mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ગોચર વિશ્વની દ્રશ્ય વસ્તુ અદ્રશ્ય બની જાય અને અગોચર વિશ્વની અદ્રશ્ય વસ્તુ દ્રશ્ય બની જાય એ સંભવિત છે !

- અગોચર વિશ્વ- દેવેશ મહેતા

- યોગેશ્વર આશ્રમમાં એક શિવલિંગ છે જેમાંથી અલૌકિક શ્વેત પ્રકાશ ચોમેર ફેલાય છે. અલૌકિક સૌંદર્ય ધરાવતી એક યુવતી એ શિવલિંગનું ધ્યાન કરતી સદીઓથી ત્યાં બેઠેલી જોવા મળે છે

Updated: Jan 9th, 2021

ગોચર વિશ્વની દ્રશ્ય વસ્તુ અદ્રશ્ય બની જાય અને અગોચર વિશ્વની અદ્રશ્ય વસ્તુ દ્રશ્ય બની જાય એ સંભવિત છે ! 1 - image


આ પણે જે વિશ્વમાં જીવીએ છીએ તે ત્રિ-આયામી છે. હવે તેમાં વિજ્ઞાાને સમયનું ચોથું આયામ પણ ઉમેર્યું છે. નોબલ પ્રાઇઝ વિજેતા વિશ્વ વિખ્યાત મહાન ભૌતિકવિજ્ઞાાની આલ્બર્ટ આઈન્સ્ટાઈને સાપેક્ષવાદનો સિદ્ધાંત સમજાવતાં એ દર્શાવ્યું છે કે આ ભૌતિક વિશ્વ વાસ્તવમાં તો સંયુક્ત ચતુર્વિસ્તરીય દિક્કાલ વિશ્વ છે. સમય (Time) અને સ્થળ એટલે કે આકાશ (Space) સંબંધી વર્તમાન માન્યતાઓ એક રીતે સાપેક્ષ (Relative) છે અને બીજી રીતે અપૂર્ણ અને અવાસ્તવિક છે.

કેલિફોર્નિયા યુનિવર્સિટીના વિજ્ઞાાની ડૉ. રોબર્ટ સિરગી અન્ય વિજ્ઞાાનીઓની ટુકડી સાથે એવા ઉપકરણો બનાવવા કાર્યરત છે જેનાથી પદાર્થના 'ચતુર્થ આયામ'ને સમજવા-જાણવા અને અનુભવવાનું સંભવ બની શકે. તે કહે છે કે આપણે આ ગોચર વિશ્વમાં જે જોઈએ અને જાણીએ છીએ તેનાથી આગળ વધુ વસ્તુઓ, દિશાઓ હયાતિ ધરાવે છે. આપણે ત્રણ આયામોની પરિધિમાં આવતા પદાર્થોનો જ અનુભવ કરી શકીએ છીએ. પણ ખરી હકીકત તો એ છે કે એનાથી આગળ એક વધારે સૂક્ષ્મ, અગમ-અગોચર, અલૌકિક વિશ્વ પણ અસ્તિત્ત્વ ધરાવે છે.

અમેરિકાના અગ્રગણ્ય ન્યૂક્લિયર ભૌતિક વિજ્ઞાાની જેમણે ક્લાસિકલ મિકેનિક્સ પર સ્ટાન્ડર્ડ ગ્રેજ્યુએટ ટેકસ્ટબુક લખી છે તે હરબર્ટ ગોલ્ડસ્ટિન (Herbert Goldstin)  પણ આવો જ મત ધરાવે છે. હરબર્ટ ગોલ્ડ સ્ટિન (૨૬ જૂન, ૧૯૨૨-૧૨ જાન્યુઆરી ૨૦૦૫) તેમના સંશોધન નિબંધ 'પ્રોપેગેશન ઑફ શોર્ટ રેડિયો વેવ્ઝ'માં દર્શાવે છે કે આપણા વાયુમંડળમાં વ્યાપત 'અપ્રવર્તનાંક પ્રવણતા'ના સ્તરની પાછળ અદ્રશ્ય પ્રાણીઓનું અગોચર વિશ્વ રહેલું છે.

તે વિશ્વ આપણી સાથે જોડાયેલું છે અને દ્રશ્યમાન વિશ્વ જે રીતે આપણને અસર કરે છે તેમ તે પણ અસર કરે છે. આ વિશ્વ વૈજ્ઞાાનિક ઉપકરણોથી અત્યારે દેખાતું નથી પણ એને જોઈ શકાય એવા ઉપકરણો બનાવવા વિજ્ઞાાનીઓ પ્રયત્નો કરી રહ્યા છે અને થોડા વખત બાદ તેમાં સફળતા પણ મેળવશે.

