આશાવાદી જીવનનો પ્રેરણાપ્રકાશ .
- આજકાલ-પ્રીતિ શાહ
એ ક અંદાજ પ્રમાણે વિશ્વમાં દર વર્ષે આઠ લાખ વ્યક્તિ આત્મહત્યા કરીને મૃત્યુ પામે છે. ૨૦૨૧માં ભારતમાં ૧૬૪૦૩૩ વ્યક્તિઓએ આત્મહત્યા કરી હતી. આમાં ૭૭ ટકા જેટલી વ્યક્તિઓ ૧૮થી ૪૫ વર્ષની વયની હતી. આવા યુવાનોનેે આત્મહત્યામાંથી પાછા વાળવા બચાવવા તરુણ સાઈએ 'ફાઇન્ડહોપ' નામનું હૈદરાબાદમાં સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે, કારણ કે તરુણ પોતે પણ આવી વિચારધારામાંથી પસાર થયો હતો. સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારથી આઈઆઈટી-જેઈઈ પરીક્ષા આપીને આઈઆઈટીમાં અભ્યાસ કરવાનું તેનું સ્વપ્ન હતું. આઠમા-નવમા ધોરણમાં અભ્યાસ કરતો હતો, ત્યારથી દરરોજ દસ કલાક વાંચતો. જીવનમાં બધું ભૂલીને માત્ર એસાઇન્મેન્ટ લખવા, પરીક્ષા આપવી, કલાકો સુધી અભ્યાસ કરવો એ જ તેનું લક્ષ્ય બની ગયું હતું, પરંતુ આકરી મહેનત કરવા છતાં પરીક્ષામાં પાસ ન થયો. વળી આ સમય દરમિયાન તેને અકસ્માત થતાં પથારીવશ રહેવું પડયું અને તેની મિત્ર સાથેના સંબંધોનો અંત આવ્યો.
આ બધી ઘટનાને પરિણામે તરુણ સાઈ ડિપ્રેશનમાં સરી પડયો. એ પોતાની લાગણી માતા-પિતાને કહીને તેમને દુઃખી કરવા માગતો નહોતો, તો બીજી બાજુ મિત્રો તેના વિશે કેવો અભિપ્રાય બાંધશે તેવો ભય સતાવતો હતો. છેવટે તેણે નક્કી કર્યું કે તે ઊંચા મકાન પરથી કૂદકો મારીને આત્મહત્યા કરશેે. આવું વિચારતો હતો ત્યાં જ તેની નજર સામે એક અન્ય વ્યક્તિએ મકાન પરથી કૂદીને આપઘાત કર્યો. એ દ્રશ્ય જોઈને એ આઘાતથી દિગ્મૂઢ બની ગયો. આ આઘાતજનક ઘટનાએ એની જિંદગી બચાવી અને તેને વિચારતો કરી મૂક્યો કે આવી લાગણીની અનુભૂતિ કરનાર એ એકલો નથી અને આસપાસ આવા કેટલાય લોકો હશે કે જે આવી ગભરાટ, નિરાશા, હતાશા એકલતા અનુભવતા હશે અને મૌન રાખીને કે જીવતા હશે. આવી મનોસ્થિતિ ધરાવતા લોકો આત્મહત્યા ન કરે અને તેમને સાંત્વના મળે, તે માટે કશુંક કરવું જોઈએ, એ અંગે તે વિચારવા લાગ્યો.
