આયોજનપૂર્વકની 'ના' જીવનનો દાટ વાળતી 'હા'માંથી બચાવી લે છે
- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
આપણે ધીમી કે મંદ ગતિની 'હા' અને ઉતાવળી 'ના' શીખી લેવી જરૂરી છે. - ટોમ ફ્રિલ
કમનસીબે, આપણે આનાથી સાવ વિરુધ્ધ વર્તતા હોઈએ છીએ. આપણે ઉતાવળે 'હા' અને મોડી મોડી 'ના' પાડીએ છીએ. પરિણામે જીવન એક હોનારત બની જાય છે.
વિલીઅમ સી. બાગ્લે (ઈ.સ ૧૮૭૪-૧૯૪૬) નામના એક પ્રાધ્યાપકે (કોલંબીઆ યુનિ.) એસેન્સીઆલીઝમ નામની એક વિચાર શૈલી વિકસાવેલી. જે કહે છે કે જીવનમાં સાર્થક અને નિરર્થક શું છે તે શોધી કાઢવું જોઈએ. આ માટે બે -ત્રણ સવાલો પૂછવાના હોય છે :- તમે સતત ગતિમાં છો અને ક્યાંયે પહોંચતા નથી? તમે ખૂબ મથો છો અને કશું હાથમાં નથી આવતું ? અર્થાત્ તમે બીઝી છો પણ પ્રોડક્ટિવ નથી. તમે 'ના' પાડવાની હોય છે ત્યાં 'હા' પાડો છો તમારી પસંદગીઓ અને નિર્ણયો ખામીયુક્ત છે.
બ્રોની વેર નામની એક ઓસ્ટ્રેલિયન નર્સે સંશોધન કરેલું. તેના દર્દીઓને મૃત્યુ પૂર્વેના બાર અઠવાડિયાઓ દરમિયાન પૂછતી કે તેમને કોઈ વાતનો પસ્તાવો છે? તો મોટાભાગના આ વાત કહેતા 'મને ગમે તેવી જિંદગી જીવવાની મારામાં હિંમત હોત તો અન્યની ઈચ્છાઓ અને અપેક્ષાઓ પ્રમાણે હું ન જીવત'. ક્યારેક આશયપૂર્વક અને આયોજનપૂર્વકની 'ના' તમને જીવનનો દાટ વાળતી 'હા' માંથી બચાવી લે છે. ક્યારેક શું કરવું તે કરતા પણ વધારે મૂલ્યવાન શું ન કરવું તે હોય છે.
મેડેલાઇન લે'ન્ગલ કહે છે કે આપણી પસંદગી કરવાની ક્ષમતા થકી આપણે માનવી છીએ. આપણો 'પાવર ઓફ ચુઝીંગ ટુ ચૂઝ' આપણને બધાથી જુદા પાડે છે. તેમાં આપણા કૃત્ય કરવા માટેનું યોગ્ય કારણ, સમય અને સ્થળ છુપાયેલા હોય છે. ડિફોલ્ટ કરતા ડિઝાઇન્ડ લિવિંગ વધારે મૂલ્યવાન છે. લેસ ઈઝ મોર એન્ડ બેટર એ આપણો નિર્ણય અને પસંદગી છે. ક્યાંકથી આમંત્રણ આવ્યું છે તો જવું જોઈએ એ માત્ર જવાનું પર્યાપ્ત કારણ નથી- તો? ના !
એકવાર એક વ્યક્તિની ત્રણ વર્ષની દીકરી મૃત્યુ પામી. પિતા ને થયું તેના વિવિધ વિડીઓ ફૂટેજ એકઠા કરી એક કાયમી સ્મૃતિ રચું. તેને દીકરીના ફૂટેજ તો ઘણા મળ્યા; આંગણે, ઓટલે, પિકનિકમાં, બગીચામાં, લંચ-ડિનર, બર્થ ડે વગેરેમા ઘણાં બધા સાઈટ્સ, સીન્સ, વ્યુઝ મળ્યા પણ છતાં પિતાને થયું કે કશુંક આત્મીય ખૂટે છે. અને તેને ક્લિક થયું કે આમાંથી એક ફૂટેજમાં પણ દીકરીનો ક્લોઝ અપ કે પોર્ટ્રેઇટ નથી, તેની આંખો અને સ્મિત નથી. તે રડી પડયો કે પતંગિયાની ઉડાન જેવું અને જેટલું જીવી જનાર દીકરીનો ચહેરો જ તેની પાસે નથી. નિરર્થક એકઠું થયું, સાર્થક ચૂકાઈ ગયું. આસપાસનું ઝીલવામાં કેન્દ્ર ખોઈ નાખ્યું. પસંદગીમાં ચૂક થઈ. વિગતો વધી-બચી પણ ચૈતન્ય ખોવાયું ગયું. આપણે પણ એમ નથી કરતા? જીવનની અર્થપૂર્ણ અને આનંદપૂર્ણ, સત્વશીલ અને સૌંદર્યમય પળો જીવવાનું ચૂકી જઈએ છીએ. અને નિરર્થક વિગતોનો સામાન વેંઢાર્યા કરીએ છીએ...