આજે Venice, તો આવતી કાલે vanish?

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
આજે Venice, તો આવતી કાલે vanish? 1 - image


- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા 

- શીર્ષકમાં લખેલો શા‌બ્‍દિક તફાવત સમજજો. વાત વધુ પડતા પર્યટનને લીધે vanish/ વે‌નિશ/ લોપ પામતા ઇટાલીના Venice/ વે‌નિસ નગરની છે, જેની મરણચીસ સૌને માટે ખતરાની ઘંટી છે.

- વર્ષો પહેલાં સશસ્‍ત્ર સૈન્‍યોનાં આક્રમણ જે તે નગરના રહીશોને સ્‍થળાંતર કરી જવા મજબૂર કરતાં. પરંતુ વે‌નિસમાં પર્યટકોનું અ‌તિક્રમણ સ્‍થા‌નિકોના સ્‍થળાંતર માટે કારણભૂત બન્‍યું છે.

સોશ્‍યલ મી‌ડિયા પર જેઓ સ‌ક્રિય છે તેમને ખ્‍યાલ હશે કે બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી, ગંગોત્રી, મસૂરી, ‌સિમલા, મનાલી, લદ્દાખ જેવાં સ્‍થળોએ પર્યટકોના ચક્કાજામ ટ્રા‌ફિકની ‌વિ‌ડિઓ આજકાલ બહુ આવી રહી છે. વાહનોની અનંત કતારોમાં કલાકોના કલાકો સપડાયેલા અનેક પર્યટકો તેમના ‌નિર્ધા‌રિત મુકામે પહોંચી જ શકતા નથી. અધરસ્‍તેથી પાછા વળી જવું પડે છે. ‌આ ‌સ્‍થિ‌તિ પહેલી વારની નથી. છેલ્‍લી વારની પણ નથી. બલકે, મામલો હજી તો ઓર ‌બિચકવાનો છે, કેમ કે overtourism/ અ‌તિ માત્રાના પર્યટનની જાળમાં આપણો દેશ સપડાવા લાગ્યો છે. પર્યટકોનાં ધાડાં પર આજે કોઈક રીતે લગામ નાખવામાં ન‌હિ આવે તો ઓવરટૂ‌રિઝમની આવતી કાલ કેવી હોઈ શકે તે સમજવું હોય તો એક નજર ઇટાલીના વે‌નિસ શહેરની કલ-આજ-કલ પર... 

■■■

ઈ.સ. પૂર્વે ૨૭થી શરૂ કરીને ઈ.સ. ૩૯પ સુધી જગતના લગભગ પ૦,૦૦,૦૦૦ ચોરસ ‌કિલોમીટર ભૌગો‌લિક પ્રદેશ પર જેની બોલબાલા રહેલી તે રોમન સામ્રાજ્યનો સંકેલો ચોથી સદીની આખરમાં શરૂ થયો હતો. મધ્‍ય યુરોપની જર્મે‌નિક જા‌તિના તેમજ મધ્‍ય એ‌શિયાના હૂણ જા‌તિના આક્રમણખોરોએ રોમન સામ્રાજ્યને વર્ષો સુધી ધમરોળ્યું, લૂંટ્યું અને ભવ્‍ય નગરોને ભડકે બળતાં કરી દીધાં. ઇટાલીના વર્તમાન પાટનગર રોમની ઉત્તરે આવેલાં પાદુઆ, આક્વિલેયાં, ટ્રવિસો, અલ્ટિનો જેવાં પ્રાચીન રોમન નગરો પર હૂણ સેનાપ‌તિ અ‌ત્તિલાનું સૈન્ય ચડી આવ્યું ત્‍યારે જીવ બચાવવા માટે કેટલાક રોમનો પૂર્વ ‌દિશામાં નાસ્‍યા. એ‌ડ્રિઆ‌ટિક સમુદ્રના કાંઠે પહોંચ્‍યા અને દ‌રિયો પાર કરીને એ ટાપુસમૂહ પર આવી ચડ્યા કે જ્યાં આજનું વેનિસ વસ્‍યું છે.

