પાલતુ ડોગનું રસીકરણ અને રજીસ્ટ્રેશન જરૂરી!
- શોધી-સંશોધન-વસંત મિસ્ત્રી
અ મદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હડકવાનો નાશ કરવા અને સોસાયટીમાં ડોગ માટે થતા ઝઘડાઓ પર અંકુશ લાવવા માટે પાલતું શ્વાનને ૨૦૦ રૂ.ની ફી સાથે ઓન-ઓફ લાઈન રજીસ્ટર કરવાની સૂચના આપી છે.
જ્યારે આપણે ડોગનું નાનું બચ્ચુ લઈએ છીએ ત્યારે તેને અનેક રોગો (૭ કે ૮)ની રસી મુકાવવી પડે છે. યાદ રાખો કે આ બધી જ વેકિસન દર વર્ષે મૂકાવવી જરૂરી છે. તમારે ચોક્કસ તારીખે તમારા વેટરનરી ડોક્ટર પાસે શ્વાનને રસી મૂકાવવી જેથી તેની પ્રતિકાર શક્તિ પૂરા વર્ષ માટે જળવાઈ રહે.
તમે પાલતું ડોગ વસાવો એટલે તેના બેલેન્સ્ડ ફૂડનો ખર્ચો, દવાનો ખર્ચો, ડોક્ટર વિઝિટ, વેકિસન, ઠંડીના સ્વેટર મોજાં તેમજ તેના રમકડાં અને ક્રેટ (પીજરુ)નો ખર્ચો ગણી રાખવો.
ડૉગ પાળો ત્યારે સોસાયટી સાથેના કાયદા-કાનુન સમજી લેજો જેથી ખાલી ખોટો સંઘર્ષ ના થાય. ૨૦૦૮ના થાણા હાઈકોર્ટના ઓર્ડર અને સુપ્રિમકોર્ટના ઓર્ડર પ્રમાણે ડોગ તમારા ફેમિલીનો મેમ્બર છે અને તમે જે ફેસિલીટી ભોગવો તે ફેસિલીટી તેને મળવાપાત્ર છે....!!
હાઉસિંગ સોસાયટીઓ અને સહકાર નહિ આપતાં પડોશીઓ એ જાણી લે કે ૨૦૧૪ એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિઆનો એક સરક્યુલર સ્પષ્ટ રૂપે કહે છે કે હાઉસિંગ સોસાયટી કોઈને પાલતું રાખવા માટે કે પાલતુ ને લિફટમાં લઈ જવા માટે કે મોટેથી કોઈ જ્યુડિક્સન ધરાવતી નથી.
તમે ડોગ લાવવાના હો તો ઉપરની વાત પહેલા સમજી લેજો. ગુગલમાં જઈ 'પેટ્સ ઈન ફલેટ્સ' કે 'પેટ્સ ઈન લિફ્ટ' અંગે વાંચજો અને તમારી ફેવર કરતી કાનુની કલમ નોંધી લેજો. ડૉગ લાવવું એટલે તેને ૧૦-૧૫ વર્ષ ખૂશ રાખવાની જવાબદારી તમારી છે. તેમાં બાંધછોડ ના ચાલે. ફલેટમાં હો તો નાની બ્રીડ અને બંગલા, ફાર્મ, ફેક્ટરી માટે મોટી બ્રીડ વિચારજો. મોટા ડૉગને દોડદોડ માટે અને કસરત માટે વધુ જગા જોઈએ એટલે ફલેટમાં લાવી તેની જિંદગી ના બગાડશો. જેમ બ્રીડ મોટી તેમ ખર્ચા વધારે.
નાની બ્રીડનો ખોરાક-દવાનો માસિક ખર્ચ ૨૦૦૦ થી ૫૦૦૦ અને મોટી બ્રીડનો ખોરાક-દવા-ગુ્રમિંગનો ખર્ચ ૫૦૦૦ થી ૧૫૦૦૦ રૂ. થઈ જાય એ ધ્યાન રાખજો. પૈસાની છૂટ હોય તો જ આ શોખ કેળવજો. વળી દરરોજ ડોગને ૧-૨ કલાક ઓછામાં ઓછા ફરવા, રમવા માટે કાઢવા પડશે. બીજા પર વિશ્વાસ ના રાખશો. જાતે જ કરવું પડશે.
બીજે ગામ કે બીજા રાજ્યમાં તમે જાવ ત્યારે તેને કોણ રાખશે એ વિચારજો...! તમારી લાઈફ સ્ટાઈલ ડોગની ફરતે વીંટળાયેલી રહેશે એ કદીના ભૂલતા. સવારે સાડા-પાંચ છ વાગ્યે તો ઊઠવું જ પડશે. સૂર્યાસ્તના સમયે ઘરે રહી તેને ફરવા લઈ જવું પડશે. ૨૪ કલાક સતત તાજુ પાણી આપવું પડશે આ બધુ તમારાથી ૧૦૦ ટકા થશે ને ?
વળી ડોગ અંતિમ વિદાય લે છે ત્યારે પુષ્કળ આ ઘાત લાગે છે આખું કુટુંબ દિવસો સુધી શોકમગ્ન રહે છે. આ આઘાત સહન કરવો સહેલો નથી. બાળકને પણ આ વાત સમજાવજો. ખૂબ વિચારી ડોગ વસાવજો....!