આસમાં ઇતની બુલંદી પે જો ઇતરાતા હૈ ભૂલ જાતા હૈ, જમીં સે હી નજર આતા હૈ!

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
આસમાં ઇતની બુલંદી પે જો ઇતરાતા હૈ ભૂલ જાતા હૈ, જમીં સે હી નજર આતા હૈ! 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- ઈલેકશન રિઝલ્ટ પાછળના રિઝન્સના લેખાજોખા... બધા હિન્દુઓને હિંદુ રાષ્ટ્રમાં રસ નથી પડતો પણ બધા ભારતીયોને વિકાસમાં રસ પડે છે

અ નુરાગ કશ્યપની 'ગેન્ગ્સ ઓફ વાસેપુર' ફિલ્મોમાં રમાધીરસિંહનું કેરેક્ટર તિગ્માંશુ ધુલિયાએ ભજવેલું, જે કટાક્ષમાં કહેતું કે હું ફિલ્મો નથી જોતો, એટલે મારું અસ્તિત્વ લાંબુ ટક્યું છે. પણ ખરેખર ભારતમાં સત્તા લોકો તરફથી આવે છે, અને લોકોના મન જાણવાનો સહેલો ઉપાય ફિલ્મો છે, એના માટે પણ ફિલ્મો જોવી જોઈએ. એમાં રસ હોવો જોઈએ. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના પરિણામના એનાલિસીસમાં ય સીધું સિનેમા એવું જેમને થતું હોય, એમને કહેવાનું રુકો જરા... સબર કરો...

શાહરૂખ ખાનની પાછળ પદ્ધતિસર અપપ્રચાર કરવા સડેલ સંતરાઓ જેવા સેફ્રોન વોટ્સએપ વિષાણુઓ વર્ષોથી પડી ગયેલા. પાકિસ્તાનને દાનની જૂઠી વાતો ફેલાવે ને એણે ભારતમાં સહાય કરી હોય એનું સત્ય પણ ના દેખાડે એવી રીતે. હવે સાંસદ બનેલાં કંગનાજીએ તો શાહરૂખનો વખાણ કરતો નિબંધ લખેલો આખો! અને એની એવરેજ કહી શકાય એવી પઠાણ અને એબોઉ એવરેજ કહી શકાય એવી જવાન ફિલ્મોને અકલ્પનીય, અસાધારણ બમ્પર ઓપનિંગ મળ્યું ! ફેમિલી ડ્રામા જેવી તો ડંકી હતી પણ એ ના ચાલી. આ બે ફિલ્મોમાં ધોધમાર આંકડા એવા આવ્યા કે અમુક ધરાર આઈટીસેલિયાઓ (એ વિશે થોડું આગળ, સ્ટે ટયુન્ડ) ખોટેખોટા બચાવ જેવા અપપ્રચાર કરવા લાગ્યા. પણ એક્ચ્યુઅલી, એ મૌન રહી થિયેટરના અંધકારમાં થયેલું ગુપ્ત મતદાન હતું. એ પણ મફત નહી, પૈસા ખર્ચીને. ત્યારે પણ લખેલું કે આ તો બહુમતી જનતાએ (વાંચો, બહુમતી હિંદુઓએ) જાણે કહી દીધું કે અમને કાશ્મીર ફાઈલ્સમાં કાશ્મીરી પંડિતોની વ્યથા જોવામાં રસ છે ને રામમંદિર બની રહ્યું છે, એનો આનંદ છે. પણ મુસ્લિમોને માટે બોલીવૂડ બંધ કરવા જેવી ઘેલી વાતો થાય એ મંજૂર નથી. થાંબા. રુક જાવ. અલ્ટ્રા સેફ્રોન સુબ્રમણ્યમ સ્વામીએ તો કતારમાં પૂર્વ સૈનિકોને છોડાવવાના મિશનમાં શાહરુખનો સોફ્ટ પાવર કામે લાગ્યો હોવાની વાતો ચગાવેલી. આવું હોય તો પણ કદી જાહેર ના થાય, ને હવે લોકોને સમજાયું કે સ્વામીજી તો એમને અનુકૂળ ના આવે એટલે ગમે તે લખવાબોલવા લાગે. અગાઉ રાહુલ સોનિયા વિશે પણ બોલ્યા હોય એ બ્રહ્મવાક્ય ના ગણાય !

