કુણ્ડલિની શક્તિ સાથે સંકળાયેલા ચક્રોને શરીરની ગ્રંથિઓ સાથે સીધો સબંધ

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
કુણ્ડલિની શક્તિ સાથે સંકળાયેલા ચક્રોને શરીરની ગ્રંથિઓ સાથે સીધો સબંધ 1 - image


- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- વિશ્વવ્યાપી પ્રાણશક્તિનો અંશ જે શરીરના ક્રિયા-કલાપો માટે અવતરિત થાય છે તેના સંચાલન માટે જે સૂક્ષ્મ કેન્દ્રો બનેલા છે તેને યોગની ભાષામાં ચક્રો કહેવાય છે.

'મૂલાધારે આત્મશક્તિ કુણ્ડલિની પરદેવતા ।

શાયિતા ભુજગાકારા સાર્વત્રય વલયાન્તિતા ।।

યાવત્સા નિદ્રિતા દેહે તાવજજીવઃ પશુર્યથા ।

જ્ઞાનં ન જાયતે તાવત્ કોટિ યોગ વિધૈરપિ ।।

આધાર શક્તિ નિદ્રામાં વિશ્વં ભવતિ નિદ્રયા ।

તસ્યાં શક્તિ પ્રબોધેન ત્રૈલોક્યં પ્રતિ બુધ્યતે ।।

આત્મશક્તિ કુણ્ડલિની મૂલાધાર ચક્રમાં સાડા ત્રણ આંટા મારેલી સર્પિણીની જેમ સૂતેલી છે. જ્યાં સુધી તે સૂતેલી રહે છે ત્યાં સુધી જીવ પશુ જેવો હોય છે. કરોડો યોગવિધિ કરવા છતાં એ જાગૃત ન થાય ત્યાં સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી. જેની મૂળ આધાર રૂપ આ શક્તિ સુષુપ્ત હોય ત્યાં સુધી તેનો આખો સંસાર સૂતેલો રહે છે. તેની આ કુણ્ડલિની શક્તિ જાગે છે ત્યારે ત્રણેય લોક જાગી ઉઠે છે.' - મહાયોગ વિજ્ઞાન

ગોરક્ષ પદ્ધતિમાં કહેવામાં આવ્યું છે - 'કન્દોર્ધ્વે કુણ્ડલી શક્તિ શુભમોક્ષપ્રદાયિની । બન્ધનાય ચ મૂઢાનાં યસ્તાં વેત્ત સ વેદવિત્ ।। મંગલકારી મોક્ષપ્રદાયિની કુણ્ડલિની શક્તિ 'કન્દ'ના ઊર્ધ્વ ભાગમાં રહેલી છે. તે સૂતેલી રહે તો મૂઢ મતિ લોકોને માયાના બંધનમાં બાંધી રાખે છે, તેથી ઊલટું તે જાગૃત થાય છે ત્યારે આત્મજ્ઞાનની અનુભૂતિ કરાવી મુક્તિ આપે છે. આ રહસ્યને જે જાણે છે તે જ સત્યને જાણનાર જ્ઞાની છે.'

