Get The App

સૌથી ઊંચા પર્વત હિમાલયની ઊંચાઈ હજુ કેટલી વધશે

Updated: Nov 10th, 2024


Google NewsGoogle News
સૌથી ઊંચા પર્વત હિમાલયની ઊંચાઈ હજુ કેટલી વધશે 1 - image


- હોટલાઈન - ભાલચંદ્ર જાની

- એવરેસ્ટ આજે પણ દર વર્ષે અડધો ઇંચ જેટલું વધે છે. આનો મતલબ થયો કે હજુ પણ એશિયા અને યુરેશિયા ખંડની ભૂસ્તરીય છાજલીઓ એકબીજા તરફ ગતિ કરી રહી છે

વિ શ્વના સર્વોચ્ચ શિખર એવરેસ્ટના નામે ફરી પાછા વિવાદો જાગ્યો છે. પોતાના ભારથી જ બેવડો વળી રહેલો માઉન્ટ એવરેસ્ટ તેની ઊંચાઈ ગુમાવી રહ્યો છે એ વિવાદ હજુ શમ્યો નથી.  ત્યાં એવરેસ્ટની ઊંચાઈ વધી રહી હોવાનો  વિવાદ મિડિયામાં ફરી છેડાયો છે.

પર્વતારોહણને લગતી એક વેબસાઇટ પર આજકાલ આ બે વિવાદો અંગે નેટસર્ફરોમાં ભારે મતમતાંતર પ્રવર્તે છે. એવરેસ્ટ પર્વ તની પ્રવર્તમાન ઊંચાઈ ૨૯,૦૨૮ ફૂટ એટલે કે ૮,૮૪૮ મીટરની આંકવામાં આવી છે, પરંતુ અમેેેરિકાના પર્વતારોહકોનું એક ગુ્રપ હવે માઉન્ટ એવરેસ્ટની હાઇટ એની સ્વીકાર્ય ઊંચાઈ કરતાં ઓછી હોવાનું ગાઇબજાવીને કહી રહ્યું છે.

કવિકુલ શિરોમણિ કાલિદાસે જેને નગાધિરાજનું નામ આપ્યું છે તે હિમાલય પ્રત્યે મોટા ભાગના હિન્દુઓ ખૂબ જ આસ્થા ધરાવે છે. આથી જ હિન્દુ ધર્મનાં ઘણાં ખરાં યાત્રાધામ હિમાલય પર્વતમાળા પર અથવા તો તેની તળેટીમાં વસ્યાં છે. આમ છતાં મોટા ભાગના આસ્થાળુઓને હિમાલયનો જન્મ કેવી રીતે થયો અથવા તો તે કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો તેની ખબર નથી.

હકીકતમાં હિમાલય પર્વતમાળાની રચના પૃથ્વીનાં  ભૂગર્ભમાં  તરતા બે પોપડાની અથડામણને કારણે થઈ છે. લાખ્ખો વર્ષ પહેલાં આજના હિમાલયની જગ્યાએ ટેથિયાન (તેથીસ) નામનો સમુદ્ર ઘુઘવાટા મારતો હતો. એ વખતે આફ્રિકા, એશિયા તથા ઓસ્ટ્રેલિયા ખંડ એકબીજા સાથે જોડાયેલા હતા. પણ કુદરતનો નિયમ છે કે કોઈ પણ વસ્તુ લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં રહેતી નથી. આથી કાળક્રમે આફ્રિકા તથા ઓસ્ટ્રેલિયા ભારતની ભૂમિથી છૂટા પડયા.  આફ્રિકા ખંડ જો કે ભારતથી ખાસ દૂર ન ગયો પરંતુ આફ્રિકા અને ભારત વચ્ચે અરબી સમુદ્રની રચના થઈ. ઓસ્ટ્રેલિયા ખંડ એક વિશાળ ટાપુમાં ફેરવાઈ ગયો આથી તે એશિયાની મુખ્ય ભૂમિથી ઘણો જ દૂર ઠેઠ દક્ષિણ ગોળાર્ધમાં પહોંચી ગયો. આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા એશિયાથી છૂટા પડયા ત્યારે તેમની વચ્ચેની ખીણમાં ભારે વરસાદ થવાથી સમુદ્ર અસ્તિત્વમાં આવ્યા. પરંતુ આનાથી તદ્દન ઉલટું એશિયા અને યુરેશિયાના ખંડમાં બન્યું. એશિયા અને યુરેશિયા ખંડની વચ્ચે હિલ્લોળા લેતો ટેથિયાન સમુદ્ર પુરાઈ ગયો તેમ છતાં બંને ખંડની ભૂસ્તરીય છાજલી એક બીજાની નજીક આવતી જતી હતી. જેમ કોઈ મોટા કાગળની બે બાજુએ હથેળી મૂકીને તેને મધ્યમાં સંકોરો તો કાગળનો વચલો ભાગ ઊપસી આવે તે રીતે ભૂગર્ભમાં ધગધગતા લાવા પર તરતી બે છાજલી સામસામે ભીંસમાં આવતા હિમાલયનું સર્જન થયું છે.

