જેટલું સારું આયોજન, એટલું જ સારું પરિણામ
- સુભાષિત-સાર- કુલીનચંદ્ર પો. યાજ્ઞિાક
(अनुष्टुभ्)
समन्त्रिते सुविक्रान्ते
सुकृते सुविचारिते ।
प्रारंम्भे कृतबुद्धीनां
सिद्धिरव्यभिचारिणी ।।
(બુદ્ધિશાળી માણસો કામની શરૂઆતમાં જ સારી એવી મસલત કરીને રફતે- રફતે, પૂરો વિચાર કરીને સુપેરે આરંભ કરે છે. તેથી તેમને સંપૂર્ણ સફળતા મળે છે.)
અં ગ્રેજીમાં કહેવત છે - વેલ વિઝન ઈઝ હાફ ડન. કામ શરૂ કરતા પહેલાં એનું પૂરેપૂરું આયોજન શરૂથી જ કરી રાખ્યું હોય, તો માનો કે અર્ધું કામ તો થઇ જ ગયું. તો સંસ્કૃત સુભાષિત કહે છે કે ઉતાવળથી, પૂરતો વિચાર કર્યા વગર જે કામ કરવામાં આવે છે, તે નિષ્ફળ જાય છે, અને તેનો પસ્તાવો જિંદગીભર રહે છે.
અહીં પ્રસ્તુત સુભાષિત બતાવે છે કે કામ કેવી રીતે શરૂ કરવું, અને કેવી રીતે આગળ ધપાવવું. શરૂ કરતા પહેલાં તમામ જરૂરી બાબતોનો અભ્યાસ થવો જોઇએ, અને તેમાં સંડોવાયેલા સૌ કોઇ સાથે તેની વિગતવાર ચર્ચા-વિચારણા થવી જોઇએ. જેથી અંત સુધીમાં નાણાંની, કાચા માલની, કર્મચારીઓની વ. જરૂરીઆત અંદાજી શકાય. કાર્યના દરેક તબક્કામાં શું શું કરવાનું છે, તેની સ્પષ્ટ રૂપરેખા ઘડી લેવી જોઇએ, અને છેલ્લે નિર્ધારિત ક્રમ પ્રમાણે કુશળતાથી દરેક કામ કરવા માટે આયોજન થવું જોઇએ. આવી રીતે ઝીણવટથી વિચારીને, પોતાની બુદ્ધિ વાપરીને જેઓ કામ કરે છે, તેમને સંપૂર્ણ સફળતા મળે છે.
આ પદ્ધતિ જાપાને અપનાવી છે તેથી તે ઉત્તમ આયોજનને કારણે અત્યંત ઝડપથી પ્રોજેક્ટના નિર્માણ કાર્યને આશ્ચર્યજનક પૂરૂં કરી શકે છે, એમ ઉદાહરણ અપાય છે.
તો અમેરિકા એમ માને છે કે આયોજનમાં ઘણો લાંબો સમય ગાળવાથી ધીરજ ખૂટી જાય છે. તેથી કામ બને તેટલી ઝડપથી કરવું જોઇએ અને નિર્માણ દરમ્યાન ઊભી થતી સમસ્યાઓના ઉકેલ જે તે વખતે લાવી શકાય. આથી કદાચ સમય અને નાણાં વધારે ખરચાય, પણ કામ વધારે સંગીન બને એમ તે માને છે. ટૂંકમાં સફળતા માટે તમામ સંજોગો ધ્યાનમાં લેવા પડે છે. જે પહેલાં વિલંબ કરે, પછી ઘાંઘા થઇને ઉડઝૂડ કામ કરે છે !
અબ્રાહમ લિંકન નાની ઉંમરે લાકડાં કાપતા, એમણે કહેલું; એક ઝાડ કાપવા માટે છ કલાક આપો તો પાંચ કલાક હું કુહાડીની ધાર કાઢવામાં ગાળું. આ વાત તેમની આયોજનની કૂનેહ છતી કરે છે. આયોજનની તેમની આ રીત જ તેમને યશસ્વી કારકિર્દી તરફ દોરી ગઈ હતી.