લોકશાહી : નથી મફતમાં મળતી, એનાં મૂલ ચૂકવવા પડતાં...

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
લોકશાહી : નથી મફતમાં મળતી, એનાં મૂલ ચૂકવવા પડતાં... 1 - image


- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- સંખ્યાબંધ દેશોમાં ચૂંટણી હોવાથી 2024માં સૌથી વધુ ચૂંટણી ખર્ચ થશે. એક અંદાજ પ્રમાણે 2024નો ચૂંટણી ખર્ચ 110 અબજ ડોલરે પહોંચશે

- ભારતની આ ચૂંટણી સૌથી મોંઘી હતી, અમેરિકા-બ્રિટનની આવનારી ચૂંટણી ખર્ચના નવા રેકોર્ડ તોડશે. લોકશાહી દિવસે દિવસે મોંઘી થતી જાય છે!

ચૂં ટણી નામનું હથિયાર મતદારો માટે વરદાન છે. કોને સત્તા સોંપવી એ મતદારો નક્કી કરી શકે છે. સત્તા સોંપ્યા પછી કામ ન કરીને વર્ષો વર્ષ ખુરશી સાથે ચિપકી ન રહે એ માટે ફરીથી ચૂંટણી આવે ત્યારે હટાવવાની સત્તાય મળે છે. યોગ્ય વ્યક્તિ કે પક્ષને સત્તા સોંપવાની, અયોગ્ય વ્યક્તિ કે પક્ષને સત્તાથી દૂર રાખવાની ખરી સત્તા ચૂંટણીના કારણે લોકોના હાથમાં રહે છે. એ રીતે લોકશાહીનો ખરો પાવર લોકોના હાથમાં રહે છે.

નેતાઓએ એનાય પછી તો અનેક તોડ શોધી કાઢ્યા. કોમવાદ, જ્ઞાતિવાદથી લઈને ધાર્મિક કટ્ટરતાના નામે મતદારોના વર્ગના ભાગલા પાડીને રાજ કરવાનું શરૂ થયું. વાયદાઓનો વેપાર શરૂ થયો. યોજનાઓના નામે વૉટબેંક બનાવવાની 'યોજનાઓ' લાગુ થઈ. રાજાશાહીના દેખીતા લાભાલાભ હતા એટલે સમજણ વિકસી એમ લોકશાહી પર દુનિયાની નજર સ્થિર થઈ. લોકશાહી પર ભરોસો દૃઢ થયો.

ધીમે ધીમે જગતને સમજાયું કે લોકશાહી પણ લાભાલાભથી બચી શકે તેમ નથી. એનાય પ્રો અને કોન્સ છે. લોકશાહી એટલે બધું જ સારું - એ માન્યતા તૂટી ગઈ. ચૂંટણીઓમાં ગરબડો થવા માંડી, ગુંડાગર્દી વધી ગઈ. બૂથ કેપ્ચરિંગની ઘટનાઓ તો આજેય બને છે, દાયકાઓ પહેલાં તો એવા સેંકડો કિસ્સા બનતા હતા. બોગસ વૉટિંગથી લઈને કેટલાય દૂષણો ચૂંટણીપ્રક્રિયામાં આવી ગયા. એ ડામવા માટે સુરક્ષાથી લઈને ઓળખકાર્ડ સુધીની વ્યવસ્થા કરવી પડી. પારદર્શક ચૂંટણીપ્રક્રિયા માટે કંઈ કેટલાય નિર્ણયો લેવા પડયાં.

ને એ બધાના પરિણામે શરૂ થયો ચૂંટણી ખર્ચ.

વેબસીરિઝનો જેનાથી ટ્રેન્ડ સેટ થયો એ વેબસીરિઝ હાઉસ ઓફ કાર્ડ્સનો એક ડાયલોગ છે : ડેમોક્રેસી ઈઝ સો ઓવરરેટેડ. એને જરા ફેરવીને કહીએ તો ડેમોક્રેસી ઈઝ સો એક્સપેન્સિવ. ચૂંટણીનો ખર્ચ માત્ર ભારતમાં જ નહીં, દુનિયાભરમાં એટલો વધવા માંડયો છે કે હવે એનાથી અર્થતંત્ર પર મોટો બોજ પડે છે.

