યાદો ભરેલું આલબમ તો છે પણ અનુભૂતિ અને એહસાસ ક્યાં છે
- હોરાઈઝન - ભવેન કચ્છી
- અમેરિકાના લેખક રોબર્ટ ડ્રેક માનવ સંવેદનાઓનો એક્સ રે કાઢે છે અને જીવન કઈ રીતે જીવવું તેનું દિશા સૂચન કરે છે
- 'મારે ફરી નવજાત શિશુ બનવું છે કેમ કે..' 'મારે ફરી પપ્પા મમ્મી બનવું છે કેમ કે..'
અ મેરિકાના લેખક રોબર્ટ ડ્રેક જાણે માનવ સંવેદનાનો એક્સ રે રિપોર્ટ આપતા હોય તેમ તેમના પુસ્તકો દ્વારા આપણને માનસિક સ્વાસ્થ્ય અંગે સાવધ કરે છે. આજે જ્યારે માનવી સખ્ત તનાવ અને ડિપ્રેશન હેઠળ જીવે છે ત્યારે રોબર્ટ ડ્રેક તેની પાછળના કારણો જણાવી ઉપચાર કરવાનો પ્રયત્ન પણ કરે છે.
તેમણે તેમના બેસ્ટ સેલર બનેલા પુસ્તકો ્રી કેહહઅ ારૈહય ચર્મેા રીચનૈહય, સ્ર્ર્હ ાર્રીિઅ, ય્ચિપૈાઅ, ્રી ર્ર્મં ૈ ુર્િાી ારચા જચપીગ સઅ નૈકીમાં એક સર્વ સામાન્ય સુર નીકાળ્યો છે કે માનવી તેમની જેનેટિક તાસીરથી જુદું જ કૃત્રિમ અને દેખાદેખીનું જીવન જીવી રહ્યો છે અને તેની કિંમત ચૂકવી રહ્યો છે. માનવી તેના મૂળ સામાજિક,સાંસ્કૃતિક અને માનસિક વારસા કરતા વિપરીત જ જીવનશૈલી અને સોચ ધરાવતો થયો છે. પ્રકૃતિ કરતા વિકૃતિ અને સત્વ કરતા રજસ અને તમસમાં તે વધુ અનુકૂળતા અનુભવતો હોય તેમ લાગે છે.
આપણે સુખી બનવા કરતાં બીજાને આપણે કેટલા સુખી છીએ તે બતાવવામાં જ પૂર્ણ સમય વ્યસ્ત રહીએ છીએ. પછી તે વાસ્તવિક દુનિયા હોય કે વર્ચ્યુઅલ સોશિયલ મીડિયા.
રોબર્ટ ડ્રેક વર્તમાન ક્ષણમાં જીવવા પર ઘણું મહત્ત્વ આપે છે. તેમણે તારણ કાઢયું છે કે આપણે યુવાનીમાં બાળપણના, પ્રૌઢ અવસ્થામાં યુવાનીના સંસ્મરણો વાગોળીને અગાઉના વર્ષોમાં કેટલા સુખી હતા તેની વાતો છેડતા હોઈએ છીએ. જ્યારે આપણે હંમેશા આ રીતે ભૂતકાળને જ આપણો સુખનો ખજાનો માનીએ છીએ ત્યારે વર્તમાનની જે પણ ખુશીની પળો છે તેની નોંધ જ નથી લેતા કે નથી તેનો એહસાસ કરતા. ફરી વધુ વર્ષો વિતશે ત્યારે તમે વર્તમાનમાં જે નજર અંદાજ કર્યું તેની જ યાદીમાં સરી જતા તે દિવસો કેવા સુખના હતા તેમ હતાશા મિશ્રિત ખુશી અનુભવો છો. પણ આમ જુઓ તો જે તે સમયે તમને મળેલો તે રોમાંચક સમય કે ઈશ્વરે આપેલ સુખદ સંજોગો તો તમે માણ્યા જ નહોતા કેમ કે ત્યારે તો તમે ભૂતકાળની યાદો અને 'તે દિવસો કેવા મજાના હતા' તેનું જ રટણ કરવામાં ગળાડૂબ હતા. વળી જે વાગોળો છો તે વખતે તો તેનો ખ્યાલ જ નહોતો કે 'આ જ શ્રેષ્ઠ સમય અને ઘટના છે.' આ જ કારણે ભૂતકાળ એક કલ્પના તરીકે સુખદ લાગે છે પણ તે લાગણી , તે ધન્યતાનો એહસાસ કે અનુભૂતિ તો યાદ જ નથી.
