Get The App

એક હત્યા, ચાર ચહેરા પ્રકરણ - 06 .

Updated: Feb 8th, 2025


Google NewsGoogle News
એક હત્યા, ચાર ચહેરા પ્રકરણ - 06                               . 1 - image


- મહેશ યાજ્ઞિક

- 'એક વરસ પહેલા રસિક અહીં આવેલો. મુંબઈમાં એને ધંધામાં શું લોચો થયો હશે, એની ખબર નથી, પણ એ નાણાંભીડમાં હતો.'

આ ટલું બોલીને વિનોદ શર્મા અટકી ગયો, પણ અવિનાશનું મગજ ચકરાવે ચડી ગયું. આ માણસે તો જબરજસ્ત સ્ફોટક માહિતી આપી. એણે કહેલી વાત  માની શકાય એવી નહોતી, પણ વિનોદે તો લાલજી અને અંજલિને રતિક્રીડામાં ડૂબેલા નજરે જોયા હતા! પોતાની પત્ની અંજલિ અને લાલજી વચ્ચે શરીરસંબંધ છે, એની લગીર પણ ગંધ જો પંકજને મળી ચૂકી હોય તો રસિકની હત્યાના કેસમાં લાલજીને ફસાવી દેનાર પંકજ સિવાય બીજું કોઈ ના હોય! એમાંય પંકજ તો હોટલનો માલિક અને સક્રિય મેનેજર-એટલે આવી ખતરનાક ગોઠવણ કરવાનું કામ એના માટે તો રમતવાત કહેવાય! 

'સાહેબ, ભરોસો મૂકીને જે જોયેલું એ સાચેસાચું કહ્યું છે, પણ આમાં મારું નામ ક્યાંય ના આવે એનું ધ્યાન રાખજો.' વિચારમાં ડૂબેલા અવિનાશ સામે હાથ જોડીને વિનોદ બોલ્યો. 'બાપાની તબિયત ઠીક નથી, એટલે હજુ બે દિવસ મારે અહીં સલૂન સંભાળવાનું છે. એ પછી હોટલ પર જઈશ. એ લોકોય ખિજાયેલા હશે, પણ માફી માગીશ તો મને પાછો રાખી લેશે.' અચાનક એને વિવેકનું ભાન થયું એટલે એણે અવિનાશને પૂછયું. 'સાહેબ, તમે શું લેશો? ચા કે કોફી?'

વિનોદની અને એના સલૂનની હાલત જોઈને એ માણસને ખર્ચ કરાવવાની અવિનાશની ઈચ્છા નહોતી, પરંતુ વિનોદે પ્રશ્નનું પુનરાવર્તન કર્યું એટલે એની લાગણીનું માન રાખવા એણે અડધી ચા પીવાનું કહ્યું. વિનોદે ઓટલા પર જઈને સામે દેખાતી ચાની કીટલીવાળાને ઈશારો કર્યો. 

'સાહેબ, ગરીબીમેં આટા ગિલા જેવો ઘાટ છે. ઘરમાં પાણીની ટાંકી ઉપર છાજલી છે. વાંકો વળીને ત્યાંથી જૂની ઈસ્ત્રી લેવા ગયો ત્યારે ટાંકીનું ઢાંકણું ખુલ્લું હતું. બુશર્ટના ખિસ્સામાંથી મોબાઈલ સરકીને ટાંકીમાં પડી ગયો, પણ ખબર નહોતી પડી. ખબર પડી પછી આખું ઘર ફેંદી નાખ્યું. છેક ત્રીજા દિવસે મારી મિસિસને ટાંકીમાં દેખાણો. રિપેરિંગ માટે ગયો તો એણે કીધું કે તારા સલૂનમાં શૉપીસ તરીકે મૂકી રાખજે.' ફિક્કું હસીને એણે ઉમેર્યું. 'આમેય ડબલા જેવો હતો, હવે નવો લેવો પડશે.'

ચા આવી એટલે એ અટક્યો. ચા પીધા પછી અવિનાશ ઊભો થયો ત્યારે વિદાય આપતી વખતે વિનોદે આજીજી કરી. 'સાહેબ, તમારી સત્તામાં આવતું હોય તો પંકજની ચાલાકી પકડીને એને પૂરી દેજો. ગમે તેમ કરીને લાલજીને છોડાવજો.'

