સિદ્ધયોગી શ્રી શિવ પ્રભાકર 723 વર્ષ જીવિત રહ્યા હતા!
- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- સિદ્ધયોગી બ્રહ્માનંદ શ્રીશિવ પ્રભાકરને દક્ષિણ ભારતના મહાન ૧૮ સિદ્ધોમાંના એક માનવામાં આવે છે. સ્વામી શ્રી શિવ પ્રભાકર કેરલમાં વધારે સમય રહ્યા.
'સદા વૈકુંઠનિલયા હરિકીર્તન તત્પરઃ ।
લીલામૃત રસોન્મત્તા: કથામાત્રૈકજીવિન: ।।
હરિશરણમેવં હિ નિત્યં યેષાં મુખે વચ: ।
અત: કાલસમાદિષ્ટા જરાયુષઅમાન્ન બાધતે ।।
તમે હમેશાં ભગવાનમાં લીન રહેનારા, હરિકીર્તન
કરનારા, ભગવાનનાં કથા શ્રવણાદિમાં જ જીવન
ગાળનારા અને ભગવાનની લીલારૂપી અમૃતના
રસાસ્વાદમાં ઉન્મત્ત રહેનારા છો. તમારા મુખમાં
'હરિ: શરણમ્' આ વચન સદાય રહેલું હોવાથી
કાળ-મૃત્યુ પ્રેરિત વૃધ્ધાવસ્થા તમને બાધક અને
દુઃખ રૂપ બનતી નથી.'
- શ્રીમદ્ ભાગવત મહાપુરાણ, અધ્યાય-૨, શ્લોક-૪૭,૪૮)
સ દા કુમાર અવસ્થામાં જ રહેનારા સનકાદિ મુનિઓની સ્તુતિમાં દેવર્ષિ નારદજીએ કહેલા આ વચનો દર્શાવે છે કે યોગીઓ ભક્તિ યોગના પ્રભાવથી કાળ-મુત્યુ પર નિયંત્રણ રાખી શકે છે. કેટલાક અવતારી પુરુષો કે યોગીઓ ચિરંજીવી રહે છે, કેટલાક કુમાર અવસ્થા જેવી એક જ અવસ્થામાં સ્થિર રહે છે, કેટલાક ખૂબ લાંબા આયુષ્યવાળા દીર્ધ જીવન જીવનારા બની રહે છે.
યોગીજનો પાસે જે યોગ સિધ્ધિઓ હોય છે તેનાથી તે પોતાની ઈચ્છા અનુસાર શરીર છોડવાની પ્રયુક્તિ, તેને લાંબા સમય સુધી ટકાવી રાખવાની પ્રયુક્તિ કે એક શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરવાની પ્રક્રિયાઓ કરતા હોય છે. બ્રહ્માનંદ શ્રી શિવ પ્રભાકર એવા દુર્લભ સિધ્ધ યોગીઓમાંના એક હતા જેમણે ૧૭ વાર સ્વયં અવતાર કે વિવિધ રૂપો ધારણ કરી ધરતી પર ૭૨૩ વર્ષો સુધી પોતાનું જીવન ધારણ કરી રાખ્યું હતું.
એવું માનવામાં આવે છે કે શ્રી શિવ પ્રભાકરજીનો જન્મ ૧૨૬૩માં અકાવૂર મનમાં થયો હતો. જ્યારે તે ૯ વર્ષના હતા ત્યારે ભગવાન શિવ ગોસ્વામીનું રૂપ ધારણ કરી તેમને હિમાલયની એક ગુફામાં લઈ ગયા હતા અને ત્યાં તેમને પ્રાણાયામ અને હઠયોગની વિશેષ પ્રક્રિયાઓ શીખવી હતી અને શક્તિપાત કરી પોતાનું તેજ શ્રી શિવપ્રભાકરના શરીરમાં પ્રવિષ્ટ કરી દીધું હતું. હિમાલયમાં તપશ્ચર્યા અને સાધના કર્યા બાદ તેમણે અનેકવિધ યોગસિધ્ધિઓ પ્રાપ્ત કરી લીધી હતી. તે પછી તે નાથ કુઝિયિલ જનાર્દન નાયરની સાથે ૩૦ વર્ષ સુધી રહ્યા જે પાછલા જન્મમાં તેમના માનસ પુત્ર અને સાથી હતા.
