ગુણ-અવગુણનાં જોડકાં .
- સુભાષિત-સાર-કુલીનચંદ્ર પો. યાજ્ઞિાક
(शार्दूलविक्रीडित)
लोभश्चेदगुणेन किं पिशुनता
यद्यस्ति किं पातकै :
सत्यं चेत्तपसा च किं शुचि मनो
यद्यस्ति तीर्थेन किम् ।
सौजन्यं यदि किं जनै सुमहिमा
यद्यस्ति किं मण्डनैं
सद्विद्या यदि किं धनैरपयशो
यद्यस्ति किं मृत्युना ।।
- नीतिशतक (भूर्तहरि)
સં સ્કૃતમાં એક જાણીતી કહેવત છે - सर्व परं हस्तिपरे निमग्रम् અર્થાત્ હાથીના પગલામાં બધાં પ્રાણીઓનાં પગલાં સમાઇ જાય છે. કોઇના મોટા સદ્ગુણની વાત કરી હોય, પછી તેના નાના ગુણોની વાત અંદર આવી જાય છે. કોઈ માણસમાં મોટો અવગુણ હોય, તો પછી તેનામાં નાના નાના દુર્ગુણ હોય કે ન હોય તેમાં શું ફેર પડે ? આ ઉદાહરણ ઉપરથી જ પ્રસ્તુત શ્લોક લખાયો છે. કવિ સંખ્યાબંધ દ્રષ્ટાંતો આપીને ઉપરનો નિયમ વધારે ભારપૂર્વક સ્પષ્ટ કરે છે. ગુણ-અવગુણનાં જોડકાં ધરાવતો કવિ ભર્તૃહરિનો આ સુંદર શ્લોક ગુણો આનું એક ઉદાહરણ છે. એ બતાવે છે કે માણસમાં એક મોટો ગુણ હોય, તો તેના મળતા નાના ગુણ પણ હોય તેની કોઇ આવશ્યકતા કે અગત્ય નથી.
કવિ યાદી કરે છે લોભ એ મોટામાં મોટો અવગુણ છે. માણસમાં લોભ હોય તો બીજા અનેક અવગુણ આપોઆપ તેનામાં આપોઆપ આવી જાય છે, પણ તેમની કોઇ જરૂર રહેતી નથી. પછી તે બીજા, નાના અવગુણો માણસમાં હોય કે ન હોય, તેથી કોઇ ફરક પડતો નથી. કોઇ માણસ સ્વભાવથી પિશુન એટલે ચુગલીખોર હોય તો એ મોટા પાપ પછી બીજાં નાનાં પાપોની અગત્ય રહેતી નથી. શ્રી રામ અને હરિશ્ચંદ્ર જેવા સતવાદી માણસો પૂરેપૂરા પુણ્યશાળી હોય છે, તેમને પુણ્ય કમાવા માટે બીજાં કોઈ તપ કરવાની જરૂર નથી. સત્યનું પાલન જ મોટામાં મોટી તપસ્યા છે.
જેનું મન નિર્મળ અને પવિત્ર હોય, તેણે કોઈ તીર્થમાં જવાની અને ત્યાં દાન-પુણ્ય કરવાની જરૂર નથી. તીર્થયાત્રા મનને શુદ્ધ અને પાલન કરે છે. પણ તેનું મન તો પહેલેથી પવિત્ર છે જ. જે માણસ સમાજમાં સુજન-સર્વ રીતે સારા માણસ તરીકે જીવતો હોય. તેને સમાજ-જીવનમાં જરૂરી એવા બીજા કોઇ વધારાના ગુણ બહારથી શીખવાની જરૂર નથી, કારણ તે અગાઉથી મિલનસાર અને પરોપકારી હોય જ, અને તેથી જ તે 'સુજન' કહેવાય છે. જે માણસનાં આબરૂ, ખ્યાતિ, માન-પાન જગતમાં સારાં છે ય તેને બીજાં કોઈ ઘરેણાંની જરૂર હોતી નથી. કારણ કે ખ્યાતિ એ જ મોટા ઝવેરાત જેવી છે. જે ઉત્તમ વિદ્યા ભણ્યો હોય, તેની પાસે ધન હોય કે નહિ તે મહત્વનું નથી કારણ જ્યારે જરૂર પડે ત્યારે તે પોતાની વિદ્યાથી ધારે તેટલું ધન તુરત ઉપજાવી શકે છે. અંતમાં અપયશ મળે. બેઆબરૂ થાય, તે મૃત્યુ સમાન લાગે છે. બેઆબરૂ માણસ શોક કરે છે કે આબરૂ ખોવા કરતાં તો મોત પણ વધારે સારૂં છે.
આવી રીતે સારા-નરસા, નાના-મોટા ગુણ-અવગુણોનાં જોડકાં સાથે સાથે મૂકીને સારૂં વ્યવહાર જ્ઞાાન આપવાની સુભાષિતોના કવિઓમાં લોકપ્રિય અને ઉપયોગી 'સ્ટાઇલ' છે. આવાં અસંખ્ય સુભાષિતો મળી શકે. કોઇ રસિક શોધક તેમનો અલગ સંગ્રહ કરી જાહેરમાં મૂકે તો ઉત્તમ કામ થાય.