હકારમાં માથું હલાવીને અવિનાશે સંમતિ આપી અને બુલેટ સ્ટાર્ટ કરી. બરવાળા ગામમાંથી બહાર નીકળીને રોડ પર આવ્યા પછી એણે તખુભાને ફોન જોડયો. 'બાપુ! વિનોદ શર્માએ તો જોરદાર ધડાકો કર્યો, પણ એના માટે એક વાર લાલજીને ફરજિયાત મળવું પડશે.' આટલું કહીને એણે ઉમેર્યું. 'અત્યારે તમે ત્યાં તપાસમાં વ્યસ્ત હશો, એટલે સાંજે નિરાંતે આખી વાત સંભળાવીશ, પરંતુ એ પહેલાં પેલા રાજસ્થાનના ધારાસભ્યને ફોન કરીને શક્ય એટલું વહેલું લાલજીને મળવાની એ ગોઠવણ કરી આપે, એવું એમને કહી દો. હું હવે ધંધૂકા જઈને ગાંડાબાપુને શોધવા નીકળીશ.'

'વેલડન!' હોટલમાં પૂછપરછનું કામ ચાલુ હતું એટલે તખુભાએ પણ તાત્કાલિક વાત જાણવાનો આગ્રહ ના રાખ્યો. 'હું એ ધારાસભ્યને ફોન કરી દઈશ. તું ગાંડાબાપુને શોધી કાઢ. ઑલ ધ બેસ્ટ!' થેન્કસ્ કહીને અવિનાશે મોબાઈલ ખિસ્સામાં મૂક્યો અને બાઈક ભગાવી.

ધંધૂકા પહોંચી ગયા પછી સવાલ એ હતો કે ગાંડાબાપુ અત્યારે ક્યાં હોઈ શકે? એમને અગાઉ ક્યારેય જોયા પણ નહોતા. અવિનાશે એ માટે પહેલી વાર જે ચાની લારીવાળાને પૂછયું હતું એને જ પૂછયું. 'એ મસ્તાનનું કોઈ ઠેકાણું નહીં.' કીટલીવાળાએ હસીને કહ્યું. 'અહીંથી સીધા જ ગામ તરફ જાવ. જાગનાથ દરવાજો પસાર કરીને આગળ જશો એટલે અંજુમન બજાર આવશે, એ પછી ચબૂતરા બજાર અને એ પછી કોઠા બજાર આવશે. બધી દુકાનના ઓટલાઓ પર નજર ફેરવતા રહેજો. નાસ્તાની દુકાન કે હોટલ હોય ત્યાં ધ્યાનથી જોજો. નસીબ હશે તો જડી જશે, નહીંતો પછી ખાંડાચોરા સુધી કે અંબાપુરા સુધી ચક્કર મારવું પડશે.' 

'એમને ઓળખવા કઈ રીતે?' અવિનાશે પૂછયું એટલે લારીવાળો ફરી હસી પડયો. 'અરે સાહેબ! ગાંડાબાપુ તો તરત ઓળખાઈ જશે. જૂના હિન્દી પિક્ચરમાં જાસૂસ પહેરતા હતા એવો ઢીંચણ સુધીનો કોટ પહેરનાર આખા તાલુકામાં એ એક જ હીરો છે! ખાખી કલરનો એ કોટ કોઈકે એમને આપેલો એટલે છ મહિનાથી એ મેલોઘેલો કોટ જ ઠઠાડી રાખ્યો છે. પહેલવાન જેવું અલમસ્તાન શરીર અને મોટા માથા પર ઘટાદાર કાબરચીતરા વાળ. પાંચ-છ દિવસની વધેલી દાઢી અને કોડા જેવી આંખો- તમે એને તરત ઓળખી જશો.' આટલું કહીને એણે અવિનાશને પૂછયું. 'ખિસ્સામાં પૂરતા પૈસા તો છેને? તમે એમને જમવા કે નાસ્તા માટે લઈ જશો તો એ આખા અઠવાડિયાનું એક સાથે ઝાપટી લેશે!'