ગોચર વિશ્વની દ્રશ્ય વસ્તુ અદ્રશ્ય બની જાય અને અગોચર વિશ્વની અદ્રશ્ય વસ્તુ દ્રશ્ય બની જાય તે અસંભવિત નથી. ત્રિઆયામી વિશ્વના આવિર્ભૂત ક્રમ (Explicate Order) માં થોડા સમય અસ્તિત્ત્વમાં રહેલી વસ્તુ નાશ પામે પછી પણ પેલા ચોથા આયામમાં રહેલા વિશ્વમાં તે તિરોક્તિ ક્રમ (Implicate Order) માં વિદ્યમાન રહેતી જ હોય છે તે ક્યારેક પ્રગટ થઈ જાય છે. યોગી પુરૂષો કે સિદ્ધ મહાત્માઓ ચેતનાની બદલાયેલી સ્થિતિમાં તે અગોચર વિશ્વમાં પ્રવેશ કરી શકે છે.

બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું તે વખતની એક ઘટના છે. તે વખતે બે જર્મન પર્યટક ભારત આવ્યા હતા. આ વખતે જ યુદ્ધ શરૂ થઈ ગયું. તેમને ચિંતા થઈ કે ભારત પર શાસન કરનાર બ્રિટિશ સરકાર ક્યાંક તેમને કેદી ન બનાવી દે એટલે તેમણે હિમાલય થઈને તિબેટ જવાનો નિશ્ચય કર્યો. જ્યારે તે અત્યંત દૂર હિમાલયના તિબેટવાળા ભાગમાં પહોંચ્યા તો ત્યાં તેમણે સાધન સંપન્ન એવો એક મઠ જોયો જેમાં બધી સુવિધાઓ મોજુદ હતી. મઠના સાધુઓએ યુદ્ધ ચાલે ત્યાં સુધી તેમને ત્યાં રહેવા દીધા.

યુદ્ધ પૂરું થયું એટલે તે પદપાળા ભારત તરફ ચાલી નીકળ્યા. દુર્ભાગ્યવશાત્ રસ્તો ભૂલી ગયા એટલે બર્મા પહોંચી ગયા. ત્યાં તેમણે ઘણા લોકોને પેલા મઠ વિશે વાત કરી તો કોઈ માનવા તૈયાર ન થયા કે ત્યાં આવો વિકસિત વિજ્ઞાાનથી સંચાલિત કોઈ આશ્રમ હોઈ શકે. કેટલાંકે તે પ્રત્યક્ષ જોવાની પ્રબળ ઇચ્છા કરી. તે જર્મન પર્યટક તેમને ત્યાં લઈ જવા તૈયાર થયા. જ્યારે તે બધા ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ આશ્રમ નહોતો. પર્વતનું શિખર, શિલા ખડક, વૃક્ષો અને ઝરણું બધું એ જ હતું. અનેક મહિના ત્યાં રહ્યા હોવાથી તે બધી જગ્યા પરિચિત થઈ ગઈ હતી. તેમના વિસ્મયનો પાર ન રહ્યો કે આવો સાધન સંપન્ન વિશાળ આશ્રમ કેવી રીતે અંતર્ધાન થઈ ગયો ?

મહામહોપાધ્યાય પંડિત ગોપીનાથ કવિરાજ જેમને 'તાંત્રિક વાઙમયમાં શક્ત દ્રષ્ટિ' માટે ૧૯૬૪માં સંસ્કૃતનો સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરાયો હતો તે સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન અને મહાન દાર્શનિક હતા. તેમને તેમના ગુરૂ કાશીના પ્રસિદ્ધ સંત સ્વામી વિશુદ્ધાનંદ પરમહંસ વિશે તેમના ગ્રંથોમાં પુષ્કળ લખ્યું છે. સ્વામી વિશુદ્ધાનંદજી એક ઉત્તમ કોટિના સિદ્ધયોગી હતા. બ્રિટનના પત્રકાર પોલ બ્રન્ટને અનેક દિવસો સુધી સ્વામી વિશુદ્ધાનંદજી સાથે રહીને એ યોગસિદ્ધિઓ પ્રત્યક્ષ જોઈ હતી અને તેનું વર્ણન તેમના પુસ્તક 'એ સર્ચ ઈન સિક્રેટ ઈન્ડિયા - ધ ક્લાસિક વર્ક ઓન સિકિંગ એ ગુરૂ'માં કરેલું છે.