અમુક ભૂસ્તરશાસ્ત્રીઓ એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે ઈન્ડિયન અને યુરેશિયન ટેકટોનિક પ્લેટ વચ્ચે ઘર્ષણને કારણે છેલ્લાં પાંચ કરોડ વર્ષથી હિમાલયની ઊંચાઈ વધી રહી છે, પણ વિજ્ઞાાનીઓએ નોધ્યું છે કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ એનાથી પણ વધારે ગતિથી વધી રહી છે. ૮૯,૦૦૦ વર્ષ પહેલાં કોસી અને અરુણ નદી એકબીજામાં ભળી જતાં માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ ૧૫થી ૫૦ મીટર વધી ગઈ હતી.  આને આઈસોસ્ટેટિક રીબાઉન્ડ જિયોલોજિકલ પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. એનાથી દર વર્ષે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ થોડી થોડી  વધે છે. એની સાથે લ્હોત્સે અને મકાલુ શિખરોની ઊંચાઈ પણ વધે છે.

બીજા શબ્દોમાં કહીએ તો  આ કારણે એશિયા અને યુરેશિયાના મિલન  સ્થાન પર અસહ્ય દબાણ આવ્યું અને સંગમ પરની જમીન ઉપર ઉઠતી ગઈ. આમ ધીરે ધીરે  હિમાલય પર્વતમાળાની રચના થઈ. ભૂસ્તરશાસ્ત્રીઓની ગણતરી પ્રમાણે હિમાલય પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર એવરેસ્ટ આજે પણ દર વર્ષે અડધો ઇંચ જેટલું વધે છે. આનો મતલબ થયો કે હજુ પણ એશિયા અને યુરેશિયા ખંડની ભૂસ્તરીય છાજલીઓ એકબીજા તરફ ગતિ કરી રહી છે. આ પ્રક્રિયા લગભગ દસેક લાખ વર્ષોથી ચાલુ છે. 

અમેરિકાની રોકી પર્વતમાળા પણ બે ભૂસ્તરીય છાજલીના ટકરાવાને કારણે જન્મી છે પણ તેની ઊંચાઈ ૧૪,૦૦૦ ફૂટ કરતાં વધી નથી. નવાઈની વાત તો એ છે કે ટકરાવની આ પ્રક્રિયા કરોડો વર્ષથી ચાલુ છે છતાં પણ રોકી પર્વત એવરેસ્ટને મુકાબલે ખૂબ જ ઠીંગણો છે.

પર્વતમાળા વિકસવાની પ્રક્રિયાને સમજવામાં  કૃત્રિમ ઉપગ્રહીય તસવીરોની મદદથી ભૂસ્તરશાસ્ત્રીઓને સમુદ્રની સપાટીથી લગભગ ૨૦,૦૦૦ ફૂટ ઊંચેથી પર્વતમાળામાં સતત ચાલતી રહેતી કિરણોત્સર્ગી પ્રક્રિયાની ખબર પડી છે. હવે તેઓ છાતી ઠોકીને કોઈ પણ પર્વત વધુમાં વધુ કેટલો ઊંચો વધી શકે તે કહી આપે છે.