ભારતમાં ગયા સપ્તાહે સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ ને પરિણામો પણ આવી ગયા. નવી સરકારની રચના વચ્ચે આ વખતની ચૂંટણી પાછળ થયેલા માતબર ખર્ચની ચર્ચા શરૂ થઈ છે. અગાઉ એવો અંદાજ હતો કે લોકસભાની ચૂંટણીમાં ૧.૨૦ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે, પણ ચૂંટણી પૂરી થયા બાદ હવે જે અહેવાલો આવી રહ્યા છે એમાં ચૂંટણી ખર્ચ ૧.૩૫ લાખ કરોડ અંદાજવામાં આવ્યો છે. ભારતની જુદી જુદી થિંક ટેંકને ટાંકીને રજૂ થયેલા ફોર્બ્સના રિપોર્ટનું માનીએ તો વિશ્વની સૌથી ખર્ચાળ ચૂંટણી ભારતમાં યોજાઈ. ૨૦૨૪ની ચૂંટણીમાં ફોર્બ્સ પ્રમાણે લગભગ ૧૭.૫થી ૧૮ અબજ ડોલરનો ખર્ચ થયો. ૨૦૧૯ની સરખામણીએ આ ખર્ચ બમણો છે. ૨૦૧૯માં ૬૦ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

'મોસ્ટ એક્સપેન્સિવ પોલ્સ એવર : એનીવેર ઈન ધ વર્લ્ડ'ના મથાળા સાથે પ્રસિદ્ધ થયેલા રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં આ વર્ષે પ્રમુખપદની ચૂંટણી થશે એમાં ૧૬ અબજ ડોલરનો ખર્ચ થશે. ૨૦૨૦માં પ્રમુખપદની ચૂંટણીમાં ૧૪.૪ અબજ ડોલર યાને અંદાજે ૧.૨ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થયેલો. અમેરિકાની એ ચૂંટણી દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી હતી. મોંઘી ચૂંટણીનો રેકોર્ડ હવે ભારતના નામે નોંધાઈ ગયો છે!

૨૦૨૪ના વર્ષને ગ્લોબલ ઈલેક્શન યર ગણાવાઈ રહ્યું છે. ભારત-અમેરિકા-રશિયા-પાકિસ્તાન-બાંગ્લાદેશ-તુર્કી-મેક્સિકો-દક્ષિણ આફ્રિકા જેવા કેટલાય દેશોમાં ચૂંટણી થઈ કે થવાની છે. યુરોપના દેશોમાં પણ ચૂંટણીઓ ચાલી રહી છે. ૨૦૨૪માં ૨૦૦ કરોડ મતદારોએ મતદાન કર્યું છે અથવા હવે કરશે. બધા દેશોમાં મળીને ૧૦૦ અબજ ડોલરનો ચૂંટણી ખર્ચ થશે. ભારત-અમેરિકા-બ્રિટન-રશિયા-તુર્કી-પાકિસ્તાન-સાઉથ આફ્રિકા-ઈઝરાયલ-ઈરાન-યુરોપિયન સંઘ ચૂંટણી ખર્ચના મુદ્દે ટોપ-૧૦માં છે. આ વર્ષે ભારત અને અમેરિકા પછી ચૂંટણી ખર્ચમાં બ્રિટન આઠ અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે રહેશે.

દિલ્હી સ્થિત થિંક ટેંક સેન્ટર ફોર મિડિયા સ્ટડીઝના દાવા પ્રમાણે ભારતમાં એક વોટ પાછળ સરેરાશ ૧૪૦૦ રૂપિયાનો ખર્ચ થયો છે. વેસ્ટર્ન વર્લ્ડ એક આરોપ એવોય લગાડે છે કે એશિયન દેશોની ચૂંટણીમાં કાળા નાણાની રેલમછેલ થાય છે અને એ વાત સાવ ખોટીય નથી. ચૂંટણી પંચ દર વર્ષે કરોડોની રોકડ રકમ જપ્ત કરે છે.

