માણસ શાંતિ માટે અશાંતિ સર્જે છે .
- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
- માણસ ભૂલી ગયો છે કે શાંતિ, અહિંસા, કરૂણા એ બધા વિચારો નથી પણ અનુભવ છે. શાંતિ સખ્તાઈથી નહીં પણ સ્નેહપૂર્ણ સમજથી સ્થપાય છે.
આ પૃથ્વી પરનો સૌથી વિચિત્ર જીવ છેઃ માણસ. જે શાંતિ માટે અશાંતિ અને અહિંસા માટે હિંસા સર્જે છે. જે આદર્શો અને મૂલ્યો માટે યુદ્ધો કરે છે. માણસ ભૂલી ગયો છે કે શાંતિ, અહિંસા, કરૂણા એ બધા વિચારો નથી પણ અનુભવ છે. શાંતિ સખ્તાઈથી નહીં પણ સ્નેહપૂર્ણ સમજથી સ્થપાય છે. બાકી જ્હોન સ્ટાઈનબેક લખે છે 'દરેક યુધ્ધ વિચાર અને વિચારશીલ માણસની નિષ્ફળતાનું પ્રતિક છે.' આ જગત મારું કે તારું નથી-સૌનું છે. અલબત, આવી વાતો કે વિચારો મોટાભાગના ને કાયરતા કે કંટાળજનક લાગે છે. છતાં કેટલાક લોકો આ વિચારોને સમગ્રતાથી જીવવાની મથામણ કરે છે. આવો મળીએ.. તેવા જણને અને સ્થળને ...
બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન હંગેરીના બુડાપેસ્ટમાં અસંખ્ય લોકોને મારી નાખવામાં આવેલા -તેમાં મુખ્યત્વે યહુદીઓ હતા. આ દરમ્યાન બનેલી એક ઘટના માનવજાતને શરમાવે તેવી ઘટેલી. બુડાપેસ્ટની ડાન્યુબ નદીના કાંઠે ત્યાંની એરોક્રોસ પાર્ટીના ફાસીસ્ટ મિલેશીયાએ હજારો લોકોને મારી નાખેલાં. એક વખત ત્યાં નદી કાંઠે હરોળબંધ નિર્દોષ લોકોને ઉભા રાખવામાં આવ્યા, તેમનાં જોડાં કઢાવતા ગયા, ગોળીઓ મારતા ગયા અને લાશોને વહેતી કરતા ગયા..અલબત, રાઓલ વોલ્લેનબર્ગ ( ઈ.સ.૧૯૧૨-૧૯૪૭) નામના માનવતાવાદી સ્થપતિએ યાતનાવાદી છાવણીમાંથી સેંકડોને બચવામાં-ભાગવામાં મદદ કરેલી. તેના આ માનવીય નૈતિક સાહસ માટે તેને સન્માનીત પણ કરાયેલો. કાળક્રમે ત્યાં ૧૬.૪.૨૦૦૫માં ડાન્યુબ નદીના પૂર્વ કાંઠે 'શુઝ ઓન ધ ડાન્યુબ બેંક' નામનું વોર મેમોરીઅલ રચાયું. જ્યાં લગભગ ૩૫૦૦ માનવીની હત્યા થયેલી. આ સ્મારક રચનાર બે વ્યક્તિઓ હતી: કોન ટોગે નામનો ફિલ્મ મેકર અને ગ્યુલા પેવર નામનો શિલ્પકાર. આ જોડાઓનું સ્મારક યુધ્ધની સામેનો શાંતિપૂર્ણ-સમજપૂર્ણ વિદ્રોહ છે. અહીં લોખંડના ૬૦ જોડી જોડાંને જમીન પર સીલ કરી અસ્તવ્યસ્ત ગોઠવી દેવાયાં છે. ત્યાં પત્થર પર હંગેરીઅન, હીબ્રૂ અને અંગ્રેજી ભાષામાં લખાયેલ તખ્તી છે' પીડિતોની યાદમાં, જેમને એરોક્રોસ મિલીશીઆ એ ૧૯૪૪-૧૯૪૫માં ડાન્યુબ કાંઠે ગોળીએ દીધેલાં.'
કદાચ, માનવજાતને પશુ બનવાના કારણો શોધી કાઢવાની ઐતિહાસિક કુટેવ છે. માનવ જીવના ગૌરવ અને ગરિમાને શૂળી કે ગોળી દેવાની લત છે. પછી જીસસ કે ગાંધીની પાદૂકાઓ વધે છે. આવા ખાલીખમ્મ જોડાં માનવીનું તકલાદીપણું કે વિવશતા તરફ આંગળી ચિંધે છે. માણસની પશુ થઈ જવાની ક્ષમતા અપાર છે. તેથી માનવ્યની તમામ સંભાવનાનો છેદ ઉડી જાય છે. માણસ સામે માણસની આ લડાઈ અંતહિન છે અને તેથી જ દરરોજ ક્યાંક આવા ખાલીખમ્મ જોડાંના સ્મારકો બની રહયા છે. ખાલીખમ્મ જોડા એટલે :
વ્યક્તિ ખોવાય - નામ બચે,
જણ ખોવાય - જોડાં વધે,
ચૈતન્ય વિખેરાય - પદાર્થ બચે...