Get The App

ગુરુ યુવરાજના પગલે આગળ વધી રહેલા પાવરહિટર અભિષેક શર્માનો ખળભળાટ

Updated: Feb 9th, 2025


Google NewsGoogle News
ગુરુ યુવરાજના પગલે આગળ વધી રહેલા પાવરહિટર અભિષેક શર્માનો ખળભળાટ 1 - image


- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- આઈપીએલની હૈદરાબાદ ટીમના કોચ બ્રાયન લારાએ ૨૦૨૨માં લોઅર મીડલ ઓર્ડર બેટ્સમેનને ઓપનિંગમાં ઉતારવાનો જુગાર ખેલ્યો ને અભિષેકની કારકિર્દી ખીલી ઉઠી

પ રિવર્તન એ સતત ચાલતો રહેતો પ્રકૃતિનો નિયમ છે. યુગ બદલાય છે, ત્યારે નવા સિતારાનો ઉદય થતો જ રહે છે. એક સમયે સૂર્યની જેમ આખા જગત પર છવાઈ ગયેલા ધુરંધરોની કારકિર્દી જ્યારે અસ્તાચળની પાછળ ઢંકાઈ ગઈ છે, ત્યારે નવી પેઢીના નવા ઉદયમાન સિતારાની ચમકથી આકાશ છવાઈ જાય છે. જે ધીરે ધીરે આગળ વધીને પોતાની પ્રતિભાના પ્રકાશને ક્ષિતિજોની સીમાઓ સુધી વિસ્તારે છે. આ જ કારણે કોઈ પણ ક્ષેત્રના આકાશમાં નવી પ્રતિભાના ચમકારાને ઉત્સાહની સાથે વધાવી લેવાય છે, કારણ કે એ જ ભવિષ્યનો ઉજાસ છે.

ભારતીય ક્રિકેટ જગતને ટ્વેન્ટી-૨૦માં વિશ્વ-વિજેતા બનાવવાની સાથે રોહિત અને કોહલી જેવા એક સમયે નિર્વિકલ્પ મનાતા ધુરંધર બેટ્સમેનોએ સૌથી ટૂંકા ફોર્મેટને તિલાંજલી આપી. તેની સાથે જ તેમનું સ્થાન લઈ શકે તેવા આશાસ્પદોની તલાશ શરુ થઈ ચૂકી છે. શુબ્મન ગીલ, યશસ્વી જયસ્વાલની સાથે સાથે તિલક વર્માએ વિશિષ્ટ પ્રતિભાનો પરચો દેખાડયો છે અને હવે આ યાદીમાં પંજાબ દા પુતર અભિષેક શર્માનુ નામ પણ જોડાઈ ગયું છે. માત્ર ૨૪ વર્ષનો અભિષેક વિશ્વના ધુરંધર બોલરોની સામે જે પ્રકારે સહજતાથી છગ્ગા ફટકારતો જોવા મળે છે, તેનાથી દુનિયાના ધુરંધરો પણ ચકિત થઈ ગયા છે.

અભિષેકે તાજેતરમાં જ ઈંગ્લેન્ડ સામેની ટ્વેન્ટી-૨૦ની શ્રેણીમાં તેની વિસ્ફોટક બેટિંગને સહારે વિક્રમોની વણઝાર સર્જવાની સાથે રેકોર્ડબુકમાં તો ધરખમ ફેરફારો કરાવ્યા જ છે, સાથે સાથે ભારતીય ક્રિકેટ ચાહકોના દિલમા પણ આગવું સ્થાન હાંસલ કરી લીધું છે. આંતરરાષ્ટ્રીય ટી-૨૦માં તેની કારકિર્દીને હજુ એક વર્ષ પણ પુરુ થયું નથી, ત્યાં તો તેણે બે સદી અને બે અડધી સદી ફટકારી દીધી છે. આ ઉપરાંત ભારત તરફથી ટી-૨૦માં સર્વોચ્ચ ૧૩૫ રનનો સ્કોરનો અને ઈનિગમાં સૌથી વધુ ૧૩ છગ્ગાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ ઉપરાંત ક્રિકેટના સૌથી અદ્યતન ફોર્મેટમાં સૌથી ઝડપી (૧૭ બોલમાં) અડધી સદીમાં યુવરાજ સિંઘ અને સૌથી ઝડપી (૩૭ બોલમાં) સદીમાં રોહિત શર્મા પછીના બીજા ક્રમના ભારતીય બેટ્સમેન તરીકે સ્થાન મેળવી લીધુ છે, જે તેના કૌશલ્યની અને પ્રતિભાની ઊંચાઈનું માપ દર્શાવવા માટે પુરતું છે.

