અણધાર્યો વળાંક પ્રકરણ - 4 .
- મહેશ યાજ્ઞિક
- 'મને જરાય કંટાળો નથી આવ્યો, ભાઈ!' એના ખભે હાથ મૂકીને અનિકેત બોલ્યો. 'તમે નસીબદાર છો. અત્યારના સમયમાં આવી પત્ની તો કોઈ ભાગ્યશાળીને જ મળે!'
'શિવાકાશીના ફટાકડાના જે પેકેટ ઉપર એમ.આર.પી. નવસો રૂપિયા છાપી હોય એ અમને બસો રૂપિયામાં મળે.' સિઝનલ ધંધાવાળા સેવંતીલાલ રડમસ અવાજે જાણકારી આપી રહ્યા હતા. 'એમાંય મને લોભ થયો કે જો રોકડા એડવાન્સ આપીને ડાયરેક્ટ શિવાકાશીથી જ માલની ખરીદી કરવામાં આવે તો નફાનો માર્જિન વધી જાય. એને લીધે રોકડા લાવવાની મૂર્ખામી કરી અને એમાં રોવાનો વારો આવ્યો!' હિતેશની સામે હાથ જોડીને એ કરગર્ર્યો. 'હવે તમે જ કહો કે મારે શું કરવાનું? ચાર લાખ ઊડી ગયા અને ખિસ્સામાં રોકડા પંચાવન રૂપિયા રહ્યા છે!'
ફૂટપાથ પર બેસીને એ વિલાપ કરતો હતો. એની પત્ની રડતી હતી. હિતેશ મૂંઝાયેલો હતો. તમામ પ્રવાસીઓ વ્યગ્ર બનીને ચૂપચાપ ઊભા હતા. એ વખતે કનુ અને મનુ અનિકેતની ડાબે-જમણે ઊભા રહીને કંઈક ગુસપુસ કરી રહ્યા હતા.
'એક મિનિટ બધા સાંભળો!' જોરથી તાળી પાડીને અનિકેતે મોટા અવાજે બૂમ પાડી એટલે હવે બધા એની સામે જોઈ રહ્યા હતા. 'આપણી મિટિંગમાં સુરેશભાઈ અને સંગીતાબહેને પાર્ટી આપી હતી, એ યાદ છેને? આજે અત્યારે એવી જ આઈસક્રીમ પાર્ટી રાખવાની છે. ભાવની ચિંતા કર્યા વગર આ પાર્લરમાંથી જેને જે આઈસક્રીમ ખાવો હોય એ ફટાફટ પસંદ કરીને લઈ લો. આપણી બસ આવે એ પહેલા આઈસક્રીમ પાર્ટી પતાવી દેવાની છે.
'આજે શેની પાર્ટી છે? કોનો બર્થ ડે છે?' કોઈકે મોટેથી પૂછયું. એક બહેને પોતાના પતિને ધીમેથી કહ્યું. 'બિચારા સેવંતીભાઈ સજોડે રડે છે અને આ સાહેબને આઈસક્રીમના અભરખા થાય છે!'
'આ પાર્ટી સેવંતીલાલ તરફથી છે!' અનિકેતે હસીને કહ્યું અને હાથ ઊંચો કરીને બે હજારની નોટના બંને બંડલ બધાને બતાવ્યા. 'એમના ચાર લાખ રૂપિયા સહીસલામત પાછા આવી ગયા એની ખુશીમાં એ આ પાર્ટી આપવાની ના નહીં પાડે!'
સેવંતીલાલ સડપ દઈને ઊભા થઈને અનિકેત પાસે આવ્યા અને ગળગળા થઈને અનિકેતના હાથ પોતાના હાથમાં જકડી લીધા. 'આ ક્યાંથી મળ્યા? મારો તો જીવ ઊડી ગયો હતો, સાહેબ! તમારી પાસે ક્યાંથી આવ્યા?'