છ મહિના સુધી ઘણું વાંચ્યું, સંશોધન કર્યું. પ્રોફેશનલ્સ, મનોવિજ્ઞાાનના વિદ્યાર્થીઓ અને આત્મહત્યામાંથી બચી ગયેલી વ્યક્તિઓને મળીને વીસ વર્ષના તરુણ સાઈએ 'ફાઈન્ડ હોપ' નામના સ્ટાર્ટઅપની શરૂઆત કરી. આવી પરિસ્થિતિમાંથી પસાર થતી વ્યક્તિઓને અઠવાડિયાઓ કે મહિનાઓ સુધી એ સતત અને નિઃશુલ્ક સહાય કરે છે. મનોવિજ્ઞાાનીઓની સહાય, ટૉક-બેઝ થેરાપી અને માનસિક કસરતોથી તેમનામાં સુધારો જોવા મળે છે. તેણે જોયું કે ભારતમાં માનસિક બીમારીને નકારાત્મક દ્રષ્ટિથી જોવામાં આવે છે. તેને ધાર્મિક માન્યતા કે અંધશ્રદ્ધા સાથે જોડવામાં આવે છે અને તેનાથી એમાંથી પસાર થનારને ઘણું મોટું નુકસાન થાય છે. તરુણે મનોચિકિત્સકો અને મનોવિજ્ઞાાનીઓ સાથે ર્કૉલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા મનોવિજ્ઞાાનના વિદ્યાર્થીઓ સાથે મળીને મનોરોગીઓને સહાય કરવાનું વિચાર્યું, જેથી વિદ્યાર્થીઓને અનુભવ મળે અને જરૂરિયાતમંદ રોગીઓને ગુણવત્તાયુક્ત સાચી સલાહ અને સારવાર મળે.
એણે 'ફાઈન્ડહોપ' સ્ટાર્ટઅપ અંતર્ગત 'ઈમોશનલ ફિટનેસ જિમ' શરૂ કર્યું. જેમાં સ્માર્ટફોન પર લોકો આ રમતનો ઉપયોગ કરીને માનસિક ક્ષમતા વધારી શકે તેમજ વાસ્તવિક જીવનમાં આવનારા પડકારો કે પ્રતિકૂળતામાં હિંમત હાર્યા વિના કે મૂંઝાયા વિના માર્ગ કાઢી શકે. ૨૦૨૦ના મે મહિનામાં 'ફાઈન્ડહોપ'ની શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધીમાં ત્રણ હજાર યુવાનોને આશરે ત્રણ અઠવાડિયા સુધી સરેરાશ ચાર કલાકનો સમય આપીને સધિયારો પૂરો પાડયો છે. એની પાસે કાઉન્સેલરોની ટીમ છે તેમનો ઉદ્દેશ યુવાનોના માનસિક સ્વાસ્થ્ય માટે ટૅક્નૉલૉજીનો ફાયદો ઉઠાવવાનો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટનું 'ખુશી' ફીચર લોકોને સ્ટ્રેસ સાથે કેવી રીતે કામ પાર પાડવું તેની ટીપ્સ આપે છે. ચેટબોટ કેટલાક પ્રશ્નો પૂછે છે, તેનો ડેટા મેળવે છે અને તે વ્યક્તિને રાહત મળે તેવાં સૂચનો કરે છે. તરુણ સાઈને આનંદ એ વાતનો છે કે માનસિક સ્વાસ્થ્ય અંગેનાં તેના એકમાત્ર સ્ટાર્ટઅપને સરકારનો આથક સહયોગ સાંપડયો છે.