આ નિરાશ્રિતોના આગમન સાથે ઈ.સ. ૪૨૦થી વે‌નિસ નગરની લાંબી ઐ‌તિહા‌સિક તવારીખનો આરંભ થયો. શરૂઆતમાં મછવાઓના ગામ તરીકે વસેલું વે‌નિસ વખત જતાં એક ધમધમતા વ્‍યાપારી બંદર તરીકે ‌વિકસ્યું એટલું જ ન‌હિ, પણ તેની જાહોજલાલીની ખ્‍યા‌તિ જગતભરમાં એટલી બધી પ્રસરી કે વધુને વધુ લોકો વેપાર-ધંધા અર્થે વે‌નિસ આવીને વસવા લાગ્યા. અંગ્રેજીમાં જેને માઇગ્રેશન કહેવાય તે ‌હિજરતનો દોર વે‌નિસમાં સદીઓ સુધી ચાલ્યો.

પરંતુ છેલ્‍લા ત્રણ દાયકાથી ‌સ્‍થિ‌તિએ જબરજસ્‍ત પલટી મારી છે. વે‌નિસમાં બ‌હુ મોટા પાયે રિવર્સ માઇગ્રેશન થયું છે. મતલબ કે, જેમનો પ‌રિવાર ચાર-પાંચ પેઢીથી વે‌નિસમાં રહેતો એવા સ્‍થા‌નિકો પોતાનું માદરે વતન છોડીને ઇટાલીનાં અન્‍ય શહેરોમાં વસવા લાગ્યા છે. આ પ્રકારની ‌હિજરત સ્‍વેચ્‍છાએ ન‌હિ, પણ મજબૂરીને આધીન છે—અને તેની પાછળનું કારક પ‌રિબળ overtourism/ અ‌તિ માત્રાનું પર્યટન છે.

મામલો આખરે શો છે? ચાલો ‌વિગતે તપાસીએ.

■■■

એ‌ર્ડિઆ‌ટિક સમુદ્ર પર વસેલું વે‌નિસ એક ભૌગો‌લિક અજાયબી છે. આશરે સવાસો ટાપુઓ પૈકી ટેરાફર્મા કહેવાતો મુખ્‍ય ભૂ‌મિનો ટાપુ ઠેકઠેકાણેથી ભાંગેલો-તૂટેલો છે. નાના-મોટા ભંગાણોમાં દ‌રિયાનું પાણી બારેમાસ ભરાયેલું રહે છે, માટે વે‌નિસમાં પાણીની ૨૦૦થી વધુ નહેરો જોવા મળે છે. આ નહેરોના જળમાર્ગ પર નગરજનો હોડકાં લઈને નીકળે ત્‍યારે એ દૃશ્‍ય પર્યટકોને ભારે કૌતુક જન્માવે છે.

નવાઈની બીજી વાત: વે‌નિસનાં બહુધા મકાનો નક્કર જમીન પર બંધાયાં નથી. બલકે, વૃક્ષોના થડરૂપી ટેક‌ણિયાં પર તે ઊભાં છે. મકાનો પાછાં દ‌રિયાઈ સપાટીની ધારોધાર હોવાથી જોનારને એમ લાગે કે જાણે સમુદ્ર પર તરતું ફ્લો‌ટિંગ હાઉસ દીઠું! અનેક મકાનોનું મુખ્‍ય પ્રવેશદ્વાર પરબારું દ‌રિયાના પાણી પર ખૂલે એ વળી બીજી નવાઈ છે.