સામે સર્ટીફાઈડ દેશભક્ત અક્ષયકુમારની એવી જ ફિલ્મો પૃથ્વીરાજથી લઈને રામસેતુ સુધીની આવી એ કોઈ જોવા જ ના ગયું ! સૌથી વધુ જોવાઈ એની ઓહ માય ગોડ ટુ જેમાં પણ મહાદેવના નામે સેન્સર બોર્ડ તૂટી પડેલું ને ભારતીય સંસ્કૃતિના નામે તાલિબાની રૂઢિચુસ્તતા આવે એનો પ્રતિરોધ હતો. એમ જ ઈલેકશન નજીક આવતા બિલાડીના ટોપની જેમ અડધો ડઝન 'હિન્દુત્વવાદી પ્રોપેગેન્ડા' ફિલ્મો ચૂંટણી નજીક ચડી આવી. સારી રીતે બનેલી અને મુસ્લિમમાત્રને વખોડવાને બદલે દેશદ્રોહી ત્રાસવાદી મુસ્લિમોને અલગ તારવી ટાર્ગેટ કરતી આર્ટીકલ ૩૭૦ સિવાય એક પણ ના ચાલી. સાવરકર પર જીવ રેડીને રણદીપ હૂડાએ લાંબીલચક ફિલ્મ બનાવી જે રીતસર ધબડકો થઇ ગઈ. ચર્ચામાં તો હરીફરીને એટનબરોની ગાંધી જ આવી ! સાવરકર જેમ આઝાદી બાદ જીવ્યા ખરા પણ જીત્યા નહિ ક્યાય ને અંતે ગાંધીચીંધ્યા માર્ગે અહિંસક ઉપવાસ કર્યા ને વિદાય લઇ ગયા. એવું જ આજે પણ થયું.

સાઉથની ફિલ્મો બહુ ચાલી નીકળી ને રાષ્ટ્રવાદના નામે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને વિલન ઠેરવવા એને બહુ હાઈલાઈટ કરનારા એ ભૂલી ગયા કે અપવાદો બાદ કરતા દક્ષિણ ભારત હિન્દી ભાષા કે અન્ય ઉત્તર પશ્ચિમ રાજ્યોને સ્વીકારતું નથી ને માત્ર પોતાની દ્રવિડ સંસ્કૃતિ પર જ મુસ્તાક રહે છે.

મતલબ, રાઈટિંગ ઓન ધ વોલ ઈઝ ક્લીયર, મોટા ભાગના ભારતીયોને હિંદુ આસ્થામાં તો રસ છે, પણ હિંદુ રાષ્ટ્ર બનાવવા માટેનો કોઈ એવો ઉમંગ નથી. ટાઈમ ફરી ગયો છે. વોટ્સએપમાં ઠલવાઈ એ બધા ગપાટા ચાટી જતા કેટલા અબૂધ અંકલજીઓ અને બેકાર બેદરકાર ભણવામાં દાંડીબાજ બ્રેઈનવોશ યુવાઓ સિવાય હવે ઝટ પેઢીઓ બદલાય છે. કોવિડ બાદ ઓનલાઈન રહેતી વસતિ વધી ને સામે યુટયુબ ચેનલોનો પાવર ટીવી ચેનલોને ક્રોસ કરવા લાગ્યો. ધ્રુવ રાઠી અને રવીશ કુમાર જેવા ડઝનેક લોકોએ મીડિયાની કામગીરી સ્વતંત્રપણે યુટયુબ પર શરુ કરી, અને રવીશની કટાક્ષની સ્ટાઈલ હોય તો ધ્રુવની ફેક્ટસની સ્ટાઈલ હોય એમ દરેકનો એક ફેનબેઝ ઝડપથી બન્યો ને અગાઉના સુરેશ ચવાણો કે અંકુર આર્યોની નફરતી ફાંકાબાજી સામે કાઉન્ટર થવા લાગ્યું.