સ્વામી વિસુદ્ધાનંદજી અનેકવાર હિમાલયના સિદ્ધાશ્રમનો ઉલ્લેખ કરતાં. તે દિવ્ય શક્તિથી ત્યાં અવારનવાર આવાગમન કરતા. ત્યાંથી તેમણે સૂર્યવિજ્ઞાાનની સાધના કરી યોગસિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. આ આશ્રમને કેવળ અને ત્યાં જઈ શકે છે જે યોગ સાધનાથી અધિકારી બન્યા હોય અને ત્યાંના સિદ્ધ મહાત્માઓની કૃપાને પાત્ર બન્યા હોય ત્યાં યોગ ઉપરાંત અનેક પ્રાકૃતિક વિજ્ઞાાનનું ગૂઢ પ્રશિક્ષણ અપાય છે ત્યાંના મહાયોગી આચાર્ય સમુદાય સદીઓ જેટલી લાંબી ઉંમર ધરાવે છે. ત્યાં દીર્ધાયુષી યોગીઓ, સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ, બ્રહ્મચારિણી યોગિનીઓ, ભૈરવીઓ અને કુમારિકાઓ નિરંતર સાધના કરે છે. તે હિમાલયના કૈલાસ માનસરોવરથી પણ દૂર છે. કેટલાંક એવું માને છે કે આ જ આશ્રમ જ્ઞાાનગંજ આશ્રમ છે.

બંગાળના વિખ્યાત સંત રામ ઠાકુરે પણ હિમાલયના સિદ્ધાશ્રમોની વાત અનેકવાર જણાવી હતી. તે વશિષ્ઠાશ્રમ અને યોગેશ્વર આશ્રમની વાત વિશેષ કરતા. તે કહેતા કે યોગેશ્વર આશ્રમમાં સ્ફટિકનું બનેલું એક વિશાળ શિવલિંગ છે જેમાંથી અલૌકિક શ્વેત પ્રકાશ ચોમેર ફેલાય છે. અલૌકિક સૌંદર્ય ધરાવતી એક યુવતી એ શિવલિંગનું ધ્યાન કરતી સદીઓથી ત્યાં બેઠેલી જોવા મળે છે. એની ઉંમર સદાય યુવાન દ્રષ્ટિગોચર થાય છે. વિસ્મયજનક બાબત એ છે કે બધા લોકો આ આશ્રમ અને નિત્ય યૌવન ધરાવતી શિવલિંગનું ધ્યાન ધરતી દિવ્ય સુંદરીના દર્શન કરી શકતા નથી. હિમાલયમાં આવો જ એક રહસ્યમય આશ્રમ કૌશિકી સિદ્ધાશ્રમ છે.

આખો આશ્રમ શિલા નિર્મિત છે ત્યાં દસ મહાતાપસ સદીઓ તપશ્ચર્યારત છે જ્યારે ત્યાંના ત્રણ યોગી જગતના કલ્યાણ માટે જાગૃત અને પ્રવૃત્ત રહે છે એમની યોગશક્તિથી જગતમાં ભ્રમણ કરતા રહે છે. આ આશ્રમ પણ સામાન્ય લોકોની દ્રષ્ટિથી અગોચર જ રહે છે. બહાર ગમે તેટલું શોધો તે મળતા નથી. અંતઃકરણથી પવિત્ર થયા બાદ અમુક યૌગિક અધિકાર પ્રાપ્ત થયા પછી ભીતરથી એમાં પ્રવેશી શકાય છે અને તેના દર્શન થઈ શકે છે. એમાં રહીને સાધના કરવાની વાત તો બહુ મોટી પાત્રતા પ્રાપ્ત થયા પછી જ સંભવ બને છે.

સ્થળોની જેમ વ્યક્તિઓ પણ ઘણીવાર લાંબા ગાળા સુધી દ્રષ્ટિથી ઓઝલ થઈ જવાની ઘટનાઓ બને છે. મનાલીના કોર્નેલિયો કલોજા નામના બાર વર્ષના કિશોરની બાબતમાં આવું વારંવાર બન્યું હતું. તે શાળાએ હોય કે ઘેર એકાએક અદ્રશ્ય થઈ જતો. ત્રણ-ચાર દિવસે પાછો પ્રકટ થતો. પોલીસ પહેરો મૂકવામાં આવ્યો તો પણ એ બનતું.

 એક દિવસ તેને બારી વગરના બંધ ઓરડામાં પૂરી દીધો. બારણા પર બહારથી તાળું મારી ઘરના સભ્યોને તથા પોલીસ કર્મચારીઓનો પહેરો રાખ્યો. બીજા દિવસે તાળું ખોલી જોવામાં આવ્યું તો કોર્નેલિયો અંદર નહોતો ! ત્રણ દિવસ બાદ પાછો તે ઓરડામાં પુનઃ પ્રગટ થઈ ગયો હતો. તે કહેતો હતો કે એક સુંદર પરી તેની પાસે આવી તેનો હાથ પકડતી. તેનું શરીર રૂ જેવું હ----ળવું થઈ જતું. તે અદ્રશ્ય થઈ જતો. પરી તેને પરીલોકમાં લઈ જતી અને ત્રણ-ચાર દિવસ બાદ પાછી મૂકી જતી. આ ઘટના વર્તમાનપત્રોમાં પ્રકાશિત થઈ હતી અને ત્યાંના પોલીસ સ્ટેશનમાં પણ નોંધાયેલી છે !

Gujarat