સિદ્ધયોગી બ્રહ્માનંદ શ્રીશિવ પ્રભાકરને દક્ષિણ ભારતના મહાન ૧૮ સિદ્ધોમાંના એક માનવામાં આવે છે. સ્વામી શ્રી શિવ પ્રભાકર કેરલમાં વધારે સમય રહ્યા. પરંતુ તે અનેક શતાબ્દીઓ સુધી ઉત્તર અને દક્ષિણ ભારતના અનેક સ્થળે રહ્યા હતા. અનેક લોકો તેમની ચમત્કારિક સિદ્ધિઓ જોઈને ધન્ય બન્યા હતા. પરકાયા પ્રવેશની સિદ્ધિથી તે તેમના ગુરુની સાથે અનેકવાર શરીર બદલતા. થોડો ઘણો સમય પોતાની ઈચ્છા મુજબ તે પોતાના આત્માને પોતાના શરીરમાંથી બહાર કાઢી બીજાના શરીરમાં પ્રવિષ્ટ કરાવી દેતા. ત્યાં તે બીજાના સ્વરૂપે જીવીને પાછા પોતાના શરીરમાં આવી જતા. આકાશગમનની યોગ સિદ્ધિથી તે હવામાં ઊડી શકતા હતા. અનેક લોકોએ તેમને ઘણીબધી વાર પદ્માસનની યોગ મુદ્રામાં બેઠા હોય તે રીતે હવામાં ઊડતા, આકાશમાં ગતિ કરતા જોયા હતા. કેટલાકે તેમને ઉકળતા પાણીથી સ્નાન કરતા પણ જોયા હતા. તે ઝેરીલા સાપ તેમના શરીર પર વીંટાળી રાખતા પણ તે કદી તેમને દંશ મારતા નહોતા. તેમની આજુબાજુમાં ફરતા ઝેરી સાપ બીજા કોઈને પણ દંશ મારતા નહોતા. તે પર્વતની વિશાળ, ભારેખમ શિલા જેવી વસ્તુઓને સહેલાઈથી હલાવી કે ઉપાડી શકતા હતા.
યોગી શ્રી શિવ પ્રભાકર હલકી ઘાતુને કીમતી ઘાતુ રૂપે પરિવર્તિત કરી શકતા હતા. કીમિયાની વિદ્યાર્થી તે લોખંડને સુવર્ણ રૂપે બદલી શકતા હતા. તે ભૂતકાળ-વર્તમાનકાળ અને ભવિષ્યકાળ ત્રણેય કાળની ઘટનાઓને જાણી શકતા હતા. બીજાના મનમાં ચાલતા વિચારોને પણ જાણી લેવાની ક્ષમતા ધરાવતા હતા. સિદ્ધયોગી શ્રીશિવપ્રભાકર પાણી પર ચાલી શકતા હતા અને પાણીની અંદર લાંબા સમય સુધી સમાધિની સ્થિતિમાં રહી શકતા હતા.
