વિશાળ માજુલી દ્વીપે કળા રસાળ
- રસવલ્લરી-સુધા ભટ્ટ
- વનરાજીભર્યાં વન રાજી તો આપણેય રાજી
આપણા દેશના પ્રાકૃતિક વારસાની ખરી નોંધ લેવી હોય તો પૂર્વોત્તરનાં રાજ્યો ખેડવા પડે. અલબત્ત, દેશના અન્ય હિસ્સાઓ પણ નિસર્ગદત્ત ભેટથી અલંકૃત છે જ અને તે દરેક વિવિધ મુદ્દે રસિકોની, સંશોધકોની, કલાકારોની, સાહિત્યકારોની નજરે ચડેલા જ છે. ભૌગોલિક પરિસ્થિતિને લીધે સાવ નોંખા તરી આવતા 'સેવન સિસ્ટર્સ' રાજ્યોની નોંધ વિશ્વસ્તરે લેવાયેલી છે. ચેરાપુંજી તેના વરસાદના લીધે ખૂબ ચર્ચામાં રહ્યું અને હવે 'ડબલ ડેકર રૂટ બ્રિજ' નામનો તાજ તેના શિરે છે. મેઘાલયના માઉલીનોંગ ગામે સિંગલ રૂટ બ્રિજ પણ પ્રવાસીઓને આકર્ષે છે. મહાકાય, ઉંમરવાન જમાનાને જોઈ ચૂકેલા પીઢ વૃક્ષોનાં મૂળિયા ધરતી ફાડી, ખળખળ વહેતી નદીની ઉપર થઈને સામે કાંઠે એવા જ વૃક્ષદાદાના મૂળિયા સાથે 'શેક હેન્ડ' કરી એક એકમ તરીકે પેશ આવે ત્યારે મોઢામાં આંગળા નાંખી જવાય. જીવંત અને જીવિત એ મૂળિયાં ઉપરથી માણસો નદી પાર કરી શકે એટલી ક્ષમતા એનામાં છે એ વિજ્ઞાાન માટે પણ આશ્ચર્યનો વિષય છે. આવાં તો અનેક કૌતુક આપણી ભોમકા પોતાના અંકમાં સમાવીને બેઠી છે એમાં આસામના માજુલી ટાપુનો ઉલ્લેખ કરવો જ પડે. પેલા એક શિંગડાવાળા ગેંડાના ઘર કાઝીરંગા નેશનલ પાર્કથી જોરહાટ ગામ થઈને બ્રહ્મપુત્ર નદીના નિમાતી ઘાટે પહોંચીએ તો માજુલી જવા માટેની ખમતીધર બોટ મળી જાય - જે મુસાફરોને અને વાહનો- સૌને સામે પાર પહોંચાડી દે. ચોમેર પુષ્કળ વનસ્પતિ વચાળે કદલી (કેળ) વનના દ્રશ્યો આંખને ઠારે.
સત્ર = છત્ર, છત્રછાયા, રક્ષણ, નિશ્રા.
