પાઠય પુસ્તકોમાં પરિવર્તન : વરવું રાજકારણ કે આજની આવશ્યક્તા

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
પાઠય પુસ્તકોમાં પરિવર્તન : વરવું રાજકારણ કે આજની આવશ્યક્તા 1 - image


- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- માનવ સંશાધન મંત્રાલય નીચે નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ નામની સંસ્થા કામ કરે છે, જેનું ટૂંકુ નામ એનસીઈઆરટી છે. આ સંસ્થા આપણા દેશની  શિક્ષણનિતી તૈયાર કરવાનું કાર્ય  કરે છે

- ગુજરાત દિલ્હીનાં  રમખાણો  અને અયોધ્યાની ઘટના જેવા વિષયોનો સમાવેશ સાતમા ધોરણના ઈતિહાસમાં કરવાનો વિવાદાસ્પદ નિર્ણય  હાલમાં જ એનસીઈઆરટીએ લીધો હતો

ક હેવાય છે કે ઈતિહાસ કદી જુઠુ બોલતો નથી.  પરંતુ આપણા  દેશમાં બહુ મોટો વર્ગ એવો  છે જે માને છે કે  ભારતની શાળા-કોલેજોમાં ભણાવાતો ઈતિહાસ મારી-મચડીને  તૈયાર કરાયેલો અભ્યાસક્રમ છે. જેમ કે  બાબર, હુમાયુ, અકબર, જહાંગીર કે ઔરંગઝેબના શાસનકાળને  ઈતિહાસમાં  જે મહત્ત્વ અપાયું છે તેની સરખામણીએ રાણા પ્રતાપ, પૃથ્વીરાજ ચૌહાણ કે સુભાષચંદ્રબોસને  ઊચિત સ્થાન  અપાયું નથી.

ખેર, પાઠયપુસ્તકોમાં પેસી ગયેલા ગંદવાડને ક્ષતિઓને દૂર કરવા છેલ્લા બે-ત્રણ વર્ષથી પ્રયાસ થઈ રહ્યાં છે.   ગુજરાત દિલ્હીનાં  રમખાણો  અને અયોધ્યાની ઘટના જેવા વિષયોનો સમાવેશ સાતમા ધોરણના ઈતિહાસમાં કરવાનો વિવાદાસ્પદ નિર્ણય  હાલમાં જ એનસીઈઆરટીએ લીધો હતો. 

કેન્દ્રમાં  ભારતીય જનતા પાર્ટીની  સરકાર સત્તા પર આવી ત્યારથી  આપણા દેશની  શિક્ષણ પ્રથામાં  અને પાઠયક્રમમાં  ફેરફારો  કરવા માટે જહેમતં આદરી દીધી હતી. માનવ સંશાધન મંત્રાલય નીચે નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ નામની સંસ્થા કામ કરે છે, જેનું ટૂંકુ નામ એનસીઈઆરટી છે. આ સંસ્થા આપણા દેશની  શિક્ષણનિતી તૈયાર કરવાનું કાર્ય  કરે છે. વર્તમાન  શિક્ષણ પ્રણાલી અંગ્રેજોએ ઘડી  હતી.  આ પ્રણાલી ભારતીય સંસ્કૃતિ કે પરંપરા કોઈને  માફક આવે તેવી નથી. રાજકારણમાં  તો ઈતિહાસના   કારણે  ઘણા વિવાદ અને વિખવાદ જાગ્યા છે. શું  ઈતિહાસ વાગોળવાથી અથવા તો મરડવાથી ભવિષ્ય સુધરી  શકે? ઈતિહાસમાંથી આપણે શીખ્યા છીએ ખરા?  રાજકારણનો   ઈતિહાસ હોય, પણ ઈતિહાસનું  રાજકારણ શા માટે?

આ  પ્રશ્ન  ઊઠે એ સ્વાભાવિક છે. પરંતુ એ વાત પણ  એટલી જ સાચી  કે છેલ્લાં સાત દાયકાથી   શાળાઓમાં  ભણાવાતાં  અભ્યાસક્રમોમાં એક ચોક્કસ  વિચારસરણીનો અમલ કરતાં હોય તેવો જ ઈતિહાસ  શીખવવાાં આવતો. 

