જ્ઞાનનું વિરાટ લોકશાહીકરણ! .

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
જ્ઞાનનું વિરાટ લોકશાહીકરણ!                                  . 1 - image


- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- માનવજાતિની સર્જનશીલતાનો એક મોટો વિસ્ફોટ સોશિયલ મીડિયાને કારણે સર્જાયો છે. હજારો ફોટાઓ, વીડિયો, ગીતો સઘળું આપણને મળે છે...

ન વી ટેક્નોલોજીને આવકારવામાં આરંભે જગત હંમેશા ઊણું ઉતર્યું છે. નવી શોધ કે સંશોધનનો પ્રવેશ થતાં જ એના અનિષ્ટો અને અવળાં પરિણામો બતાવનારા બેઠા જ હોય છે ! ટેલિવિઝન આવ્યું, ત્યારે એને તમારા દિવાનખંડમાં બેઠેલો રાક્ષસ કહેનારા કે એને 'ઇડિયટ બોક્સ' કહેનારા આપણે ત્યાં હતા. આજે ટેલિવિઝન પર ફિટકાર વરસાવનારા જ ટેલિવિઝન પાસે બેસીને દિવસો ગુજારે છે. એવી જ રીતે ઇન્ટરનેટ આવતા સહુને એવું લાગ્યું કે, 'હવે પત્રલેખનને વિદાય મળી જશે. પ્રિયજનથી માંડીને પ્રખર સાહિત્યકર સુધી સહુ કોઈ પત્રો દ્વારા પોતાને પ્રગટ કરતા રહ્યા હતા અને સહુ કોઈને નૂતન વર્ષાભિનંદનનાં પત્રો લખાતા અને એ પત્રલેખનનો કાર્યક્રમ દિવાળી વીતી ગયા બાદ છેક દેવદિવાળી સુધી ચાલતો.'

લેખન જરૂરી છે ખરું અને આજે લેખનથી દૂર ગયેલો વ્યક્તિ એની એકાગ્રતા ગુમાવતો જાય છે. હાર્વર્ડના એક અધ્યાપકે તો એવો નિયમ રાખ્યો છે કે એના વિદ્યાર્થીઓએ રોજ પંદર લીટી લખવી, કારણ કે લેખનથી એકાગ્રતા વધે છે. આ વાત સાચી હોવા છતાં હકીકત એ છે કે લેખનને લગભગ વિદાય મળી ચૂકી છે. એક સમયે એમ માનવામાં આવતું કે પત્રલેખન વિદાય પામશે. તો પરસ્પરનો પ્રેમવ્યવહાર અને સંવાદ આથમી જશે. હાથલખાણનાં પત્રનાં અક્ષરોમાં જે હૂંફ આપી શકાય છે એ અન્યથા નહીં આપી શકાય. સોશિયલ મીડિયાને પરિણામે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે અંતર વધતું જશે અને પરસ્પરનાં કમ્યુનિકેશનમાં પણ મુશ્કેલી આવશે. આમાં એક ખોટી માન્યતા એ હતી કે ઈન્ટરનેટ પૂર્વે જેઓ પત્ર લખતા હતા, એ બધાં જ સતત પત્રલેખન કરતા નહોતા. એ ક્યારેક પત્રો લખતા હતા, આથી અગાઉ ઘણાં પત્રો લખવામાં આવતા હતા, એવી લોકપ્રિય છાપ સાચી નથી.

બીજા વિશ્વયુદ્ધ પછી તરત જ પત્ર લખવાનું શરૂ થયું, કારણ કે ટેલિફોન વધુ સારા થયા અને ઇન્ટરનેટ પૂર્વે સરેરાશ કુટુંબને દર બે અઠવાડિયે એક પત્ર મળતો હતો. એ અંગે કોઈ એવો સવાલ કરે કે તમે કેમ આટલાં ઓછાં પત્રો લખ્યાં ? તો કારણ એ છે કે કોઈ મહત્ત્વનો બનાવ હોય તો જ પત્ર દ્વારા અને ઝડપથી સંદેશો પહોંચાડવો હોય તો તાર દ્વારા વાત થતી હતી.