અવિનાશે હસીને એનો આભાર માન્યો અને બુલેટને ગામ તરફ લીધી. તાલુકા મથક હોવા છતાં બજાર સાંકડી હતી અને આસપાસના ગામમાંથી ખરીદી માટે આવેલા લોકોની ભીડ હતી. બંને તરફની દુકાનો અને લોકો ઉપર નજર રાખીને અવિનાશ બાઈકને સાવ ધીમી ગતિએ ચલાવી રહ્યો હતો. એક મિઠાઈની દુકાન પાસે એણે બાઈક રોકી. જમણી તરફ ટાવર દેખાતો હતો. એણે દુકાનવાળાને પૂછયું. 'તમે ગાંડાબાપુને જોયા? અત્યારે એ ક્યાં હશે?' 'દસેક મિનિટ પહેલા એ અહીંથી પસાર થયેલા એટલે અત્યારે કદાચ ખાંડાચોરા પાસે હશે.' અવિનાશના ચહેરાની મૂંઝવણ પારખીને એણે જાણકારી આપી. 'અહીંથી આગળ જશો એટલે રસ્તા ફંટાશે. તમે જમણી તરફ જજો.'

અવિનાશે બાઈક એ તરફ લીધી. ખાંડાચોરા પોસ્ટઑફિસનું બૉર્ડ દેખાયું. એના ઓટલા પર બેસીને ગાંડાબાપુ છાપું વાંચી રહ્યા હતા! અવિનાશ એમની પાસે જ ઓટલા પર બેસી ગયો. 'ગાંડાબાપુ! મજામાં?' એણે પૂછયું એટલે ગાંડાબાપુએ અખબાર બાજુમાં મૂકીને આંખો ઝીણી કરીને અવિનાશનું નિરીક્ષણ કર્યું. અવિનાશે વાદળી ચેક્સવાળું બ્રાન્ડેડ શર્ટ અને કાળું પેન્ટ પહેર્યું હતું. ગળામાં સોનાની ચેઈન અને કાંડે સ્માર્ટ વૉચ સામે ગાંડાબાપુ જોઈ રહ્યા હતા. એમણે જવાબ ના આપ્યો એટલે અવિનાશે ફરીથી પૂછયું. 'ગાંડાબાપુ! મજામાં છોને?' અવિનાશની ઘડિયાળ સામે જોઈને ગાંડાબાપુએ પૂછયું. 'અત્યારે કેટલા વાગ્યા છે?' એમના સવાલનો અર્થ સમજાયો નહીં, એ છતાં અવિનાશે ઘડિયાળમાં જોઈને કહ્યું. 'ત્રણમાં દસ મિનિટ બાકી છે.' ફિક્કું હસીને ગાંડાબાપુએ કહ્યું. 'સવારે સાત વાગ્યે એક કપ ચા પીધા પછી પેટમાં કંઈ પડયું નથી, એને તું મજા માનતો હોય તો હું મજામાં છું!' આટલો ખુલાસો કરીને એમણે અવિનાશ સામે જોયું. 'તું આ ગામનો નથી લાગતો. આ ગામનું કોઈ આવી રીતે મારી પાસે બેસીને ખબરઅંતર ક્યારેય ના પૂછે!'

'તમારી ધારણા સાચી છે, બાપુ! હું અમદાવાદથી આવ્યો છું.' આટલું કહીને એણે ઉમેર્યું. 'મારી હાલત પણ તમારા જેવી જ છે. સવારે ચા પીધા પછી કંઈ ખાધું નથી. અહીં ક્યાં સારું મળે એની ખબર નથી એટલે વાંધો ના હોય તો એક કામ કરો. મારી બાઈક ઉપર બેસીને સારી હોટલનો રસ્તો બતાવો અને મને જમવામાં કંપની આપો.'

'તારે કામ શું છે?' વેધક નજરે અવિનાશ સામે જોઈને ગાંડાબાપુએ પૂછયું. 'કોઈ અજાણ્યો માણસ બે લાખની બાઈક ઉપર બેસાડીને આટલા પ્રેમથી મને જમવા ના લઈ જાય!'

'કામ કામ હૈ ઔર દિલ દિલ હૈ!' હસીને આટલું કહીને અવિનાશે ગાંડાબાપુના ખભે હાથ મૂક્યો. 'પહેલા આપણે પેટપૂજા કરી લઈએ, એ પછી તમારી ઈચ્છા હોય તો કામની વાત કરીશું. ચાલો.' અવિનાશ ઊભો થયો એટલે ગાંડાબાપુ પણ ઊભા થયા અને સામે પાનના ગલ્લાવાળાને એનું છાપું આપી આવ્યા. અવિનાશે બાઈક સ્ટાર્ટ કરી. 'તેં બસસ્ટેન્ડની આગળના ચાર રસ્તા તો જોયા છેને? તારી બુલેટ ત્યાં લઈ લે.' આટલી સૂચના આપીને ગાંડાબાપુ બાઈકની પાછળ ગોઠવાઈ ગયા.