જોવાની વાત એ  છે કે  કેટલાંક રાજ્યોમાં  તો સ્થાનિક સરકારે જ આપમેળે  પાઠયપુસ્તકોમાં સુધારા આમેજ  કરવા  માંડયા  છે  જેમ કે  ગયા વર્ષે ઉત્તર પ્રદેશમાં શિક્ષણને લઇને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. બોર્ડ દ્વારા ધોરણ નવથી બારના અભ્યાસક્રમમાં સુધારો કરાયો છે અને હવેથી ગાંધીજી, આંબેડકર, નેહરુ, સાવરકર સહિત ૫૦થી વધુ મહાનુભાવોની બાયોગ્રાફી ભણાવવામાં આવશે. જેમ કે ગૌતમ બુદ્ધ, બિરસા મુંડા, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, વિનોબા ભાવે, જ્યોતિબા ફુલે, શિવાજી, બેગમ હજરત મહલ, ચંદ્રશેખર આઝાદ, લોકમાન્ય તિલક.  આ ઉપરાંત ગોપાલ કૃષ્ણ ગોખલે, ખુદીરામ બોસ, ભગતસિંહ, વલ્લભભાઇ પટેલ, આંબેડકર, મહાવીર, મદન મોહન માલવીય, અરવિંદ ઘોષ, રાજા રામોહન રાય, સરોજિની નાયડુ, નાના સાહેબ, હોમી ભાભા, ગણેશ શંકર વિદ્યાર્થી, ટાગોર, લાલ બહાદુર શાસ્ત્રી, લક્ષ્મી બાઇ, મહારાણા પ્રતાપ, ગુરુ નાનક દેવ, અબ્દુલ કલામ સહિત ૫૦ મહાનુભાવોનો સમાવેશ થાય છે. જેની બાદમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા પણ આપવી પડશે અને તેને પાસ કરવી પણ ફરજિયાત બનાવવામાં આવી છે.

૧૨મા ધોરણ માટેના ઈતિહાસના પુસ્તક 'થીમ્સ ઓફ ઇન્ડિયન હિસ્ટરી પાર્ટ-૨'માંથી 'કિંગ્ઝ એન્ડ ક્રોનિકલ્સ : ધ મુગલ કોર્ટ્સ' (૧૬મી અને ૧૭મી સદી) ને સંબંધિત પ્રકરણોને હટાવી લેવામાં આવ્યાં છે. એ જ રીતે એનસીઈઆરટી હિન્દીની ટેક્સ્ટ બુક્સમાંથી પણ કેટલીક કવિતાઓ અને પેરેગ્રાફ્સને હટાવશે. એનસીઈઆરટી અનુસાર આ તમામ ફેરફારો  વર્તમાનના શૈક્ષણિક સેશનથી લાગુ થઈ જશે.

ઈતિહાસ  અને હિન્દીની ટેક્સ્ટ બુક્સની સાથે ૧૨મા ધોરણમાં સિવિક્સની બુકમાં પણ સુધારા કરવામાં આવ્યા છે. આ બુકમાંથી 'અમેરિકન હેજીમોની ઈન વર્લ્ડ પોલિટિક્સ' અને 'ધ કોલ્ડ વોર એરા' નામનાં બે ચેપ્ટર્સને હટાવવામાં આવ્યાં છે.

એ જ રીતે ધોરણ-૧૨ની ટેક્સ્ટ બુક 'ઇન્ડિયન પોલિટિક્સ આફ્ટર ઇન્ડિપેન્ડ્ન્સ'માંથી 'રાઈઝ ઓફ પોપ્યુલર મૂવમેન્ટ' અને 'એરા ઓફ વન પાર્ટી ડોમિનન્સ' નામનાં બે ચેપ્ટર્સને હટાવવામાં આવ્યાં છે.  ૧૦ અને ૧૧મા ધોરણની ટેક્સ્ટ બુક્સમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે, જેમ કે ધોરણ ૧૦ની બુક 'ડેમોક્રેટિક પોલિટિક્સ-૨'માંથી 'ડેમોક્રેસી એન્ડ ડાઈવર્સિટી', 'પોપ્યુલર સ્ટ્રગલ્સ એન્ડ મૂવમેન્ટ્સ' અને 'ચેલેન્જિઝ ઓફ ડેમોક્રેસી' જેવાં ચેપ્ટર્સને હટાવવામાં આવ્યાં છે.