ટ્વેન્ટી-૨૦ ક્રિકેટના પ્રારંભિક વર્ષોમાં જ વિસ્ફોટક બેટિંગને સહારે છવાઈ જનારા અને ઈન્ડિયન પ્રીમિયર લીગ ટી-૨૦ની સૌપ્રથમ મેચમાં જ ૧૦ ચોગ્ગા અને ૧૩ છગ્ગા સાથે માત્ર ૭૩ બોલમાં જ ૧૫૮ રન ફટકારનારા ન્યુઝીલેન્ડના બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમે ઈંગ્લેન્ડના ડ્રેસિંગરૂમમાં બેસીને અભિષેકના ૧૩ છગ્ગા નિહાળ્યા હતા. ઈગ્લેન્ડના કોચિંગ સ્ટાફમાં સામેલ મેક્કુલમે અભિષેકના ભારોભાર વખાણ કરતાં કહ્યું, ચાર ફાસ્ટરો કે જેઓ ૧૪૫ કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ નાંખતા હોય તેમની અને ઘાતક લેગસ્પિનરની સામે અભિષેકે જે પ્રકારે છગ્ગા ફટકારવાની કમાલ કરી છે, તે જોતા એ વાત સ્પષ્ટ છે કે, ક્રિસ ગેલ, આરોન ફિન્ચ અને ડિવિલિયર્સ જેવા પાવરહિટર્સની હરોળમાં આગળ જતાં અભિષેક શર્માનું નામ પણ લેવાશે.

પંજાબના અમૃતસરમાં વસતા શર્મા પરિવારમાં ત્રીજા સંતાન અને પ્રથમ પુુત્ર તરીકે જન્મેલા અભિષેકના પિતા રાજ કુમાર ખુદ પણ ક્રિકેટર રહી ચૂક્યા છે. રાજ કુમાર તેમની ક્રિકેટર તરીકેની પ્રતિભાને વધુ નિખાર આપી શક્યા નહતા, પણ તેમણે તેમના પુત્ર અભિષેકમાં બાળપણથી જ તેમના ક્રિકેટર તરીકેના સંસ્કાર, અનુભવ અને જ્ઞાાનનો ભરપૂર અભિષેક કર્યો અને તેમના આ જ અભિષેકનું ફળ આજે દુનિયાની સામે છે.

ડાબોડી બે્ટસમેન તરીકેની પ્રતિભા ધરાવતા અભિષેકને વર્તમાન ક્રિકેટના પડકારોને ઝિલવા માટે તેમણે લેફ્ટ આર્મ સ્પિન બોલિંગ પણ શીખવાડી, જેથી કોઈ પણ તબક્કે તેની કારકિર્દીમાં સ્હેજ પણ અંતરાય ઉભો ન થાય. પિતાની સાથે સાથે સ્થાનિક કોચીસના માર્ગદર્શનમાં ઘડાયેલા અભિષેકની કારકિર્દીનો પહેલો રાષ્ટ્રીય સ્તરનો ચમકારો ૧૫ વર્ષની વયે જોવા મળ્યો. તેણે ૧૬ વર્ષથી ઓછી વયના ખેલાડીઓની વિજય મર્ચન્ટ ટ્રોફીની સાત મેચમાં ૧૨૦૦ રન ખડકી દીધા અને સનસનાટી મચાવી હતી.