૧૯૪૨માં દ્ધિતીય વિશ્વયુદ્ધ દરમિયાન કેટલાક માછીમારો કેરળના એર્નાકુલમના સમુદ્રજળમાં માછલીઓ પકડી રહ્યા હતા તે દરમિયાન તેમને ઊંડા પાણીમાંથી માછલી પકડવાની જાળમાં ફસાયેલ કોઈ ચળકતા લાકડા જેવી વસ્તુ મળી. બહાર કાઢીને જોયું તો તે સમાધિમાં બેઠેલા કોઈનું શરીર હોય એવા ખ્યાલ આવ્યો. થોડીવાર બાદ તેમને ખ્યાલ આવ્યો કે તે શરીર જીવિત છે. તે યોગીએ તેના શરીરના નીચેના ભાગ પર વસ્ત્ર પહેરેલું હતું તેના માથા પર વાળ ઊંચા કરીને એ રીતે બાંધવામાં આવેલા હતા જેનાથી તે શિવલિંગ જેવા આકારના દેખાતા હતા.
કેટલાક નાસમજ લોકોએ તેમને સાધુના વેષમાં જાપાની જાસુસ માની લીધા અને પોલીસે એર્નાકુલમ્ના મટ્ટનચેરી પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં પૂરી દીધા. પોલીસ ઈન્સ્પેક્ટર એનું મધ્યાહ્મ ભોજન લેવા તેના ઘેર ગયો, પરંતુ એક અદ્દભુત આશ્રર્ય સર્જાયું. તેને તેની પાછલ કોઈ ચાલતુ હોય એવો અવાજ સંભળાયો તેણે પાછળ વળીને જોયું તો તે સાધુ ત્યાં હતા જેને તે પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં પૂરીને આવ્યો હતો. તેને ખ્યાલ આવી ગયો કે આ કોઈ સાચા સિદ્ધ મહાત્મા છે. તેણે પૂછ્યું - 'કેરળમાં તમે કોઈને ઓળખો છો ?' તો શ્રી શિવપ્રભાકરજીએ કહ્યું - ત્રાવણ કોરના સી.પી.રામાસ્વામી અય્યરને ઓળખું છું. તે ત્રાવણકોરના દીવાન હતા. પોલીસ અધિકારીઓએ તેમને તરત સંપર્ક કર્યો. તે તેમને ઓળખી ગયા. તેમની સૂચનાથી યોગી શ્રી શિવપ્રભાકરને ત્રિવેન્દ્રમ લઈ જવાની વ્યવસ્થા કરી દેવામાં આવી. તેમણે યોગીજીની ક્ષમા માંગી. યોગી શ્રી શિવ પ્રભાકરે કહ્યું હતું કે તે ૫૦ વર્ષથી સમુદ્રના જળમાં સમાધિ લગાવીને બેઠેલા હતા ! તે વખતના મુખ્ય મલયાલમ વર્તમાનપત્રોમાં આ ઘટના પ્રકાશિત થઈ હતી. એકવાર તે ભરસભામાં બધા લોકોની સામે એકાએક પ્રકાશમાં વિલિન થઈ ગયા હતા. થોડીવાર પછી પાછા પ્રગટ થઈ ગયા હતા. કેરળના દૈનિક સમાચાર પત્રો માતૃભૂમિ મનોરમા અને મલાલામાં આ ચમત્કારિક ઘટના પ્રકાશિત થઈ હતી.
૬ એપ્રિલ ૧૯૮૬માં એમનું જન્મનક્ષત્ર અસ્ત પામ્યું ત્યારે તેમણે કેરળના ઓમલ્લુરમાં પુલ્લિપારી પહાડી પર મહાસમાધિ લીધી હતી. આમ તે ૭૨૩ વર્ષ જીવિત રહ્યા હતા. જો કે તે પછી તેમણે તેમના કેટલાક શિષ્યો આગળ પ્રગટ થઈ તેમને જ્ઞાાનોપદેશ આપ્યો હોવાની ઘટનાઓ પણ બની છે. તે એમ સાબિત કરે છે કે સિદ્ધયોગીઓ આકાશ, સમય અને મૃત્યુથી પર છે. કેટલાક તેમને શિવનો, મહાન પુલિનાયક સ્વામિયારનો, સૂર્યપૂત્રનો કે દત્તાત્રેયનો અવતાર હોવાનું માને છે.