ્દે ચઢે એટલે. કામ પતાવીને જ છોડે.''
મહિમાદેવીને લાગ્યું કે આંચલ એમ સીધી રીતે માનશે નહીં, એટલે એમણે આંચલને લગ્ન માટે તૈયાર કરવા તેના પપ્પા ઉમંગરાયની માંદગીનું બહાનું આગળ ધરતાં કહ્યું ઃ 'જો બેટા, તારા પપ્પાને આંતરડાનું કેન્સર છે. તેમની ઈચ્છા તારો લગ્નોત્સવ જોવાની છે. એ પોતાની માંદગી વિષે કોઈને વાત કરતાં નથી. મને એકલીને જ ખબર છે. '
પપ્પાની માંદગીની વાત સાંભળી આંચલ ઢીલી પડી ઃ 'મમ્મી, તમે જેમ કહેશો તેમ કરવા હું તૈયાર છું. પપ્પાજીને ખુશ જોવા માટે ગર્વ સાથે હું લગ્ન કરીશ.'
આંચલનું રૂપ જોઈને ગર્વએ લગ્ન માટે સંમતિ તો આપી પણ આંચલના ચહેરા પરની ઉદાસી જોઈને એણે મહિમાદેવીને પૂછયું હતું ઃ 'આન્ટી જી, આંચલના ચહેરા પર એક યુવતીમાં જોવા મળે તેવા ઉલ્લાસને બદલે ગંભીરતા કેમ જોવા મળે છે ?' મહિમાદેવીએ કહ્યું ઃ 'આંચલ ભારતીય સંસ્કારોમાં માને છે. સાદગી, નમ્રતા, ગંભીરતા અને મિતભાષીપણું એના ગુણો છે. હું તો આવી દીકરીઓને ઉત્તમ પુત્રવધૂ થવા માટે વધુ યોગ્ય માનું છું.'
ગર્વએ કહ્યું ઃ 'આન્ટીજી, મારા જીવનસંગિની અંગેના ખ્યાલો પણ જુદા છે. હું નથી ઈચ્છતો કે મારી પત્ની ફેશનેબલ હોય, આધુનિક દેખાવા નખરાં કરતી હોય.. હું મહત્વ આપું છું તેના સંસ્કારોને, સાદગીને, સમર્પણને, શીલને. આ બધું જ આંચલમાં છે.'
આંચલ પણ ગર્વના વિચારો જાણી ખુશ થઈ ગઈ હતી. ગર્વ જાણે કે એના જીવનમાં વરદાન બનીને આવ્યો હતો. આંચલ અને ગર્વનો લગ્નોત્સવ રંગેચંગે ઉજવાઈ ગયો. લગ્નના એક વર્ષ સુધી ભાવતાં ભોજન, સુંદર વસ્ત્રો, સુખ-સગવડ, મનોરંજન અને ખુશીઓના વરસાદથી આંચલને ગર્વએ ધરવી દીધી.
પણ એક વર્ષ પછી આંચલને ભાન થયું કે ગર્વ નહોતો મિત્ર કે નહોતો પ્રેમી, પણ એ હતો પ્રવંચક. તેનાં મમ્મી-પપ્પાને ધરરખ્ખુ ગૃહિણી મેળવી આપવાના નાટકના એક પાત્ર તરીકે જ એણે આંચલનો ઉપયોગ કર્યો હતો.
ગર્વના મમ્મી-પપ્પા જાણતાં હતાં કે આંચલ સ્વભાવે ખૂબ જ સૌમ્ય, સમજુ અને સહિષ્ણુ છે, એટલે ગર્વ જેવા ફરંદા છોકરાને ઠેકાણે લાવી શકશે. પણ આંચલને ગર્વએ પોતાની સાથે કરેલી બનાવટનો ખ્યાલ આવ્યો, ત્યારે ઉશ્કેરાઈને તે પોતાની મમ્મીને ઘેર જતી રહી હતી.