'એમાં મારો આભાર માનવાને બદલે આ બંને મિત્રોનો આભાર માનો.' કનુ-મનુ તરફ આંગળી ચીંધીને અનિકેતે ખુલાસો કર્યો. 'પ્રવાસના મૂડમાં આજે તમે ખિસ્સા વગરનું નવુંનક્કોર ટિશર્ટ પહેર્યું છે અને રૂપિયાનું આ પેકેટ તમે મોબાઈલની સાથે પેન્ટના ડાબા ખિસ્સામાં મૂકેલું. જમતી વખતે તમારા મોબાઈલની રિંગ વાગી. તમે ડાબા હાથે પેન્ટના ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢયો એની સાથે જ આ પેકેટ નીચે પડી ગયેલું. મોબાઈલ જ્યારે પણ ખિસ્સામાંથી બહાર કાઢીએ ત્યારે એની સાથે નોટ કે કાગળ કંઈ પણ હોય એ બહાર આવી જ જાય છે. તમે ટેબલ-ખુરસી પર હતા, ધ્યાન જમવામાં અને મોબાઈલમાં હતું અને નીચે લોન હતી એટલે પેકેટ પડયાનો અવાજ ના આવ્યો. તમારી સામે આ બંને મિત્રો બેઠા હતા. એમની નજરમાં આ દ્રશ્ય ઝડપાઈ ગયું. તમે ઊભા થઈ ગયા એ પછી એમણે એ બંડલ ઉઠાવી લીધું. મને વડીલ માનીને એ લોકો પૂછવા આવ્યા કે આ સેવંતીલાલને એમની બેદરકારી બદલ કેટલો દંડ કરવો છે? મેં એમને કહ્યું કે એ ફરીથી આવી ભૂલ ના કરે એટલે થોડી વાર એમને વિલાપ કરવા દો. એ પછી એમના તરફથી આઈસક્રીમ પાર્ટી લઈશું!'
સેવંતીલાલ કનુ-મનુની સામે હાથ જોડીને ઊભા રહ્યા અને આભારવશ નજરે તાકી રહ્યા. 'વડીલ, બધાને આઈસક્રીમ માટે તમે તો બૂમ પાડો.' કનુએ હસીને કહ્યું અને સેવંતીલાલે બધાની સામે હાથ જોડીને કહ્યું. 'જેને જે આઈસક્રીમ જોઈતો હોય એ લઈ લો. બે લેવા હોય તો પણ છૂટ છે!' કનુ-મનુ અને અનિકેતની સામે જોઈને એમણે કહ્યું. 'તમારે તો ફરજિયાત બે-બે આઈસક્રીમ જ લેવાના છે.'
આઈસક્રીમ પાર્ટી પતી ગઈ અને બસ આવી ગઈ એટલે બધા બસમાં ગોઠવાઈ ગયા. ટુ બાય ટુની બસ હતી એમાં સેવંતીલાલ તો અનિકેતની જોડે જ બેઠા. હિતેશે એમની પાસે આવીને સમજાવ્યું. 'તમારે શિવાકાશી જવું હોય તો એ મદુરાઈથી નજીક પડશે. આપણે મદુરાઈ પહોંચીશું ત્યારે ત્યાંથી ટેક્સી કરીને જઈ આવજો.' એણે હસીને સલાહ આપી. 'રોકડા ચાર લાખ જોડે હશે એટલે એકલા જવાને બદલે આ કનુ-મનુ જેવા કોઈ સાથીને સાથે રાખજો.'
બસમાં નવી ફિલ્મના ગીતો વાગી રહ્યા હતા. હિતેશે બધાને જાણ કરી કે સીટી ટૂરમાં માત્ર ગીતો વાગશે. લાંબી મુસાફરીમાં ફિલ્મની ડીવીડી ચાલુ કરીશું. પાંત્રીસ ફિલ્મની ઓરિજીનલ ડીવીડી હું સાથે લાવ્યો છું.
