Get The App

જરા થોભીને તમારા મનની ઇચ્છાઓનો કાર્ડિયોગ્રામ જુઓ!

Updated: Feb 8th, 2025


Google NewsGoogle News
જરા થોભીને તમારા મનની ઇચ્છાઓનો કાર્ડિયોગ્રામ જુઓ! 1 - image


- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- મનની ભીતરમાં જશો તો ક્યારેક તેમાં કોઈ શેતાન પણ નિરાંતે બેઠેલો મળે. એને જરા જાણી લો. એ શેતાન કોઈની રાહ જોઈને બેઠો છે. કોઈ એટલે બનાવ, પરિસ્થિતિ પ્રસંગ કે વ્યક્તિ અને જેવો એનો આની સાથે મેળ પડે છે કે તરત જ ભીતરનો રાક્ષસ ભભૂકી ઉઠે છે

ક લ્પના કરો કે જ્યારે કોઈ મહાન સંતને તમારા મનના સ્વાસ્થ્ય વિશે વાત કરવી પડે, તે કેવું કહેવાય ? શ્રી રામકૃષ્ણ પરમહંસે કહ્યું છે કે, 'શરીરને નિરોગી રાખવા માટે જેટલા સજાગ રહીએ છીએ, તેનાથી અડધાય મનને નિરોગી રાખવા સજાગ રહીએ તો આનંદ અનુભવાય.'

આજે વર્તમાનયુગમાં આપણે જોઈએ છીએ કે માનવી શરીરની સંભાળ માટે સ્વાસ્થ્યપ્રદ ખોરાક, વ્યાયામ, યોગનાં આસનો અને જીમમાં જઈને પરસેવો પાડે છે, પરંતુ એની સામે એ પોતાનાં મન વિશે ભાગ્યે જ વિચાર કરે છે. તો આજે આપણે જ્યારે જીવનની આંધળી દોડ લગાવીને દોડી રહ્યા છીએ, તે સમયે થોડો સમય જરા થોભી જઈએ. અગત્યનાં કામોનાં ઢગલા વચ્ચે તેજ રફતારથી ચાલતા આપણા જીવનને થોડી વાર થંભાવીએ.

ચાલો, સતત રાગ-દ્વેષની વચ્ચે ઝૂલતા આપણા મનને થોડીવાર એમાંથી મુક્ત કરીએ, કારણકે મારે (કુમારપાળ દેસાઈ) તમારી સાથે વાત કરવી છે તમારા મનની અને એ મનની વાત કરવા માટે થોડો સમય તમે થોભી જાવ. આપણે ખુદ આપણા મન સાથે સંવાદ કરીએ અને જ્યારે તમે તમારા મન સાથે સંવાદ કરશો, ત્યારે તમારે પહેલા તો મનનાં ગોડાઉનમાં રહેલા સ્ટોકનો હિસાબ મેળવવો પડશે અને આ હિસાબ મેળવશો, ત્યારે ભારે મૂંઝવણ, મુશ્કેલી અને કઠિનાઈ આવશે.

મનની ભીતરમાં જશો તો ક્યારેક તેમાં કોઈ શેતાન પણ નિરાંતે બેઠેલો મળે. એને જરા જાણી લો. એ શેતાન કોઈની રાહ જોઈને બેઠો છે. કોઈ એટલે બનાવ, પરિસ્થિતિ પ્રસંગ કે વ્યક્તિ અને જેવો એનો આની સાથે મેળ પડે છે કે તરત જ ભીતરનો રાક્ષસ ભભૂકી ઉઠે છે. એને તમે વાસનામય દૃષ્યોથી પોષણ આપ્યું છે. જગતમાંથી દુષ્ટતાથી એને હૃષ્ટપૃષ્ટ કર્યો છે. પારાવાર તૃષ્ણાથી એ થનગની રહ્યો છે અને અનિયંત્રિત કામનાથી તીવ્ર મનોવેગે પોતાની સંતુષ્ટિ મેળવવા ચાહે છે. એ કોઈની હત્યા કરવા કે પછી બળાત્કાર કરવા માટે ટાંપીને બેઠો હોય છે.

હવે તમે એ શેતાનને એકાએક સીધોદોર કરી શક્શો નહીં. એને માટે તમારે ખુદ એ શેતાન સાથે લડાઈ કરવી પડશે. મુકાબલો ખરાખરીનો હશે, કારણકે આજ સુધી મનમાં બેઠેલો એ શેતાન કોઈ તકની રાહ જોઈને ટાંપીને બેઠો હોય છે. તમારે મનમાંથી એને બહાર કાઢવો પડશે. તમારે મનમાં રહેલા શેતાનની પૂરેપૂરી ચિકિત્સા કરવી પડશે.