મહિમાદેવીએ આંચલના મનની વાત સાંભળવાને બદલે તેને જ ઠપકો આપ્યો હતો. સાસરે સુખ હોય કે દુઃખ, દીકરી સાસરે જ શોભે એવી ચીલાચાલુ દલીલો કરીને આંચલને એક રાત પણ પીયરમાં રહેવા દીધી નહોતી.
ગર્વએ આંચલ સાથે કરવા ખાતર લગ્ન કર્યું હતું. એટલે લગ્ન પછી પણ એની જીવનશૈલીમાં કશો જ ફેરફાર નહોતો કર્યો. એકલો જમી લે, કહ્યા વગર મિત્રો સાથે બહાર જતો રહે, મોડે સુધી ક્લબમાં પત્તાં રમ્યાં કરે, અને 'પીને' ઘરે આવે.
અને અંતે એક દિવસ ગર્વની સાન ઠેકાણે લાવવા આંચલે મોડી રાતે પાછા ફરેલા ગર્વને ઘરમાં આવવા દીધો નહોતો. ત્યારે ગર્વ બોલ્યા-ચાલ્યા સિવાય બારણામાંથી પાછો ફરી ગયો હતો. ગર્વના ચાલ્યા ગયા પછી તેની મમ્મીએ ક્રોધિત થઈને 'પથ્થર-હૃદયની' આંચલનો ઉધડો લીધો હતો. ગર્વના પિતા પણ આંચલની બહુ નારાજ થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું ઃ ''બેટા આંચલ, અમે કેટલી આશાથી તારી સાથે ગર્વને પરણાવ્યો હતો. તારો નમ્ર, નિખાલસ સહિષ્ણુ અને સમજુ સ્વભાવ જોઈને મને ખબર હતી કે તું જરૂર મારા ગર્વને સુધારીને લાઈન પર લાવી દઈશ. પણ તેં શું કર્યું, તારામાં નારિત્વ ઓછું અને પુરૂષપણું વધારે છે. આ ઘરમાં એક ક્ષણ પણ રહેવાની તારી લાયકાત નથી.' સસરાજીના વાકબાણ ચાલુ હતાં અને આંચલે સાસરિયાનો ત્યાગ કરી પિતૃગૃહનું શરણું સ્વીકાર્યું હતું... ભાઈબહેનની વિચાર યાત્રામાં મહિમાદેવીએ ભંગ પાડયો અને અનન્યને રૂમની બહાર મોકલી દીધો. આંચલના મમ્મી મહિમાદેવી તો તેના સાસુ-સસરા કરતાં પણ કડવી વાણીમાં ચઢી જાય તેવાં હતાં. તેમણે કહ્યું હતું ઃ 'જો આંચલ, હું તને નહોતી કહેતી, તું જો ડાહી હોત તો સાસુ-સસરાના પગ પકડીને માફી માગત. આમ પિયર ના દોડી આવત. જેનો પતિ ઘર છોડીને જતો રહ્યો હોય એને ઊંઘ કેમ આવે? તારા પાછા આવવાથી હું બહાર કોઈને મોં બતાવવા લાયક નથી રહી સમજી ? તું મારા કૂખે અવતરી એનો મને બહુ અફસોસ છે.'
'મમ્મી, હું ત્યક્તા નથી. તારો જમાઈ પોતે ઘર છોડીને ચાલ્યો ગયો. ગર્વ સ્વછંદી છે, તે પોતાના પપ્પાના પૈસા પર તાગડધિન્ના કરે છે. દીકરીને વળાવવાનો ધર્મ પૂરો કર્યો એટલે દીકરીના સુખ-દુઃખ એને જ મુબારક?
'તારા પપ્પાને હું કહેતી હતી કે આ છોકરીની જાતને બહુ મોંઢે ના ચઢાવો. લાડ કરીને દીકરી બગાડી. ચાલ, આંચલ તું હવે સમજી જા. તને હું તારી સાસરે મૂકી જાઉં. સાસુ-સસરાની માફી માગી લેજે.'