હવે જુઓ કે ઈમેલ આવતાં કેવી પ્રચંડ ક્રાંતિ થઈ. આજથી દસેક વર્ષ પહેલાં તો દર સેકન્ડે બે મિલિયનથી વધારે ઈમેલ મોકલવામાં આવતાં હતાં અને આજે તો તમે આ વાક્ય વાંચો છો, ત્યાં સુધીમાં બીજા એક મિલિયન ઈમેલ મોકલવામાં આવી ચૂક્યા હશે. આનો અર્થ એ કે પત્રો હતાં, ત્યારે મર્યાદિત વ્યવહાર હતો, જ્યારે આજે અનેક લોકો ઈમેલનો ઉપયોગ કરી રહ્યાં છે અને તેને પરિણામે અસંખ્ય લોકોની અભિવ્યક્તિનો ધોધ વહેવા લાગ્યો.

વિશ્વમાં જોઈએ તો ફેસબુક, યુ-ટયૂબ, વોટ્સઅપ, ઈન્ટાગ્રામ, વી-ચેટ, ટીકટોક, એફબી મેસેન્જર, ટેલિગ્રામ, સ્નેપ ચેટ, ડોઈન, કોલ શો, એક્સ (ટ્વિટર), સીન વેલ્બો, ક્યુ ક્યુ, પીન્ટેરેસ્ટ જેવાં સોશિયલ મીડિયાનાં માધ્યમો પ્રચલિત છે અને એનો પ્રભાવ એટલો બધો છે કે લોકોની વિચારધારામાં એ પ્રચંડ પરિવર્તન કરે છે. નિંદા કરવી હોય તો એ પાછા વળીને જોતાં નથી અને આપણે જાણીએ છીએ કે પ્રજાનાં માનસ પર એનો પ્રભાવ પડતો હોય છે. આથી મુદ્દો એ છે કે જેઓ એમ વિચારતા હતા કે પત્ર લખવાનું બંધ થતા સંવાદ અટકી જશે, એને બદલે ઇન્ટરનેટને કારણે આ સંવાદ વધી ગયો છે.

૨૦૧૫માં અમેરિકામાં વીસ વર્ષની વયના ૮૯ ટકા લોકોએ ઈમેલનો ઉપયોગ કર્યો હતો અને એ પછી તો એ ઉપયોગ જુદી જુદી રીતે વધી રહ્યો છે. આથી સોશિયલ મીડિયા આવતાં વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેનું સોશિયલ ડિસ્ટન્સ વધી જશે એ દહેશત ખોટી ઠરી છે અને હકીકતમાં તો લોકો પરસ્પર જોડાઈ રહ્યાં છે. એનો અર્થ એ થયો કે એના દ્વારા આપણે આપણી જાતને વ્યક્ત કરવા માગતા નથી. પરંતુ એકબીજા સાથે જોડાવવા માંગીએ છીએ. સોશિયલ મીડિયાનાં માધ્યમોમાં હજારો વિવિધ સાઈટ પર વ્યક્તિ સંપર્ક સાધે છે અને સૌથી વધુ તો સામાન્ય રસ-રુચિ ધરાવતી વ્યક્તિઓ દૂર દૂર સુધી પોતાનાં રસક્ષેત્રને વિસ્તારી શકે એમ બને છે. એને નવાં નવાં લોકોનો મેળાપ થાય છે અને આ બધું કરવા માટે એક જૂથની રચના થાય છે. આથી એ સ્વીકારવું પડે કે આ સોશિયલ મીડિયાએ સામાન્ય ક્રિયા-પ્રતિક્રિયાને એટલું પ્રચંડ પ્રોત્સાહન આપ્યું છે કે જેની થોડાં વર્ષો પૂર્વે કોઈએ આગાહી તો શું, પણ કલ્પના ય કરી નહોતી. આ માધ્યમથી વ્યક્તિ એકબીજાને મદદરૂપ પણ થઈ શકે છે અને માર્ગદર્શન પણ મેળવી શકે છે અને આજે આપણે જાણીએ છીએ કે માનવજીવનનાં તમામ ક્ષેત્રોમાં સોશિયલ મીડિયાનો પ્રચંડ પ્રભાવ છે.