ફાઇન્ડહોપ 'ફ્રીમિયમ' મૉડલનો ઉપયોગ કરે છે, જેમાં કાઉન્સેલર સર્વિસની ફી હોતી નથી. વપરાશકર્તાને 'ઈમોશનલ ફર્સ્ટ એઇડ' આનલાઇન પ્રોગ્રામ માટે ૧૯૯ રૂ. ફી ભરવાનો વિકલ્પ આપવામાં આવે છે, જેના દ્વારા તે પોતાની જાતને કે મિત્રને મદદ કરી શકે. 'ઈમોશનલ ફિટનેસ જિમ' રમતની શરૂઆતના એકવીસ દિવસ કોઈ ફી નથી, પરંતુ પછી જેને જરૂર હોય તેના માટે મહિને માત્ર નવ્વાણું રૂપિયા ભરવાના હોય છે. આ રમત વપરાશકર્તાઓને મનોવિજ્ઞાાનીઓ સાથે જોડાયેલા રાખે છે અને થેરાપીસ્ટને તેમાંથી ફી મળે છે. આ સ્ટાર્ટઅપ સાથે જોડાવા માટે વપરાશકર્તાઓએ તેમના નામ, નંબરની વિગતવાળું એક ફોર્મ ભરવાનું હોય છે. ફાઈન્ડહોપની ટીમ તેમને કેટલાક પ્રશ્નો પૂછે છે અને જો કોઈ ગંભીર રોગ હોય તો તેને નિષ્ણાત થેરાપીસ્ટ પાસે જવાનું સૂચન કરે છે. એસોચેમના હેવાલ પ્રમાણે ૧૫થી ૨૯ વર્ષ ઉંમરની વ્યક્તિઓ સૌથી વધારે આત્મહત્યા કરે છે. ૪૨.૫ ટકા વ્યક્તિઓ જે ખાનગી ક્ષેત્રે કામ કરે છે, તેઓ ડિપ્રેશન કે એન્ઝાયટી સામે લડી રહ્યા છે. ભારતમાં જેમને માનસિક સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ છે તેમાંના સાઠ ટકા લોકો માનસિક રોગ અંગેની નકારાત્મક ધારણાઓને કારણે કોઈ પણ પ્રકારની દવા કે મદદ લેતા નથી. તો બીજી તરફ ભારતમાં આ ક્ષેત્ર એટલું ઉપેક્ષિત રહ્યું છે કે દસ લાખની વસ્તીએ માત્ર ત્રણ મનોચિકિત્સકો છે. ધ ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ શારીરિક બીમારીને વીમાનું રક્ષાકવચ મળે છે, તે રીતે માનસિક બીમારીને પણ વીમાનું રક્ષાકવચ મળે તેમ જણાવ્યું છે. તરુણ સાઈનું આ સ્ટાર્ટઅપ દોઢસો ટકાના દરે વિકસી રહ્યું છે, તેની ઇચ્છા માનસિક રીતે અસ્વસ્થ લોકોને એવું પ્લેટફોર્મ આપવાની છે કે જ્યાં તેને જીવન જીવવાની આશા મળે.
દરિયાની માછલીની ભારે મજા
'સ્કૂલમાં તેના શિક્ષક કહેતાં કે પ્રતિકૂળ સંજોગોમાં વ્યક્તિ કાં તો ક્રચીસ-ઘોડીથી ચાલે છે, તો કોઈને પાંખો આવે છે'
હ રિયાણાના ગુરુગ્રામમાં રહેતી નિશી શ્રીવાસ્તવના ઘરમાં બધા એન્જિનીયરની કારકિર્દી ધરાવતા હતા, તેથી નિશીએ અન્ય કોઈ કારકિર્દી વિશે વિચાર્યું નહીં અને એન્જિનીયર બનીને કોર્પોરેટ જગતમાં નોકરી મેળવી. નોકરીમાં કોઈ પ્રકારની સમસ્યા નહોતી, પરંતુ નિશીને એના કામથી આનંદ આવતો નહોતો. એણે વિચાર્યું કે આખી જિંદગી આવી નોકરી કરી શકીશ નહીં, પરંતુ બીજી બાજુ શું કરવું તેની કોઈ દિશા મળતી નહોતી. એવામાં ૨૦૨૦ના દિવાળીના દિવસે તે ઘરમાં દીવા પ્રગટાવતી હતી, ત્યારે તેનો દુપટ્ટો દીવાને અડી ગયો અને અગ્નિની જ્વાળા પીઠ અને વાળ સુધી પહોંચી ગઈ. તેને લાગ્યું કે તે શરીરની બહાર છે અને પોતાના શરીરને જોઈ રહી છે. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી. પચીસ ટકા શરીર દાઝી ગયું હતું અને તેને કારણે એક મહિનો તો સદંતર પથારીમાં રહેવું પડયું.
