ચેતનાની પરિવર્તિત સ્થિતિમાં મનુષ્ય મનને ભવિષ્યની ઘટનાનો પૂર્વાભાસ થઈ જાય છે!
- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- મિસ્ટર માર્શલને કહ્યું પણ હતું - આ જહાજ અમેરિકા પહોંચતા પહેલાં જ ડૂબી જશે. એમાં અનેક લોકો ડૂબીને મરી જશે. થોડા દિવસો બાદ તેમનો પૂર્વાભાસ સાચો સાબિત થયો હતો
મ ન અનંત શક્તિઓનો અખૂટ ભંડાર છે. તે ઇન્દ્રિયાતીત જ્ઞાનનો આધાર છે. યોગ મનને પરિષ્કૃત કરવાનું વિજ્ઞાન છે. મહર્ષિ પતંજલિ યોગદર્શન, વિભૂતિ પરિષદમાં કહે છે - મન સંયમાત્ અતીત અનાગત જ્ઞાનમ્ મનના નિયંત્રણથી વીતી ગયેલા ભૂતકાળનું અને હજુ સુધી જે આવેલ નથી તેવા ભવિષ્યકાળનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના મૂર્ધન્ય રસાયણ વિજ્ઞાની ડૉ. એડ્રિઅન ડોબ્બસ (Adrain Dobbs) ઓર્ગેનિક કેમેસ્ટ્રી અને મેડિસિનલ કેમેસ્ટ્રીના વિખ્યાત વિજ્ઞાની છે. તેમણે ચેતનાની પરિવર્તિત દશા (Altered State of Consciousness) માં સાઈકોટ્રોનિક (Psychotronic) અસરો વિશે વિશાળ ફલક પર પ્રાયોગિક સંશોધનો કર્યા છે. તે જણાવે છે કે ભવિષ્યમાં બનનારી ઘટના વર્તમાનમાં એક પ્રકારના સૂક્ષ્મ તરંગો ઉત્પન્ન કરે છે જેને સાઇકોટ્રોનિક વેવ ફ્રન્ટ કહેવાય છે તેને મનુષ્ય મસ્તિષ્ક ચેતનાની બદલાયેલ સ્થિતિમાં ગ્રહણ કરી લે છે. મસ્તિષ્ક મહદ્ અંશે સ્વપ્ન અવસ્થામાં કે ધ્યાનની આલ્ફા સ્ટેટ અવસ્થામાં આ તરંગોને પકડી લે છે જેનાથી તે વ્યક્તિને અતીતનું અને અનાગત ભવિષ્યનું જ્ઞાન થઈ જાય છે. આને વિજ્ઞાનની ભાષામાં પ્રિકોગ્નિશન (Precognition)પૂર્વજ્ઞાન કે પ્રિમોનિશન (Premonition) કહેવામાં આવે છે. કેટલીય વ્યક્તિઓને ભવિષ્યમાં બનનારી ઘટનાઓનો પૂર્વાભાસ અંતઃસ્કૂરણાના આધારે ચેતન, અચેતન કે સ્વપ્નાવસ્થામાં થઈ જતો હોય છે. અનેક સર્જકોને જ્યારે તેમનું મન સર્જન સમયની વિશ્રાંતિની અવસ્થા હોય ત્યારે કરાયેલા સર્જનમાં ભવિષ્યમાં બનનારી ઘટનાનું આલેખન થઈ હોવાના અનુભવો થયા છે.
વિશ્વ વિખ્યાત સાહિત્યકાર ગેટેને એકવાર આવો પૂર્વાભાસ થયો હતો. તે તેમના નિવાસ સ્થાન વાઇકનરમાં હતા. એ વખતે અચાનક તેમને એવો અનુભવ થયો કે સિસિલમાં મોટો ભૂકંપ આવ્યો છે તેમણે તેમના મિત્રોને પણ આ વાત જણાવી. જોકે તેમાંથી કોઈ એ વાત માનવા તૈયાર ના થયા કે માહિતી પ્રસારણના કોઈ સાધન વગર કોઈને આવી ખબર પહેલેથી પડી શકે. પણ થોડા સમય બાદ સિસિલીમાં એવો જ ભયંકર ભૂકંપ આવ્યો જેવો ગેટેએ એમના મિત્રોને જણાવ્યો હતો.