જુનિયર  ક્રિકેટર તરીકે મેળવેલી  સફળતાના પગલે તેને વર્ષ ૨૦૧૬-૧૭માં પંજાબ તરફથી રણજી ટ્રોફીની ટીમમાં સમાવવામાં આવ્યો. આ સમયે જ તેની મુલાકાત ધુરંધર ખેલાડી યુવરાજસિંઘ સાથે થઈ. યુવરાજ પણ આ યુવા ખેલાડીની સ્ટ્રોક ફટકારવાની કુશળતાથી પ્રભાવિત થયો. અભિષેક માટે યુવરાજ સાથે મુલાકાત સ્વપ્નસિદ્ધિ સમાન રહી. યુવરાજની બેટિંગ અને ખાસ કરીને છગ્ગા ફટકારવાના કૌશલ્યથી અભિષેક ખુબ જ પ્રભાવિત હતો. યુવરાજને પણ તેની પ્રતિભામા રસ પડયો અને ત્યારથી અભિષેકે યુવરાજના માર્ગદર્શનમાં તૈયારી શરુ કરી. આ દરમિયાન તેને યુવરાજના પિતા યોગરાજનું માર્ગદર્શન પણ પ્રાપ્ત થયું. રોજ વહેલી સવારે ૪.૦૦ વાગ્યાથી તેની પ્રેક્ટિસ શરુ થઈ જતી અને બોલિંગ-ફિલ્ડિંગ અને ફિટનેસની સાથે-સાથે ત્રણ કલાક નેટ્સમાં બેટિંગ પ્રેક્ટિસ કરતો. આમ તેની કારકિર્દીનું ઘડતર શરુ થયું.

લેફ્ટ આર્મ સ્પિનર અને મીડલ- લો ઓર્ડરના બેટસમેન તરીકેની આગવી ઓળખ ધરાવતા અભિષેકે ભારતની જુનિયર ટીમના કેપ્ટન તરીકે એશિયા કપ જીત્યો. તે સમયે જુનિયર ટીમના હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડ હતા, તેમણે પણ પંજાબના યુવા બેટ્સમેનની પ્રતિભાને બહાર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.  વર્ષ ૨૦૧૮માં આઈસીસી અંડર-૧૯ વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં નોંધપાત્ર દેખાવ કર્યો. જોકે, પૃથ્વી શૉના નેતૃત્વ હેઠળ ચેમ્પિયન બનેલી ટીમની સફળતાનો ખુબ જ ઓછો યશ તેને મળ્યો. અલબત્ત, અંડર-૧૯ ટીમના ચેમ્પિયન ખેલાડી તરીકે તેને આઈપીએલની દિલ્હી ડેરડેવિલ્સ ફ્રેન્ચાઈઝીએ ૨૦૧૮માં ૫૫ લાખ રુપિયામાં કરારબદ્ધ કર્યો. લેફ્ટ આર્મ સ્પિનર હોવાના કારણે નેટ્સમાં તેને ખાસ બેટિંગની તક મળતી નહતી. એક વખતે જ્યારે મોટાભાગના સ્ટાર ખેલાડીઓની પ્રેક્ટિસ પુરી થઈ ગઈ હતી, ત્યારે ટીમ મેનેજમેન્ટના એક સભ્યએ સ્પિનર અભિષેકને બેટિંગ પ્રેક્ટિસમાં ઉતાર્યો અને તેના આક્રમક સ્ટ્રોક પ્લે જોઈને તે સમયનો કોચ રિકી પોન્ટીંગ દંગ રહી ગયો. તેણે તેને આઈપીએલમાં તક આપી અને તેણે પહેલી જ મેચમાં ૧૯ બોલમાં ૪૬ રન ફટકારતાં કોચના ભરોસાને ખરો સાબિત કર્યો. 