હાલત એવી થયેલી કે દુબઈનું જોઈએ સાઉદી ને કતાર જેવા ઇસ્લામિક રાષ્ટ્રો થોડા ટુરિસ્ટફ્રેન્ડલી લિબરલ થવા લાગ્યા ને ઈરાનમાં આંદોલનો થવા લાગ્યા મોકળાશ માટે ને અહીં અફઘાનિસ્તાનના નકલચી જેવી વાતો કરનારા સનાતનના ઓઠા નીચે માંડ સુધારકોએ દેશને છોડાવ્યો હતો એ રૂઢિચુસ્ત થવાના રોજ ઠેકડા મારવા લાગ્યા. લવ મેરેજ નહિ કરવાના, આવા કપડા નહિ પહેરવાના, આવું ખાવાનું નહિ, પતિપત્નીએ પણ જાહેરમાં પ્રેમ નહિ દર્શાવવાનો, ખાસ તો સ્ત્રીઓએ મર્યાદામાં જ રહેવાનું, અવૈજ્ઞાનિક અંધશ્રધ્ધાની માંડ ફગાવેલી ખોટી માન્યતાઓને પ્રાચીન શાસ્ત્રોના નામે રિસ્ટોર કરવાની.... એટલી હદ આવી ગયેલી કે અગાઉ ભાજપે શરુ કરેલું આઈટીસેલ એવા નમૂનાઓને જન્મ આપી ચુક્યું હતું કે સ્વયં વડાપ્રધાન કશીક વૈશ્વિક વાત કરે કે ક્રિસમસ કે ઈદની ડિજીટલ શુભકામનાઓ આપે ત્યાં એમને પણ ટ્રોલ કરવા લાગે ! આવી રીતે તો કિમ યંગનું ઉત્તર કોરિયા થાય ને આમ ડિબેટમાં મૌન રહેતા પણ સેંકડો ભણીને કરિઅર બનાવવા માંગતા યુવાઓને ઝટ આ બધી બબલની એલર્જી થવા લાગેલી યુવા વોટર્સનો મિજાજ ફટાફટ પલટાતો હોય એ પેરન્ટસ માટે પણ સમજવો અઘરો પડે. એમાં પછી જૂની ને જૂની વાતો ના ચાલે. નવા આકર્ષણ ઉભા કરવા પડે.

એમ તો કોઈ લોજીક ના હોય છતાં એક પછી એક મેજિક બ્લોકબસ્ટર આપ્યા કરતી અમિતાભ મનમોહન દેસાઈની જોડી પણ કાળનું ચક્ર ફર્યું, ને ઓડિયન્સની ઉંમર ઘટી (નવી જવાન પેઢી આવી) ને પોતાની વધી, ત્યારે એ જ મસાલા સકસેસ ફોર્મ્યુલા રિપીટ કરવા જતા 'ગંગા જમુના સરસ્વતી' ફિલ્મ સાથે પટકાઈ ગઈ ! આવું અગાઉ ચાલ્યું હતું પણ સમય ફરી ગયો એટલે પછી ના ચાલ્યું. દરેક અદ્ધર ચાલતા રથ આમ જ જમીન પર આવે છે. વ્યક્તિ આત્મવિશ્વાસમાં ભરપૂર હોય ભારતીય ક્રિકેટ ટીમની જેમ. નીવડેલા ટેલેન્ટેડ પણ હોય. પણ સિચ્યુએશન ચેન્જ થઇ છે, એ પારખી ના શકે. એક જ ખેલાડી પર નિર્ભર રહે ને ટીમવર્ક દેખાડી ના શકે ! કહ્યું ને સિનેમા પણ સમજો તો હવામાનના વર્તારા સમજાવી શકે આ બહુ કોમ્પ્લેક્સ દેશના. જેમાં મતદાતા કાયમ અકળ રહે છે, ને એટલા પરિબળો એકસાથે કામ કરે છે કે એની દિશા માપવી અઘરી પડી જાય છે.