'ઘણા દિવસથી શિવશક્તિના બટાકાવડા નથી ખાધા. તમારે અમદાવાદમાં પણ એવો ટેસ્ટ નહીં મળે એ મારી ગેરંટી.' ચાર રસ્તે પહોંચીને ગાંડાબાપુ અવિનાશને શિવશક્તિ નાસ્તા હાઉસમાં દોરી ગયા. કાઉન્ટર ઉપર બેઠેલા માણસે ગાંડાબાપુની સાથે આવેલા અવિનાશની સામે દયામણી નજરે જોયું. ટેબલ ખુરસી સાદા હતા. બંને બેઠા એટલે વેઈટરે પાણીના ગ્લાસ મૂકીને ગાંડાબાપુને પૂછયું.   'બટાકાવાડા જ લાવવાના છેને?' 'ગરમ લાવજે.' ગાંડાબાપુએ એને આદેશ આપ્યો.

થોડી વારમાં જ બટાકાવડાની બે પ્લેટ આવી ગઈ. પ્લેટમાં ગરમાગરમ છ બટાકાવડા હતા. સાથે દહીં અને લસણની મિક્સ ચટણી અલગ કટોરીમાં હતી. ગરમ વડાને ઠંડુ કરવા માટે અવિનાશે એને આંગળીથી દબાવ્યું. એણે પહેલું વડું પૂરું કર્યું ત્યાં સુધીમાં ગાંડાબાપુની પ્લેટ ખાલી થઈ ચૂકી હતી. એમણે વેઈટર સામે જોયું  એટલે વેઈટર તરત બીજી પ્લેટ મૂકી ગયો. સિસકારા બોલાવીને એક પછી એક ગરમ બટાકાવડાને મોંમાં પધરાવતા ગાંડાબાપુ સામે અવિનાશ આશ્ચર્યથી જોઈ રહ્યો હતો, પણ ગાંડાબાપુને એની કોઈ પરવા નહોતી. ત્રીજી પ્લેટ ખતમ કર્યા પછી ગાંડાબાપુએ અવિનાશ સામે જોયું. 'બટાકાવડામાં ક્યારેક આદુંનો ઝીણો ટૂકડો આવી જાય ત્યારે ટેસ્ટમાં જલસો પડી જાય છે, પણ આ ત્રણ પ્લેટમાં એકેય બટાકુવડું એવું ના આવ્યું.' 'નો પ્રોબ્લેમ. હજુ મંગાવ્યે રાખો.' અવિનાશે હસીને કહ્યું અને ગાંડાબાપુએ તરત વેઈટરને ઈશારો કર્યો. ગાંડાબાપુનો પરિચય હોવાથી વેઈટર તો રાહ જોઈને જ ઊભો હતો. એ તરત પ્લેટ લઈ આવ્યો. અવિનાશ અત્યંત શાંતિથી જમતો હતો. એની પહેલી પ્લેટ પૂરી થઈ ત્યાં સુધીમાં ગાંડાબાપુ છ પ્લેટ ઝાપટીને સિસકારા બોલાવી રહ્યા હતા!

'હવે?' અવિનાશે પૂછયું ત્યારે કોટની બાંયથી જ મોઢું લૂછીને ગાંડાબાપુએ કહ્યું. 'તેં અમદાવાદમાં ક્યારેય નહીં ખાધા હોય એવા મેથીના ગોટા તને ખવડાવવાના છે. અહીંથી ઊભા થઈને હવે મહાકાળીમાં જઈને મેથીના ગોટાનો ટેસ્ટ કરીએ.'

બંને ઊભા થયા. અવિનાશે કાઉન્ટર પર પૈસા ચૂકવી દીધા. બાઈક પર સામે પડાણા રોડ પર મહાકાળી ભજિયા હાઉસ પર પહોંચ્યા. અંદર બેઠા ત્યારે મેથીના ગોટાની સુવાસ આવી રહી હતી. ઑર્ડર આપ્યો અને ડુંગળી-મરચાની સાથે ગરમાગરમ મેથીના ગોટાની પ્લેટસ્ આવી ગઈ. અહીં પણ અવિનાશે એક પ્લેટ પૂરી કરી ત્યાં સુધીમાં ગાંડાબાપુએ ચાર પ્લેટ પતાવી દીધી હતી!

