ખરવું અને ખંખેરવું .
- આજમાં ગઈકાલ - ભગીરથ બ્રહ્મભટ્ટ
- ખરી પડતા વાળ કોઇના પ્રયત્નથી સ્થાનભ્રષ્ટ થતા નથી એટલે 'વાળ ખર્યા' એમ કહીએ છીએ. 'વાળ ખંખેર્યા' ત્યારે કહેવાય જ્યારે સ્ત્રી ધોયેલા વાળને વેલણથી ખંખેરે છે
'ખ રવું' એ સાહજિક ઘટના છે અને 'ખંખેરવુ' એ બિનસાહજિક ઘટના છે. 'ખંખેરવું' નોખી નોખી વસ્તુઓ નોખાં નોખાં પાત્રોમાંથી ખાલી કરવાની ક્રિયાને 'ખંખેરવું' કહે છે. ખેતરમાંથી વાઢીને ખળામાં પુળા બનાવી ઊભા કરેલા તલ સુકાઈ જાય ત્યારે ખળામાં એ પુળા ખંખેરી તલ કઢાય છે. તલના પુળા ઝંઝેરી, ઝૂડી બધા દાણા કાઢી લેવાની ઘટના છે. 'તલ ખંખેર્યાં' એમ બોલાય છે. એ તલ ભરેલો કોથળો ઠલવાય ત્યારે કોથળો ખંખેર્યો એમ કહેવાય. ખંખેરવાની ક્રિયામાં પ્રયત્નથી કશુંક ખરે છે, ખેરવાય છે. શહેરમાં બહેનો સોફા-ખુરશીનાં કવર ખંખેરે છે. કોઇનો માર પડે ત્યારે પણ ખંખેરી નાખ્યા એવો પ્રયોગ થાય છે. ભરેલું પાત્ર આખું ખાલી કરવા, ઊંધુ પડાય ત્યારે ખંખેરવાની ક્રિયા થતી હોય છે. પ્રેરક રચના છે એમાં કાંઇક ખેરવે છે. ખંખેરે છે. ખરી પડતા વાળ કોઇના પ્રયત્નથી સ્થાનભ્રષ્ટ થતા નથી એટલે 'વાળ ખર્યા' એમ કહીએ છીએ. 'વાળ ખંખેર્યા' ત્યારે કહેવાય જ્યારે સ્ત્રી ધોયેલા વાળને વેલણથી ખંખેરે છે. 'ખંખેરવું' ક્રિયા કોઇને મારવાનુ, ધમકાવવાનું પણ સૂચવે છે. 'ખંખેરવું' તો સમાનાર્થી શબ્દ 'ખંચેરવું' છે - આંબા ઉપરથી પાકી થઇને કેરી આપમેળે નીચે પડે તો તે 'ખરી પડી' કહેવાય, અને ડાળને ઝંઝેડી નાખીને પ્રયત્ન કરી જે કેરી પડાય તે 'ખંખેરી' કહેવાય. મૃત્યુનામની ઘટના જીવન ખરી પડવાની પ્રક્રિયા છે જે પ્રક્રિયા છે તે બધી સાહજિક હોય છે. આકાશની વાદળિયોના અને મનુષ્યની આંખોમાંથી જલધારા વહી આવે તેને ખરી પડવાની ઘટના કહેવાય ત્યાં ખંખેરી શબ્દ ના વપરાય. 'ખરવું' સાહજિક ઘટના છે તો ખેરવવું એ બિનસાહજિક ઘટના છે. બિનસાહજિક ઘટના પ્રેરક બની જાય છે. ઝાડની ડાળી ઉપરથી ફૂલ ખરે ખરું, એની મેળે પડી જાય ત્યારે ફૂલ ખર્યું કે ફૂલો ખર્યા એમ કહેવાય છે.