ફર્સ્ટ થિંગ ફર્સ્ટ. અમુક લોકોએ એવી પોક મુકવાનું શરુ કર્યું છે કે નરેન્દ્ર મોદી હારી ગયા અને હિમાલય ઝોલા ઉઠા કે જવાની તૈયારી કરતા હોય. મોદી હાર્યા નથી. વિશ્વરાજકારણમાં ય અઘરું છે એવું એમણે કરી તો બતાવ્યું, સતત ત્રીજી ટર્મની સરકારનો મેન્ડેટ મેળવીને પીએમ તરીકે. અગાઉ આરંભકાળે નેહરુ સિવાય ક્યારેય નથી થયું આવું. અમુક વાંકદેખા કહે છે કે મોદીસાહેબે હવે જવું જોઈએ. હજુ ફિટ છે, અને અમુક મોટી યોજનાઓના સપના એમની મક્કમતા વગર પુરા થાય એમ નથી. આ આટલી બેઠકો ભાજપ જીતે છે એ પણ માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીને લીધે. દેશ આખાને જોડી શકે, ઓલિમ્પિકના ખેલાડીથી લઈને ચંદ્રયાનના વિજ્ઞાની સુધી, પરીક્ષા આપતા બાળકોથી લઇ ફિલ્મોમાં કામ કરતા સ્ટાર્સ સુધી, બાઇડનથી પુતિન સુધી, દક્ષિણના ચંદ્રાબાબુથી ઉત્તરના નીતિશ સુધી બધા સાથે કામ લેવું અને આખા ભારત ને જગતમાં કોઈ બેકગ્રાઉન્ડ વગર કે જ્ઞાતિના ય સમીકરણ વગર તોતિંગ બ્રાન્ડ બનાવવી એ મહાપરાક્રમ છે. ગુજરાતી તરીકે આવા ગુજરાતી વડાપ્રધાન હોય એ ગમે જ ને. એટલે હજુ થોડા મોટા પરિવર્તનો અને ભવ્ય ઈમેજ બિલ્ડીંગ સાથે દેશને ચમકાવવા મોદીવિઝનની જરૂર છે. સંસદ ભવન બન્યું એમ નવી વસતિ ગણતરી સાથે યુનિફોર્મ સિવિલ કોડ અને નવા મતદાર સીમાંકન સાથે નવી ચૂંટણીની બેઠકો થશે, થવી જોઈએ. અને વન નેશન વન ઈલેકશન કે સંવિધાન પરિવર્તન જેવા અમુક ખ્વાબ હાલપૂરતા જશે. એનડીએ ઈલેકશન પહેલાનું ગઠબંધન છે ને એને પૂર્ણ બહુમત છે. ભારતના રાજકારણમાં ભવિષ્યનો એમ ભરોસો નહીં. હજુ વધે કે ઘટે એ સમય કહેશે. કોઈ રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દા ઉભા થાય એ પણ.

તો કેમ જીતનાર ને હરવા જેવું લાગે છે ને હારનારને જીતવા જેવું એવી ફીલ છે ? કારણો એના છે. એક તો મોટી બધી આસમાની અપેક્ષાઓ. ચારસો પારનો નારો પાનો ચડાવવા બરાબર છે પણ ઓલરેડી ૨૦૧૯માં ભાજપ માટે ઉત્તર પશ્ચિમ પૂર્વના રાજ્યોમાં લગભગ સેચ્યુરેશન હતું. યાને અપર લિમિટ આવી ગયેલી. સાઉથમાં તો ગજ વાગતો નથી એકલદોકલ સીટ ને જોડાણ સિવાય. (કર્ણાટક પણ યેદીરપ્પા ને કુમારસ્વામી સાથે જ હતું ને). તો સાઉથ વગર ચારસો પાર અઘરું પડે. એટલે જીત ઓછી લાગે છે. બીજું યુપી. ત્યાં સમાજવાદી પાર્ટીએ ગજબ સફળતા મેળવી. એના કારણો છે, એક તો ગઠબંધન. જે અગાઉ પણ હતું ત્યારે ચાલ્યું નહી, આ વખતે ચાલ્યું. માયાવતી ભૂંસાઈ ગયા એ એક કારણ. પણ બીજા કારણ પણ હોઈ શકે.