પાંચમા તબક્કાની ચૂંટણી પૂરી થઈ ત્યાં સુધીમાં ચૂંટણી પંચે ૮૮૮૯ કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. ચૂંટણી પૂરી થઈ ત્યાં સુધીમાં ૧૦થી ૧૨ હજાર કરોડ રૂપિયા આ રીતે જપ્ત થયાનું કહેવાય છે. આ માતબર આંકડાં પરથી કલ્પના કરી શકાય કે એવી તો કેટલું ધન જપ્ત થયા વગર ખર્ચાયું હશે. ભારતની ચૂંટણી તો નશીલા પદાર્થો માટેય બદનામ છે. ૨૦૧૯ની સરખામણીએ આ ચૂંટણીમાં ૪૫ ટકા વધુ નશીલા પદાર્થોનો જથ્થો જપ્ત થયો હતો.

નેતાઓ પૈસાની રેલમછેલ કરે છે એમાં અમુક સરકારી બાબુઓનો સાથ મળે છે. આ ચૂંટણીમાં જ અલગ અલગ રાજ્યોના ૧૦૬ સરકારી અધિકારીઓ સામે ચૂંટણી પંચે એક્શન લેવું પડયું હતું. માતબર કાળા નાણાની હેરફેર આવા અધિકારીઓની મદદથી નેતાઓ કરતા હતા.

અમર્યાદ કાળા નાણા ઉપરાંત ઉમેદવારો અને પાર્ટીઓ હિડન ફંડ આપે છે. ચૂંટણીમાં સમર્થન આપવા કોઈ જ્ઞાતિની બેઠક બોલાવવામાં આવે ત્યારે અચૂક ભોજન સમારંભો ગોઠવાતા હોય છે. એમાં થતો ખર્ચ ઓફિશિયલ બતાવાતો નથી. મોટાભાગે આ ખર્ચની રકમ નેતાઓ બીજી રીતે પે કરી આપે છે. કેટલાક હિસ્સામાં નેતાજીના વિશ્વાસુ માણસો બિલો ભરે છે. ઘણી વખત જ્ઞાતિના પ્રમુખો બિલો ભરે છે ને પછી નેતાજી તમામ ખર્ચો વ્યાજ સાથે આપી દેતા હોય છે!

પ્રચાર માટેય આવું હિડન ફંડ વર્ષોથી આપવામાં આવે છે. પહેલાં સમાજ પર પ્રભુત્વ ધરાવતા અગ્રણીઓને પ્રચાર કરવા મોકલાય તો એનું ફંડ મળતું. હજુય મળે છે. હવે એ જ રીતે સોશિયલ મિડીયા ઈન્ફલ્યુએન્સર્સને સાધવાનું શરૂ થયું છે. એ પાછળ હિડન ફંડ વપરાય છે.

વેલ, દુનિયાભરમાં સત્તાવાર રીતે, બિનસત્તાવાર રીતે માતબર ઈલેક્શન એક્સપેન્સ થાય છે. સત્તાવાર ખર્ચ થાય એ તો સરકારો ચૂંટણી માટે બજેટ ફાળવે એમાંથી થાય છે. એ સીધી રીતે ટેક્સ પેયર્સના પૈસા છે, પણ એ સિવાય થતો ખર્ચોય ટેક્સ પેયર્સના જ પૈસા છે - સીધી રીતે નહીં તો આડકતરી રીતે! દરેક ચીજવસ્તુઓની ખરીદી પાછળ આપણે જે ટેક્સ આપીએ છીએ એ જ હરીફરીને ચૂંટણી ફંડમાં પહોંચે છે. નેતાઓ કે પાર્ટીઓ જે ખર્ચ કરે છે એ સરવાળે તો નાગરિકો પાસેથી જ આવે છે. એ રીતે વિચારીએ તો દુનિયાભરની ચૂંટણીઓમાં થતો ખર્ચ નાગરિકોની કમાણીના જ પૈસા છે.