આ એક મહિનો એ પોતાની જાત સાથે રહી. પુસ્તકો વાંચ્યાં. એ વિચારવા લાગી કે, 'હું જે રીતે નોકરી કરું છું તેમાં પૈસા મળે છે, પણ તે સુખનો માર્ગ નથી. જો મારે કંઈક કરવું હોય તો તે અત્યારે જ કરવું જોઈએ, હવે ચૂકી જઈશ, તો ઘણું મોડું થઈ જશે.' નિશી તે દિવસોને યાદ કરતાં કહે છે કે તે જ્યારે નાની હતી, ત્યારે ડિસ્કવરી ચેનલ ખૂબ જોતી અને વ્હેલ શાર્કને જોવી એ એનું સ્વપ્ન હતું. વ્હેલ શાર્કની આંખો અને તેના પાતળા દાંત જોવા ખૂબ ગમતા, પરંતુ મોટા થતાં બધું ભૂલાઈ ગયું. તેની જિંદગીમાં અત્યાર સુધીમાં તેણે એક જ વાર સમુદ્રને જોયો હતો, પણ અત્યારે એને સ્વપ્નમાં સમુદ્ર અને તેની જીવસૃષ્ટિ જાણે બોલાવતી હોય તેવી લાગણી થવા લાગી. સ્વપ્નસૃષ્ટિમાં પણ પાણી પાસે જતાં તે શાંતિ અનુભવવા લાગી. 'ફ્રોઝન' ફિલ્મમાં કહેવાયું છે કે પાણીને પણ યાદશક્તિ હોય છે. નિશી જ્યારે આંખો બંધ કરતી ત્યારે પાણી તેને બોલાવી રહ્યું છે, તેવી અનુભૂતિ થતી. નિશીને લાગ્યું કે તેણે પોતાના આ અંતરના અવાજને સાંભળવો જોઈએ. એ જેવી સ્વસ્થ થઈ કે તરત જ કંઈ પણ વિચાર્યા વિના માલદીવ્સ જવાની ટિકિટ લઈ લીધી.
નિશીને તરતા પણ નહોતું આવડતું અને તેને પાણીનો ભય હોવા છતાં તેણે સ્નોર્કલિંગ કર્યું. પાણીની અંદરની જીવસૃષ્ટિને જોવા માટે માસ્ક અને સ્નોર્કલ નળી લગાવીને સ્કૂબા ડાઈવિંગ કર્યું. તે ક્ષણે તેને લાગ્યું કે આ નિર્મળ બ્લૂ સમુદ્ર તેને બોલાવી રહ્યો છે. તેણે જોયું કે માલદીવ્સમાં પર્યટન માટેની મોંઘી વિલામાં રહેવા કરતાં અન્ય ઘણું બધું રસપ્રદ છે. આ પ્રવાસે તેના જીવનમાં પરિવર્તન આણ્યું અને સાથોસાથ તેને જીવનલક્ષ્ય મળી ગયું. ૨૦૨૧માં નિશીએ મેડ આવર માલદીવ નામની ટ્રાવેલ કંપની શરૂ કરી. તે તરવાનું શીખી અને ફેબ્રુઆરી ૨૦૨૧માં તેણે ૧૪ સ્ત્રીઓ માટે સોલો ટ્રીપનું આયોજન કર્યું. એમાંની ઘણી સ્ત્રીઓ એવી હતી કે જેણે ક્યારેય એકલા મુસાફરી કરી નહોતી કે દરિયાનો કોઈ અનુભવ નહોતો. તેને આ સ્ત્રીઓને દરિયામાં લઈ જઈ ભય દૂર કરાવી અનોખા આનંદની અનુભૂતિ કરાવવાની સાથોસાથ તેમનો આત્મવિશ્વાસ વધારવો હતો. જે પ્રભાવક અને આનંદદાયક અનુભવ નિશીએ કર્યો હતો તે અનુભવ આ સ્ત્રીઓને કરાવવા માંગતી હતી. જેમને તરતા નહોતું આવડતું તેમને સ્નોર્કલિંગનો અનુભવ કરાવ્યો.