ફ્રાંસના નવલકથાકાર આનાતોલ ફ્રાંસે 'થેઇસ' નામની નવલકથા લખી છે. એમાં એક નર્તકી પોતાની જાતને ધિક્કારીને પુણ્યાત્મા બને છે અને એક ધર્મગુરુ પુણ્યાત્માનો આડંબર કરીને ભીતરમાં શેતાનને સંઘરે છે. આથી તમારે ઇશ્વરભક્તિનો આશરો લઈને કે સદ્ગુરુનું શરણ લઈને અથવા તો શુભમાં શ્રદ્ધા કેળવીને તમારા મનમાં આસન જમાવીને બેઠેલા એ રાક્ષસને હાંકી કાઢવો પડશે. એને માત્ર મુશ્કેટાટ બાંધી રાખ્યે પણ નહીં ચાલે, કારણ એટલું જ કે જો એ મનમાં હશે તો ફરી ક્યારેક તક મળતા એ જાગી ઊઠશે. આથી એને મનમાંથી નિકાલ આપવાનો હોય છે. આને માટે મનની મક્કમતા જરૂરી છે. જેમ વાલિયો લૂટારો ઋષિ વાલ્મિકી બને છે એવી મક્કમતા અને આ મક્કમતા જ તમને દૃઢતા આપશે. આને માટે એને હટાવવાનું એક પ્રકારનું ઝનૂન જોઈએ. આ ઝનૂન હોય તો જ તમે એને દૂર કરી શક્શો.

આ શેતાનને વશ કર્યા પછી તમારી સામે બીજો પ્રશ્ન જાગશે. તમારી આકાશ આંબતી ઇચ્છાઓ, કામના, એષણાઓ અને અભીપ્સાઓનો. જરા થોભી જઇને તમારી ઇચ્છાઓ અને અભીપ્સાઓનો કાર્ડિયોગ્રામ લો અને આ કાર્ડિયોગ્રામ તમારી ઇચ્છાઓ અને અભીપ્સાઓ તમારા મનમાં કેવા ધબકારા જગાવે છે, કેવા ધમપછાડા કરાવવા થનગને છે, તે તમે જાણી શક્શો. એની બરાબર તપાસ કરશો એટલે બે બાબત તમારી નજર સમક્ષ આવશે પહેલી બાબત એ કે જીવનમાં જેમ જેમ અવસ્થાઓ પલટાતી જતી હતી, તેમ તેમ તમારી ઇચ્છાઓ, એષણાઓ અને આકાંક્ષાઓ પલટાતી જાય છે. એટલે કે કેટલીક ઇચ્છાઓ કે આકાંક્ષાઓ આપણા જીવનમાં સ્થિરપણે કાર્ય કરતી નથી. એ પરિવર્તનશીલ હોવાથી એક સમયે જેનું આકર્ષણ હોય, તે સમય જતાં ધીરે ધીરે ઓગળી જતું હોય છે અને એ ઇચ્છાઓ આપોઆપ શમી જતી હોય છે.

યુવાનીમાં કેટલીય ઇચ્છાઓ કરી હોય છે, પરંતુ ધીરે ધીરે એમાં પરિવર્તન આવે છે. બાળપણમાં આપણો બાર્બી ડોલ કોઈ જરા ઝૂંટવી જાય તો આપણે આકાશ-પાતાળ એક કરતા હતા. યુવાનીમાં કોઈ સુંદર યુવતીની પાછળ કદાચ ઘેલછા ધરાવતા હતા અને સમય જતાં વિશાળ બંગલો, આપણો વંશ-વારસો જાળવનારો પુત્ર, ભવ્ય વૈભવ- એ બધું આપણી આંખને ઘેરી વળતું હોય છે. એ સમયે એ ઇચ્છાઓ એટલી તીવ્ર હોય છે કે આપણા આખા જીવન પર છવાઈ જતી હોય છે. આશિકીમાં પડેલા યુવાનને એની પ્રિયતમા સિવાય જગતમાં બીજું કશું દેખાતું નથી. પણ સમય જતાં આ ઇચ્છાઓ ધીરે ધીરે ઓગાળતી રહે છે અને ક્યારેક તો એવું પણ થાય કે જે સામાજિક, રાજકીય કે આર્થિક પ્રતિષ્ઠાની લાલસા રાખી હતી, એ લાલસા પણ ધીરે ધીરે ઓછી થતી જાય અને એવું પણ બને કે આપણી એ ભૂતકાળની ઇચ્છાને આપણે યાદ કરીએ અને આપણને આપણી જાત પર હસવું આવે. એક સમયે એની પાછળ દોડ લગાવતા હતા, હવે એની વ્યર્થતાનો અનુભવ થાય છે.