ધોરણ-૧૧ની ટેક્સ્ટ બુક 'થીમ્સ ઈન વર્લ્ડ હિસ્ટરી'માંથી 'સેન્ટ્રલ ઇસ્લામિક લેન્ડ્સ', 'ક્લેશ ઓફ કલ્ચર્સ' અને 'ઇન્ડસ્ટ્રિયલ રિવોલ્યુશન' જેવાં ચેપ્ટર્સને પડતાં મૂકવામાં આવ્યાં છે.

 આ સિવાય હિન્દી વિષયના અભ્યાસક્રમમાં પણ કેટલાક ફેરફારો કર્યા છે. આમાં 'હિન્દી આરોહ ભાગ-૨' પુસ્તકમાંથી ફિરાક ગોરખપુરીની ગઝલ અને 'અંતરા ભાગ-૨'માંથી સૂર્યકાંત ત્રિપાઠી નિરાલાનું 'ગીત ગાને દો મુઝે' કાઢી નાખવામાં આવ્યું છે. આ ઉપરાંત વિષ્ણુ ખરેની એક કૃતિ કામ અને સત્ય પણ કાઢી નાખવામાં આવ્યું છે. વર્તમાન સત્રથી જે ફેરફારો થવા જઈ રહ્યા છે તે માત્ર ધોરણ ૧૨ સુધી મર્યાદિત નથી, પરંતુ ધોરણ ૧૦ અને ૧૧ ના પુસ્તકોમાંથી પણ ઘણા પ્રકરણો દૂર કરવામાં આવ્યા છે.

અભ્યાસક્રમમાં આ ફેરફાર દેશભરની એ તમામ શાળાઓ અને વિદ્યાર્થીઓ માટે લાગુ થશે જ્યાં એનસીઈઆરટીઈ પુસ્તકો અભ્યાસક્રમનો ભાગ છે. તેમાં સીબીએસઈ અને ઉત્તર પ્રદેશ બોર્ડનો પણ સમાવેશ થાય છે. 

 અભ્યાસક્રમમાં-પુસ્તકોમાં થઈ રહેલા ફેરફારમાં કેટલાંક મૂદ્દે ચોંકાવનારા છે.  દિલ્હી યુનિવર્સિટીએ 'સારે જહાં સે અચ્છા...' જેવું લોકપ્રિય ગીતના લેખક અને આઝાદી પહેલાંના કવિ મોહમ્મદ ઈકબાલનું પ્રકરણ પોલિટિકલ સાયન્સના અભ્યાસક્રમમાંથી હટાવી દીધું છે. આ સાથે દિલ્હી યુનિવર્સિટીની એકેડમિક પરિષદે અભ્યાસક્રમમાં અનેક પરિવર્તનોને મંજૂરી આપી છે. આ નિર્ણય સાથે વિવાદ શરૂ થઈ ગયો છે. જોકે, આ નિર્ણયને સમર્થન આપતાં દિલ્હી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર યોગેશ સિંહે કહ્યું કે, ભારતના વિભાજનનો પાયો નાંખનારા કવિનો અભ્યાસક્રમમાં સમાવેશ કરી શકાય નહીં. અવિભાજિત ભારતના સિયાલકોટમાં ૧૮૭૭માં જન્મેલા મોહમ્મદ ઈકબાલે 'સારે જહાં સે અચ્છા...' ગીત લખ્યું હતું. જોકે, તેમણે પાકિસ્તાનની રચનાના વિચારને જન્મ આપ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે. તેમને પાકિસ્તાનના રાષ્ટ્રીય કવિ પણ કહેવાય છે. 

 હરિયાણાની ભાજપ સરકારે થોડાં મહિના પૂર્વે રાજ્યની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ સરસ્વતી નદીના ઈતિહાસથી માહિતગાર થાય તેવા ઉદેશથી ૪થી ૧૨ ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટેના અભ્યાસક્રમમાં સરસ્વતી નદીના ઈતિહાસને સામેલ કરવાની જાહેરાત કરી હતી. 

કમિટીએ અભ્યાસક્રમમાં જે સ્થળે મહાભારત અથવા ભગવદ્ ગીતાનો ઉલ્લેખ થયો હોય ત્યાં સરસ્વતી નદીની ભૂમિકા સામેલ કરવાની પણ ભલામણ કરી છે. તેમના જણાવ્યા મુજબ મહાભારતના યુદ્ધનું સ્થળ પસંદ કરવામાં સરસ્વતી નદીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ક્ષેત્ર સરસ્વતી નદીના કિનારે આવ્યું હોવાથી તેની પસંદગી થઈ હતી. એવી જ રીતે  ગુજરાતમાં હરપ્પન યુગના સ્થાપત્ય ધોળાવીરા સામેલ કરાયા છે.