પહેલા પ્રવાસની સફળતા પછી તેણે પાછું વળીને જોયું નથી. નિશીએ સ્કૂબા ડાઈવિંગની તાલીમ પૂરી કરી અને ૨૦૨૩માં તે નાઈટ ડાઈવિંગ માટે પણ પ્રોફેશનલ ડાઈવર તરીકે માન્ય થઈ. જોકે આ બધું એટલું સરળ નહોતું. કુટુંબીઓની નારાજગી વચ્ચે નોકરી છોડીને પ્રવાસ કંપની શરૂ કરી હતી, પરંતુ તેનો આનંદ અને પેશન જોઈને પરિવારજનો ખુશ છે. નિશીની યાત્રામાં કેટલાક અવરોધ આવ્યા. ઘણા લોકો એમ વિચારતા કે આ બ્રાઉન સ્કીનવાળી સ્ત્રી આ દેશમાં ડાઈવર તરીકે કામ કરે છે ? જોકે નિશીએ કોઈ ભેદભાવનો અનુભવ કર્યો નથી. તે સ્ટાર્ટઅપ દ્વારા માફુશી, ફૂલીધૂ આયલેન્ડ અને ધારાવંધૂમાં ડાઈવિંગ સેન્ટર સાથે જોડાઈને ડાઈવિંગના કોર્સીસ પણ ચલાવે છે. આ સર્ટિફિકેટ દ્વારા ઓપન વાટર કે એડવાન્સ ઓપન વાટર સ્કૂબા ડાઈવર બનવાની તક મળે છે. નિશી શ્રીવાસ્તવે અઠવાડિયા સુધી બોટમાં રહી શકો અને રોજ ત્રણથી ચાર ડાઈવ લગાવી શકો તેવી સગવડ ઊભી કરી છે. તેના માટે તમે બોટની કેબિનમાં રહી શકો અને જમવાની સગવડ પણ પૂરી પાડવામાં આવે છે.
આ સ્ટાર્ટઅપ સ્નોર્કલિંગ અને સ્કૂબા ડાઈવિંગ કરાવે છે. તેના જુદા જુદા પકેજ છે. જેમાં સવા લાખ રૂપિયાથી શરૂઆત થાય છે. દરિયાઈ જીવસૃષ્ટિ અદ્ભુત છે. એમાં કોરલ, મોટા કાચબા, મંતા રે, રીફ શાર્ક, લાયન ફીશ વગેરે જોવા મળે છે. નિશી શ્રીવાસ્તવ હવે ૨૦૨૪માં માલાપાસકુઆ, ફિલિપાઇન્સ, થાઇલન્ડ અને રેડ સીમાં જવા માગે છે. આખા વર્ષ દરમિયાન તેના જુદા જુદા પ્રવાસો ચાલુ હોય છે. નવેમ્બરમાં મન્તા રે માછલીઓ જોવાનો, તો સપ્ટેમ્બરમાં હની ફારૂ ખાડીમાં જવાનો પ્રવાસ ગોઠવ્યો હતો. ૨૦૨૪ ફેબ્રુઆરીમાં ટાઈગર શાર્ક ડાઈવિંગનું આયોજન કર્યું છે. ૨૦૧૧માં યુનેસ્કો દ્વારા માલદીવને બાયોસ્ફીયર રીઝર્વ જાહેર કર્યો છે. જેમાં દરિયાઈ સૃષ્ટિની બે હજાર પ્રજાતિ છે. નિશી કહે છે કે 'સ્કૂલમાં તેના શિક્ષક કહેતાં કે પ્રતિકૂળ સંજોગોમાં વ્યક્તિ કાં તો ક્રચીસ-ઘોડીથી ચાલે છે, તો કોઈને પાંખો આવે છે, પરંતુ મેં ત્રીજો જ માર્ગ અપનાવ્યો માછલી બની તેની પાંખથી તર્યા કરું છું અને આવું જીવન આપવા માટે ભગવાનનો આભાર માનું છું.'