એક તો નરેન્દ્ર મોદી એકહથ્થુ સત્તાનો સ્વભાવ ધરાવે છે. એમના કોઈ અંગત મિત્રો કે પરિવાર નથી. માઈ વે ઈઝ હાઈ વે એમની પ્રકૃતિ છે. એને લીધે અમુકને કઠે છે, અમુકને ગમે છે. પણ આ તો રાજકારણ છે. અહીં બધા સત્તા માટેની મહત્વાકાંક્ષા લઈને આવે છે. સમય સમજીને બોલે નહિ, પણ બધાને એ સપના તો હોય જ. મોદીસાહેબે દસ વર્ષ નેશનલ લેવલ પર એકધારું રાજ કરી સરપ્રાઈઝ આપી, હરીફ થઇ શકે એવા વડીલોને નિવૃત્ત કર્યા અને તેજસ્વી પ્રતિભાઓ કંટ્રોલમાં ના રહે 

એવી લાગે એને પક્ષમાં સાઈડ લાઈન કરી ને આરએસએસથી ઉપરવટ અમુક આધુનિક નિર્ણયો લીધા એનો આંતરિક ખટકો નોન ગુજરાતી લીડર્સમાં તો એમની આસપાસ પણ હોય જ. એટલે હવે ગાદીવારસ વાળી રેસ ખાનગી ખૂણે શરુ થાય. મોદીસાહેબે ૨૦૪૭નું વિઝન ને શારીરિક ઉર્જાની વાત કરી એનું નિશાન આ પણ હોય. પણ બીજા મૂરતિયા અધીરા થાય મનોમન. એમને પોતાનું ગ્રાઉન્ડ બનાવવું હોય કાં જામેલા વડાપ્રધાનનું તોડવું હોય. એટલે આંતરિક ગજગ્રાહ ચાલુ થાય. સાહેબ સામે બળવો એમ નહિ, પણ સાહેબ પછી ફર્સ્ટ એમોંગ ધ ઇક્વલ્સ થવાની હૂંસાતૂંસી. એમાં જાતે દાઝીને બીજાને ભસ્મ કરવાની ખેંચતાણ અંદરોઅંદર શરુ થાય. આ ઇલેકશનમાં એની પણ અસર હતી. હવે સમજવાવાળા આટલામાં સમજી જશે, ના સમજાય આટલું એમને નામજોગ વિગતો પણ ના સમજાય. 

એટલે એક રીતે હજારો સે લડા, અકેલા બાદશાહ જેવી સ્થિતિમાં ટોપ લેવલે ચાલવાનું હોય, પણ આ વખતે ઈલેકશન દરમિયાન ૩૭૦ કે રામમંદિરને લીધે જીતેલા જ છીએ એવા ઉત્સાહમાં થોડા વધુ નો બોલ ને વાઈડ બોલ થયા. ભારત રાષ્ટ્રનેતા તરીકે ફાધર ફિગરને સ્વીકારે છે, જે ભલે તેજસ્વી પ્રતિભા ને તેજાબી વક્તા હોય, પણ અભિગમમાં ઠરેલ, સરળ, રમુજી અને પ્રગલ્લભ હોય. એટલે વાજપેયીની જગ્યા અડવાણી ના ભરી શક્યા. ચૂંટણીમાં ભાષા તો સામસામે બેફામ વપરાતી હોય. પણ સદભાવના અને સબ કા સાથ સબ કા વિકાસ પછી મોદી ભારતમાં વિશ્વકક્ષાના વિરાટ નેતા તરીકે ઉભરી આવેલા. લોકોએ એમની વિકાસની વાત જ તરત સ્વીકારી હતી. પછી નીચલી કતારના નેતા હિંદુ મુસ્લિમને એવું બોલ્યા કરે. ગાંધીના નામે બફાટ કરે એવું ચાલ્યા કરતું.