પૈસા ચૂકવીને બંને બાઈક પાસે આવ્યા ત્યારે ગાંડાબાપુએ દુ:ખી અવાજે કહ્યું. 'તું ખોટું ના લગાડતો, દોસ્ત! સાંભળ, ઘરનું ઘર છે, પણ ઘરમાં પાણીનું માટલું છે, ચૂલો નથી! એટલે આવી રીતે પેટ ભરવું પડે છે. એમાંય એક સાથે આવું તીખું ખાધું એટલે સો ટકા એસિડિટીની ઉપાધિ થશે.'

'તમને એસિડિટી નહીં થાય. બાઈક ઉપર બેસીને આઈસક્રીમની દુકાનનો રસ્તો બતાવો.' અવિનાશે કહ્યું અને ગાંડાબાપુના ચહેરા ઉપર આનંદ ઉભરાયો. રસ્તો બતાવતી વખતે એમનું બોલવાનું ચાલુ હતું. 'ગોંડલવાળા હારૂનભાઈ અને અય્યુબને મારા ઉપર લાગણી છે, ત્યાં જાઉં તો આઈસક્રીમ ખવડાવે, પણ મફત હોય એટલે મારા બેટા સૌથી સસ્તો વેનિલા જ ખવડાવે!' હસીને આટલું કહ્યા પછી એ બોલ્યા. 'આજે રાજભોગ કે કેસરપિસ્તા ખાવા મળશે.'

આઈસક્રીમની દુકાનમાં ગાંડાબાપુ સામે મેનુ મૂકીને અવિનાશે કહ્યું.  'તમારી જે ઈચ્છા હોય એ આઈસક્રીમ જેટલો ખાવો હોય એટલો મંગાવો.' કોઠીમાં બનાવેલો આઈસક્રીમ સારો હતો. અવિનાશે એક સ્કૂપ લીધો અને ગાંડાબાપુએ સૌથી મોંઘા ત્રણ સ્કૂપ પતાવીને ઓડકાર ખાધો.

'આજે તેં જલસો કરાવી દીધો, દોસ્ત! હવે આ બાઈક ભલે અહીં પડયું. આપણે હાઈસ્કૂલના મેદાનમાં બાંકડા ઉપર બેસીએ.' પૈસા ચૂકવીને બહાર નીકળ્યા ત્યારે ગાંડાબાપુએ કહ્યું અને બંને બાંકડા પાસે પહોંચ્યા. 

'તું પોલીસવાળા જેવો તો નથી લાગતો, પણ તેં આટલો ખર્ચો કેમ કર્યો એ સમજાતું નથી.' બાંકડા પર બેઠા પછી ગાંડાબાપુએ અવિનાશ સામે જોઈને કહ્યું. 'તારે કામ શું છે, એ સાચેસાચું કહી દે તો હું જવાબ આપીશ. મારા કાન સતત ખુલ્લા હોય છે, ચોવીસેય કલાક ગામમાં રખડતો ફરું છું. ગાંડો માનીને મારી હાજરીની પરવા કર્યા વગર લોકો વાતો કરતા હોય એ તમામ વાતો પથ્થરકી લકીરની જેમ ભેજામાં સચવાઈ જાય છે. છપ્પન વર્ષની ઉંમરમાં છપ્પન હજાર અનુભવથી ઘડાયો છું એટલે તું ખોટું બોલીશ, તોય મને ખબર પડી જશે. તરત ઊભો થઈને જતો રહીશ. સાચું બોલ, તું કોણ છે અને શેનું કામ છે?'

'કાશીબા હોટલમાં એક ખૂન થઈ ગયેલું, એની તો તમને ખબર હશે. એમાં પોલીસે લાલજી નામના નોકરને પકડીને અંદર પૂરી દીધો છે. અમારી ડિટેક્ટિવ એજન્સી સેવાભાવે એ માણસને છોડાવવા માગે છે. એના માટે થોડીક જાણકારી જોઈએ છે.'

