લડાકુ વિમાનો પછી હવે કમશયલ વિમાનોની સ્પીડનાં ગીઅર બદલાશે
- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- સ્પેનિશ ડિઝાઈનરે સુપરસોનિક કમર્શિયલ વિમાનની ડિઝાઈન બનાવી છે.
- એ વિમાનની ઝડપ અવાજની ઝડપ કરતાં ત્રણ ગણી વધારે હશે.
- 2030 સુધીમાં તેની પ્રથમ ફ્લાઈટ ઉડાન ભરશે
૧૭ મી ડિસેમ્બર, ૧૯૦૩નો દિવસ માનવજાત માટે પાંખો લઈને ઉગ્યો હતો. રાઈટ બંધુઓએ ઉત્તર કેરોલિનામાં 'રાઈટ ફ્લાયર' નામના દુનિયાના પ્રથમ વિમાનને સફળ ઉડાન ભરાવી હતી. ૧૨૦ ફૂટની ઊંચાઈએ માત્ર થોડી સેકન્ડ રહીને એ વિમાન જમીન પર આવ્યું ત્યારે માનવ ઈતિહાસમાં એક નવું પ્રકરણ આલેખાઈ ચૂક્યું હતું. દુનિયાનું પ્રથમ વિમાન ઉડયું ત્યારે એમાં સ્પીડનું મહત્ત્વ ન હતું, ઉડાન અગત્યની હતી. એ વિમાનની ઝડપ રન-વે પર માત્ર ૧૦.૯૮ કિ.મી. પ્રતિકલાક હતી. રાઈટ બ્રધર્સનું જ ત્રીજી શ્રેણીનું વિમાન ઉડયું ત્યારે તેની ઝડપ ૬૦ કિ.મી. પ્રતિકલાક હતી. એ સ્પીડ પણ ગ્રાઉન્ડમાં નોંધાઈ હતી.
ફ્રાન્સમાં નવેમ્બર-૧૯૦૬માં આલ્બર્ટો ડુમોન્ટે ઉડાવેલા વિમાનની એરસ્પીડ પહેલી વખત નોંધવામાં આવી હતી. કોઈ પણ વિમાનની સત્તાવાર એરસ્પીડ માપવામાં આવી હોય એવો એ પહેલો બનાવ હતો. એ વિમાનની સ્પીડ ૪૧ કિ.મી. પ્રતિકલાક હતી. થોડાં વર્ષો સુધી બધા જ વિમાનોની વત્તા-ઓછી સ્પીડ લગભગ ૬૦થી ૯૦ કિ.મી.ની હતી. પહેલી વખત ૧૦૦ની ઝડપ ૧૯૧૦માં ફ્રાન્સમાં અચિવ થઈ હતી. દુનિયાની પહેલી કમશયલ ફ્લાઈટ અમેરિકાના સેન્ટ પીટ્સબર્ગથી ટામ્પા વચ્ચે ઉડી હતી. એની સ્પીડ ૧૦૩ કિ.મી. પ્રતિકલાકની હતી. એ વિમાન માત્ર એક મુસાફરને લઈને ઉડયું હતું અને ૩૪ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. એ સમયગાળો વિમાનનો પાયોનિયર પીરિયડ હતો, એમાં સ્પીડ કરતાં નવા મોડેલ અને ઉડ્ડયનનું વધારે મહત્ત્વ હતું.