શું ક્યારેય કોઈએ અનુમાન કર્યું હતું ખરું કે આપણે આટલા બધાં સર્જનાત્મક છીએ? માનવજાતિની સર્જનશીલતાનો એક મોટો વિસ્ફોટ સોશિયલ મીડિયાને કારણે સર્જાયો છે. હજારો ફોટાઓ, વીડિયો, ગીતો સઘળું આપણને મળે છે અને એ રીતે એક વાર ટૂલ્સ બનાવી દીધાં પછી સર્જનાત્ક ઊર્જાનાં પાતાળકૂવામાંથી પાણી બહાર નીકળ્યા કરે છે. આવું અગાઉ ક્યારેય બન્યું નથી. આજ સુધી મૌલિકતા કે સર્જનાત્મકતા એ મુઠ્ઠીભર માનવીઓની આગવી વિશેષતારૂપે જોવામાં આવતા હતા. આજે કલા એ માત્ર થોડા ગણ્યાગાંઠયાં નિપુણ અને કામયાબ લોકોનું ક્ષેત્ર રહ્યું નથી, બલ્કે મૌલિકતા કે સર્જનાત્મકતા ધરાવનાર પછી તે વિપુલ પ્રમાણમાં હોય કે સામાન્ય પ્રમાણમાં, પણ તે પોતાની અભિવ્યક્તિ સાધી શકે છે. માનવચિત્તની અભિવ્યક્તિની આ એક મહાક્રાંતિ કહેવાય અથવા તો એમ પણ કહી શકીએ કે જે કલા, સૂઝ, સમજ માત્ર થોડાં નિષ્ણાત ગણાતી વ્યક્તિઓ પાસે હતી. હવે એ ક્ષેત્રમાં સામાન્ય જ્ઞાન ધરાવનાર પણ પોતાની વાત કરી શકે છે. એટલે એક અર્થમાં કહીએ તો આને કારણે વિશાળ લોકશાહીકરણ સધાયું છે.

એ સામૂહિક આક્રોશને વાચા આપે છે, તો એની સાથોસાથ સારાં કાર્યોની સામગ્રી જનસમુદાય સુધી પહોંચાડે છે. અગાઉનાં સમયમાં આવા આક્રોશને વાચા આપવાનું ઘણું મુશ્કેલ હતું, ત્યારે હવે વ્યક્તિ પોતાના વિચારોને પ્રગટ કરવાની મોકળાશ અનુભવે છે. ક્યારેક એવું બને કે એના એ વિચારો સમાજ પર 

અવળી અસર પણ કરતા હોય છે, પરંતુ વૈચારિક અભિવ્યક્તિનું આકાશ અહીં જોવા મળે છે. આની પાછળનો એક હેતુ એ છે કે આપણે આપણા જીવનને મહત્ત્વપૂર્ણ બનાવવાની ઊંડી ઇચ્છા ધરાવીએ છીએ અને એ ઇચ્છા ઈન્ટરનેટ આપણને તૃપ્ત કરી આપે છે.

સોશિયલ મીડિયા દ્વારા વર્તમાન વિશ્વ સાથે સહુ કોઈનાં તાર જોડાઈ ગયા. એક માન્યતા એવી હતી કે માનવી વિશ્વની વાસ્તવિકતામાંથી વિદાય લેશે અને સોશિયલ મીડિયાનાં વિશ્વમાં જીવવા લાગશે. ધીરે ધીરે એ પરિસ્થિતિ આકાર લઈ રહી છે અને એને પરિણામે પોતાનાં રસનાં વિષયમાં વ્યક્તિ ઘણું પામી શકે છે અને સાથોસાથ એના વિવાદો સાથે પણ પોતાની જાતને જોડી શકે છે. જેમ કે શ્રીમદ્ ભગવદ્ગીતામાં શ્રદ્ધા ધરાવનારને અનેક સંતો, મહાત્માઓ અને વિદ્વાનો પાસેથી એના વિશે જાણવા મળશે. એની સાથોસાથ શ્રી ભાગ્યેશ ઝા જેવા એના ઊંડા અભ્યાસીઓ એને વર્તમાન પ્રવાહો સાથે સાંકળવાનો પ્રયત્ન કરશે, તો વળી કોઈ વર્તમાનયુગની સમસ્યાઓની એની સાથે સંબંધ જોડી આપવાનો પ્રયાસ કરશે, પણ બીજી બાજુ કોઈ એ ગ્રંથ વિશે વિવાદ ઊભો કરવા પણ પ્રયત્ન થાય, તો એની સાથે જોડાયેલાં સહુ કોઈ એની પણ જાણકારી મેળવશે.