'ષટ્ચક્રનિરૂપણ'માં દર્શાવવામાં આવ્યું છે - 'ત્રિકોણની અંદર સ્વયંભૂ લિંગ છે જેનો રંગ સુવર્ણ જેવો છે. તેનું માથું નીચેની તરફ છે. નવ પલ્લવ-નવાંકૂર જેવા દેવનો પ્રકાશ જ્ઞાન અને ધ્યાનથી જ જોઈ શકાય છે. વિદ્યુત અને પૂર્ણ ચંદ્રમા સમાન તે સ્નિગ્ધ અને સૌંદર્યયુક્ત છે. આ સ્વયંભૂ લિંગ પર કમળતંતુના જેવી અતિ સૂક્ષ્મ કુણ્ડલિની શક્તિ સૂતેલી હોય છે. તે જગતને મોહિત કરનારી છે. તે બ્રહ્મદ્વારના મુખને પોતાના મુખથી ઢાંકી રાખે છે. શંખની ચક્રાકાર રેખાઓની જેમ તેની દૈદીપ્યમાન સર્પાકાર આકૃતિ શિવલિંગની ચારે તરફ સાડા ત્રણ આંટા મારીને રહે છે.'' યોગવિજ્ઞાન મેરુદણ્ડના સુષુમ્ણા નાડીના સંસ્થાનમાં રહેલા છ ચક્રોની વાત કરે છે. આ છ ચક્રો છે - ૧. મૂલાધાર ચક્ર ૨. સ્વાધિષ્ઠાન ચક્ર ૩. મણિપુર ચક્ર ૪. અનાહત ચક્ર ૫. વિશુદ્ધિ ચક્ર ૬. આજ્ઞા ચક્ર. આ બધાની ઉપર મસ્તિષ્કમાં સહસ્ત્ર દલ કમલ છે તેને પણ સાતમું ચક્ર કહેવાય છે. સ્થૂળ શરીરની અંદર ઊંડાણમાં છુપાયેલા આ મર્મસ્થળ જેવા કેન્દ્રો વિરાટ શક્તિનો ભંડાર છે. ચક્ર શબ્દ દ્વારા પૈડાનું સૂચન નથી, પણ નિયમિત થતી ગતિનું સૂચન છે. જે વસ્તુ ગતિ કરતી હોય તેને માટે ચક્ર શબ્દનો પ્રયોગ કરાય છે જેમ કે જીવન-મરણ ચક્ર, ભાગ્ય ચક્ર, ઋતુ ચક્ર વગેરે. વિશ્વવ્યાપી પ્રાણશક્તિનો અંશ જે શરીરના ક્રિયા-કલાપો માટે અવતરિત થાય છે તેના સંચાલન માટે જે સૂક્ષ્મ કેન્દ્રો બનેલા છે તેને યોગની ભાષામાં ચક્રો કહેવાય છે.

સુષુમ્ણા નાડીના સૌથી નીચેના ભાગમાં ગુદાદ્વાર અને જનન અંગોની વચ્ચે મૂલાધાર ચક્ર આવેલું છે. યોગશાસ્ત્રોમાં તેને ચેતન શક્તિનું પ્રાણ-ઊર્જા કેન્દ્ર કહેવાયું છે. યોગ સાધના થકી આ પ્રાણશક્તિ રૂપી કુણ્ડલિની ષટ્ચક્રોનું ભેદન કરી સહસ્રાર ચક્ર તરફ ઊર્ધ્વગમન કહે છે અને અનેક અતીન્દ્રિય દિવ્ય શક્તિઓનો ભંડાર સાધકમાં પ્રગટ કરે છે. મસ્તિષ્કને પ્રાણ વિદ્યુતની શક્તિ ધારાની પૂર્તિ આ શક્તિ કેન્દ્રો રૂપ ચક્રો દ્વારા જ થાય છે. કોકસીજિયલ રિજિયન પેરિનિયમમાં જ્યાં મૂલાધાર ચક્ર આવેલું છે ત્યાં કોડા ઈક્વાઈનામાંથી નીકળેલી સેક્રલનર્વરૂપ અનેક ગુચ્છક બનાવી સેક્રલ પ્લેક્સસ (Sacral Plexus)  અને પેરિનિયલ પ્લેક્સસ બનાવે છે. આ નાડી ગુચ્છકોમાં પ્રવાહિત વિદ્યુત ધારા પ્રચંડ શક્તિ ઉત્પન્ન કરે છે જેને મૂલાધાર શક્તિ કહેવાય છે.