પછીના દશકામાં બે-ત્રણ વર્ષે માંડ નવા મોડેલમાં સોએક કિ.મી.ની ઝડપ ઉમેરાતી હતી. ૧૯૨૦માં ૩૦૦ કિ.મી., ૧૯૨૩માં ૪૦૦ કિ.મી., ૧૯૨૮માં ૫૦૦ કિ.મી.ની ઝડપ સુધી વિમાનોએ પ્રગતિ કરી હતી. જર્મનીમાં ૧૯૪૧માં પહેલી વખત લડાકુ વિમાનની ઝડપ ૧૦૦૦ કિ.મી પ્રતિકલાક દર્જ હતી, પરંતુ તેને ટેકનિકલ કારણોસર સત્તાવાર માન્યતા મળી ન હતી. સત્તાવાર રીતે એક હજારની સ્પીડ નોંધાયાનો પહેલો બનાવ અમેરિકામાં ૧૯૪૭માં બન્યો હતો. લોકહીડ માટનનું ૮૦-આર લડાકુ વિમાન ૧૦૦૩ કિ.મી. પ્રતિકલાકની ઝડપે ઉડયું હતું. એ જ વર્ષે અમેરિકન પાયલટ ચાર્લ્સ યીગરે અવાજની ઝડપે વિમાન ઉડાવીને રેકોર્ડ નોંધાવ્યો હતો.
લડાકુ વિમાનોમાં એક હજારથી બે હજારે પહોંચતા બીજો એક દશકો લાગ્યો. ૧૯૫૮માં લોકહીડ માટનના જ લડાકુ વિમાને ૨૨૦૦ કિ.મી. પ્રતિકલાકની સ્પીડ હાંસલ કરી હતી. એ ગાળામાં મોટાભાગે લડાકુ વિમાનોની ઝડપ વધતી હતી. અમેરિકન ડિફેન્સ કંપની લોકહીડ માટને છેક ૧૯૭૬માં ૩૫૦૦ કિ.મી. પ્રતિકલાકની ઝડપના સફળ પરીક્ષણો કરી લીધા હતા. લડાકુ વિમાનોની ઝડપમાં સ્પર્ધા જામી હતી, પરંતુ કમશયલ ફ્લાઈટ્સમાં એટલી ઝડપ આવી ન હતી.
કમશયલ એવિએશનનો ખરો વિકાસ જ બીજા વિશ્વયુદ્ધ પછી થયો. વિશ્વયુદ્ધ પછી શાંતિકાળમાં અનેક એરલાઈન્સ અસ્તિત્વમાં આવી. લશ્કરના કાર્ગો વિમાનો કે સૈનિકોને લાવવા-લઈ જવા માટે વપરાતા લશ્કરી વિમાનો ખરીદીને ઉદ્યોગપતિઓએ તેને નાગરિક ઉડ્ડયનમાં લગાડી દીધા. આમેય નવી ટેકનોલોજી આવી રહી હતી. ઓદ્યોગિક ક્રાંતિ ઝડપભેર થતી હતી. શિક્ષણક્ષેત્રે નવીનતાનો સંચાર થયો હતો. અમેરિકા-યુરોપમાં કોર્પોરેટ કલ્ચરનો પાયો નખાતો હતો. એવા માહોલમાં હવાઈ મુસાફરીનો ધીમો પણ મક્કમ ટ્રેન્ડ શરૂ થયો હતો. છતાં એમાં સ્પીડનું મહત્વનું એટલું ન હતું, જેટલું લડાકુ વિમાનોમાં હતું. પેસેન્જર્સ ફ્લાઈટમાં સ્પીડને બદલે સુરક્ષા અગત્યની હતી.
નાગરિક ઉડ્ડયનના ક્ષેત્રમાં સ્પીડ ન વધી એ પાછળ ઘણાં કારણો જવાબદાર હતા. એક સાથે ૧૫૦-૨૦૦ મુસાફરો સવાર હોય એવું વિમાન અવાજની ઝડપે ઉડે અને અકસ્માત નડે તો મોટાપાયે જાનહાનિ થાય. ક્ષમતા હોવા છતાં પેસેન્જર્સ વિમાનોની સ્પીડ ૪૦૦થી ૫૦૦ કિલોમીટર પ્રતિકલાક આસપાસ નિયંત્રિત રખાતી હતી. પેસેન્જર્સની સુરક્ષા ઉપરાંતનો બીજો એક મુદ્દો ઈંધણનો પણ હતો. જેમ વિમાન વધારે ઝડપથી ઉડે એમ વધારે ઈંધણની જરૂર પડે. ઈંધણ વધારે બાળે એવા એન્જિન હોય તો વિમાની મુસાફરી મોંઘી પડે. એ એરલાઈન્સને પોષાય તેમ નહોતું. સાદી ભાષામાં કહીએ એવરેજ ન આપે એવા વિમાનો એરલાઈન્સ માટે કામના ન હતા! એરફોર્સને પરવડે એવી સ્પીડ એરલાઈન્સ માટે નકામી હતી.