કમ સે કમ ૧૬૦૦ વર્ષનો રસપ્રદ ઇ‌તિહાસ, તેનાં સ્‍મૃ‌તિ‌ચિહ્નો દર્શાવતાં સમૃદ્ધ સંગ્રહાલયો, પ્રાચીન સ્‍થાપત્‍યો, ભવ્‍ય દેવળો, પાણીની નહેરો ઉપર બનાવેલા કુલ મળીને ૪૩૦ જેટલા કલાત્‍મક પુલો, બેનમૂન તૈલ‌ચિત્ર કળા, રંગીન કાચ કળા વગેરે બધું વે‌નિસને અનોખું ને અજોડ પર્યટન સ્‍થળ બનાવે છે. આથી જ તો દર વર્ષે બે કરોડથી વધુ સહેલાણીઓ વે‌નિસની મુલાકાતે ખેંચાઈ આવે છે. ટૂ‌રિસ્‍ટ સીઝન દરમ્‍યાન કોઈ ‌દિવસ એવો ન‌ હોય કે જ્યારે સરેરાશ ૧,૨૦,૦૦૦ પર્યટકોનાં ધાડાં વે‌નિસમાં ફરતાં જોવા મળે!

અલબત્ત, ત્રીસેક વર્ષ પહેલાં વે‌નિસ આટલી હદે ભીડભા‌ડિયું નહોતું. પ્રવાસનો મુખ્‍ય ઉદ્દેશ ત્‍યારે ‌નિજાનંદનો તેમજ અવનવું જોવા-જાણવાનો હતો. પોતે ક્યાં જઈ આવ્યા અને શું જોઈ આવ્યા તેનો દુ‌નિયા સમક્ષ દેખાડો કરવાની બૂરી લત હજી પ્રવાસીઓને લાગી ન હતી. પરંતુ સોશ્‍યલ મી‌ડિયાના આગમન પછી અનેક પર્યટકો એ લતના ‌શિકાર બન્‍યા. જગતના પ્રખ્‍યાત સ્‍થળ-સ્‍થાપત્‍ય પાસે ઊભા રહીને સ્‍માર્ટફોન વડે સેલ્‍ફી લેવામાં, ‌વિ‌ડિઓ રીલ બનાવવામાં અને સોશ્‍યલ મી‌ડિયા પર તેમને રજૂ કરી વાહવાહી મેળવવામાં એવા લોકોને અદકેરો આનંદ મળવા લાગ્યો.

આ પ્રકારના આનંદમાં કશું ખોટું નહોતું. પરંતુ તેના વાંકે પ્રવાસન ક્ષેત્રે બે અણધાર્યાં પ‌રિવર્તનો આવ્યાં.

(૧) પ્રવાસનો મૂળ ઉદ્દેશ બદલાઈ ગયો. અર્થાત્ અવનવું જોવા-જાણવાની ‌જિજ્ઞાસા હાં‌સિયામાં ધકેલાઈ અને વધુ સારી સેલ્‍ફી તેમજ ‌વિ‌ડિઓ રીલ શી રીતે બનાવી શકાય તેમાં ઘણાખરા સહેલાણીઓના મન-મ‌સ્‍તિષ્‍ક સતત પરોવાયેલા રહેવા લાગ્યા. સોશ્‍યલ મી‌ડિયા પર એકાદ તસવીર મૂક્યા પછી તેના પર શા પ્ર‌તિભાવો આવી રહ્યા છે તે જોવામાં સ્‍થળ-સ્‍થાપત્‍યોનું બારીકીભર્યું અવલોકન ચુકાઈ જવા લાગ્યું.

(૨) સોશ્‍યલ મી‌ડિયા પર પોતાના ‌મિત્રો-સગાંની તસવીરો જેમણે જોઈ હોય તેવા લોકો ‘અમે રહી ગયા’ના માન‌સિક અસંતોષનો ‌શિકાર બનવા લાગ્યા. સંતાપની લાગણી તેમને વહેલામોડા એ જ સ્‍થળે ખેંચી જવા માટે અને ત્‍યાં પહોંચીને સેલ્‍ફી તસવીરો લઈ સોશ્‍યલ મી‌ડિયા પર રજૂ કરવા માટે ‌નિ‌મિત્ત બની.