'એમાં વાંક ફોજદાર દેસાઈનો છે.' ગાંડાબાપુએ તરત કહ્યું. 'પોલીસે તો લોકોને ઑર્ડર આપવાનો હોય, પણ દેસાઈ ઢીલિયો છે એટલે શેઠિયાઓ એને નચાવે છે. દેસાઈ માણસ ચોખ્ખો છે, પણ હોટલના શેઠે ઑર્ડર કર્યો હશે, એટલે એણે નોકરને પકડીને પૂરી દીધો! વાર્તા પૂરી!'

'જેનું ખૂન થયું એ રસિક રાઠોડ તો અહીંનો જ હતોને? સાંભળ્યું છે કે એના બહેન-બનેવી પણ અહીં જ રહે છે. તો પછી રસિક પૈસા ખર્ચીને હોટલમાં કેમ રહ્યો?'

 'એની કથા લાંબી છે, પણ યાદ કરીને તને સટિકમાં સમજાવી દઈશ.' જાણે યાદદાસ્ત તાજી કરીને ક્રમબધ્ધ ગોઠવવી હોય એમ ગાંડાબાપુએ હાથની આંગળીઓથી માથાના અસ્તવ્યસ્ત વાળને સરખા કર્યા. 'રસિકનો બાપો પૈસાદાર હતો. એને વસ્તારમાં દીકરી સવિતા અને દીકરો રસિક. 

સોસાયટીમાં એણે બંગલો ખરીદેલો. આ રસિકડો નાનપણથી પથ્થરમાંથી પાણી કાઢે એવો હોંશિયાર. સવિતાને સાવરકુંડલામાં પરણાવેલી. બાપા મરી ગયા પછી રસિકને લાગ્યું કે ધંધૂકામાં ધંધો કરવો એને બદલે મુંબઈમાં માલ વધારે મળશે. બંગલાને તાળું મારીને દસ વર્ષ પહેલા એ મુંબઈ જતો રહેલો. હોંશિયાર હતો એટલે એણે કમાણી કરી હશે. આ બાજુ એની બહેન સવિતાની હાલત ખરાબ હતી. સવિતાનો વર સુરેશ મિકેનિક હતો. એણે કંઈક એવો ધંધો કર્યો કે માથાના વાળ જેટલું દેવું થઈ ગયું. ગામ છોડીને રાતોરાત ઉચાળા ભરીને એ બંને ધંધૂકા ભાગી આવ્યા. રસિકને બેનની દયા આવી એટલે એણે બંગલાની ચાવી મોકલાવી આપેલી. રોડ ઉપરનો બંગલાનું કમ્પાઉન્ડ મોટું છે એટલે સુરેશે ત્યાં સ્કૂટર અને બાઈકનું રિપેરિંગ ચાલુ કરી દીધું.'

ગાંડાબાપુએ અવિનાશ સામે જોઈને પૂછયું. 'સ્ટોરી સમજાય છેને?' 'તમે એટલી સરસ રીતે કહો છો કે સાંભળવાની મજા આવે છે.'

'એક વરસ પહેલા રસિક અહીં આવેલો. મુંબઈમાં એને ધંધામાં શું લોચો થયો હશે, એની ખબર નથી, પણ એ નાણાંભીડમાં હતો. બંગલો તો એના બાપાએ રસિકના નામે જ કરી આપેલો હતો એટલે રસિક એ વેચીને રોકડી કરવા કરવા માગતો હતો. આવીને એણે બેન-બનેવીને વાત કરી એટલે એ ધણી-ધણિયાણી ઉકળ્યા. સુરેશનું ગેરેજ જામી ગયું હતું એટલે એ બંને બંગલો છોડવા તૈયાર નહોતા. બેન સવિતા તો જોરદાર એક્ટર જેવી છે. એણે રડીકકળીને નાટક કર્યું એટલે રસિકે એમને એક વર્ષની મુદત આપીને કહ્યું કે આવતા વર્ષે તો મારે બંગલો વેચવો જ પડશે, તમે બાર મહિનામાં બીજું ઠેકાણું ગોતી લેજો. એ પાછો મુંબઈ જતો રહ્યો. એના બેન-બનેવીની દાનત ખોરી હતી, એમને બંગલો છોડવો નહોતો એટલે એમણે બીજું ઘર ગોત્યું જ નહોતું. વરસ વીતી ગયું અને આ વખતે રસિકે આવતા અગાઉ એના બનેવીને ફોન ઉપર ફોન કર્યા હતા, પણ એ ડામિસે તો રસિકના ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધેલું!'