 ગુજરાતમાં શ્રીમદ ભાગવત ગીતાને  અભ્યાસક્રમમાં ઉમેરવાનું જાહેર થયું અને તેનો   અભ્યાસક્રમ તૈયાર થયા બાદ મહારાષ્ટ્ર સરકાર પણ પાઠયપુસ્તકમાં રામાયણ અને શ્રીમદ્ ભાગવદ ગીતાના પાઠ સમાવિષ્ટ કરવાની યોજના ઘડી રહી છે.  ગુજરાત સરકારે છઠ્ઠાથી આઠમા ધોરણ સુધી ભાગવત ગીતાને પાઠયપુસ્તક સ્વરુપે અભ્યાસમાં સમાવિષ્ટ કર્યું છે. 

મહારાષ્ટ્રની સત્તાધારી સરકાર સ્કૂલના અભ્યાસક્રમમાં રામાયણ અને ગીતાને સમાવિષ્ટ કરવા માટે ખૂબ સકારાત્મક છે. તેમની દલીલ એવી છે કે જો આપણે કોર્ટમાં  ભગવદ્ગીતાનો  ઉપયોગ કરી શકતાં હોઈએ તો આપણે  સ્કૂલોમાં ગીતા અને રામાયણના મૂલ્યોથી જીવનના પાઠ કેમ ન ભણાવી શકીએ. 

 તાજેતરમાં કર્ણાટકની કોંગ્રેસ સરકારે સ્કૂલના અભ્યાસક્રમમાંથી વીર સાવરકર અને બલિરામ હેડગેવાર સંબંધિત પાઠને હટાવીને પંડિત જવાહરલાલ નહેરુ અને સાવિત્રીબાઈ ફૂલે સંબંધિત પાઠનો સમાવેશ કરવાનો નિર્ણય  લીધો હતો. મહત્ત્વની વાત એ છે કે એનસીપી પ્રમુખ શરદ પવારે કર્ણાટક સરકારના નિર્ણયને સમર્થન આપ્યું હતું. જ્યારે ફડણવીસે આ અંગે જણાવ્યું હતું કે, સાવરકરને પાઠયપુસ્તકોમાંથી કાઢી શકાય છે, પરંતુ લોકોના દિલમાંથી નહીં.  લઘુમતીને  ખુશ કરવા માટે કર્ણાટકની સરકાર આવા નિર્ણયો કરી રહી છે. 

એનસીઈઆરટીના ધો.૧૧ના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાંથી દેશના પ્રથમ શિક્ષણ પ્રધાન મૌલાના અબુલ કલામ આઝાદનું નામ દૂર કરવામાં આવ્યું છે. આ નવા પુસ્તકમાં જમ્મુ- કાશ્મીરમાં કલમ ૩૭૦ સુરક્ષિત રાખવાના પાસાઓને પણ હટાવવામાં આવ્યા છે.

ગયા વર્ષે કેન્દ્ર સરકારે મૌલાના આઝાદ નેશનલ ફેલોશિપ (એમએએનએફ) બંધ કરવાની પણ જાહેરાત કરી હતી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પોલિટિકલ સાયન્સ પુસ્તકના પ્રથમ પ્રકરણમાંથી બંધારણ સભા સમિતિની બેઠકોમાં સામેલ થનારા સભ્યોના નામોમાંથી  મૌલાના અબુલ કલામ આઝાદનું  નામ  દૂર કરવામાં આવ્યું છે.

આ અગાઉ એનસીઈઆરટીના પુસ્તકોમાંથી મહાત્મા ગાંધીજી અને ગોડસે સાથે સંકળાયેલી માહિતી દૂર કરવામાં આવી હતી. 

 આ  રીતે   પાઠયપુસ્તકોમાં ફેરફાર અંગે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)ના અધ્યક્ષ એમ. જગદીશ કુમારે એનસીઈઆરટીનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે એનસીઈઆરટીના પુસ્તકોમાં થયેલા ફેરફાર તર્કસંગત અને યોગ્ય છે.