ઉપરની તરફ યાત્રા કરતા આગળ સ્વાધિષ્ઠાન ચક્ર આવે છે જે મૂલાધારથી ચાર આંગળ ઉપર હાઈપોગેસ્ટ્રિયમના સ્થાને આવેલું છે. એની સાથે જોડાયેલું આંતરિક અંગ એડ્રિનલ ગ્રંથિ છે જેમાંથી એડ્રિનાલિન હોર્મોન ઉત્પન્ન થાય છે. નાભિપ્રદેશમાં મેરુદણ્ડના લમ્બર રિમ્યિનમાં મણિપુર ચક્ર આવેલું છે. અહીં સોલર પ્લેક્સસ આવેલું છે જે સિમ્પેથેટિક ગેંગલિયાન અને વેગસ નર્વના નાડી ગુચ્છકોથી બનેલું છે. તે સ્વાદુપિણ્ડ (Pancreas) ગ્રંથિ સાથે જોડાયેલું છે, જે ઈન્સ્યુલિન અને ગ્લુકાગોન હોર્મોન ઉપરાંત ઉત્સેચકો (enzymes) બનાવે છે. એની ઉપર ચોથું અનાહત ચક્ર આવેલું છે જે હૃદયની પાછળ કાર્ડિયાક પ્લેક્સસના સ્થાને આવેલું છે. તેની સાથે થાઈમસ  (Thymus) ગ્રંથિ જોડાયેલી છે જે આપણી સમગ્ર ઈમ્યુનિટીનું ધ્યાન રાખે છે. આ એવી ગ્રંથિ છે જે આપણા શરીરના પોતાના કોષો અને અન્ય કોષોનો ભેદ તત્કાળ પારખી લે છે.

કંઠમાં ફેરેન્જિયલ અને લેરેન્જિયલ પ્લેક્સસમાં વિશુદ્ધિ ચક્ર આવેલું છે. તેનો સંબંધ ગલગ્રંથિ (thyroid gland) સાથે છે. તે થાયરોક્સિન, ટ્રાઈ-આથોડોથાયશેનિન અને કેલ્સિટોનિન નામના ત્રણ અંતઃસ્રાવો (ntubtuol)  ઉત્પન્ન કરે છે. આ ચક્રને જાગૃત કરવાથી અતીન્દ્રિય શક્તિનો વિકાસ થાય છે. તે જમણા મગજના સાઈલેન્ટ એરિયાને જગાડી વધારે ક્રિયાન્વિત કરે છે. આ ચક્રનું ભેદન કરવાથી યોગની અષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત થવા લાગે છે. કપાળમાં બન્ને ભ્રમરની વચ્ચે આજ્ઞાચક્ર આવેલું છે. તે પીનિયલ અને પિટયુટરી ગ્રંથિ સાથે જોડાયેલું છે. તેને જાગૃત કરવાથી ત્રીજી આંખ ખૂલી જાય છે. તે છઠ્ઠી ઈન્દ્રિયથી ત્રિકાળ દર્શન કરી શકે છે. અતીન્દ્રિય ક્ષમતા, અનેક યોગ સિદ્ધિઓ, ભવિષ્ય દર્શન વગેરે દિવ્ય શક્તિઓ પ્રાપ્ત કરી લે છે. લિમ્બિક સીસ્ટમ અને હાઈપોથેલમસમાં જાગૃતિ આવવાથી મસ્તિષ્કના અનેક કેન્દ્રો ખૂલી જાય છે. વ્યષ્ટિ ચેતના સમષ્ટિ ચેતના સાથે જોડાઈ જાય છે. સહસ્રાર ચક્ર મસ્તિષ્કન મધ્યમાં ઈન્ટરનલ કેપ્સૂલ અને રેટીકૂલર એક્ટિવેટિંગ સીસ્ટમમાં રહેલું છે. ત્યાંથી તેજ ફુવારામાંથી હજારો સ્ફુલ્લિંગ (તણખા) ઉદ્ભવે છે એટલે જ એને સહસ્રાર કહેવામાં આવ્યું છે. એને બ્રહ્મરંધ્ર કે બ્રહ્મલોક પણ કહેવાય છે. સહસ્રારની સોળ કળાઓ મસ્તિષ્કના સેરિબ્રોસ્પાઈનલ ફ્લુઈડ સાથે સંબંધિત સોળ ભાગ છે. આ ભાગોમાં જ શરીરનું સંચાલન કરનારા અને અતીન્દ્રિય ક્ષમતા ઉત્પન્ન કરનારા કેન્દ્રો છે.


Google NewsGoogle News