કેટલાંક ભૂસ્તરશાસ્ત્રીઓના દાવા અનુસાર હિમાલયની પર્વતમાળા એ અવસ્થામાં પહોંચી ગઈ છે કે હવે પછી તેની ઉંચાઈ વધશે નહીં. તેઓ ગણતરી માંડે છે કે કોઈ પણ પર્વતની ઊંચાઈ ૩૦,૦૦૦ ફૂટ કરતાં ખાસ વધે નહીં. એવરેસ્ટ શિખરની ઉંચાઈ હાલમાં ૨૯,૦૨૮ ફૂટની છે. આથી હવે ટૂંક સમયમાં જ તેની ઊંચાઈ વધતી બંધ થઈ જશે.

નિષ્ણાતોનું માનવું છે કે જે પર્વત ૩૦,૦૦૦ ફૂટ કરતાં ઊંચો વધી જાય તેના પાયાની અંદરના પડમાં અસહ્ય તાણ પેદા થાય છે અને કેટલીક વાર તો પીગળી પણ જાય છે. આમ થવાથી પર્વતની વધુ ઊંચાઈ પ્રાપ્ત કરવાની શક્યતા પર હંમેશ માટે ચોકડી મુકાઈ જાય છે.

ન્યુ ઝીલેન્ડના સર એડમંડ હિલેરી અને નેપાળના શેરપા તેનસિંગે ૧૯૫૩માં એવરેસ્ટનું સફળ આરોહણ કર્યા બાદ ૧૯૫૪માં ભારતીય સર્વેયર બી. એલ. ગુલાટીએ એવરેસ્ટની ઊંચાઈ માપી હતી. તેનાં સાધનોમાં થી ઓડોલાઇટ નામનું ઓપ્ટિકલ ઇક્વિપમેન્ટ પણ હતું. વાતાવરણમાંના વાયુ મંડળને કારણે થતા પરાવર્તન પર પર્વતના પોતાના ગુરુત્વાકર્ષણ બળની અસર થઈ શકે છે. આથી ઉક્ત સાધનથી માપવામાં આવેલી ઉંચાઈમાં ક્ષતિ રહી ગઈ હોવાની શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી હતી. જેમ કે બોસ્ટનના મ્યુઝિયમ ઓફ સાયન્સ અને નેશનલ જ્યોગ્રાફિક સોસાયટી પુરસ્કૃત અમેરિકન એવરેસ્ટ એક્સિપડિશનના સભ્યોએ અગાઉ વ્યક્ત કરી હતી.

જોકે સર્વોચ્ચ શિખર તરીકે એવરેસ્ટને ઊની આંચ આવતી નથી, કારણ કે બીજા નંબરનું સૌથી ઊંચું 

શિખર કે-૨ (ણ૨) ૨૮,૨૫૦ ફૂટનું છે. આમ છતાં પૃથ્વી પર ૨૯,૦૦૦ ફૂટથી ઊંચો કોઈ પર્વત નથી એવીવાતો વહેતી થવા માંડી છે. પરંતુ એવરેસ્ટને એનાથી કોઈ ફરક પડતો નથી. પર્વતારોહકો માટે એવરેસ્ટ હજીય પડકારરૂપ જ છે.

અત્રે એ યાદ અપાવી દઈએ કે ૨૦૧૫માં નેપાળમાં પ્રચંડ ભુકંપ આવ્યો હતો. ૭.૮ મેગ્નિટયૂટના એ ભુંકપથી આખુ નેપાળ તો હલબલી ગયું, ૮ હજારથી વધુ મોત થયા. સાથે સાથે એવરેસ્ટની ઊંચાઈમાં પણ ફરક પડયો. અલબત્ત, ફરક કેટલો પડયો એ ત્યારે જ ખબર પડે જ્યારે ફરીથી ઊંચાઈ માપવામાં આવે. 

