Get The App

હીટસ્ટ્રોકથી બચવાના સરળ ઉપાયો .

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
હીટસ્ટ્રોકથી બચવાના સરળ ઉપાયો                         . 1 - image


- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી

આ વર્ષે કાળઝાળ ગરમીએ વર્ષોના રેકર્ડ તોડી નાંખ્યા. અમદાવાદ ૪૫.૬ ડિગ્રી વટાવી ચૂક્યું અને દિલ્હીએ મરક્યુરીને બાવન ડિગ્રી પાર કરતાં જોયો.

ગુજરાતમાં અનેક લોકો ગરમીનો ભોગ બન્યા. સેંકડો લોકોને લૂ કે હીટસ્ટ્રોક લાગ્યો. મેડિકલ ક્ષેત્રે આ વિષય ખૂબ ચર્ચાયો. ડૉક્ટરોની દ્રષ્ટિએ આ રોગમાં શું કરવું શું ના કરવું એ બાબત અત્રે રજૂ કરી છે.

સૌ પ્રથમ હીસ્ટ્રોકના ચિન્હો સમજો

(૧) તાવ ૧૦૩ ડિગ્રીથી વધુ આવવો.

(૨) પલ્સ કે નાડીના ધબકારા વધવા.

(૩) શ્વાસની ઝડપ વધવી.

(૪) ચામડી લાલ થઇ જવી.

(૫) માથું દુખવું.

(૬) ઉલ્ટી ઉબકા આવવા.

(૭) સ્નાયુ નબળા થઇ જવા.

હીટસ્ટ્રોકથી બચવા માટે તરસ ના લાગી હોય તો પણ સમયાંતરે પાણી પીતા રહો. કામવિના તડકામાં ના નીકળો અને નીકળો તો છત્રી, હેટ, ગોગલ્સ અને અરાફત સ્કાર્ફના ઉપયોગ કરી હળવા કોટન કપડાં પહેરો.

છાયડામાં અવારનવાર ઊભા રહો. એરકન્ડિશન્ડ સ્થળોએ થોડી વાર રહો. દિવસમાં ૨-૩ વાર સ્નાન કરો.

હીટ સ્ટ્રોક વખતે કોઇની સાથે ડોક્ટરની મુલાકાત લો અથવા ફોન કરી ફર્સ્ટ એઇડ જાણો. ૧૦૮ને પણ બોલાવી શકાય. શરીરમાં તાવ આવે. બેભાન થઇ જાવ, શરીર નબળું થઇ જાય ત્યારે ઉપરોક્ત ઉપાય ઘરના અન્ય સભ્યોએ કરવા.

હીટ સ્ટ્રોકમાં શરીરનું પાણી ઘટી જાય છે જેને 'ડીહાઈડ્રેશન' કહેવાય છે એટલે આખો દિવસ થોડું થોડું પાણી પીતા રહેવું. ૨-૩ લિટર પાણી તમને તરોતાજા રાખશે. લીંબુ શરબતથી પણ તમારી રોગપ્રતિકાર શક્તિ વધશે. વધુ છાશ પણ પી શકો છો. તાજા ફળોનું સેવન કરવું.

બને ત્યાં સુધી છાંયડાવાળી જગાએ કે ઠંડક આપતી જગાએ રહેવું. કેટલાંક લોકો સુપરમાર્કેટ કે મોલમાં સમય ગાળવાની વાત કરે છે પણ દરરોજ એ વાત પ્રેક્ટિકલ નથી. બપોરના સમયે ખાસ કરીને ૧૨થી ૫ ઘરમાં કે ઓફિસમાં રહો. વર્ક ફ્રોમ હોમ કરી શકો.

ચાલો, હવે શું ના કરવું તે જાણો.

બપોરે તડકામાં સાયકલ પર જવાનું ટાળો. સવારના કે સાંજના જ બધા કામ પતે એ રીતે રોજનો કાર્યક્રમ ગોઠવો.

ચોક્કસ પ્રકારનો વર્ગ હીટસ્ટ્રોકનો વિશેષ ભોગ બને છે તો તમારે તેમની કાળજી લેવી. સાથે પાલતું પ્રાણીઓને પણ ઠંડક મળી રહે તેનું ધ્યાન આપવું.

ચ્હા, કોફી, આલ્કોહોલ જેવી વસ્તુઓ શરીરને ગરમી આપી ઉત્તેજીત કરે છે એટલે તેમને ઓછી કરો અથવા ટાળો.

વૃદ્ધોને, સગર્ભા સ્ત્રીઓને અને બાળકોને તડકામાં જતા અટકાવો. તેમને ઇન્ડોર રમત તરફ વાળો. ઉનાળામાં ડામરના રોડનં તાપમાન ૬૦ ડિગ્રી થઇ જાય છે એટલે બૂટ ચંપલ વિના સડક પર ચાલવું નહિ.

બરફ કે બહારનો ખુલ્લો વાસી ખોરાક ટાળો. પેટને હલકું રાખો. મગજને શાંત રાખો. તાપમાન બાવન ડિગ્રી પહોંચી જાય ત્યારે જરૂરી ગંભીરતા કેળવો. કુુુટુંબના સભ્યોનો કાર્યક્રમ તપાસો તેમને ઉપરોક્ત બાબતો સમજાવો. થોડા દિવસ સાચવી લો પછી વર્ષાની હેલીમાં મસ્તી કરતાં રહેજો...!!


Google NewsGoogle News