આમ આ ટેક્નોલોજીના ઉપયોગથી આપણે આ દુનિયામાંથી ખસી જઈશું એવું એક સમયે માનવામાં આવતું હતું. આપણે પરસ્પરથી વિખૂટા પડી જઈશું એવી દહેશત સેવવામાં આવતી હતી. સામાજિક સંબંધો પર કુઠારઘાત થશે તેવી ધારણા કરવામાં આવતી હતી, પરંતુ અત્યારે તો એનાથી વિપરીત સ્થિતિનાં ઘણા પુરાવાઓ આપી શકાય તેમ છે અને એથીયે વિશેષ તો હવે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ આ બધું કરવા માટે આપણને નવી નવી રીતો આપશે. એ સત્યને પારખવામાં મદદ કરશે, એકબીજા સાથે વધુ સરળતાથી જોડાઈ શકાય, તેવાં સંશોધનો કરશે, સર્જનાત્મક બનવા માટે એ સહાયરૂપ બનશે. આ બધાં સાથે ટેક્નોલોજીનાં દુરુપયોગનો ભય તો ઝળુંબે જ છે. ઓનલાઈન બેંકિંગની સુવિધા સાથે જેમ ફ્રોડ થવાનો ભય હોય છે તેમ, પરંતુ માનવજાતને આવા ભય કોઠે પડી ગયા છે. એણે તો ટેક્નોલોજિકલ વિકાસ સાથે આગેકૂચ કરવાનું જ યોગ્ય માન્યું છે.

મનઝરૂખો

ફિલ્મોના મહાન અભિનેતા, સર્જક અને દિગ્દર્શક ચાર્લી ચેપ્લિને પાંત્રીસ જેટલી ટૂંકી સ્લેપસ્ટિક કોમેડીમાં પોતાની અભિનયક્ષમતા દાખવી અને એમની કારકિર્દીનાં ત્રીસ વર્ષમાં એમણે કરેલી મોટા ભાગની કોમેડી ફિલ્મોમાં રસ્તે રઝળતા રખડું (ટ્રમ્પ)નું રમૂજી પાત્ર ભજવ્યું અને તે સતત વિકસતું રહ્યું. લઘરવઘર વસ્ત્રપરિધાન, બહાદુરી સાથે ડરપોકપણાનું સંમિશ્રણ, જુસ્સાભર્યો સ્વતંત્ર મિજાજ, અસંગત ગણાતું વરણાગિયાપણું, નારીરક્ષક હોવાની લાક્ષણિકતા સાથે ડોકાઈ જતી નારીપીડનવૃત્તિ અને એ બધાની સાથે ચેપ્લિનની આગવી હાજરબુદ્ધિ. એને પરિણામે આ પાત્ર અત્યંત સફળ થયું. આ પાત્રએ આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા પ્રાપ્ત કરી. એનાં ગીતો રચાવા લાગ્યાં. એની બાળરમતો યોજાતી અને રખડુની લાક્ષણિકતા ધરાવતી નાની નાની પ્રતિકૃતિ પૂતળા રૂપે એક ડોલરમાં બજારમાં વેચાતી મળતી હતી. આ પાત્રની લાક્ષણિકતાએ સઘળા સાંસ્કૃતિક ભેદો ઓગાળી નાખ્યા હતા. આમ ૧૯૧૪માં 'કિડ ઓટો રેસ ઇન વેનિસ'માં આપેલા રખડું વરણાગિયાના પ્રતીક પાત્રનો ૧૯૪૦માં 'ધ ગ્રેટ ડિકટેટર' ફિલ્મથી અંત આવ્યો. એક વાર ચાર્લી ચેપ્લિનના આ રખડુ વરણાગિયાના પાત્રનું અનુકરણ કરવાની જર્મનીના એક શહેરમાં સ્પર્ધા યોજાઈ. જુદા જુદા અદાકારોએ આ રખડુ વરણાગિયાના અભિનયની નકલ કરવાનો પ્રયત્ન કર્યો. આવી સ્પર્ધાનું બોર્ડ વાંચીને ચાર્લી ચેપ્લિને પણ એમાં ભાગ લીધો અને એમણે ચાર્લી ચેપ્લિન જેવા અભિનય કરતા અદાકારોની વચ્ચે ઝુકાવ્યું. સ્પર્ધામાં આંચકાજનક પરિણામ આવ્યું અને સાચા ચાર્લી ચેપ્લિનનો નકલ કરવાની સ્પર્ધામાં પરાજય થયો ! એક બીજો અદાકાર આ સ્પર્ધા જીતી ગયો. ત્યારે ચેપ્લિને કહ્યું,

'મારા દેખાવ અને અભિનયની નકલ બધા કરી શકે, પરંતુ અભિનયના મારા અંદાજની અને મારી બુદ્ધિની નહીં. મને મારી હારથી આનંદ થયો, કારણ કે હું સાચો ચેપ્લિન છું, બે નંબરી નહીં.'