નેપાળે ભુકંપ પછી ભારત સાથે મળીને એવરેસ્ટની ઊંચાઈ માપવા માટે સંયુક્ત કામગીરીની તૈયારી દાખવી હતી. ૨૫૦ વર્ષ જૂની સંસ્થા સર્વે ઓફ ઈન્ડિયા સાથે મળીને નેપાળ સરકાર ઊંચાઈનું અભિયાન શરૂ કરવાની જ હતી. દરમિયાન થોડા દિવસ પહેલા નેપાળે ઊંચાઈ માપવામાં ભારત સાથે ભાગીદારી કરવાની ના પાડી દીધી છે. નેપાળ સરકારનું કહેવુ છે કે ઊંચાઈ માપીશું, પણ અમે એકલા. એમાં ભારતની મદદની જરૂર નથી. તેનું કારણ એવરેસ્ટ સાથે જોડાયેલી કિર્તી અને કલદાર એટલે કે અર્થતંત્ર છે.

એવરેસ્ટનું તળિયું નેપાળ અને થોડુંક ચીનમાં પથરાયેલું છે. ચીન એટલે કે તિબેટમાં જેને હવે ચીન પોતાનો ભાગ જ ગણે છે. ભારતનો એવરેસ્ટ પર કોઈ સીધો અધિકાર નથી. માલિકી નેપાળની અને ચીનની છે. એમાં પણ નેપાળ જ એવરેસ્ટ પર એકાધિકાર ભોગવે છે એમ કહીએ તો ખોટું નથી. નેપાળ પહાડી રાષ્ટ્ર છે, એટલે કે મોટા ભાગનો દેશ શિખર પર વસેલો છે. એમાં એવરેસ્ટ એવું શીખર છે, જે નેપાળને ધન કમાવી આપે છે. 

જોકે એવરસેટ્ની બિનસત્તાવાર ઊંચાઈ ૮,૮૮૨ મીટર પણ અંકાય છે. વિશ્વના આ સર્વોચ્ચ શિખરનું નામ ભારતના બ્રિટિશ સર્વેયર જનરલ સર જ્યોર્જ એવરેસ્ટના નામ પરથી પાડવામાં આવ્યું છે. તિબેટનો માઉન્ટ એવરેસ્ટને તોમોલુન્ગ્મા કહે છે, જ્યારે નેપાળીઓ તેને સાગરમથા તરીકે ઓળખે છે. સમુદ્રની સપાટીથી માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈ નવ કિ.મી. જેટલી છે.

નેશનલ જ્યોગ્રાફિક સોસાયટીએ ૧૯૯૯માં એવરેસ્ટની પોતાની રીતે ઊંચાઈ માપી હતી. એ ઊંચાઈ ૮૮૫૦ મીટર છે. અમેરિકા અને યુરોપના ઘણા સાહસિકો આ ઊંચાઈને માન્ય રાખે છે. એ ઊંચાઈ વખતે સેટેલાઈટ આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે ત્યારે સર્વોત્તમ ટેકનીક હતી. ૨૦૦૫માં ચીને ઊંચાઈ માપી ત્યારે આંકડો ઘટીને ૮૮૪૪.૪૩ મીટર આવ્યો હતો. 

૧૮૫૫-૫૬માં બ્રિટિશ હિન્દના સર્વેયર જનરલ જ્યોર્જ એવરેસ્ટની આગેવાનીમાં ટૂકડીએ સૌથી પહેલા એવરેસ્ટની ઊંચાઈ માપી હતી. એ ટીમમાં જોકે મહત્ત્વનું કામ તો ભારતના ગણિતશાસ્ત્રી રાધાનાથ સિકદરે કર્યું હતું. એ પછી એવરેસ્ટને ૨૯,૦૦૨ ફીટની ઊંચાઈ સાથે સૌથી ઊંચુ શિખર જાહેર કરાયું હતું. એવરેસ્ટ નામ પણ ત્યારે મળ્યું હતું, બાકી નેપાળી નામ તો સાગરમથા છે. 