સરકારી મ્યુઝિયમ, કપિલેશ્વર મંદિર, સેન્થોર્ન કેથેડ્રલ, સેન્ટ મેરીનું ચર્ચ ફોર્ટ સેન્ટ જ્યોર્જનું મ્યુઝિયમ અને અન્ય વિશાળ મંદિરો જોયા. માઉન્ટ રોડની હોટલમાં ચાર વાગ્યે બધાને ચા પીવડાવતી વખતે એ રોડ તરફ આંગળી ચીંધીને હિતેશે માહિતી આપી કે ભારતના બધા શહેરોની તુલનામાં ચેન્નાઈના સત્તાધીશોએ દૂરંદેશી વાપરીને એટલા પહોળા રસ્તાઓ બનાવ્યા છે કે ટ્રાફિક જામનો સવાલ અહીં ઓછો નડે છે. સાંજે છેલ્લે મરિના બીચ પર પહોંચ્યા. ઉછળતા દરિયાને જોવાની બધા મોજ માણતા હતા ત્યારે ત્યારે ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો. ધીમે ધીમે વરસાદનું જોર વધવા લાગ્યું અને છત્રી તો કોઈની પાસે હતી નહીં એટલે બધા બસની તરફ દોડવા લાગ્યા. બધા પ્રવાસીઓ બસમાં આવી ગયા ત્યારે સાડા આઠ વાગી ગયા હતા અને બહાર મૂશળધાર વરસાદ વરસતો હતો.
'આ સિઝનમાં દક્ષિણ ભારતમાં વરસાદની તકલીફ રહેવાની.' બધાની સામે જોઈને હિતેશે જાણકારી આપી. 'આપણા પ્રવાસમાં સાથે રહેવાનો એણે આજથી આરંભ કરી દીધો છે એટલે છેક કન્યાકુમારી સુધી એ સાથ આપશે.' બસનો ડ્રાઈવર હજુ આવ્યો નહોતો. હિતેશે એને જલ્દી આવવા માટે ફોન કર્યો અને એ પછી હોટલમાં મહારાજને ફોન કર્યો. મહારાજ સાથે વાત કરી લીધા પછી હિતેશે કહ્યું. 'આપણે હોટલ પર જઈશું ત્યારે પણ વરસાદ તો ચાલુ જ હશે. મહારાજે રસોઈ તો બનાવી નાખી છે. મેં એમને સૂચના આપી કે આ વરસાદમાં બધાને ગરમાગરમ ભજિયા ખાવાની મજા આવશે, એટલે વધારાની આઈટમ તરીકે ભજિયાની તૈયારી કરી રાખજો. અમે આવીએ એટલે ઘાણ ઊતારવાનું ચાલુ કરજો.'
બધાએ તાળીઓ પાડીને હિતેશની વાત વધાવી લીધી. ડ્રાઈવર આવી ગયો અને ચેન્નાઈના વિશાળ રસ્તાઓ પર બસ ઝડપથી આગળ વધવા લાગી.
જમતી વખતે ગરમાગરમ ભજિયામાં બધાને મજા પડી ગઈ. ભોજન પત્યું એટલે હિતેશે સૂચના આપી કે આટલા આટલામાં તમારે ફરવું હોય તો ફરી આવો, પણ સવારે વહેલા ઉઠવાનું છે એ યાદ રાખજો. સાડા છ વાગ્યે ચા-નાસ્તો તૈયાર હશે. એ પતાવીને તરત બધાએ બસમાં ગોઠવાઈ જવાનું છે. તિરૂપતિ દોઢસો કિલોમીટર દૂર છે એટલે ચાર કલાક તો થશે જ. ત્યાં પહોંચીને જમ્યા પછી દર્શન કરવા જઈશું ત્યાં પણ લાંબી લાઈન હશે.'
સવારે સાડા સાત વાગ્યે બધા ઉત્સાહભેર બસમાં ગોઠવાઈ ગયા હતા. બસ તિરૂપતિ તરફ આગળ વધતી હતી ત્યારે રસ્તામાં પણ ઝરમર વરસાદ ચાલુ હતો. સાડા અગિયાર વાગ્યે તિરૂમાલા ટેકરીઓની વચ્ચે બસ પહોંચી ત્યારે વરસાદ બંધ થઈ ગયો હતો. હોટલ રામચરણ ક્રાઉનના વિશાળ કમ્પાઉન્ડમાં બસ પ્રવેશી કે તરત ત્યાંનો મેનેજર હિતેશને સત્કારવા દોડી આવ્યો. મહારાજ એમની ટીમ સાથે બે મોટા કૂકર લઈને રસોડામાં પહોંચી ગયા.
