દેવાન્તક અને નરાન્તક: બ્રહ્મ-તત્વ સાથે જન્મેલાં અસુરો!
- સનાતન તંત્ર -પરખ ઓમ ભટ્ટ
- પોતાના કર્મોને કારણે એક સમયે ભગવાન મહાદેવના ઉચ્ચ કોટીના ઉપાસક રહી ચુકેલા બંને ભાઈઓ ક્રમશ: આસુરિક વૃત્તિને કારણે 'અસુર' તરીકે ઓળખાવા લાગ્યાં!
ભ ગવાન લંબોદરનું સર્વોચ્ચ તાંત્રિક સ્વરૂપ એટલે ભગવાન મહાગણપતિ ! વિભિન્ન કાળખંડમાં અલગ અલગ અસુરોનો વધ કરવા માટે એમણે કયા સ્વરૂપો ધારણ કર્યા, એની રોચક ગાથા 'ગણેશપુરાણ' અને 'મુદ્રલપુરાણ'માં મળી આવે છે. અંગદેશના એક પ્રસિદ્ધ નગર (આજના સમયમાં બંગાળનું કોઈ સ્થાન)માં રૂદ્રકેતુ નામક વેદજ્ઞા બ્રાહ્મણ નિવાસ કરતા હતા. એમની પત્ની શારદા ગર્ભવતી બની અને અત્યંત ભક્તિપરાયણ હોવાને કારણે દિવસ-રાત ભગવાનની પૂજા-અર્ચના કરતી રહી.
નવ મહિના પશ્ચાત્ શારદાના ગર્ભેથી બે યમજ (જોડિયાં) બાળકોનો જન્મ થયો. ભગવાનની પ્રસાદી સ્વરૂપે જન્મેલાં બંને બાળકોનાં જન્મને વધાવવા માટે રૂદ્રકેતુએ બ્રહ્મભોજનું આયોજન કર્યું અને સ્વસ્તિવાચન સાથે ભગવાન ગણેશનું પણ પૂજય કરાવ્યું. જ્યોતિષશાસ્ત્રીઓએ એમના ઘરે આવીને બંને બાળકોને નામ આપ્યાં - દેવાન્તક અને નરાન્તક બંને પરમ પરાક્રમી સિદ્ધ થશે એવી ભવિષ્યવાણી પણ કરવામાં આવી.
એમના સ્વરૂપ, ગુણ અને ક્રીડાના સમાચાર દૂરદેશાવર સુધી પહોંચ્યાં. દેવર્ષિ નારદ પણ વિચરણ કરતાં કરતાં અંગદેશ આવ્યા અને બાળકોના મુખ જોવાની ઈચ્છા વ્યક્ત કરી. દેવાન્તક અને નરાન્તક બંને મહાપરાક્રમી થશે, એમની કીર્તિ સમસ્ત ત્રિલોકમાં હશે એવી ઉદ્ધોષણા દેવર્ષિના મુખેથી સાંભળ્યાં પછી રૂદ્રકેતુએ એમને વિનંતી કરી કે તેઓ પોતાના બંને બાળકો પર કૃપા વરસાવે. પ્રત્યુત્તરમાં સંતુષ્ટ થઈને દેવર્ષિ નારદે બંને બાળકોને શિવ પંચાક્ષરી મંત્ર (ઓમ નમ: શિવાય)નો ઉપદેશ આપીને કહ્યું કે દેવાન્તક અને નરાન્તકે આ મંત્રનું મહાપુરુશ્ચરણ કરીને મહાદેવને પ્રસન્ન કરવાના રહેશે.
ગુરૂની આજ્ઞાા મસ્તક પર ચડાવીને બંને બાળકો પર્વતની કંદરાઓમાં પહોંચીને તપ કરવા માંડયા. શરૂઆતનાં કેટલાક વર્ષો સુધી માત્ર એક પગ પર ઊભા રહીને વાયુરૂપી આહાર ગ્રહણ કરીને એમણે શિવ પંચાક્ષરી મંત્રનો ભાવપૂર્ણ જાપ કર્યે રાખ્યો. ત્યારપછીનાં કેટલાક વર્ષો સુધી એમણે માત્ર સૂકાં પાંદડાને ભોજન તરીકે ગ્રહણ કર્યા. એમના તપથી પ્રસન્ન થઈને મહાદેવ પ્રગટ થયાં અને વરદાન માંગવા કહ્યું.