દોઢસો વર્ષમાં ટેકનોલોજી ઘણી વિકસી છે. વિવિધ સમયે વિવિધ લોકોએ એવરેસ્ટની ઊંચાઈ માપી છે. એ ઊંચાઈના આંકડામાં ઘણા મીટરનો ફરક છે. પરંતુ એ આંકડા ત્યારે જ મંજૂર થાય જ્યારે સરકાર તેને માન્યતા આપે. સરકારી આંકડો ભલે અત્યારે ૮૮૪૮ મીટરનો હોય, પરંતુ ભુકંપ પછી તેમાં ફેરફાર થયો હોય એ ૧૦૦ ટકાની વાત છે. ન્યુઝિલેન્ડના માઉન્ટ કૂકની ઊંચાઈ ૧૨,૩૧૬ ફીટ હતી, પણ ૨૦૧૪માં ધરા ધુ્રજી એમાં ઊંચાઈ ઘટીને ૧૨૨૧૮ ફીટ થઈ એટલે કે ૯૦ ફીટનો તોતિંગ ઘટાડો થયો. ઘટાડો થવાનું કારણ શિખર પરથી ખસી ગયેલા પથ્થરો હતા. માઉન્ટ કૂકની ઊંચાઈ ઓછી થતી હોય તો એવરેસ્ટની કેમ ન થાય? નેપાળ સરકારને કદાચ એ જ વાતનો ડર છે, માટે નેપાળ સરકાર ઈચ્છે છે કે એવરેસ્ટની ઊંચાઈ તો અમે કહીએ એટલી જ રહેશે! 

સંશોધનકારોને આશા છે કે હિમાલયની ઊંચાઈને લગતા સંશોધન દ્વારા યુરોપની આલ્પ્સ પર્વતમાળા કે જે હિમાલયથી પણ વર્ષો પહેલાં અસ્તિત્વમાં આવી હતી તેના જન્મ વિશે જાણકારી પ્રાપ્ત થશે. તે ઉપરાંત હિમાલયને પૃથ્વી પર અસ્તિત્વમાં લાવનાર પરિબળોની જાણકારી દ્વારા ધરતીકંપ અને શીલાઓ ધસી જવી જેવી કુદરતી આફતોની આગાહી પણ થઈ શકશે.

હિમાલયની વય યુરોપ અને અમેરિકાની પર્વતમાળાઓ કરતાં ઘણી ઓછી છે, છતાં પણ તેણે આટલી નાની ઉંમરમાં યુરોપ અમેરિકાની પર્વતમાળાઓને મુકાબલે ઘણી વધુ ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી છે. આનું કારણ કદાચ એ હોઈ શકે કે યુરોપ-અમેરિકાની પર્વતમાળાની ઉંચાઈ વધવામાં વાતાવરણમાં રહેલા ધોવાણ જેવા કેટલાક પરિબળોએ બાધા નાખી હશે. જ્યારે હિમાલયે ધોવાણ કે ખવાણની પ્રક્રિયાનો ખાસ સામનો કરવો પડયો નથી.

એશિયા અને યુરેશિયાની ધરતીએ એકબીજા સાથે અથડાયા બાદ પણ એકબીજાની તરફ ગતિ કરવાનું ચાલું રાખ્યું હોવાથી હિમાલય પર્વત બન્યો. હજુ આ પ્રક્રિયા ચાલુ જ છે. પરંતુ નિષ્ણાતો માને છે કે હવે પર્વતમાળા ખાસ ઊંચી વધશે નહીં. આનું કારણ એ છે કે આ બે ભૂસ્તરીય છાજલીના નીચલા કઠણ ભાગની અથડામણ પર્વતને વધુ ઊંચો થવા પ્રેરે છે, પરંતુ એ જ સમયે પર્વતની ટોચ પરની પોલી જમીન નીચે તરફ સરકતી જાય છે. કુદરતે દરેક વસ્તુની સીમા બાંધી આપી છે. નિષ્ણાતોના મતે હવે એવરેસ્ટ શિખરની ઉંચાઈની પણ સીમા આવી ગઈ છે. એક ભૂસ્તરશાસ્ત્રી મજાક કરતા કહે છે, 'પૃથ્વીને બહુ જ ઊંચા પર્વતો ગમતા નથી. કારણ કે છેવટે તો ગુરુત્વાકર્ષણનું બળ જ જીતે છે.'

બધી વાતનો સાર એ છે કે હિમાલયની ઊંચાઈ વૃધ્ધિનો ઉછાળો હવે કાયમ માટે ચાલુ રહેશે નહીં. જે ઉપર ચઢે છે તે વહેલા મોડા નીચે પડે છે. એ રૂએ હિમાલયના શિખરોનું કદ હવે વધશે નહીં.


Google NewsGoogle News