રોબર્ટ ડ્રેક આથી જ ભૂતકાળના સંભારણાની યાદી બનાવીને એક અલગ દિશા આપે છે.જેમાં થોડો અફસોસ પણ છે.
રોબર્ટ ડ્રેક સંકેત કરે છે કે આપણે હંમેશા ભૂતકાળને યાદ કરતા એમ પણ વિચારવું જોઈએ કે જે હેતુ કે ખુશી માટે તે બાળપણ કે યુવાનીના કે વયના ઘટના અને કાળ ક્રમ નિમિત્ત બન્યા હતા તેનો જે હેતુ હતો તે પણ સાર્થક કરવાની તક મેં ગુમાવી હતી. રોબર્ટ ડ્રેક્ જુદી રીતે વિચારે છે કે 'અમે બાળપણ,યુવાની કે અગાઉની અવસ્થામાં 'આમ કરતા હતા અને તેમ કરતા હતા' તેવી હવે સુખદ લાગતી યાદો નહીં પણ 'અમને તે અવસ્થામાં ફરી જવાની એટલા માટે ઈચ્છા છે કે' અમારે જે તે વયે ખરેખર આમ કરવાનું હતું તે નહોતું કર્યું અને હવે અમે તે સમયચક્રમાં જઇએ તો તે વખતની અનુભતી પૂરી સભાનતા સાથે માણવી છે.'
તો ભૂતકાળના સાગરમાં ફરી ડૂબકી મારવાની તક મળે તો લેખક રોબર્ટ ડ્રેક્ હવે તેને કઈ રીતે ઝડપવા માંગે છે તેની યાદી પર પણ નજર નાંખીએ.શક્ય છે કદાચ આપણને પણ તેમણે સોચની એક નવી દિશા આપી છે. તેની પ્રેરણા લઈને આપણા ભૂતકાળ પર પણ મનોમંથન કરીએ.
રોબર્ટ ડ્રેક્ શરૂઆત એ રીતે કરે છે 'હું ફરી ભૂતકાળના સમયગાળામાં પરત થઈ જવા માંગુ છું. મેં જે કંઈ ભૂતકાળમાં કર્યું તે બદલવા માટે નહીં પણ મેં જે કર્યું તેમાંનું કેટલુંક ફરી કરવા માંગુ છું.
*હું કેટલીક ક્ષણો માટે ફરી નવજાત શિશુ બની જવા માંગુ છું. ફરી બાબા ગાડીમાં બેસીને ફરવા મળે એટલા માટે નહીં પણ હું તે વખતે મારા માતાના ચહેરા પર કેવું સ્મિત હતું તે જોવા માંગુ છું.
*હું ફરી મારી શાળાએ જવા માંગુ છું. ફરી વિદ્યાર્થી બનવા માટે નહીં પણ શાળાના તે મિત્રોને મળવા માંગુ છું જેઓ મને મેં શાળા છોડી પછી ક્યારેય મળ્યા નથી.
હું ફરી વખત કોલેજ જવા માંગુ છું. કોઈ મુદ્દાને લઈને આંદોલન કરવા કે બંડ પોકારવા નહીં પણ મને જે શિક્ષણ અપાતું હતું તે ફરી સમજવા માંગુ છું.
હું ઇચ્છુ છું કે હું મારી નોકરીમાં ફરી જોડાઉં.એટલા માટે નહીં કે હવે ફરી નોકરીએ ચઢીને જે જોશથી કામ કરતો હતો તેની જગ્યાએ અન્ય કેટલાકની જેમ ઓછું અને મંદ ગતિએ કામ કરું પણ, મને પહેલાં પગારનો જે ચેક મળ્યો હતો તે વખતનો આનંદ યાદ કરવા માંગુ છું.
હું મારા સંતાનોને ફરી વયમાં નાના થઈ જાય તેમ જોવા ઇચ્છુ છું. એટલા માટે નહીં કે તેઓનો નવેસરથી ફરી શિસ્ત સાથે ઉછેર કરી શકું પણ તેઓ જોડે બાળક બનીને રમતો હતો તે રીતે હવે વધુ સભાન બનીને વધુ વખત રમી શકું.