છતાંય ઝડપ સાવ વધતી ન હતી એવુંય નહોતું. ૧૯૬૦માં રશિયાના ટીયુ-૧૧૪ પેસેન્જર વિમાનની ઝડપ વિક્રમજનક ૮૭૧ કિ.મી. પ્રતિકલાક નોંધાઈ હતી. ૧૯૬૦ પછીના લગભગ દોઢ-બે દશકા બાદ પેસેન્જર વિમાનોની સ્પીડમાં ગીઅર બદલ્યો હતો. ૧૯૬૦થી ૧૯૭૦ના દશકામાં આંતરરાષ્ટ્રીય પેસેન્જર વિમાનો સરેરાશ ૧૦૦ કિલોમીટર પ્રતિકલાક ઝડપી બન્યા હતા. ૧૯૭૦માં પ્રથમ બોઈંગ-૭૪૭ કમશયલ વિમાને ઉડાન ભરી હતી. ૧૯૮૮માં રશિયાનું ટીયુ-૧૩૪એ સિવિલ એરક્રાફ્ટ ૪૧૫ કિ.મી. પ્રતિકલાકની ઝડપે લેન્ડ થનારું વિમાન બન્યું. આટલી ઝડપે પેસેન્જર વિમાન લેન્ડ થયું એ ઘટનાએ દુનિયાભરના સમાચારોમાં સ્થાન મેળવ્યું હતું. એરલાઈન્સના બિઝનેસમાં સ્પર્ધા વધતી જતી હતી. સુરક્ષાની સાથે સાથે મુસાફરોને સમયસર પહોંચાડવાના દાવા થવા લાગ્યા હતા. બે શહેરો વચ્ચે કઈ એરલાઈન્સના વિમાનો કેટલી કલાકો લે છે એની જાહેરાતોનો દોર શરૂ થયો હતો. ૧૮૦ મુસાફરોની ક્ષમતા ધરાવતા વિમાનો ઊંચાઈએ ૭૦૦ કિ.મી સુધીની ઝડપ મેળવતા થયા હતા.
પણ જેણે નાગરિક ઉડ્ડયનમાં ઝડપનો નવો વિક્રમ સ્થાપિત કર્યો એ વિમાનનું નામ હતું - કોનકોર્ડ. ૧૯૯૬માં આ વિમાને અવાજની ઝડપ કરતાં પણ વધુ ઝડપે ઉડીને નાગરિક ઉડ્ડયનના ક્ષેત્રમાં ટ્રેન્ડ સેટ કરી આપ્યો હતો. ફ્રાન્સ-બ્રિટનના સંયુક્ત વેન્ચર એવા આ વિમાનો ૧૯૭૬થી જ ઉડતા હતા. ૯૨થી ૧૨૮ મુસાફરોની ક્ષમતા ધરાવતા આ વિમાનો ૨૦૦૩ સુધી ઉડતા હતા. તેની મહત્તમ સ્પીડ ૨૧૭૯ કિ.મી. પ્રતિકલાક હતી. પરંતુ સ્પીડ વધારે હોવાથી હવામાં તેનાથી પ્રદૂષણ વધારે ફેલાતું હતું અને તેને ઓપરેટ કરવાનું પણ પ્રમાણમાં ઘણું મોંઘું હતું. કોનકોર્ડ પછી હવે ફરીથી સુપરસોનિક પેસેન્જર વિમાનોનો નવો યુગ શરૂ થઈ રહ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે. પેસેન્જર વિમાનોના ગીઅર વધુ એક બદલાઈ રહ્યાં છે.