બસમાંથી ઊતરીને બધા પ્રવાસીઓ હોટલના રિસેપ્શન કાઉન્ટર સામે વેઈટિંગ ફોયરમાં ઊભા હતા. કાશીબા જેવા વૃધ્ધ ત્યાં ગોઠવેલા સોફા ઉપર બેઠા હતા. એમનાથી થોડે દૂર મેનેજર બે હાથ જોડીને હિતેશને કંઈક કહેતો હતો અને હિતેશના ચહેરા પર ગુસ્સો હતો. એમના વચ્ચે શું વાતચીત ચાલી રહી છે એ સંભળાતી નહોતી એટલે બધા પ્રવાસીઓ અંદરોઅંદર ચર્ચા કરતા હતા. પેલા લોકોની ચર્ચા વધારે ઉગ્ર બની હોય એવું લાગ્યું એટલે હિતેશને ટેકો આપવા માટે અનિકેત, સુરેશ અને કનુ-મનુ ત્યાં પહોંચી ગયા.
'આ ડોબાએ લોચો માર્યો છે! આ બધાની સામે જોઈને હિતેશ ઉભરો ઠાલવ્યો. 'બાવીસ પેસેન્જર્સ માટે આપણે અગિયાર રૂમ બૂક કરાવેલા હતા. અહીંયા કોઈ મોટો ઉત્સવ હોવાથી એણે બીજી પાર્ટીને સાચવવા માટે આપણને દસ રૂમ જ આપ્યા છે.' પેલા મેનેજરને ગુજરાતીમાં તો સમજણ નહોતી પડી પણ પોતાની ફરિયાદ થઈ રહી છે એનો ખ્યાલ આવ્યો એટલે એણે આ બધાની સામે જોઈને ભાંગીતૂટી હિન્દીમાં માફી માગીને કહ્યું કે રૂમ દસ છે, પણ એમાં એક રૂમ ડબલ મોટો છે અને એમાં ચાર પલંગ છે.
'નો પ્રોબ્લેમ.' હિતેશની ગૂંચવણ પારખીને સુરેશ સોનીએ તરત જ રસ્તો વિચારી લીધો. 'હિતેશભાઈ, તમે ટેન્શન ના લો. એ ચાર બેડવાળો રૂમ અમને આપી દો. અનિકેતભાઈ અને કાશીબા અમારા રૂમમાં રહે એમાં અમને કોઈ વાંધો નથી.' એણે અનિકેતને પૂછયું. 'એમાં તમને તો કોઈ પ્રોબ્લેમ નથીને?'
'હું તો ફક્કડ ગિરધારી છું. મને શું વાંધો હોય?' અનિકેતે હસીને કહ્યું અને હિતેશનો ચહેરો હવે ચિંતામુક્ત થયો. આભારવશ નજરે એણે સુરેશ સામે જોયું. એક કલાક પછી જમવાનું તૈયાર હશે એવી બધાને જાણ કરીને એ રસોડામાં ગયો.
બધા પોતપોતાના રૂમમાં પહોંચી ગયા.ચાર બેડવાળો રૂમ ખૂબ વિશાળ હતો. વચ્ચે પડદાનું પાર્ટિશન કરી શકાય એવી પણ વ્યવસ્થા હતી. ધડકનને પાસે બેસાડીને કાશીબા એના માથા ઉપર હાથ પસવારી રહ્યા હતા. અનિકેત અને સુરેશ પલંગ પર બેસીને તિરૂપતિ મંદિરની અઢળક કમાણી વિશે વાત કરી રહ્યા હતા. ત્યાં આવીને એ બંનેની સામે જોઈને સંગીતાએ પૂછયું. 'આ મહારાજ એક કલાકમાં બધાની રસોઈ કઈ રીતે બનાવી શકશે?'
'વેરી સિમ્પલ.ં' અનિકેતે એને સમજાવ્યું. 'સવારે આપણે ચેન્નાઈથી નીકળ્યા એ વખતે એમણે એમના વીસ વીસ લીટરના બે કૂકરમાં દાળ અને શાક બાફી લીધા છે. એમાં માત્ર વઘાર કરવાનો જ બાકી છે. એક બાજુ ભાત બને ત્યાં સુધીમાં પુરીઓ તળાઈ જશે. જો સાથે કોઈ મીઠાઈ હશે તો એ એમણે રાત્રે જ બનાવી રાખી હશે. બધી ટૂરમાં આ લોકોની આ જ સ્ટાઈલ હોય છે.'