પણ આ વખતે મંગળસૂત્ર, ભેંસ, મુજરા, જ્યાદા બચ્ચે વાલે (નેહરુ ખાનદાનમાં બાળકો ઓછા છે ચાર પેઢીથી, બાકીના નેતાઓની પોતાની આગલી પેઢીમાં કેટલાય ભાઈ બહેન હશે !) આ ઓવર થતું હતું. એના મિમ બનાવી લોકોએ મજાક ઉડાવવાની શરુ કરી. એમાં પરમાત્માવાળું નિવેદન તો બેકફાયર થયું રીતસર! લોકોને એમાં ચમત્કારને બદલે અહંકાર દેખાયો. મોદીસાહેબ પોતે અનેક વખત ગાંધીજી બાબતે સ્કોલરી પ્રવચનો કરી ચૂક્યા છે. ગાંધીપ્રેમ એમનો જગજાહેર છે ને હકીકત છે કે કોંગ્રેસે બનાવ્યા એનાથી સારા ગાંધીજીના સ્મારકો એમણે બનાવી ઇન્ટરનેશનલ ટુરિસ્ટસનું ધ્યાન ખેંચ્યું છે, પણ સતત પ્રવાસ ને અઢળક ઈન્ટરવ્યુઝના થાકને લીધે ફિલ્મ સે પહેલે દુનિયા મેં કોઈ જાનતા નહિ થા વાળું સ્ટેટમેન્ટ સ્લીપ ઓફ ટંગ જેવું હતું  એ કહેવા શું માંગતા હતા એ જાણકારોને સમજાઈ જાય એમ હતું, પણ એને વધુ વિસ્તારથી ના કહ્યું એમાં આ વાક્ય ચગી ગયું.

આમાં પબ્લિકને એટલે રસ ના પડયો કે આમે જયારે પ્રચંડ બહુમતી મળી ત્યારે ત્રીસથી ચાલીસ ટકા મતદારોએ આપેલી. એમાં બધા કંઈ હિંદુ મુસ્લિમ કરીને હિંદુ રાષ્ટ્રવાળા ના હોય. ડેવલપમેન્ટ માટે મત આપનાર હોય. જે લોકો મતદાન કરવા જતા નથી, એમનો પણ એક રીતે મત છે જ કે એમને જે એજેન્ડા અપાયો છે, એમાં રસ નથી પડતો. બાકી ઉભા થઇ દોડયા હોત. રામમંદિર કે ૩૭૦ ભાજપનો એજેન્ડા છે, ને પૂરો કર્યો એ માટે શાબાશ. પણ પછી એમાંથી રોટલા નથી નીકળતા સામાન્ય માણસના. માત્ર નેતાઓના નીકળે છે. બેકારી, મોંઘવારી, ભ્રષ્ટાચારી... આ ત્રિશૂળની જેમ ભારતના મોટા ભાગના લોકોને ભોંકાય છે. એમાં આંકડાબાજીથી સમાચારોની હેડલાઈન બદલાય, ગરીબ કે મધ્યમવર્ગના માણસની લાચારી ના બદલાય. ઈન્ટરનેશનલ પ્રોજેક્શન ને આકાશની ઊંચાઈથી સાગરના પેટાળ સુધીના ફોટોઝને એ બધા કેમ્પેઈનનો ઓવરડોઝ થઇ ગયેલો. ધાર્મિક ઈમેજના અતિરેકને લીધે અમુક યુવાવર્ગ વિમુખ થયો ને ગ્રામીણ ભારત ભ્રષ્ટાચાર ઘટવાને બદલે વધવાથી વિમુખ થયું. આવક ઓછી ને કરજ ઝાઝું એમાં આપઘાત પણ કેટલા વધ્યા એ વિચારવા જેવું છે.

મજૂરો કોવિડમાં ચાલતા ગયા એ જે તે વખતે મિડીયાએ ખોટેખોટો સુશાંતનો કેસ ચગાવીને ભૂલવાડી દીધું. પણ એ હાલાકી કોરોનામાં ભોગવનાર થોડા ભૂલ્યા હોય. સેકન્ડ વેવમાં ભારે મોત થયેલા મિસમેનેજમેન્ટમાં. ગુજરાતમાં જ આપણે જોયું કે કરપ્શનને લીધે એક પછી એક કરપીણ દુર્ઘટનાઓ બન્યા કરે છે, નિર્દોષ નાગરિકો ને માસૂમ બાળકો એમાં હોમાઈ છે. ધડાધડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને ઝડપભેર શહેરીકરણમાં કોન્ટ્રાક્ટરો રાજી છે, પણ જનતા તારાજ છે. તકલાદી કામો થાય છે. પર્યાવરણ ને ક્લાઈમેટ ચેન્જ સાહેબનો પ્રિય વિષય પણ જમીન પર વૃક્ષોનો સોથ નીકળે છે. કિસાનોને જે રીતે ભગવા ભક્તોએ ઉતાવળમાં દેશદ્રોહી જાહેર કર્યા, એ ખેડૂતોનો પણ યુપીની હારમાં થોડો ફાળો છે. નોટબંધીમાં અમુક લોકોના ધંધા બરબાદ થયા પછી પણ એમને આશા હતી કે કૈંક થશે ત્યાં જીએસટી ને કોવિડ આવતા ભૂખભેગા થઇ ગયા. હિંદુ મુસ્લિમ જો વોટબેંક હોય તો ગરીબ પણ મોટી વોટબેંક છે.