ક્ષણનો સાક્ષાત્કાર

અમેરિકાના પ્રવાસ દરમિયાન એક શહેરમાંથી બીજા શહેરમાં વિમાનમાં સતત ઉડાઉડ કરવાનું આવ્યું, ત્યારે મનમાં એવો વિચાર જાગ્યો કે આ પ્રવાસમાં કોઈ આનંદની અનુભૂતિ થતી નથી અને ત્યારે આપણાં દેશનાં રેલવે સ્ટેશનોનું સ્મરણ થયું. સ્ટેશનનાં પ્લેટફોર્મ પર જાણે આખી દુનિયા ઊભરાતી હોય ! ચાવાળો કપ ખખડાવતો બૂમો પાડતો હોય, લારીમાં નાસ્તાવાળો ઘૂમતો હોય, કોઈ પેસેન્જર માંડ માંડ સામાન લઈને ચાલતો હોય, તો કોઈ કુલી પર નજર રાખીને મુસાફર આગળ ધપતો હોય, કોઈ વળી બાજુનાં બાંકડા પર બેસીને સ્થિતપ્રજ્ઞાની માફક આસપાસની હરતી-ફરતી દુનિયાને નિહાળતો હોય, ક્યાંક નવયુગલ મીઠી ચાલે ચાલતું હોય, તો ક્યાંક કોઈ પ્રૌઢ પોતાના ડબ્બામાં ચડવાની ઉતાવળથી હાંફળા-ફાંફળા દોડતા હોય.

આથી અમેરિકાના પ્રવાસ દરમિયાન મિત્રને કહ્યું કે, 'વિમાનમાં પ્રવાસ કરીને થાકી ગયા. એકને એક રફતાર, એક જ પ્રકારની પ્રક્રિયા. બધું જ વ્યવસ્થિત અને અવ્યવસ્થિત હોય તે પણ વ્યવસ્થિત કરીને મૂકવામાં આવે.' મેં એને કહ્યું કે, ''આપણે ટ્રેનમાં સફર કરવી છે.''

પ્લેન કરતા ટ્રેનની ટિકિટ ઘણી મોંઘી હતી, પણ મનમાં લાલચ પેલા માનવીઓથી ઊભરાતા પ્લેટફોર્મના રોમાંચને માણવાની હતી. જોકે બન્યું એવું કે અમેરિકાનાં પ્લેટફોર્મ પર બહુ ઓછી હિલચાલ જોવા મળી, પણ ે સમયે એટલું સમજાયું કે જીવનમાં સામાન્ય આનંદોનો પણ અસબાબ હોય છે. હિંચકે બેસીને ઝૂલતા ઝૂલતા વરસતા વરસાદને જોવો કે વહેલી સવારે લાલઘૂમ જાસૂદનાં ફૂલો સાથે આંખોને ભરી દેવી કે પછી કોઈ જૂના મિત્રને મળીને મોજભર્યાં સ્મરણો વાગોળવા કે વર્ષો પહેલાં જે નિશાળમાં ભણતા હતા અને જે વર્ગમાં બેસતા હતા ત્યાં જઈને એ વર્ગમાં પોતાની 'હાજરી' પૂરવી.

સામાન્ય બાબતોમાંથી પણ અસામાન્ય આનંદ મળતો હોય છે, પણ બને છે એવું કે આવી સામાન્ય બાબતોમાં રહેલા આનંદને આપણે આપણા જીવનની ઉતાવળમાં ચૂકી જઈએ છીએ. ક્યાં તો આપણે કોઈ 'ભવ્ય' આનંદની પ્રતિક્ષા કરીએ છીએ અથવા તો જીવનની દોડધામમાં આવો આનંદ પામવાની કોઈ ફૂરસદ જોતા નથી. ખરું ને ?


Google NewsGoogle News