આઈપીએલમાં ધમાકેદાર શરુઆત બાદ ત્રણ સિઝનમાં તેનો દેખાવ સરેરાશ રહ્યો. આ દરમિયાન યુુવરાજ સિંઘ પ્રેરણાત્મક શબ્દોએ અભિષેકનો જુસ્સો ટકાવી રાખ્યો. આ દરમિયાનમાં જ અભિષેક સાડા છ કરોડમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં સામેલ થયો, જ્યાં ૨૦૨૨માં હેડ કોચ તરીકે વિન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારા અભિષેકની સ્ટ્રોક ફટકારવાની કુશળતાના કારણે અત્યંત પ્રભાવિત થયો. લારાએ મીડલ ઓર્ડરના આ બેટ્સમેનને ઓપનિંગમાં ઉતારવાનો જુગાર ખેલ્યો. આ અગાઉ અભિષેક બે વખત ઓપનર તરીકે ઉતરી ચૂક્યો હતો, પણ તેને ખાસ સફળતા મળી ન હતી. હૈદરાબાદ તરફથી ઓપનર તરીકેની પ્રથમ સિઝનમાં તેણે ૪૨૬ રન ફટકાર્યા. જોકે તે પછીની સિઝનમાં તેનો દેખાવ અત્યંત સાધારણ રહ્યો.

અભિષેકની કારકિર્દી આ તબક્કે મુશ્કેલીમાં મુકાઈ હતી. તેની સામે ઘણા પડકાર હતા. મુશ્કેલીના સમયમાં તે તેના ગુરુ યુવરાજની સલાહને વળગી રહ્યો અને સખત 

મહેનત કરવાની સાથે તેની નૈસર્ગિક રમતને જાળવી રાખી અને તેનું ફળ તેને ૨૦૨૩ની સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ટી-૨૦માં મળ્યું. તેણે ૧૮૦થી વધુના સ્ટ્રાઈકરેટ સાથે ૪૮૫ રન ફટકારીને ખળભળાટ મચાવ્યો અને તેણે પંજાબને પહેલીવાર ચેમ્પિયન બનાવ્યું.

સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની સફળતાના પગલે અભિષેકે ફરી રાષ્ટ્રીય પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું. આઈપીએલમાં ઓસ્ટ્રેલિયાના ટ્રાવિસ હેડ અને સાઉથ આફ્રિકાના ક્લાસૅન સહિતના ટોચના બેટ્સમેનોની સાથે એક જ ટીમમા રહેવાનો પણ તેને ફાયદો મળ્યો. તેણે ૨૦૨૪ની આઈપીએલમાં હૈદરાબાદ તરફથી ૧૬ મેચમાં ૪૮૪ રન ફટકાર્યા અને તેનો સ્ટ્રાઈકરેટ ૨૦૦થી વધુનો રહ્યો હતો. તેણે ૪૨ છગ્ગા ફટકારીને રેકોર્ડ બુકમાં સ્થાન મેળવી લીધું. આઇપીએલના જોરદાર દેખાવને પગલે તેને ભારતીય ટીમમાં સ્થાન મળી ગયુ. જોકે કારકિર્દીની પહેલી જ મેચમાં ઝિમ્બાબ્વે સામે તે ૦ પર આઉટ થયો. આંતરરાષ્ટ્રીય કારકિર્દીની આંચકાજનક શરુઆત બાદ યુવરાજે તેનો હોંસલો વધાર્યો અને તે પછીની મેચમાં જ તેણે સદી ફટકારીને તેની પ્રતિભાનો ચમકારો દેખાડી દીધો.

માત્ર આઠ જ મહિનાની આતરરાષ્ટ્રીય ટી-૨૦ બેટસમેન તરીકેની કારકિર્દીમા જ અભિષેકે તેના પાવરહિટિંગ સ્ટ્રોક પ્લેને સહારે નવા કીર્તિમાન સ્થાપિત કરવાની સાથે ક્રિકેટ ચાહકોમાં ઓળખ પણ ઉભી કરી છે. કારકિર્દીના પ્રારંભે જ અભિષેકે તેના આત્મવિશ્વાસ અને પ્રભાવશાળી દેખાવ થકી ભારતીય ક્રિકેટમાં નવી ઉર્જાનો સંચાર થયો છે.


Google NewsGoogle News