કોંગ્રેસે ને મમતા વગેરેએ એના પર ફોકસ કર્યું. ભલે રાહુલ ગાંધીને સીટ્સ બહુમતીમાં ઓછી આવી પણ પીએમ કરતા વધુ માર્જીનથી ઉત્તર ને દક્ષિણમાં જીત્યા. એ પણ સામાન્ય નિવેદન માટે એમનું સંસદસભ્યપદ રદ કર્યા પછી માંડ સુપ્રીમ સુધી લડીને ! એને પપ્પુ કહેનારાને કોઈ આટલી વાર પપ્પુ કહે તો ખીજાઈને પ્રોફાઈલ લોગ આઉટ કરે. પણ જે કોઈએ રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રાની સલાહ આપી એ વિચક્ષણ હશે. રામ પણ અયોધ્યાથી લંકા ને કૃષ્ણ મથુરાથી દ્વારકા યાત્રા કરી ચુકેલા, ગુરુ નાનકથી સ્વામી સહજાનંદ સુધીના યાત્રા કરી ચુકેલા. ગાંધીજીથી ચંદ્રશેખર યાત્રા કરી ચુકેલા. આ દેશ એવો અદ્ભુત જટિલ છે કે ફરો તો જ સમજાય. એ યાત્રા બાદ એમના હિન્દી ને કનેક્ટીવિટીમાં દેખીતો સુધારો થયો. કોન્ફિડન્સ વધ્યો. એ ફૂલટાઇમ પોલિટિક્સના માણસ નથી લગતા પણ કોરોના વખતે એમની અમુક વાતો સાચી પડેલી. એમને કશું ગુમાવવાનું હતું નહિ, પણ સીજેઆઈ ચંદ્રચૂડે ઈલેક્ટોરલ બોન્ડ બાબતે નામ જાહેર કરવાનું પ્રેશર બનાવ્યું, એનો ફાયદો તો થયો કે અમુક લોકોને આંખો ઉઘડી પોલીટીકલ ફંડ બાબતે. નાની નાની પાર્ટીઓ તો એનડીએ ને ઇન્ડિયા બંનેમાં છે. પણ મજબૂત વિપક્ષનો ચેક જરૂરી હોય છે લોકશાહીમાં. રાજકીય વિરોધીઓ સામે ઇડી, સીબીઆઈ વાળી રાજરમત લોકોને પણ ખબર પાડવા લાગી છે.

સૌથી મોટો સવાલ પબ્લિકને રાષ્ટ્રવાદી સિધ્ધાંતવાદી પવિત્ર ઈમેજ બનાવી પછી ભાજપમાં ગમે તેને લઈને કેસરી વોશિંગ મશીનમાં ધોળા બનાવી દેવાય એની સામે છે. આમાં તો પાયાના કાર્યકરોની નિષ્ઠા પણ ડગમગી જાય. મહારાષ્ટ્રમાં હાથે કરીને તોડફોડ ના કરી હોત તો સરકાર સામે એન્ટી ઇન્કમબંસી હોત ને એનો ફાયદો લોકસભામાં ભાજપને થાત. પણ જૂના સાથી શિવસેનાના ફાડિયા થયા. નીતિશને કટ ટુ સાઈઝ કરવામાં આમ જ મોડું થયું ને હવે એ શક્ય નથી અત્યારે. મણિપુર ને બ્રિજભૂષણમાં લોકો પ્રતિભાવની રાહ જોતા રહી ગયા. દસ વરસની પૂર્ણ બહુમતી પછી કાયમ પાછલી સરકારીને બ્લેમ કરવાથી ના ચાલે. હવે લોકોને ગમે એવી નવી કામગીરી સેલ્ફ પ્રોજેક્શનથી આગળ બતાવવી પડે. નહિ તો થોકબંધ મિનિસ્ટર્સ પણ હારે, ટેકો લેવો પડે ને ટીકા શરુ થઇ જાય. 