ઉપરોક્ત મુદ્દો નં.૨ વૈ‌શ્વિક ટૂ‌રિઝમના ક્ષેત્રે અભૂતપૂર્વ ધસારો આણવામાં કારણભૂત બન્‍યો છે. આ‌ર્થિક દૃ‌ષ્‍ટિએ આવો ધસારો શરૂઆતમાં આવકાર્ય જણાયો, પરંતુ આજે તેની કેટલીક આડઅસરો જોવા મળી રહી છે. સમજૂતી માટે વે‌નિસની જ વાત આગળ વધારીએ.

આજથી ત્રીસેક વર્ષ પહેલાં વે‌નિસના ટેરાફર્મા કહેવાતા મુખ્‍ય ભૂ‌મિ ટાપુ પર ૧,૭પ,૦૦૦ સ્‍થા‌નિક ઇટા‌લિયનોની વસ્‍તી હતી. સોશ્‍યલ મી‌ડિયાના પગલે પર્યટન ક્ષેત્રે સુનામી શરૂ થઈ ત્‍યારે બન્‍યું એવું કે વે‌નિસમાં પૂરતી હોટેલ્‍સના અભાવે સહેલાણીઓને ઉતારાની સમસ્‍યા થવા લાગી. કેટલાક સ્‍થા‌નિકોને આમાં ધંધાકીય ગુંજાશ દેખાઈ. આથી તેમણે પોતાના ઘરનો કેટલોક ‌હિસ્‍સો હોટેલ યા હોમસ્‍ટેમાં તબદીલ કરી નાખ્‍યો. કેટલાકે તો આખેઆખું મકાન હોટેલ બુ‌કિંગની (AirB&B જેવી) કંપનીઓને ભાડાપટ્ટે આપી દીધું અને પોતે ભાડાના મકાનમાં રહેવા ચાલ્યા ગયા.

આવું વર્ષો સુધી બનતું રહ્યું, એટલે તેના પ‌રિણામરૂપે વે‌નિસમાં પ્રોપર્ટીના ભાવ સતત નવી ઊંચાઈને આંબવા લાગ્યા. સરકારે પ્રોપર્ટી ટેક્સ વધાર્યો, મકાન મા‌લિકો ભાડાની રકમ વધારતા ગયા અને સરવાળે ‌સ્‍થિ‌તિ એવી પેદા થઈ કે જેમાં વે‌નિસના મધ્‍યમ વર્ગીય લોકોનું આવી બન્‍યું. ભાડું, ટેક્સ, મકાનના રખરખાવ વગેરે જેવા ખર્ચે તેમની કમર ભાંગી નાખી. પોતાનું માદરે વતન છોડીને બીજા શહેરમાં સ્‍થળાંતર કરી જવા ‌સિવાય કોઈ ‌વિકલ્‍પ ન રહ્યો. વીસમી સદીના છેલ્‍લા દસકામાં વે‌નિસના ટેરાફર્માની વસ્‍તી પોણા બે લાખ જેટલી હતી. વર્ષ ૨૦૧૦માં તે ઘટીને ૧,૨૦,૦૦૦ થઈ અને આજે તો માંડ પપ,૦૦૦ છે. ‌રિવર્સ માઇગ્રેશન હજી અટકવાનંગ નામ લેતું નથી, કારણ કે વે‌નિસમાં પર્યટકોનું અ‌તિક્રમણ અટકતું નથી. એક અંદાજ મુજબ ૨૦૩૦ સુધીમાં વે‌નિસના મૂળ સ્‍થા‌નિકોની સંખ્‍યા ૪૦,૦૦૦ જેટલી થઈ જશે. વે‌નિસની ગણના ત્‍યાર પછી વસવાટ યોગ્‍ય શહેર તરીકે થાય કે કેમ એ સવાલ છે.