એશિયન દેશોની ચૂંટણીઓમાં બ્લેક મનીનો ઉપયોગ થાય એવા ટોણા મારતા અમેરિકા-બ્રિટન-ફ્રાન્સ પણ આ બદીથી બાકાત નથી. ભારતમાં જે ખુલ્લંખુલ્લા થાય છે એ અમેરિકાની ચૂંટણીમાં જુદી રીતે થાય છે. અમેરિકાની આ વખતની પ્રમુખપદની ચૂંટણીમાં જ ગયા વખત કરતાં ૨૦-૨૫ ટકા બ્લેક મનીનો ઉપયોગ વધશે. મતદારોને પ્રભાવિત કરવાનો જે ખેલ આપણી ચૂંટણીમાં થાય છે એવો જ ખેલ બધે થાય છે. લોકશાહીના પ્રો-કોન્સમાં સૌની હિસ્સેદારી સરખી છે!

ભારત સહિત આખા જગતમાં ચૂંટણી ખર્ચને રેગ્યુલેટ કરવામાં આવે છે. સ્પષ્ટ નિયમો બન્યા છે. ભારતમાં ઉમેદવારને ૯૫ લાખ રૂપિયાના ખર્ચની પરવાનગી મળે છે. આટલો ખર્ચ તો ઉમેદવારોને ઈલેક્શન દરમિયાન ફ્યુલ પાછળ થતો હશે! આઝાદી પછીની ચૂંટણીમાં આ મર્યાદા માત્ર ૨૫ હજાર હતી. આટલા વર્ષોમાં ખર્ચની સત્તાવાર મર્યાદા તો વધારીને મોંઘવારી પ્રમાણે ભલે એકાદ કરોડ જેવી થઈ હોય, પરંતુ બિનસત્તાવાર રીતે સ્થિતિ એવી છે કે એક લોકસભા સીટ દીઠ ઓછામાં ઓછા ૧૦૦-૧૫૦ કરોડ રૂપિયા ખર્ચાઈ જાય છે.

છતાં બેફામ ઉલ્લંઘન થાય છે. આ બધાના કારણે લોકશાહી દિવસે દિવસે મોંઘી થતી જાય છે એ સ્વીકાર્યા વગર છૂટકો નથી. લોકશાહીના વિકલ્પ વગર પણ છૂટકો નથી એટલે ખર્ચ કર્યા વગર છૂટકો નથી. કદાચ લોકશાહીની આ કિંમત હશે...

ઓનલાઈન જાહેરાતો પાછળ કરોડોનો ખર્ચ

ત્રણ મહિનામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસે ઓનલાઈન જાહેરાતો પાછળ કરોડોનો ખર્ચ કર્યો હતો. ડિજિટલ જાહેરાતો માટે ભાજપે ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાનો અંદાજ છે. કોંગ્રેસે પણ ઓનલાઈન જાહેરાતો પાછળ ૬૦ કરોડ રૂપિયાનું ફંડ ફાળવ્યું હતું. ચૂંટણીની જાહેરાત થઈ તે પહેલાં જ ભાજપ અને કોંગ્રેસ બંનેએ ઓનલાઈન જાહેરાતો શરૂ કરી દીધી હતી. ચૂંટણી પહેલાંના મહિનાઓમાં ભાજપે ૪૦ કરોડની અને કોંગ્રેસે ૧૫ કરોડની ઓનલાઈન જાહેરાતો આપી હતી. આમ આદમી પાર્ટીએ પણ પાંચેક કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ૨૦૧૯ની સરખામણીએ ડિજિટલ એડનું પ્રમાણ અનેક ગણું વધ્યું છે. ૨૦૧૯માં ભાજપે ૭.૫ કરોડ રૂપિયાની ગૂગલ એડ આપી હતી ને કોંગ્રેસે તો માત્ર બે કરોડનો જ ખર્ચ ડિજિટલ એડવર્ટાઈઝિંગ પાછળ કર્યો હતો. યુઝર્સ વધ્યા હોવાથી મોટાભાગના રાજકીય પક્ષોએ ઓનલાઈન એડ આપવા માટે બજેટ વધાર્યું છે.


Google NewsGoogle News