ઇચ્છાની એક બીજી બાજુ પણ છે અને એ છે ઉન્નતિ કે પ્રગતિની ઇચ્છા. આવી ઇચ્છા વ્યક્તિને પોઝિટીવ એનર્જી આપે છે. જીવનમાં એક લક્ષ્ય આપે છે અને એથીય વધુ આ ઇચ્છા એ પેલી કામનાઓથી ઘણી દૂર હોય છે. એનું કારણ એ કે આવી પ્રગતિની ઇચ્છા પર વ્યક્તિ લક્ષ રાખીને સતત આગળ ધપતી હોય છે.

સમર્થ સાગરસફરી ક્રિસ્ટોફર કોલંબસ વણકરનો પુત્ર હતો, પણ દિલમાં દરિયાઈ સફર ખેડવાના એવા અરમાન કે એણે માત્ર ચૌદમા વર્ષે દરિયાઈ સફર શરૂ કરી. પશ્ચિમ દિશામાં જઈને જુદાં જુદાં દેશોની શોધ કરવાની એની ઇચ્છા હતી. એની આ સફર કરવાની યોજનામાં ફ્રાંસના રાજાએ ઘસીને ના પાડી દીધી. ઇંગ્લેન્ડના રાજવી પણ આ માટે તૈયાર ન થયા, અંતે સ્પેનના ફર્ડિનાન્ડ અને ઇઝાબેલાએ આ સફરમાં એમને સહાય કરી. ત્રણ જહાજમાં ૮૮ માણસોને લઈને એ નીકળ્યા. ત્રણમાંથી એક જહાજ ગુમાવ્યું, પણ આ સફરને પરિણામે ક્યૂબા અને હાઈતી જેવા દેશો શોધી લાવ્યા. એ પછી ફરી વાર પંદરસો માણસોનો કાફલો લઈને વેસ્ટઇન્ડિઝ ગયા અને જમૈકા અને બીજા ટાપુઓની ખોજ કરી.

હજી દરિયાઈ સફરનાં સ્વપ્ન ક્રિસ્ટોફર કોલંબસને આવતાં હતાં. એમણે ત્રીજી સફર શરૂ કરી અને દક્ષિણ અમેરિકા સુધી પહોંચ્યા. એ દરમિયાન એમના પર ગેરવહીવટનો આરોપ મૂકીને એમને સ્પેનમાં કેદ પણ કરવામાં આવ્યા, પરંતુ ફરી વાર એમણે ચોથી સફર ખેડી અને હોંડુરસ, કોસ્ટારિકા અને પનામા સુધી પહોંચ્યા. આ લક્ષ્યસિદ્ધિ માટે કેટલીય પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કર્યો.

એકવાર આ દરિયાઈ સફરો દરમિયાન નાવિકોએ એમની સામે સામૂહિક બળવો કર્યો. દિવસોના દિવસો સુધી કોઈ જમીન ન દેખાતાં પાછા ફરવા માટે આગ્રહ કર્યો. આ બધા વચ્ચે કોલંબસ અડગ રહ્યો. સાથી નાવિકોએ એને મારી નાખવાની પણ ધમકી આપી, એની પરવા કર્યા વિના એ આગળ વધતો રહ્યો.

એની આંખો સામે એક જ લક્ષ હતું અને તે પોતાની ખોજ પૂરી કરવી, આથી બધી મુશ્કેલીઓનો સામનો કરીને કોલંબસ સફળતા હાંસલ કરી શક્યો.

૧૯૯૨માં એની દરિયાઈ સફરની ૫૦૦મી જયંતિ દુનિયાભરમાં રંગેચંગે ઉજવાઈ અને સહુએ આ સાગર સફરીનાં દૃઢ મનોબળને અંજલિ આપી. આથી મહત્ત્વની બાબત એ છે કે આપણે જીવનમાં ક્યા પ્રકારની ઇચ્છા સેવીએ છીએ. જેવી ઇચ્છા હોય એવું જીવન બને છે, જેવી ભાવના હોય તેવી સૃષ્ટિ દૃષ્ટિગોચર થાય છે અને દૃઢ ઇચ્છા અંતે સિદ્ધિને પામે છે, પણ કદાચ તમે કોઈ મોટી ઇચ્છા રાખી સફળ ન થયા હો તેવું પણ બને. તેનાથી નિરાશ થવાની જરૂર નથી, કારણકે તમારી આવી સદ્ઇચ્છાની સફળતા માટે તમે કરેલો અવિરત પુરુષાર્થ એ પણ તમારે માટે જીવનમાં પરમ આનંદનું કારણ બને છે.


Google NewsGoogle News