કાશીબાએ સુરેશ, સંગીતા અને અનિકેતની સામે જોઈને પૂછયું. 'મારે અને ધડકને શું કરવાનું? પહેલા દર્શન કરીને પછી મૂંડન કરાવવાનું કે મૂંડન કરાવીને દર્શન કરવા જવાનું?'
'તમારે વાળનું દાન કરવાનું છે, એટલે પહેલા મૂંડન કરાવવાનું અને એ પછી સ્નાન કરીને દર્શન કરવા જવાનું. ધડકનનો હાથ પકડી રાખજો. ભીડમાં એ છૂટી પડી જશે તો તકલીફ થશે.' અનિકેતે એમને સમજાવ્યું. 'તમારું આધાર કાર્ડ સાથે લાવ્યા છોને? એ લઈને સિનિયર સિટિઝનની જુદી બારી છે ત્યાં જશો એટલે ત્રણ વાગ્યે તમને લાઈનમાં ઊભા રહ્યા વગર દર્શન કરવા મળશે.'
એક કલાકમાં પાંચ મિનિટ બાકી હતી ત્યાં જ મેસેજ આવી ગયો કે નીચે ડાઈનિંગ હૉલમાં આવી જાવ. જમવામાં પુરી, શાક, દાળ-ભાતની સાથે સેવ અને છૂટી બુંદી પણ હતી. જમ્યા પછી આખું ટોળું દર્શન કરવા ઉપડયું.દેવસ્થાન ટ્રસ્ટની બસમાં જ ઉપર મંદિર સુધી જવાનું હતું. ભીડ પુષ્કળ હોવા છતાં વ્યવસ્થા સારી હોવાથી મોડી સાંજે બધા પાછા આવ્યા ત્યારે ઉત્સાહમાં હતા. કાશીબા અને ધડકને મૂંડન કરાવ્યું હોવાથી એમના ચહેરા સાવ બદલાઈ ગયા હોય એવું લાગતું હતું.
હોટલમાં આવ્યા પછી થોડી વારે જમવા માટે બધા ડાઈનિંગ રૂમમાં ભેગા થયા.એમાં શુક્લ દંપતી અને શાહ દંપતી વચ્ચે ચર્ચા ચાલતી હતી એ સાંભળવાની બધાને મજા આવી. શાહભાઈનું એમ કહેવું હતું કે આ દેવસ્થાન મૂળ તો જૈનનું જ હતું અને જે મૂર્તિ છે એ પણ અમારા નેમિનાથ પ્રભુની છે. શુક્લભાઈ એમનો વિરોધ કરી રહ્યા હતા. જમવાનું શરૂ થયું એટલે એમની ચર્ચા આટોપાઈ ગઈ. જમવાનું ચાલુ હતું ત્યારે બહાર વરસાદનું એક જોરદાર ઝાપટું વરસી ગયું હતું.
રૂમમાં આવ્યા પછી કાશીબા ખુશખુશાલ હતા. સુખરૂપ બાધા પૂરી થયાનો એમને આનંદ હતો. ઘેર એમના દીકરા-વહુને આ જાણકારી આપવા માટે એ એમના સાદા ફોનથી મથામણ કરી રહ્યા હતા, પણ મોબાઈલ ચાર્જ જ નહોતો કર્યો એટલે બંધ હતો. સુરેશે પોતાના મોબાઈલથી કાશીબાને વાત કરાવી ત્યારે એ રાજી થઈ ગયા.