મને લાગે છે કે મારું હજુ પણ કેટલાક વર્ષો વધુ આયુષ્ય હોત તો કેટલું સારું.. લાંબુ જીવવા માટે નહીં પણ સમાજને કંઇક પરત આપવાની મેં ખાસ તક ઝડપી નથી તે ખરા સુખની અનુભૂતિ હવે કરું.
જે જીવન વીતી ગયું છે તે ફરી ભલે ન આવી શકે પણ હવે બાકીનું જીવન હું સભાનપણે પ્રત્યેક ક્ષણ માણું અને તેનો એહસાસ કરું..તેની મહત્તા સમજુ.
રોબર્ટ ડ્રેક આથી જ વર્તમાનની પ્રત્યેક ક્ષણ, ઇન્દ્રિયોથી થતી,અનુભવાતી તમામ ક્રિયા વખતે જાગ્રત રહેવા જણાવે છે જેથી આગળ જતા આ પળોને સુખદ હતી તેમ માત્ર કહીને જ અટકી ન જઈએ પણ તે વખતનો એહસાસ પણ તે યાદો સાથે જોડાયેલો રહે.
રોબર્ટ ડ્રેકની વાત ગેજેટ્સના યુગમાં વઘુ મહત્વની છે. કેમ કે સ્માર્ટ ફોનમાં ગળાડૂબ હોઈએ ત્યારે આપણે રોબોટની જેમ જાહેર માર્ગ પર, બસ કે ટ્રેનમાં હોઈએ છીએ. આપણી નજર સામે જે સરસ મજાના કુદરતી નજારા, પ્રકૃતિ, પ્રાણી અને પંખીની સૃષ્ટિ,અવનવા અવાજ, જનજીવનના દ્રશ્યો અને જાતભાતના ચહેરાઓ, મદમસ્ત હવાનો ચામડી પર થતો સ્પર્શ, વરસાદી ઋતુ હોય તો તેની સાથેનું જોડાણ કે પછી આકાશમાં આપણી નજર તેના પર પડે તે માટે ઇંતેજાર કરતા સૂર્ય, ચંદ્ર અને તેની કળાઓની સદંતર ઉપેક્ષા કરતા હોઈએ છીએ. આપણે જે જોવાનું છે જે સાંભાળવાનું છે તે અને જે માણવાનું છે તે તમામ પ્રત્યે અંધ,બહેરા કે સંવેદનાની રીતે બુઠ્ઠા હોઈએ છીએ.
આપણે જે મસ્ત મજાનું ભોજન લેતા હોઈએ છીએ તેનો સ્વાદ કે સોડમ પણ અનુભવતા નથી.
હવે તો નાટક, ફિલ્મ કે શ્રેણી જોતી વખતે કે ગીત સંગીતના શ્રવણ વખતે પણ આપણું મન દુન્યવી વિચારોથી ઘેરાયેલું હોઇ તે સંગીતની કર્ણપ્રિયતા, ગાયકી દ્રશ્ય, સંવાદ અને સર્જકની કમાલ એમ જ પટ્ટીની જેમ ફરી જાય છે.આપણે તે વખતે તેમાં હોતા નથી.
પ્રેમની અભિવ્યક્તિ વખતે પણ આપણે તેમાં સામેલ નથી હોતા.પતિ પત્નીએ અરસપરસ, મિત્રોએ એકબીજા સાથેની સોનેરી પળોને જન્મ આપીને તેની અનુભૂતિ અને યાદોને ફ્રેમ કરવાની છે.
મમ્મી પપ્પાએ સંતાનો જોડે, સંતાનોએ મમ્મી પપ્પા જોડે, દાદા દાદી અને નાના નાનીએ તેમના પરિવારના બાળકો જોડેની પળો એવી રીતે માણવાની છે કે તે એહસાસ જિંદગીભર રહે.
પાડોશ, ઓફિસ, કર્મક્ષેત્ર અને સંપર્કમાં આવતા તમામ જોડેનો વ્યવહાર આજીવન તમને ભૂલી ન શકે તેવો હોવો જોઈએ. આપણને એવો અફસોસ ક્યારેય ન થવો જોઈએ કે 'હું તે તક ચૂકી ગયો.'