અગાઉ પણ લખ્યું છે, મૂળભૂત રીતે નરેન્દ્ર મોદીની બ્રાન્ડ વિકાસપુરુષની છે. હિંદુહૃદયસમ્રાટ એ બોનસ છે. હિન્દુત્વની વાતો કરનારા ઘણા હતા ને ઘણા હશે. ભારતના વારસાનું પ્રોજેક્શન લઘુમતી તુષ્ટિકરણ સામે જરૂરી છે, અને જેહાદી ત્રાસવાદ કે ડાબેરી નક્સલવાદ સામે રાષ્ટ્રીય સુરક્ષા અને ઇન્ટરનેશનલ રિલેશન બાબતે નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી. એટલે સ્માર્ટ જનાદેશમાં લોકોએ એમના પર જ લીડર તરીકે ભરોસો મુક્યો છે. પણ અમુક બાબતો એડિટ થાય એવી રીતે. મોદી વિચક્ષણ છે. કર્મઠ છે. પણ ભાજપ સંઘમાં એક આઈટી સેલ પ્રાયોજિત ડિજીટલ ભક્તોની માયાજાળ રચાઈ છે, એ લોકો એટલા ગુમાની થઇ ગયા છે કે નાગરિકોની સાચી ફરિયાદનો અવાજ એમના સુધી પહોંચે કે કેમ એ પણ સવાલ છે. દરેક અસહમત કે આધુનિક બૌદ્ધિકને સીધા અર્બન નક્સલ કહી દેવાથી કે દરેક સાચી વાત કહેનારને ટ્રોલ કાર્ય કરવાથી કાં એ ચૂપ થાય કાં બીજે જતા રહે. (ખુદ ભારતના ગુણગાન ગાતા વિદેશમંત્રી જયશંકરના પુત્ર અમેરિકા રહે છે !)  સરવાળે નુકસાન ભારતદેશને થાય કારણ કે આ ધર્મઝનૂની ખુશામતભગતો કોઈ મહાન ક્રિએટીવ ટેલન્ટ નથી. ૩.૦ ના સુશાસન માટે બે કામ અગત્યના છે. ફિલ્મો નહિ આવા ફિંજ એલીમેન્ટ્સ પર સેન્સરશિપ અને મોદીના નામે આપણે તો જીતેલા જ પડયા છે એમ માની ફાટીને ધુમાડે જતા લોકલ લેવલના ગુમાની અભિમાની ને અભણડફોળ નેતાઓને બદલે અસલામતી વિના ખરા કામ કરી શકે ને લોકમત સાંભળી શકે એવા નેતાઓને લીડરશિપ.

બાકી તો બધાનો ઉત્સવ ઉજવાય ને બધા લિમિટમાં રહે એવું સંતુલન ઋષિઓનું ભારત કેળવી લે છે, એટલે હજુ આ દેશને વાંધો આવે એમ નથી ! બસ, લો એન્ડ ઓર્ડર મેનેજ કરો, ન્યુઝ નહી એટલે સરખું થવા લાગશે. ગાડી બહુ ઉછળતી હોય તો ટાયરમાં હવા ઓછી કરવાથી બેલેન્સ આવી જાય છે ! (શીર્ષક : વસીમ બરેલવી) 

ફાસ્ટ ફોરવર્ડ 

ઉસે મધ્યપ્રદેશ કી તરહ ચાહા હમને 

વો ઉત્તર પ્રદેશ કી તરહ બેવફા નિકલી!

(સોશ્યલ નેટવર્ક શાયરી)


Google NewsGoogle News