લગીર અટકીને ઓડકાર ખાઈને ગાંડાબાપુએ આગળ કહ્યું. 'સુરેશ ફોન જ નહોતો ઉપાડતો એટલે ધૂંધવાયેલો રસિક અહીં આવીને હોટલમાં ઊતર્યો અને બજારમાં વેપારીઓને મળીને બંગલાના ઘરાગને શોધવાનું કામ શરૂ કરી દીધું. બંગલો તો મોકાની જગ્યાએ છે એટલે એક શેઠે તો પહેલા જ દિવસે ખરીદવાની તૈયારી દેખાડી.' ગાંડાબાપુએ ખુલાસો કર્યો. 'એ શેઠના ઘેરથી રોજ ટિફિન લાવવાનું કામ હું કરું છું. રસિકે એ વેપારીને એના બેન-બનેવીની નાલાયકીની વાત કરેલી એટલે મને ખબર પડેલી. રસિક મુંબઈથી સવારે આવીને હોટલમાં ઊતરેલો અને સાંજ સુધીમાં તો એણે બંગલાનો ઘરાગ શોધી કાઢયો એટલે એ સીધો જ બંગલે ગયો અને બેન-બનેવીને ચોખ્ખું કહી દીધું કે ચાર દાડામાં બંગલો ખાલી કરો, નહીં તો બધો સામાન બહાર રોડ પર ફેંકાવી દઈશ. સામે એની બેન પણ રણચંડી બની ગઈ. એણે કીધું કે બાપાના બંગલામાં મારોય અડધો ભાગ છે, હું ખાલી નહીં કરું. એ મુદ્દે ઝઘડો એવો જામેલો કે બધા પાડોશીઓ પણ ભેગા થઈ ગયેલા. સવિતાએ તો બધાની હાજરીમાં રસિકને કહી દીધું કે મરી જઈશ, તોય બંગલો ખાલી નહીં કરું. ખાલી કરાવવા તું દાદાગીરી કરીશ તો હું તને મારી નાખીશ! પાડોશીઓએ ઝઘડો શાંત પડાવ્યો અને ધૂંધવાયેલો રસિક છેલ્લી ચેતવણી આપીને હોટલ પર જતો રહ્યો. બીજા દિવસે રસિકે આવીને મારા શેઠને આ વાત કહી ત્યારે હું દુકાનમાં હાજર હતો. શેઠે એને સમજાવ્યો કે તારી બેનને થોડીઘણી રકમ આપીને રાજી કરી દે, એ ખાલી કરે એ પછી આપણે દસ્તાવેજની વાત કરીએ. બેનને આપવા માટે પંદરેક લાખની જોગવાઈ રસિક પાસે નહોતી. એણે શેઠને કીધું કે બાના પેટે મને પંદર લાખ આપો. શેઠે એને દસમી તારીખે પૈસા આપવાનું કહેલું. શેઠ પૈસા આપે એ પહેલાં તો એ પરલોકમાં પહોંચી ગયો!'

સહેજ અટકીને ગાંડાબાપુએ ઊંડો શ્વાસ લીધો. પછી અવિનાશ સામે જોયું. 'દોસ્ત! મેં પોલીસના ખબરી તરીકે કામ કર્યું છે એટલે ચાલાક અધિકારી કઈ રીતે કામ કરે એની ખબર છે. કોઈનું ખૂન થાય તો પોલીસ સૌથી પહેલા કોના પર શંકા કરે? આ ખૂનથી જેને સૌથી વધુ ફાયદો થવાનો હોય એ જ ગુનેગાર હોય! રસિકનું ખૂન થયું એમાં એના બેન-બનેવીને લોટરી લાગી ગઈ. આખો બંગલો મફતમાં મળી ગયો. આ દેસાઈમાં અક્કલ નથી. હત્યાનો ક્લિયરકટ હેતુ જેની પાસે હતો એને પકડવાને બદલે નિર્દોષ નોકરને પૂરી દીધો!'

સવારે બરવાળામાં વિનોદ શર્માની કેફિયત સાંભળીને અવિનાશનું મગજ ચકરાઈ ગયું હતું, અત્યારે ગાંડાબાપુની વાતથી એ ચકરાવો વધુ ઘેરો બન્યો! 

(ક્રમશ:)


Google NewsGoogle News