બિનસાહજિક બધી ક્રિયાઓ છે એમાં પ્રયત્ન છે. કોઇના થકી થાય છે. એટલે 'ખરવું' અને 'ખંખેરવું' વચ્ચે તફાવત છે. આકાશમાંથી તારા ખરી પડે છે અને અનાજની ગુણો, નામાના કોથળા ખંખેરાય છે. પાંદડાં ખરે, ફૂલડાં ખરે, ફળ ખરે અને પ્રસ્વેદનાં ટીપા ખરે જે સ્વાભાવિક રીતે થાય તે બધું જ 'ખરે' - પણ નાક ખંખેર્યું કહીએ છીએ ત્યારે તેમાં પ્રયત્ન છે તે પ્રતીત થાય છે. કોઇને માર્યો, કોઇને મારીને પૈસા પડાવી લીધા તેના માટે પણ સમાજમા લાક્ષણિક રીતે 'ખંખેરી લીધો' કહે છે. 'ખર' શબ્દ ક્ષર શબ્દમાંથી આવ્યો હશે તે કલ્પી શકાય છે. જે મેળે પડે છે - નાશ પામે છે - મૃત્યુ પણ ફળ જ છે એટલે 'ખરી' પડયો. પ્રયોગ થાય છે. એ સહજ ઘટના છે. 'ખેરવવું' એટલે ફસાઈ ગયેલું હોય તેને મુક્ત કરવું અને 'ખંખેરવા' સાથે મારવુ/ઝુડવું જોડાયેલું છે. ખંખેરવામાં માનવી પ્રયત્ન ભર્યો છે. બિનસાહજિક પ્રવૃત્તિ છે. 'સરકારે પ્રજા પાસેથી ટેક્ષ નાખી ખંખેરી લીધી' જેવા સમાચારોમાં પણ બિનસાહજિકતાનો અહેસાસ અવશ્ય થાય જ છે. આપણે સત્ય, સાચના પર્યાય તરીકે 'ખરુ' શબ્દ વાપરીએ છીએ. ત્યારે 'ખરુ' શબ્દમાં 'ક્ષર' - નાશ પામવાની ઘટના સત્ય જ છે. એવો અર્થ પડયો જ હશે કે શું? ખંખોરવું અને ખંખોળવું જેવા બે પ્રયોગો પણ સમજવા જેવા છે. 'ખંખોરવું' એટલે પાણીમાં ડૂબકી મારવી 'ખંખોળવું' એટલે ફંફોસવું કે તપાસવું એવો અર્થ થાય છે. માત્ર એકાદ ધ્વનિફેરે કેવો મોટો અર્થભેદ થઇ જાય છે તે ગુજરાતી ભાષકે ધ્યાને લેવો જોઇએ. અબુધ કે વંઠેલ માણસને ગમે તેટલી શિખામણ આપો પણ તેને કંઇ થાય જ નહિ, સાંભળે ખરો, પણ બધું જ ખંખેરી નાખે - એવા અર્થમાં પણ ખંખેરનો પ્રયોગ થાય છે. ક્ષણો ખરે, પીંછાં ખરે એમ -
મારી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગિયો
અવિનાશ વ્યાસની ખૂબ જાણીતા કાવ્યની પંક્તિમાં માડીનું કંકુ એ સૂરજની વાત છે. પ્રાચીમાં સૂરજ નીકળવાની ક્ષણો કંકુવરણી થઇ જાય છે જે સાહજિક ઘટના છે એટલે ત્યાં કંકુ 'ખર્યું' પ્રયોગ થયો છે. સંત-મહાત્મા થવા માટે સંસારનો વૈભવ ખંખેરી નાખવો પડે છે. જેનામાંથી ષડરિયુ ખરી પડે એ જ સાચો સાધુ હવે સ્પષ્ટ કરું -
સૂર્ય રોજ સવારે ઊગે છે ત્યારે તેના કિરણો ચોમેર ફેલાવી તેની શક્તિનો સંચાર કરે છે, એ કિરણો તથા એ સૂરજ સાંજે ખરી પડે છે. આથમવાની પ્રક્રિયા થાય છે. ઊગવું અને આથમવું બંને સાહજિક - પ્રક્રિયાઓ છે તેવું જ જીવનનું પણ છે. જન્મ લેવો અને મૃત્યુ પામવું કિરણો દ્વારા ઉજાસ પથરાય અને શક્તિ સંચારિત થાય રોજે રોજ સાંજ પડે એ કિરણો ખરી પડે! નિરંતર પ્રક્રિયા ચાલ્યા કરે છે. જીવનનું પણ એવું જ છે - સંધિકાળ સત્ત્વગુણનો, આત્માના સમત્વનો પ્રતિનિધિ છે ઊગવા ટાણે અને આથમવા ટાણે આત્મપરીક્ષણ થવું જોઇએ. સૂર્યની જેમ જન્મ-મૃત્યુ ઉદય અસ્ત છે. આ પ્રક્રિયાઓ છે - એ પ્રક્રિયાને લીધે જ તાજગી છે - જીવવા જેવું લાગે છે.
નવેસરથી એકડો પાડીએ અને નૂતન સવારની ક્ષણોની નૂતન તાજગી પામીએ. ઊગવું-આથમવું, ખિલવું-ખરવું, બધી જ પ્રક્રિયાઓમાંથી પામવા જેવો બોધપાઠ પામી લેવાનો કુદરતનો સંકેત હોય છે જ. આપણે ખરી પડતા સમય પાસેથી, જીવન પાસેથી ખંખેરી નાખવા જેવી સામગ્રીને છેટી કરો નવા સંકલ્પને સહારે જઇએ. નવા વર્ષે આપણે જાતને ખંખેરી, સાફ કરી નવા સંકલ્પને સહારે જઇએ.