માજુલીના મૂળ આદિવાસીઓએ વિવિધ કળાઓ હસ્તગત કરી, વિવિધ ધાતુ, લાકડા, દોરા આદિ સાધનસામગ્રીમાંથી હસ્તોદ્યોગ અંતર્ગત વસ્તુઓ બનાવી જાણે કે માજુલીને શણગારી દીધું છે. અહીં રાસલીલા, હોળી, બિહુ, ગુરુકીર્તન, જન્માષ્ટમી, શરદોત્સવ, ડોલોત્સવ આદિ તહેવારોની પરંપરા ચાલુ રાખીને તેમની ભક્તિ, ગાયન કલા, નર્તન કલાને જીવંત રાખી છે. પંદરમી સદીમાં પ્રથમ સત્ર અહીં સ્થપાયું. સત્રનું સ્થાપત્ય સાદું છતાં પ્રભાવી હોય છે જેમાં વિશાળ પ્રાર્થના ખંડો, એક ગર્ભગૃહ, અતિથિગૃહ, સાધુ- સંન્યાસીઓનાં નિવાસસ્થાન અને અવનિયાતી સત્ર જેવા સ્થળે તો સંગ્રહાલય પણ હોય છે જેમાં ઐતિહાસિક તવારીખ પણ જાણવા મળે. બારપેટા, કમલાબારી જેવા સત્રમાં ભાવનાનૃત્ય રજુ કરવામાં આવે છેે તેનો ઉલ્લેખ ઠેર ઠેર જોવા મળે. સામોગુરી સત્રની સ્થાપના ૧૬૬૩માં કરવામાં આવી હતી. જ્યાં લોકનૃત્યો પ્રસ્તુત થતાં સત્રો અંગેની માહિતી ઉપરાંત અવનિયાત્રી સંગ્રહાલયમાં અહોમ રાજાના ૧૬૭૧ની સાલના હથિયારો મૂળ સ્વરૂપે છે. હાથીદાંતની આઇટમો, વાંસની કૃતિઓ, મોટા થાળ, તામ્રપત્રો ઉપરાંત ૧૮૭૧માં આસામના ન્યૂઝ પેપર 'આસામ વિલાસિની'ની પ્રત અહીં છે. એ પ્રેસમશીન યથાસ્વરૂપે અહીં સચવાયું છે. 'ધર્મ, સાહિત્ય અને સંસ્કૃતિ'ને સાચવવા આ પહેલ કરવામાં આવી હતી. અવનિયાતીનો અર્થ છે: અવનિ = પાન અને આતી = ઊંચી જમીન. સત્રના બંધારણમાં વૈદિક કાળથી ભજન- કીર્તન- આરતી- નૃત્ય, નાટય, અભિનય, સંસ્કૃતિના સંગમ જેવી શ્રીકૃષ્ણ લીલાનું મહત્ત્વ છે. મંડપને તેઓ 'નામઘર' કહે છે. ઉત્સવોનું મહત્ત્વ છે. મંદિરમાં જય-વિજય, વાસુકિ, વિષ્ણુ, દશાવતારના શિલ્પો જોવા મળે. ફાગ, હોરીગીતો 'બિરજ મેં હોરી ખેલત નંદલાલ' સહ ગુંજવા મંડે.
માજુલી એટલે મા લક્ષ્મીનો ભંડાર
તો, વિરાટ બ્રહ્મપુત્ર નદના જળ પર થઈને શીતળ વાયુના વીંઝણાનો લાભ લઈને સામે પાર જતાં દોઢેક કલાક લાગે અને દુનિયાના સૌથી મોટા નદી ઉપરના ટાપુ માજુલીએ પહોંચી જવાય. ૧,૨૦૦ વર્ગફૂટ ક્ષેત્રફળ ધરાવતા અનેક નાનકડા ગામોના સમૂહ એવા આ દ્વીપ ઉપર આશરે બે લાખની વસ્તી વિચરે છે. સુંદર રસ્તાઓ, શેરીઓ, વૃક્ષોથી ઘેરાયેલા મકાનો, શાળાઓ, કૉલેજો અને યુનિવર્સિટીઓ સહિત અહીં બધી જ સગવડ મળે. પ્રવાસીઓ માટે હૉટેલ, રેસ્તોરાં, પરિવહન માટે બસ, રીક્ષા, ટેક્સી- બાગ, બગીચા, ધોધ, સરસર કરતી ઉછળતી સરિતા, કાંઠે બેસીને મન ભરાઈ જાય એટલી લીલોતરી ને પર્વતમાળાઓને આત્મસાત્ કરવાની મઝા - આ બધું જ અહીં છે. મળતાવડા માનવીઓ અને ધમધમતું બજાર વધુ શું ખપે ? પણ અહીંની એવી એક ખાસ વાત જેમાં એક વાર પ્રવેશ્યા પછી બહાર નીકળવાનું મન ન થાય તે છે અહીંના પૌરાણિક 'સત્ર'. સત્ર એ આસામીઓના જીવનનો એક ભાગ છે. એ છે સભાક્ષેત્ર, યજ્ઞાશાળાથી ધમધમતું સ્થળ. આ એવી સંસ્થાઓ છે કે જેમાં ગુરુ-શિષ્ય પરંપરાનું આજેય ચલણ છે. હિંદુ પુરાણોમાં 'સત્ર' છે જેનો અર્થ 'વૈષ્ણવ પંથ' આપણને પ્રાચીન સમયમાં ખેંચી જાય. એકેશ્વરવાદની ભાવના અહીં પ્રવર્તે છે. 'એક શરણ નામધર્મ' એ એમના આદિગુરુ શ્રી શંકરદેવનું સૂત્ર છે. હિંદુ મઠ કે મંદિર એમ પણ અભિપ્રેત છે અહીં. એ સંસ્કૃતિની પાઠશાળા- સંસ્થા છે. સંત મહંતોની આ ભૂમિ પૂર્વે મોજાલી, પછી માજાલી, પછી માજુલી કહેવાઈ. આખા ય વિસ્તારમાં ૬૫ જેટલા સત્ર હતા પણ હવે ૨૨ જેટલા બચ્યાં છે. બ્રહ્મપુત્ર નદનાં બે વહેણ વચ્ચેના આ દ્વીપ પર સંસ્કૃતિ ધબકે છે.