આજે જ્યારે સમય ફાસ્ટ ફોરવર્ડ ઝડપે વીતી રહ્યો છે ત્યારે અગાઉના જમાનામાં વડીલો ડાયરી રાખતા તેના કરતા હવે તે નોંધ રાખવાની જરૂર છે કે 'આજે મેં શું શું કર્યું, શું ભોજન લીધું, કોને મળ્યો, પરિવારના સભ્યો જોડે સંવાદ થયો? થયો હતો તો કેવો થયો.શું મેં બે પાંચ મિનીટ પણ મારા ઈશ્વર કે સદ્દગુરૂને યાદ કર્યા? અમુક મિત્રો કે સગા સ્નેહીઓને વખતો વખત ખબર અંતર પૂછતા ફોન કરું છું?મારા ગામ કે શહેરમાં રહેતા મારા સગા સ્નેહીઓ કે મિત્રોને હું વર્ષમાં ત્રણ ચાર વખત મળું છું? મેં આજે પુસ્તક કે ઓનલાઇન કંઈ એવું વાંચ્યું જે મારા માનસિક સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવે?
હમણાં આ લખનારે રાત્રે સૂઈ જતા પહેલા એક પ્રયોગ કર્યો. સવારે ઉઠયા પછી રજે રજ શું જોયું, કઈ વાત કરી, ક્યાં બહાર ગયો? પરિવારજનો જોડે વર્તન કેવું રહ્યું? સવારે નાસ્તામાં,બપોરે અને રાત્રે ભોજનમાં શું લીધું? શું વાંચ્યું?જોયું?
તમને જાણીને નવાઈ લાગશે કે હજુ દસ બાર કલાક પહેલા તમે જે કર્યું તેમાનું ઘણું સુખદ હશે તો પણ તમે તેની નોંધ નહીં લીધી હોય.તમે સ્મિત કર્યું કે હસ્યા કેમ તેનું કારણ પણ યાદ નહીં હોય.અરે બપોરના ભોજનની વાનગી યાદ ન હોય તેવું બને.આવી લાઇફમાં ગયા રવિવાર કઈ રીતે વિતાવ્યો તે યાદ કરતા પણ ઘરના બે સભ્યોની મદદ લેવી પડે છે.
વિચારો, આવી જિંદગીમાં મહિનાઓ, વર્ષો અગાઉનું ક્યાંથી યાદ હોય. સ્થૂળ રીતે યાદ હોય તો તે વખતે જે મજા આવેલી તે સૂક્ષ્મ એહસાસ ન હોય.
પ્રત્યેક પ્રસંગ,અમુક અમુક વર્ષોના ફોટા અને વીડિયો પાડો અને શક્ય હોય તો ડાયરી કે સ્માર્ટ ફોનના નોટ પેડ પર દિવસની ગતિવિધિની નોંધ લખો કે ટપકાવો. બે લાઈનની નોંધ હશે તો પણ તેના સહારે વિચાર વિસ્તાર કરી શકશો.
ગઈ દિવાળીએ કે ગયા જન્મદિને શું કરેલું?આપણને યાદ નથી. તો તેનો અર્થ એમ સમજવો કે મજાનો ખજાનો આપણે દરિયામાં ફેંકી દીધો.
જ્ઞાાન પોસ્ટ
એ દિવસો પણ દૂર નથી કે ચેટજીપીટી જેવી એ.આઇ. સર્વિસમાં એવું ફીચર હશે કે તે આપણી ફાઈલ, ફોટા, વિડિયો ધરાવતું હોય અને આપણે તેને પૂછી શકતા હોઈશું કે 'બે વર્ષ પહેલા મારા જન્મદિનની ઉજવણી કેવી રહી હતી?
આવી એ.આઇ સર્વિસ ઉજવણીનું સ્થળ, તસવીરો અને વિડિયો આપણી સમક્ષ હાજર કરી દેશે પણ તે પ્રસંગ વખતે મન, ચિત્ત અને બુદ્ધિથી આપણે ત્યાં હાજર નહીં હોઇએ તો તે લાગણી અને મજાની અનુભૂતિ થોડું એ.આઇ. લાવી શકશે.
તો ચાલો સ્થૂળ અને સૂક્ષ્મ દેહ સંગાથ જીવન જીવી લઈએ.