■■■

વે‌નિસની ડૂબતી નૈયાની વાત અહીં અટકતી નથી. અં‌તિમ અધ્‍યાય હજી બાકી છે. વધુ પડતા પર્યટન/ overtourismને કારણે વે‌નિસમાં હોટેલનાં ભાડાં આસમાને પહોંચ્‍યાં છે. આથી કેટલાંક વર્ષથી પર્યટકોએ સસ્‍તો ‌વિકલ્‍પ અપનાવ્યો છે. ‌વિરાટ કદનાં ક્રૂઝ જહાજમાં તેઓ વે‌નિસના પ્રવાસે આવે છે. ‌દિવસભર અહીંની ગલીઓમાં લટાર મારે છે. બજારમાં શો‌પિંગ કરતાં વધુ તો સોશ્‍યલ મી‌ડિયા પર મૂકવા માટે તસવીરો લે છે. પ્રવેશ ફી જ્યાં આપવાની થાય તેવાં સ્‍થળ-સ્‍થાપત્‍યોને બહારથી જ જોઈને (તેમજ સેલ્‍ફી લઈને) સંતોષ માને છે. અહીંના ‌રિઆલ્‍ટો નામના સૌથી પ્રખ્‍યાત પુલ પર ઊભીને ફોટો પડાવવા રીતસર પડાપડી કરે છે. આ બધું પતાવ્યા પછી મોડી સાંજે વળી પાછા પોતાના ક્રૂઝ જહાજમાં પહોંચી ખાણીપીણી પતાવીને પથારી ભેગા થઈ જાય છે.

ઉપરની આખી ઘટમાળમાં વે‌નિસને ટૂ‌રિઝમના નામે શું મળ્યું? પાવલી પણ ન‌હિ! હોટેલ્‍સ-રેસ્‍ટોરન્‍ટને ‌બિઝનેસ મળતો નથી કે બજારોની દુકાનોને ખાસ કશો વકરો થતો નથી. ઊલટું, પર્યટકોના ધસારાને કારણે વે‌નિસની ઐ‌તિહા‌સિક ઇમારતો તેમજ પુલોને વરતાતા ઘસારાને મરમ્મત વડે ઠીકઠાક કરવામાં સરકારે ખર્ચ વેઠવાનો થાય છે. ખાતર ઉપર દિવેલ નાખવા જેવી વાત છે, પરંતુ સ્‍થા‌નિક તંત્રએ તેને ‌દિવેલ પીધેલા મોઢે સ્‍વીકાર્યા ‌વિના આરો નથી.

સહેલાણીઓની ભીડ જરા ઓછી કરવાના આશયે ચાલુ વર્ષથી વે‌નિસના તંત્રએ ક્રૂઝ જહાજો મારફત આવનારા પ્રત્‍યેક પ્રવાસી દીઠ રોજના પાંચ યુરોની ફી ઉઘરાવવાનું શરૂ કર્યું છે. પરંતુ એ પગલું દાંત ખોતરીને પેટ ભરવા જેવું ગણવું રહ્યું. આજે ‌સ્‍થિ‌તિ એ છે કે વે‌નિસના રહીશો પર્યટકોને ઘૃણાની નજરે જોવા લાગ્યા છે. અનેક મકાનોની દીવાલો પર ‘Free Venice/ વે‌નિસને આઝાદ કરો’, ‘Tourist go back/ સહેલાણીઓ, પાછા જાવ!’ અને ‘Venice is dying/ વે‌નિસ મરી રહ્યું છે’ એવા મતલબનાં ‌ચિત્રો સ્‍થા‌નિકોએ ‌ચિતર્યાં છે.

