Get The App

કોરોના વેક્સિનની આડઅસરો સૌ કોઈને થતી નથી

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
કોરોના વેક્સિનની આડઅસરો સૌ કોઈને થતી નથી 1 - image


- હેલ્થકેર-ડો.સંજીવ ફાટક

કો વિડ-૧૯ ની મહામારી મહદઅંશે પૂર્ણ થઈ ગઈ છે પરંતુ કોવિડ અને એના વિશેના વિવાદો હજી પણ ચાલી રહ્યા છે. ગયા અંકમાં વાત કરી તેમ કોવિશિલ્ડ વેક્સિન અને તેનાથી થનારી આડ અસરો વિશે અત્યારે ખૂબ જ ચર્ચા ચાલી રહી છે તો આજે આપણે એ અંગેના તથ્યો વિશે વાત કરીશું.

કોરોના વાયરસના બચાવ માટે કેટલા પ્રકારની વેક્સિન ઉપલબ્ધ છે ?

આપણા દેશમાં કોરોનાની સામે રક્ષણ આપવા માટે છજાચિઢીહીબચ અને સીરમ ઇન્સ્ટિટયૂટે બનાવેલી કોવીશીલ્ડ, ભારત બાયોટેકે બનાવેલી કોવેક્સિન અને તે ઉપરાંત Sputnik-V અને Zycov-D જેવી વેક્સિન પણ કેટલાક કેસમાં આપવામાં આવેલી છે. પરંતુ આમાંથી કોવીશીલ્ડ અને કોવેક્સિન ભારતમાં વધુ પ્રચલિત હતી અને લગભગ ૯૫ ટકા ઉપરાંત વ્યક્તિઓએ આ બેમાંથી એક વેક્સિન લીધેલી છે. અમેરિકા અને યુરોપના દેશોમાં આ ઉપરાંત Moderna અને Pfizer દ્વારા બનાવેલી વેક્સિન પણ ખૂબ પ્રચલિત હતી અને મોટાભાગના વ્યક્તિઓએ આ બેમાંથી એક વેક્સિન લીધેલી છે . Moderna અને Pfizer દ્વારા બનાવેલી વેક્સિન mRNA ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવી હતી જ્યારે કોવીશીલ્ડ અને જોન્સન એન્ડ જોન્સનની વેક્સિન Adeno Virusમાંથી બનાવવામાં આવી હતી. હાલમાં જે વિવાદ ચાલી રહ્યો છે તે કોવીશીલ્ડ દ્વારા થતા એક રેર સિન્ડ્રમ ટીટીએસ  (TTS) વિશે છે 

ટીટીએસ (TTS)  એટલે શું ?

TTS (Thrombosis with Thrombocytopenia Syndrome) એ એક દુર્લભ પરંતુ ગંભીર પ્રતિક્રિયા છે જેમાં પ્લેટલેટ્સ ઘટી જતા હોય છે અને લોહીમાં ક્લોટીંગ એટલે કે લોહીની ગાંઠો થઈ જતી હોય છે.

Covishield રસીકરણ પછી TTSનો દર બહુ ઓછો છે. અંદાજ મુજબ, લગભગ ૧,૦૦,૦૦૦ થી ૨,૫૦,૦૦૦ રસીકરણમાં એક કેસ જોવા મળે છે.

ટીટીએસ ના લક્ષણો કયા છે?: 

TTSના લક્ષણો સામાન્ય રીતે રસીકરણ પછી ૪થી ૪૨ દિવસની અંદર દેખાય છે અને તેમાં ગંભીર અથવા સતત માથાનો દુખાવો, ધૂંધળું દેખાવું, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, પગમાં સૂજન, સતત પેટમાં દુખાવો અને ચામડીની નીચે નાના નાના Spots થવા જેવા લક્ષણો થઈ શકે છે. TTS કોઈપણ વય જૂથમાં થઈ શકે છે, પરંતુ કેટલાક અભ્યાસોએ દર્શાવ્યું છે કે યુવા વયના લોકો, ખાસ કરીને ૫૦ વર્ષથી નીચેની મહિલાઓમાં જોખમ વધુ હોઈ શકે છે. TTSના અહેવાલો પછી, ઘણી આરોગ્ય સત્તાઓ અને નિયમનકારી સંસ્થાઓ, જેમ કે યુરોપિયન મેડિસિન એજન્સી (EMA) અને UK's Medicines and Healthcare products Regulatory Agency (MHRA), દ્વારા વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. તેઓએ નિષ્કર્ષ આપ્યો કે Covishield રસીના ફાયદા COVID-19 રોકવા માટે આ દુર્લભ પ્રતિક્રિયાના જોખમો કરતાં ઘણાં વધારે છે.

આ પ્રતિક્રિયાનું નિદાન કેવી રીતે કરવામાં આવે છે?

જો આ પ્રકારની કોઈ વેક્સિન છેલ્લા એક કે બે મહિનામાં લીધી હોય ઉપર જણાવેલા લક્ષણો હોય અને લોહીની તપાસમાં પ્લેટલેટ ની સંખ્યા ઓછી માલુમ પડે તો આ રોગ હોવાની શક્યતા વિચારી શકાય છે. 

ટીટીએસની સારવાર કેવી રીતે કરવામાં આવે છે ?

લોહીનો ગઠ્ઠો થતો રોકનારી દવાઓ (Direct Oral AntiCoagulants/Parenteral Direct Thrombin Inhibitors) આમાં ઉપયોગી નિવડી શકે છે. તે ઉપરાંત Steroids ylu IV Immunoglobulin પણ આમાં કારગત નીવડે છે. 

શું આપણે ટીટીએસ વિશે ચિંતા કરવી જોઈએ?

આગળ જણાવ્યું એમ આ પ્રતિક્રિયા વેક્સિન લીધાના ૪થી ૪૨ દિવસમાં થઈ શકે છે. આપણા દેશના મોટાભાગના લોકોએ વેક્સિનનો છેલ્લો ડોઝ આશરે બે વર્ષ પહેલાં લીધેલો છે. એટલે હવે આપણને ટીટીએસ થશે એવો ડર રાખવાની કોઈ પણ જરૂર નથી.

સારાંશમાં, Covishield  રસી સાથે TTSના ઘટનાઓની શક્યતા હોવા છતાં, તે અત્યંત દુર્લભ છે.  Covishield સાથે રસીકરણ કરેલા મોટા ભાગના લોકોમાં કોઈ ગંભીર પ્રતિક્રિયા નથી થતી, અને COVID-19  મહામારીને નિયંત્રણમાં રાખવામાં આ રસી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.


Google NewsGoogle News