'મારે બહાર એક ચક્કર મારવું પડશે.' સંગીતા સામે જોઈને સુરેશે કહ્યું. 'રસોઈ ટેસ્ટી હતી એટલે ઓવરડોઝ થઈ ગયો છે. સહેજ ચાલીશ અને સોડા પીશ તો સારું લાગશે.' એની વાત સાંભળીને સંગીતાના ચહેરા પર સ્પષ્ટ ઈન્કાર હતો, એ જોઈને સુરેશે કહ્યું. 'એકલો નથી જવાનો. આ સાહેબને પણ સાથે લઈ જવાનો છું.' સંગીતાએ તરત અનિકેત સામે પ્રશ્નાર્થ નજરે જોયું. 'ચિંતા ના કરો.' અનિકેતે હસીને કહ્યું. 'તમારા મિસ્ટરને હું સાચવીને પાછો લેતો આવીશ.' એટલું કહીને બંને પુરુષોએ પગ ઉપાડયા કે તરત સંગીતાએ કહ્યું. 'એક મિનિટ ઊભા રહો.' એણે ઝડપથી બેગમાંથી બુઢિયા ટોપી કાઢીને સુરેશના હાથમાં આપી. 'વરસાદને લીધે બહાર ઠંડક છે. આ ટોપી પહેરી લો અને જલ્દી પાછા આવજો.' આજ્ઞાાંકિત બાળકની માફક સુરેશે માથે ટોપી પહેરી લીધી અને બંને બહાર નીકળ્યા.
હોટલથી થોડે દૂર પાર્લર હતું. સોડા પીધા પછી અનિકેતે ખિસ્સામાં હાથ નાખ્યો ત્યારે એને રોકીને સુરેશે કહ્યું. 'હું તમને લાવ્યો છું એટલે પૈસા મારે જ આપવાના હોય.'
'એવું ના હોય.' સોડાના પૈસા ચૂકવીને અનિકેતે નિખાલસતાથી કહ્યું. 'તમે બેંતાળીસ વર્ષના છો અને હું અઠ્ઠાવનનો, એટલે વડીલ તરીકે મારે જ પૈસા ચૂકવવા પડે. વળી, મારી એક નબળાઈ છે. કોઈનું નાનકડું પણ અહેસાન માથા ઉપર રાખવાની મારી આદત નથી. તમે સોડા પીવડાવો એટલે એ અહેસાનનો મને ભાર લાગ્યા કરે.'
સામે તિરૂમાલાની ટેકરીઓ રોશનીથી ઝળહળી રહી હતી. સોડા પીધા પછી રોડ ઉપર બંનેએ ધીમે ધીમે ચાલવાનું શરૂ કર્યું. સુરેશે માથા ઉપરની બુઢિયા ટોપી કાઢીને હાથમાં રાખી એ જોઈને અનિકેતે હસીને કહ્યું. 'તમારા શ્રીમતીજી તમારી જબરજસ્ત કાળજી રાખે છે!'
'કાળજી?' સુરેશે હસીને કહ્યું. 'એનું ચાલે તો મને સાંકળથી બાંધીને એ એની સાથે જ રાખે!' બીજી જ સેકન્ડે એના અવાજમાં ગંભીરતા ઉમેરાઈ. 'અલબત્ત, એમાં એનો કોઈ વાંક નથી. એ દુખિયારીની હાલત એવી છે કે મારે એના દરેક આદેશનું પ્રેમથી પાલન કરવું પડે છે.'
અનિકેતના ચહેરા પર ગૂંચવણ જોઈને સુરેશે ખુલાસો કર્યો. 'આ આખી દુનિયામાં મારા સિવાય સંગીતાનું કોઈ નથી. એ અને એનો ભાઈ પાંચ- છ વર્ષના હતા એ જ વખતે એમના માતા પિતા મરી ગયેલા. સંગીતા એની દૂરની એક માસીને ત્યાં નોકરાણીની જેમ ઉછરી અને એના ભાઈને એક કુટુંબી કાકા લોકલાજે બાળમજૂર તરીકે સાથે લઈ ગયેલા. બંને ભાઈ-બહેન અલગ અલગ ઘરમાં અણમાનીતી વ્યક્તિની જેમ મોટા થયા. આગળ અભ્યાસની ઈચ્છા હોવા છતાં સંગીતાને આઠમા સુધી જ ભણવા મળ્યું. અમારા લગ્ન થયા એના દસમા દિવસે જ માથામાં ગોળી મારીને એક ગુંડાએ એના ભાઈની હત્યા કરી નાખી!'