■■■

વે‌નિસની મરણચીસ જગતનાં બીજાં ઘણાં ટૂ‌રિસ્‍ટ મથકો માટે ખતરાની ઘંટી સમી છે. આવાં સ્‍થળોના ‌લિસ્‍ટમાં ટોચના સ્‍થાને જેને મૂકી શકાય એ સ્‍પેનનું બાર્સેલોના શહેર છે. અ‌તિ માત્રાના પર્યટને વે‌નિસની જેમ ત્‍યાં પણ પ્રોપર્ટીના ભાવ રોકેટ ગ‌તિએ ચડાવી દીધા છે. હોટેલ બુુ‌કિંગની વેબસાઇટને ભાડે આપી દેવાયેલા મકાનોમાં આવીને રહેતા પર્યટકોનો શોરબકોર આસપાસના રહીશો માટે માથાનો દુખાવો બન્‍યો છે. આથી સ્‍થા‌નિકો તેમનો બળાપો ‘Tourist go home/ સહેલાણીઓ ઘરભેગા થાવ!’ જેવા પા‌ટિયાં તથા ભીંત‌ચિત્રો વડે કાઢી રહ્યા છે. બાર્સેલોનાનું પ્રખ્‍યાત લા રામ્‍બલા નામનું ઓપન એર બજાર અવનવી કલાત્‍મક ચીજવસ્‍તુની ખરીદી કરવા માટે જાણીતું હતું. પરંતુ આજે ત્‍યાં ટૂ‌રિસ્‍ટનાં ધાડાં સેલ્‍ફી લેવા તથા રીલ બનાવવા માટે ઊમટી પડે છે.

સેલ્‍ફી કલ્‍ચરે અર્થપૂર્ણ પ્રવાસનો કેવોક દાટ વાળ્યો તેનો બીજો દાખલો ફ્રાન્‍સના પે‌રિસ નગરનું લૂવ્ર સંગ્રહાલય છે. ‌વિખ્‍યાત ‌ચિત્રકાર ‌લિઓનાર્દો દ ‌વિન્‍ચીએ દોરેલું મોના લીસાનું તૈલ ‌ચિત્ર ત્‍યાં પ્રદ‌ર્શિત છે. આજે તેને જોવા માટે આવતા મોટા ભાગના પર્યટકો મોના લીસા જોડે સેલ્‍ફી લેવાની પડાપડીમાં એવા પરોવાય છે કે ‌ચિત્રમાં રહેલી કલા તથા ખૂબી તેમના ધ્‍યાનમાં આવતી નથી. વળી મોના લીસાનું ‌ચિત્ર જોઈ લીધા પછી સંગ્રહાલયનાં અન્‍ય ભવ્‍યા‌તિભવ્‍ય તૈલ‌‌ચિત્રો જોયા ‌વિના જ તેઓ બહાર નીકળી જાય છે. આથી લૂવ્ર મ્‍યૂ‌ઝિઅમના સંચાલકોએ ખાસ નોંધ લખવી પડી છે કે, અહીં અન્‍ય ખંડોમાં મૂકેલાં તૈલ‌ચિત્રો પર પણ એક નજર કરતા જજો!

આ છે આજનું પર્યટન કે જેમાં ‌જિજ્ઞાસાનો શ્વાસ રૂંધાયો છે. અ‌તિ માત્રાના પર્યટનનો રેલો વે‌નિસ, બાર્સેલોના, પે‌રિસ, ડુબ્રો‌વ્‍નિક (ક્રોએ‌શિયા), સેન્‍ટો‌રિની (ગ્રીસ), બા‌લિ (ઇન્‍ડોને‌શિયા) જેવાં બીજાં તો સંખ્‍યાબંધ સ્‍થળોના પગ તળે આવી રહ્યો છે. ભારત પણ બાકાત નથી, જેનો પુરાવો જોઈતો હોય તો તાજેતરમાં સમગ્ર ઉત્તર ભારતમાં ઠેર ઠેર થયેલા અભૂતપૂર્વ ટ્રા‌ફિક જામની રીલ્‍સ જોઈ લેવી.■


Google NewsGoogle News