૧૪ એપ્રિલ ૧૯૧૨ના રોજ 'ધ આર.એમ.એસ. ટાઈટેનિક' દરિયાઈ જહાજને રાત્રે ૧૧.૪૦ વાગે હિમશિલાને અથડાવાથી અકસ્માત નડયો અને થોડી મિનિટો બાદ ૧૫ એપ્રિલે તે દરિયામાં ડૂબી ગયું તે ઘટના વિશ્વભરમાં જાણીતી છે. જહાજ પરના ૨૨૦૭ લોકોમાંથી માત્ર ૭૦૫ જ લોકો જીવતા રહ્યા હતા. ટાઈટેનિક હિસ્ટોરિકલ સોસાયટીના સભ્ય જ્યોર્જ બેહે (George Behe) એ એક પુસ્તક લખેલું છે ટાઈટેનિક-સાઈકિક ફોરવોર્નિંગ્સ ઓફ એ ટ્રેજેડી (Titenic-Psychic Forewarnings of a Tragedy). તેમાં એમણે એવા અનેક પુરાવાઓ રજૂ કર્યા છે જેમાં લોકોને આ દુર્ઘટનાનો પૂર્વાભાસ થઈ ગયો હતો.
મોર્ગન રોબર્ટસન નામના લેખકે 'ધ ફયુટિલિટી (The Futility) નામની નવલકથા લખી હતી. તેમાં એસ.એસ. ટાઇટન (S.S. Titan) નામના વિશાળ જહાજના અકસ્માતની વાત લખી હતી. તે સાઉથેમ્પટનથી નીકળ્યું હતું અને એટલાંટિક મહાસાગરને પાર કરી રહ્યું હતું ત્યારે એક હિમશિલાને અથડાઈને ડૂબી જાય છે એવું વર્ણન કરાયું હતું. તેમાં જણાવાયું હતું કે ૨૨૦૦થી વધુ મુસાફરોમાંથી બહુ થોડા બચ્યા હતા. આ વાંચતી વખતે કોઈને એમ જ લાગે કે ટાઇટેનિકની સત્ય ઘટનાના આધારે જહાજના નામમાં થોડો ફેરફાર કરી લેખકે નવલકથા લખી હશે કેમકે બન્ને વચ્ચે અનેક બાબતોમાં ખૂબ સામ્ય જોવા મળે છે. પરંતુ એ જાણીને આપણને ભારે વિસ્મય થાય એમ છે કે મોર્ગન રોબર્ટસનની ધ ફયુટિલિટી' નવલકથા ટાઇટેનિકની વાસ્તવિક દુર્ઘટના બની એના ચૌદ વર્ષ પહેલાં એટલે ૧૮૯૮માં લખાઈ ગઈ અને પ્રકાશિત પણ થઈ ગઈ હતી. એવું સ્પષ્ટ જણાય છે કે મોર્ગનના અચેતન અને સાઇકોટ્રોનિક વેવ ફ્રન્ટથી પૂર્વાભાસ પામીને દુર્ઘટનાના સંકેતો પકડી લીધા હશે. તે વખતે તેને કલ્પના પણ નહીં હોય કે તેણે તેની પોતાની નવલકથામાં કેવળ કલ્પનાથી જે લખ્યું છે તે ચૌદ વર્ષ પછી લગભગ એવી જ રીતે હકીકત તરીકે આકાર લેશે.