'હે દેવાધિદેવ ! જો આપ અમારા તપથી સંતુષ્ટ હો, તો અમને એ વરદાન આપો કે દેવ, અસુર, મનુષ્ય, યક્ષ, પિશાચ, ગંધર્વ, અપ્સરા, કિન્નર દ્વારા તમામ શસ્ત્રો વડે તેમજ પશુ, ગ્રહ, નક્ષત્ર, ભૂત, સર્પ, કૃમિ, કીટ તથા વન અને ગામમાં અમારું મૃત્યુ ન થાઓ. આપ અમને ત્રિલોકનું સામ્રાજ્ય અને આપની પ્રબળ ભક્તિ કરી શકવાની ક્ષમતા પ્રદાન કરો, પ્રભુ !'
મહાદેવ 'તથાસ્તુ' કહીને અંતર્ધ્યાન થઈ ગયાં. દેવાન્તક અને નરાન્તક પોતાના મૂળ સ્થાનકે પરત ફર્યા અને માતા-પિતાને સમાચાર આપ્યાં કે એમની સાધના સંપન્ન થઈ છે ! રૂદ્રકેતુ અને શારદાએ પણ પોતાના પુત્રોને ખોબલે ને ખોબલે આશીર્વાદ આપ્યાં.
થોડા સમયનાં વિરામ પછી દેવાન્તકે એક દિવસ પોતાના ભાઈ નરાન્તકને કહ્યું કે, 'એ ક્ષણ આવી પહોંચી છે, ભાઈ... જ્યારે હું સ્વર્ગ પર આધિપત્ય પ્રાપ્ત કરવા માટે યુદ્ધમેદાન પર જઉં અને આપ મૃત્યુલોક અર્થાત્ પૃથ્વી અને પાતાળ પર આધિપત્ય સ્થાપિત કરો.'
બંને ભાઈ પોતપોતાની સેના સાથે નીકળી પડયાં યુદ્ધ કરવા માટે ! મહાદેવ દ્વારા પ્રાપ્ત વરદાનને કારણે તેઓ અપરાજિત બની ચુક્યા હતા. એક પછી એક તમામ રાજ્યો પર આધિપત્ય સ્થાપિત કર્યા પછી બંને ભાઈઓ ચક્રવર્તી સમ્રાટ બની ગયાં. દેવતાઓ અમરાવતી છોડીને ગુફા-કંદરાઓમાં જઈને નિવાસ કરવા માંડયાં. અધૂરામાં પૂરું, બંને ભાઈઓની મતિ એ રીતે કુમતિમાં પરિવર્તિત થઈ કે એમણે દેવતાઓને અપાતી આહુતિઓ પર રોક લગાવી દીધી. યજ્ઞામાં દેવતાઓને કોઈ ભાગ ન મળવાને કારણે ઈન્દ્રાદિ દેવતાઓ ધીરે ધીરે શક્તિહીન બની ગયાં. ઋષિ-મુનિઓ પણ વિવશ થઈને જંગલો તથા એકાંત સ્થાન પર જઈને વસી ગયાં, જેથી એમને દેવાન્તક-નરાન્તકનો ત્રાસ સહન કરવો ન પડે!
પોતાના કર્મોને કારણે એક સમયે ભગવાન મહાદેવના ઉચ્ચ કોટીના ઉપાસક રહી ચુકેલા બંને ભાઈઓ ક્રમશ: આસુરિક વૃત્તિને કારણે 'અસુર' તરીકે ઓળખાવા લાગ્યાં ! અહીં સમજવા જેવી વાત એ છે કે કોઈ પણ મનુષ્ય જન્મથી ક્યારેય અસુર નથી હોતો ! જેવી રીતે ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ્ ગીતામાં કહ્યું કે કર્મોને આધારે મનુષ્યનો વર્ણ (જાતિ) નક્કી થાય છે, નહીં કે જન્મને આધારે ! એવી જ રીતે, કર્મકાંડી વૈદિક બ્રાહ્મણને ઘરે જન્મેલા બે ભાઈઓ પોતાના કર્મને આધારે અસુરો બન્યા અને ત્રિલોક ત્રાહિમામ પોકારી ઉઠયું.
કઈ રીતે ભગવાન મહાગણપતિએ પૃથ્વી પર અવતરણ માનીને દેવાન્તક-નરાન્તક સામે યુદ્ધ છોડયું, તેની વિગતે ચર્ચા કરીશું આવતાં અંકે!