'ના મમ્મી... મને અહીં રહેવા દેને પ્લીઝ... હું નોકરી શોધી કાઢીશ પછી જુદી જુદી રહેવા જતી રહીશ અને...' આંચલ વાકય પૂરૂં કરે એ પહેલાં એના ગાલ પર મહિમા દેવીએ જોરદાર તમાચો જડી દીધો હતો.
આંચલ રડતાં રડતાં પોતાની ફ્રેન્ડના ઘરે જવા માટે બેગમાં કપડાં ભરતી હતી પણ ભાઈ અનન્ય ત્યાં ફરી આવી ચઢ્યો હતો. તેણે આંચલને પોતાની પાસે બેસાડી... આશ્વાસન આપ્યું હતું.
આજે અનન્યએ નક્કી કર્યું હતું કે દીદીના પ્રશ્નનો નિકાલ કરીને જ એ ઝંપશે. તેણે સૌ પહેલાં મહિમાદેવીને કહ્યું ઃ 'બસ કર મમ્મી. તારે આંચલદીદીને અહીં રાખવી નથી એટલે તું આટલું બધું બોલે છે ને? મમ્મી દીદીને હવે હું પાછી સાસરે નહીં જવા દઉં. મમ્મી ઝેરનાં પારખાં ના હોય. ગર્વ છેતરપિંડી કરનાર પતિ. સડેલા થડને વળગી રહેનાર વેલ પોતાના અસ્તિત્વને જ ખતરાની ખીણમાં ધકેલી દે છે. મમ્મી, તેં પપ્પાની જૂઠી બીમારીનું બહાનું કાઢી દીદીને પરણાવી દીધી. તું પણ ગુનેગાર છે! આ ઘર પર જેટલો મારો અધિકાર છે એટલો જ મારી દીદીને અધિકાર છે.'
અનન્યએ પોતાનાં પપ્પાને પણ બોલાવ્યાં અને કહ્યું, 'હું મારી દીદી આંચલને મને પૈતૃક વારસારૂપે મળનાર તમામ સંપત્તિમાં સમાનાધિકારિણી બનાવું છું. આઠ રૂમનાં આ બંગલા પૈકી ચાર રૂમ દીદીના. મમ્મી-પપ્પા તમે ભલે સંતાન-ભેદ કરો, પણ હું દીકરીને લગ્ન બાદ પારકી ગણવા તૈયાર નથી. આંચલ દીદી, તમે અહીં આવો આ બાજઠ પર બેસો. તમારો ભાઈ આજે તમારી આરતી ઉતારશે. હું જીવનભર તમારા રક્ષણમાં પાછી પાની નહીં કરું. તમે બાંધેલી રાખડીની લાજ રાખીશ. સાક્ષી થજો આ ધરતીનું પુણ્ય, સાક્ષી થજો આ સાયંકાલન પૂજાનો ઘંટારવ અને આરતી... દીદી, ભાઈબીજ તો બધાં મનાવે છે. મારે તો આજે બહેનબીજ મનાવવી જોઈએ.'
આંચલ ગદગદ થઈ ગઈ હતી. એણે કહ્યું હતું ઃ 'વારસામાં મારે કશું જ જોઈતું નથી. તારા જેવો પ્રેમાળ ભાઈ જેને નસીબે લખાય એને બીજા કયા વારસાની જરૂર પડે? હું આજથી જ અલગ રહેવા જઈશ. સાચી પુત્રી પરિવાર માટે ખેદ અને કંકાસનો વિષય બની શકે નહીં.' અનન્યએ કહ્યું હતું ઃ 'જ્યાં મારી દીદી ત્યાં હું. હું પણ તમારી સાથે જ રહીશ અને ભાઈબીજના ઈતિહાસમાં એક સ્વર્ણિમ પ્રકરણ ઉમેરાયું હતું.'