સ્પેનિશ એરક્રાફ્ટ ડિઝાઈનર ઓસ્કર વિનલસે સુપરસોનિક પેસેન્જર વિમાનની ડિઝાઈન બનાવી છે. ૧૭૦ મુસાફરોની ક્ષમતા ધરાવતું આ વિમાન ન્યુક્લિયરથી સંચાલિત હશે. એટલાન્ટિક મહાસાગરને માત્ર ૭૫ મિનિટમાં પાર કરી શકતું આ વિમાન દુનિયાનું સૌથી ઝડપી પેસેન્જર વિમાન બનશે. અવાજની ઝડપ કરતાં પણ તેની ઝડપ ત્રણ ગણી કે એનાથી ય વધારે હશે. આ હાઈપર સ્ટિંગ વિમાનની મેક્સિમમ સ્પીડ ૪૨૮૭ કિલોમીટર પ્રતિકલાક હશે. અત્યારે લંડનથી ન્યૂયોર્કનો ૫૫૭૦ કિલોમીટર લાંબો વિમાની પ્રવાસ સાડા સાત કલાકમાં થાય છે. એ અંતર ઘટીને માત્ર દોઢ કલાક થઈ જશે.
અત્યારે મોટાભાગના વિમાનો ૩૦-૩૫ હજાર ફૂટની ઊંચાઈએ સ્થિર થાય પછી ૮૦૦-૯૦૦ કિ.મી. પ્રતિકલાકની ઝડપે ઉડે છે. પરંતુ વિનલસે ડિઝાઈન કરેલું સુપરસોનિક વિમાન ઊંચાઈએ અત્યારના વિમાનોથી ચાર-પાંચ ગણી ઝડપ મેળવી લેશે. કોલ્ડ ફ્યૂઝન ન્યૂક્લિયર રિએક્ટર સિસ્ટમથી સંચાલિત આ વિમાનની લંબાઈ પાછલા સૌથી ઝડપી વિમાન કોનકોર્ડથી ૧૦૦ ફૂટ વધારે હશે. કોનકોર્ડની પાંખો ૮૪ ફૂટ હતી, જ્યારે આ હાઈપર સ્ટિંગની પાંખો ૧૬૯ ફૂટ હશે.
સ્પેનિશ ડિઝાઈર ઓસ્કર વિનલસનું માનવું છે કે હાઈપર સ્ટિંગથી સુપરસોનિક પેસેન્જર વિમાનની સેકન્ડ ઈનિંગ શરૂ થશે. કોનકોર્ડ એક અદ્ભૂત આવિષ્કાર હતો, પરંતુ એને મેઈનટેઈન કરવાનું કામ મુશ્કેલ હતું એમ કહીને વિનલસ એવો દાવો કરે છે કે સુપરસોનિક જેટ્સ ૨૧મી સદીની ઝડપ સાથે તાલ મિલાવશે. ૨૦૩૦ સુધીમાં સુપરસોનિક એરક્રાફ્ટ નાગરિક ઉડ્ડયનના ક્ષેત્રમાં આવી જશે. પેસેન્જર વિમાનના ગીઅર બદલવા સામે સૌથી મોટો પડકાર અવાજનો રહેશે. સુપરસોનિક વિમાનો ખૂબ જ અવાજ કરતા હોવાથી નાગરિક ઉડ્ડયન માટે ખાસ અનૂકૂળ નથી એવી સામાન્ય માન્યતા છે. જો આવા વિમાનોને પેસેન્જર વિમાનમાં ઉપયોગમાં લેવા હોય તો અવાજ ઘટાડવો પડે. અથવા તો વિમાનમાં અંદર અવાજ ઓછો આવે એવી ટેકનોલોજી વિકાસાવવી પડે. ઓસ્કર વિનલસનો દાવો છે કે આ વિમાન કોનકોર્ડમાં રહી ગયેલી ભૂલોનું પુનરાવર્તન નહીં કરે. બીજો અવરોધ હશે તોતિંગ ભાડું. અત્યારના અંદાજ પ્રમાણે ન્યૂયોર્કથી લંડનની રાઉન્ડ ટ્રિપ આઠ લાખ રૂપિયામાં પડશે. આ ભાડું અત્યારની સરખામણીએ ૨૦ ગણું વધારે છે. આટલી ટિકિટ ગણ્યા-ગાંઠયા મુસાફરોને જ પોષાય તેમ છે. સરવાળે કોનકોર્ડ સામે ટકી રહેવાનો જેવો પડકાર સર્જાયો હતો એવો જ પડકાર આધુનિક સુપરસોનિક પેસેન્જર વિમાન સામે પણ સર્જાઈ શકે છે.