સત્રમાં ભજવાતી કળા તે સત્રિય કળા
માજુલીમાં જેટલા સત્ર છે તે બહુકોણીય પ્રવૃત્તિ માટે પ્રખ્યાત છે. 'માટી અખાડા'માં નૃત્યનું વ્યાકરણ શીખવવામાં આવે છે. નૃત્યકારની તાલીમનો એ પાયો છે. સત્રિય નૃત્યનું મૂળ 'સત્ર' છે જે મહાપુરુષ શ્રીમંત શંકરદેવે પંદરમી સદીની આસપાસના સમયમાં પ્રસ્થાપિત કર્યું હતું. આ નૃત્યનાં મૂળ સ્ટેપ્સ સંકુલ શારીરિક વળાંકો અને કોરિયોગ્રાફીની ગૂંથણીને બળ આપે છે ૬૪ જેટલા અખારાઝ (અખાડા) વધુ આઠ શૈલીમાં વિભાજિત થાય છે. તે છે - ઓરા, સાત્ત, ઝલક, સિતિલિકા, પાક, જાપ, લોન અને ખર. સત્રિય નૃત્યના આજની તારીખમાં થયેલા વિકાસના મૂળમાં આવા ગુરુઓની મહેનત સમાયેલી છે. આસામ સત્રિય નૃત્યને ૧૫ નવેમ્બર, ૨૦૦૦ની સાલમાં રાષ્ટ્રીય ઓળખ મળી છે. કેન્દ્ર સરકારની સંગીત નાટય અકાદમીએ એને આઠમા શાસ્ત્રીય નૃત્ય પ્રકારનો દરજ્જો આપ્યો છે. આ નૃત્ય મૂળે તો એકાંકી, નાટકની જેમ ભજવાતું. અગાઉ એને 'અંકીય નટ' કહેવાતું જેમાં 'ભાવના' પ્રકારનું નૃત્ય થતું. પૌરાણિક કથાવસ્તુ ધરાવતા આ નૃત્યમાં મહાભારત, રામાયણ, ભાગવત, વેદ- પુરાણોના અંશ લેવામાં આવતા. હા, એ સમયમાં 'રાધા'નું પાત્ર હતું જ નહિ. અન્ય કળાની જેમ આ નૃત્ય પણ ભરત મુનિના નાટયશાસ્ત્રના સિદ્ધાંતને વરેલું છે. મુદ્રા, અંગભંગિમા, રાસ, ભાવ, અભિવ્યક્તિ એમાં ભારોભાર દેખાય- અનુભવાય. આ વિશિષ્ટ નૃત્ય અને તેમાં વપરાતા મહોરાં, સંગીત વાદ્યો આદિને મળવા જવું છે ને ?
લસરકો: અસલ સત્રિય નૃત્ય કોઈપણ ભગવાનની મૂર્તિ સમક્ષ નહિ; પરંતુ ભાગવત પુરાણ ગ્રંથ સમક્ષ ભજવાતા - જેમાં ગ્રંથની સ્થાપના પૂર્વાભિમુખ થતી. એ ખૂણાને 'મણિકૂટ' કહેતા.