 તેમણે જણાવ્યું  હતું કે  પુસ્તકોમાં ફેરફાર અંગે કેટલાક શિક્ષણવિદ્દો દ્વારા ઉઠાવાયેલા વાંધા અર્થહીન છે અને તેનો કોઈ આધાર નથી.   પોલિટિકલ સાયન્સના પાઠયપુસ્તકોમાંથી મુખ્ય સલાહકાર તરીકે તેમના નામ હટાવવા માટે શિક્ષણવિદ સુહાસ પાલસીકર અને યોગેન્દ્ર યાદવે એનસીઈઆરટીને પત્ર લખ્યા પછી યુજીસી પ્રમુખે આ નિવેદન કર્યું હતું. આ સિવાય ૭૩ શિક્ષણવિદોએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, એનસીઈઆરટીને બદનામ કરવા છેલ્લા ત્રણ મહિનાથી ઈરાદાપૂર્વક પ્રયત્ન થઈ રહ્યો છે અને આ શિક્ષણવિદોનો બૌદ્ધિક અહંકાર છે, જેઓ ઈચ્છે છે કે વિદ્યાર્થીઓ  દાયકાઓ  જૂના અભ્યાસક્રમો જ ભણતા રહે.

 આ  નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટેક્સ બુક ડેવલપમેન્ટ કમિટીના મેમ્બર એવા ૩૩ શિક્ષણકારોએ એનસીઈઆરટીને લેખિતમાં જણાવ્યું હતું કે સિલેબસમાં તાજેતરમાં કરવામાં આવેલા ફેરફારથી તેમના સામૂહિક ક્રીએટિવ પ્રયાસો જોખમમાં મુકાયા છે.  

  અત્રે  એ વાતની  પણ નોંધ લેવી  જોઈએ કે  કેન્દ્ર સરકારે ન્યુ નેશનલ ક્યુરિકયુલમ ફ્રેમવર્ક-એનસીએફ વિકસાવવા માટે બાર સભ્યોની સ્ટિયરિંગ કમિટીના વડા તરીકે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન-ઇસરોના ભૂતપૂર્વ ચેેરમેન ડો. કે ક્સ્તૂરીરંગનની નિમણૂક કરી હતી.  નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ની ડ્રાફટિંગ કમિટીના ચેરમેન તરીકે પણ ડો. કસ્તૂરીરંગને તેમની સેવાઓ આપી હતી. 

 એનસીઈઆરટીના પાઠયપુસ્તકોમાં અનેક સંદર્ભો અને અંશો હટાવવા મુદ્દે વિવાદ સર્જાયો કે તરત કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે તેનો બચાવ કર્યો છે. મંત્રાલયે કહ્યું કે, એનસીઈઆરટીએ તેના પાઠયપુસ્તકોને તર્ક સંગત બનાવવા માટે બહારના ૨૫ નિષ્ણાતો અને સીબીએસઈના ૧૬ શિક્ષકો સાથે ચર્ચા- વિચારણા કરાઈ હતી. કોરોનાકાળમાં પાઠયપુસ્તકોનો અભ્યાસક્રમ ઘટાડવા અને તેને તર્કસંગત બનાવવા નિર્ણય કરાયો હતો. જેના આધારે મુઘલો, મહાત્મા ગાંધી, તેમના હત્યારા નાથુરામ ગોડસે, હિન્દુ કટ્ટરવાદીઓ અને ૨૦૦૨ના ગુજરાતના રમખાણો સંબંધિત સંદર્ભોને સ્કૂલના પાઠય પુસ્તકોમાંથી દૂર કરાયા હતા. વધુમાં એનસીઈઆરટીએ આ સુધારાઓને રદ કરવાનો ધરાર ઈનકાર કરી દીધો છે.

સરકારનું કહેવું છે કે પાઠય પુસ્તકોને તાર્કીક બનાવવાના આશયથી કેટલાક ફેરફાર કરાયા છે. કેન્દ્રનો દાવો છે કે એનસીઈઆરટીના પાઠય પુસ્તકોમાં સંશોધન નિષ્ણાતોની ભલામણો પર આધારિત હતા. સરકારનું એમ પણ કહેવું છે કે હવે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (એનસીએફ)ની રૂપરેખા તૈયાર કરાશે, તેને ધ્યાનમાં લઈને પણ પાઠય પુસ્તકોમાં સંશોધન કરાઈ રહ્યું છે.


Google NewsGoogle News