આ બધા પડકારો વચ્ચે સુપરસોનિક વિમાનના નિર્માતાનો દાવો ખરેખર સાચો પડે તો કમર્શિયલ વિમાનોના ક્ષેત્રમાં એક સદી પછી સૌથી મોટી ક્રાંતિ આવશે એ નક્કી છે. ૨૦મી સદીએ માનવજાતને પાંખો આપી હતી, ૨૧મી સદી એ પાંખોને ઝડપ આપશે.
દુનિયાના સૌપ્રથમ પેસેન્જર સુપરસોનિક કોનકોર્ડનું શું થયું હતું?
કોનકોર્ડની ટિકિટ એ વખતે ખૂબ ઊંચી હતી. લંડનથી ન્યૂયોર્કની રાઉન્ડ ટ્રિપ ૨૦૦૩માં ૧૨ હજાર ડોલરમાં પડતી હતી. ત્યારના સમય પ્રમાણે રૂપિયામાં ગણતરી કરીએ તો કોનકોર્ડની રાઉન્ડ ટ્રિપ ત્રણેક લાખ રૂપિયામાં થતી હતી. આજેય ન્યૂયોર્ક-લંડનની રાઉન્ડ ટ્રિપ નિયમિત એરલાઈન્સમાં કોનકોર્ડથી બે ગણી ઓછી છે. ઊંચી કિંમતના કારણે મુસાફરો મેળવવામાં એરલાઈન્સને સંઘર્ષ કરવો પડતો હતો. બરાબર એ જ ગાળામાં ૨૫ જુલાઈ, ૨૦૦૦ના રોજ સુપરસોનિક કોનકોર્ડની ફ્લાઈટને અકસ્માત નડયો હતો અને ૧૦૦ કરતાં વધુ મુસાફરોનાં મોત થયા હતા. તેના ત્રણ વર્ષ સુધી એરલાઈન્સે સંઘર્ષ કર્યો હતો, પરંતુ સુપરસોનિક વિમાનમાં મુસાફરી કરવાનો ભારે ભય ફેલાઈ ગયો હતો. આખરે ઓક્ટોબર-૨૦૦૩માં ફ્રાન્સ અને બ્રિટનના આ સંયુક્ત સાહસ પર કાયમ માટે પડદો પડી ગયો હતો. ૨૭ વર્ષ સુધી કોનકોર્ડ વિમાનો ઉડયા હતા. હવે એ તમામ વિમાનો ફ્રાન્સ અને બ્રિટનમાં પ્રદર્શનમાં મૂકી દેવાયા છે. ૧૯૫૪માં બ્રિટન-ફ્રાન્સ વચ્ચે કરાર થયો હતો અને ૧૩૯ કરોડ ડોલરમાં પ્રોજેક્ટ શરૂ થયો હતો. ૪૯ વર્ષ પછી દુનિયાના પ્રથમ સુપરસોનિક પેસેન્જર વિમાનોની સફર અચાનક બંધ કરી દેવાઈ હતી.