ડબ્લ્યુ ટી. સ્ટેડ નામના પત્રકારે પણ તેણે લખેલી એક વાર્તા પ્રકાશિત કરી હતી. તેમાં આ જ દુર્ઘટનાનું હૂબહૂ વર્ણન કરાયું હતું. પૂર્વે લખાયેલી કાલ્પનિક વાર્તા અને પછી બનેલી વાસ્તવિક ઘટના વચ્ચે કોઇ જ ફરક નહીં! આ સંદર્ભમાં બીજી રોમાંચિત કરી દે તેવી બાબત એ છે કે ૧૯૧૨માં ૧૫ એપ્રિલે ટાઇટેનિક જહાજ ડૂબી ગયું ત્યારે તેમાં મુસાફરી કરેલા લોકોમાં ડબ્લ્યુ ટી. સ્ટેડ પણ હતા અને તેમનું પણ તેમાં ડૂબી જવાથી જ મરણ થયું હતું.
ટાઇટેનિકની દુર્ઘટનાની પૂર્વે રવિવારની એક સવારે કેનેડાના મેનીટોબાના વીન્ડીપેગના રોઝડેલ મેથોડિસ્ટ ચર્ચના પ્રમુખ રેવરન્ડ ચાર્લ્સ મોર્ગનને એક સ્વપ્ન આવ્યું હતું. તેમાં આ દુર્ઘટના દેખાઈ હતી. જહાજ પર એક ગીત ગવાતું હતું - ફોર ધોસ ઈન પેરિલ ઓન ધ સી: For those in Perit on the Sea (દરિયાઈ મુસીબતમાં ફસાયેલા લોકો માટે). તેમણે ચર્ચમાં અનેક લોકોને એ દુર્ઘટના અને ગીતની વાત પણ કરી હતી. એમનું સ્વપ્ન સાચું પડયું હતું. દુર્ઘટના બની એ દિવસે ૧૯૧૨ની ૧૪ એપ્રિલની સાંજે ટાઈટેનિક પર એ ગીત ગવાયું હતું અને રાત્રે અકસ્માત થઈ તે ડૂબી ગયું હતું.
એક અંગ્રેજ વેપારી જે.કેનન મિડલટને ૨૩ માર્ચ ૧૯૧૨ના રોજ એમાં મુસાફરી કરવા ટિકીટ પણ ખરીદી હતી. પરંતુ તે ઉપડવાનું હતું તેના ૧૦ દિવસ પહેલાં તેને સ્વપ્ન આવ્યું. તેમાં તેણે એક મોટા જહાજને સમુદ્રમાં ઊલટું તરતું જોયું. તેનું તળિયું ચિરાઈ ગયું હતું પછી તે જહાજના બે ટુકડા થઈ ગયેલા જોયા. અનેક મુસાફરોને ચીસો પાડતા, મદદ માટે બૂમો પાડતા, પાણીમાં ડૂબતા જોયા. તેણે સ્વપ્ન પર બહુ ધ્યાન ના આપ્યું. બીજે દિવસે પાછું તે જ સ્વપ્ન ફરી આવ્યું. તેની અંતઃપ્રેરણાએ તેના મનમાં ખતરાના સંકેતો આપવા માંડયાં. તેણે તેની તે દિવસની મુસાફરી કેન્સલ કરી દીધી. ટિકિટ બીજાને વેચી દીધી. તેનું સ્વપ્ન સાચું પૂરવાર થયું. તેમણે મુસાફરી ટાળી દીધી તેથી તેનો બચાવ થઈ ગયો. ફાર મેમરી પુસ્તકના લેખક બેરી ગ્રાન્ટની માતા મિસિસ માર્શલને ટાઇટેનિક સાઉથેન્પટનથી ઉપડયું એ જ વખતે પૂર્વાભાસ થયો હતો અને તેનો અકસ્માત દ્રશ્યો દેખાવા લાગ્યા હતા. તેમણે મિસ્ટર માર્શલને કહ્યું પણ હતું - આ જહાજ અમેરિકા પહોંચતા પહેલાં જ ડૂબી જશે. એમાં અનેક લોકો ડૂબીને મરી જશે. થોડા દિવસો બાદ તેમનો પૂર્વાભાસ સાચો સાબિત થયો હતો.