એક સાથે આટલું બોલ્યા પછી લગીર અટકીને એણે અનિકેત સામે જોયું. 'ભાઈનું મર્ડર થયું એ પછી પોતાનું કહેવાય એવું સંગીતા પાસે કોઈ નથી. એને કોઈ કાકા, મામા, માસી કે ફૈબા નથી. તમે નહીં માનો-ઑફિસ કામે ક્યારેક રાજકોટ કે સુરત જવાનું હોય ત્યારે પણ મારે એને સાથે લઈ જવી પડે છે. સરસ રસોઈ બનાવીને મને જમાડવાનો અને મારી બેહદ કાળજી રાખવા સિવાય સ્વતંત્ર રીતે કોઈ કામ કરવાની એની ક્ષમતા નથી.' ફિક્કું હસીને એણે ઉમેર્યું. 'બૅન્કમાં અમારું જોઈન્ટ એકાઉન્ટ છે, પરંતુ એ ક્યારેય બૅન્કનું પગથિયું નથી ચડી, એક પણ ચેક લખ્યો નથી. દર મહિને એ કહે એટલા પૈસા બૅન્કમાંથી લાવીને હું એને આપી દઉં એટલે વાર્તા પૂરી. મેં અનેક વાર સમજાવ્યું પણ એને પે-ઈન સ્લીપ ભરવાનું પણ નથી ફાવતું. હું જ્યારે સમજાવવા મથું ત્યારે એનો એક જ જવાબ હોય કે તમે છો, પછી મારે શું ચિંતા?' એણે હતાશાથી માથું હલાવ્યું. એની સાથે અવાજમાં ભીનાશ ભળી. 'સ્વભાવ એટલો સંવેદનશીલ છે કે વધારે પડતું કંઈક કહું તો રડવા લાગે. હેન્ડલ વિથ કેર-જેવો મામલો છે. એના મગજમાં એક બીક ફીટ થઈ ગઈ છે. એને સતત મારી ચિંતા રહે છે. એના ભાઈનું મર્ડર થયું ત્યારથી એને ફફડાટ રહે છે. એને ડર છે કે ભાઈની જેમ પતિને પણ કોઈ મારી નાખશે તો? એના એ વહેમનો મારી પાસે કોઈ ઈલાજ નથી.' એના અવાજમાં લગીર ગર્વ ઉમેરાયો. 'અલબત્ત, આદર્શ ગૃહિણી તરીકે એને સોમાંથી દોઢસો માર્ક આપવા પડે. ક્યારેય સાડી-કપડાં કે દાગીના માટે કોઈ જીદ નથી કરી, કદી કોઈ માગણી નથી કરી.'
ભાવાવેશમાં આટલું બધું બોલ્યા પછી એણે અનિકેત સામે જોયું. 'સોરી, સર! તમને કંટાળો આવ્યો હશે પણ જિંદગીમાં પહેલી વાર કોણ જાણે કેમ આજે હૈયું ખોલવાની તક મળી અને તમને મારી આખી કથા સંભળાવી દીધી!'
'મને જરાય કંટાળો નથી આવ્યો, ભાઈ!' એના ખભે હાથ મૂકીને અનિકેત બોલ્યો. 'તમે નસીબદાર છો. અત્યારના સમયમાં આવી પત્ની તો કોઈ ભાગ્યશાળીને જ મળે!' કાંડા ઘડિયાળ સામે નજર કરીને અનિકેતે કહ્યું. 'હિતેશભાઈ સાત વાગ્યે બસ ઉપાડવાના છે. અહીંથી બેંગાલુરૂનો રસ્તો અઢીસો કિલોમીટરનો છે. છ કલાક મુસાફરી કરવાની છે એટલે હવે રૂમ પર જઈએ.'
બંને હોટલમાં આવ્યા ત્યારે રાહ જોઈને બેઠેલી સંગીતા કાશીબા સાથે વાતો કરતી હતી. ધડકન ઊંઘી ગઈ હતી. સુરેશને પાછો આવેલો જોઈને સંગીતાની આંખમાં ખુશીની જે ચમક દેખાઈ એ જોઈને અનિકેતને હવે નવાઈ ના લાગી!
(ક્રમશઃ)