Get The App

'થ્રી ડાયમેન્શન'થી જીવન-સમસ્યાનો ઉકેલ!

Updated: Feb 8th, 2025


Google NewsGoogle News
'થ્રી ડાયમેન્શન'થી જીવન-સમસ્યાનો ઉકેલ! 1 - image


- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- વ્યક્તિના જીવનમાં સમસ્યા આવે, ત્યારે એ કાં તો એનો એક જ ઉકેલ શોધે છે અને માને છે કે જો એ ઉકેલ સિદ્ધ થાય, તો જ એના પ્રશ્નોનું નિરાકરણ થશે

ફો ર્મ્યુલા વનની રેસમાં ઝૂકાવનાર મોટરચાલક હંમેશાં રસ્તા પર સીધી દ્રષ્ટિ રાખીને રેસમાં કાર દોડાવશે, જ્યારે કોઈ ગાઢ જંગલમાં ઝરણાંઓ, નદીઓ, પર્વતોની વચ્ચેથી માર્ગ કરનાર સાહસપ્રેમી આગળ વધવા માટે જુદા જુદા આડા અવળા રસ્તા ખોળવાનો પ્રયત્ન કરશે. મોટરકારના ચાલકની નજર સમક્ષ એક જ લક્ષ્ય હોય છે, જ્યારે ગાઢ જંગલો વીંધનારાઓ ચોતરફ દ્રષ્ટિ કરતા આમતેમ જઈને માર્ગ શોધતાં હોય છે.

આગળ વધવાની ક્રિયા બંનેની સમાન છે, પણ એમની રીત સર્વથા ભિન્ન છે. વ્યક્તિના જીવનમાં સમસ્યા આવે, ત્યારે એ કાં તો એનો એક જ ઉકેલ શોધે છે અને માને છે કે જો એ ઉકેલ સિદ્ધ થાય, તો જ એના પ્રશ્નોનું નિરાકરણ થશે. જ્યારે બીજી વ્યક્તિ સામે સમસ્યા આવતા જુદા જુદા રસ્તાઓ શોધીને એ આગળ ધપતી હોય છે. એક સ્થળે આગળ વધતાં સમસ્યા જાગે. તો બીજા રસ્તે ઉકેલ શોધવાનો પ્રયત્ન કરે છે. પ્લાન 'એ' નિષ્ફળ જાય, તો પ્લાન-બી તૈયાર રાખે છે. એક એકમાર્ગી રસ્તાનો ચાલક છે, તો બીજો બહુમાર્ગી માર્ગનો પ્રવાસી છે.

જીવનમાં કોઈપણ પ્રશ્ન કે સમસ્યા મૂંઝવે, ત્યારે મોટે ભાગે વ્યક્તિ એ સમસ્યાના રોદણાં રડવાં લાગી જાય છે. આવેલી સમસ્યા માટે નસીબને દોષ આપે છે. પોતે સમસ્યા હલ કરવા માટે નિર્બળ હોય, તો જાતે પ્રયત્ન કરવાને બદલે ગ્રહો, કુંડળી કે જ્યોતિષનો આશરો લે છે. આવી વ્યક્તિ પોતાની સમસ્યાના જે મુકામ પર ઊભી રહી ગઈ હોય છે, ત્યાં જ થોભી જાય છે અર્થાત્ એ સમસ્યા પર જ અટકી જાય છે.

બીજા પ્રકારના લોકો એ સમસ્યાનો ઉકેલ વિચારે છે, પરંતુ એમની વિચારધારા એવી હોય છે કે આ સમસ્યાનો આ એક જ ઉકેલ છે. એ સિવાય એના મનમાં એ વિશે બીજો કોઈ વિચાર, રસ્તો કે વિકલ્પ આવતો નથી. એ વિચારે છે કે 'પ્રમોશન' મળતું નથી, હવે એ સમસ્યાનો ઉકેલ 'બોસ'ને ખુશ કરવાનો છે, એથી બનશે એવું કે એ એક જ માર્ગે ચાલવાનું રાખશે અને 'બોસ'ને ખુશ કરવા રાત-દિવસ મજબૂરીભર્યા પ્રયત્ન કરશે.

એની સમસ્યા એક અને એના ઉકેલનો રસ્તો પણ એક. આને 'વર્ટિકલ વિચારધારા' કહે છે. એ કાટખૂણે જ વિચારતો હોય છે. પરિણામે જો એ 'બોસ'ને પ્રસન્ન કરી શકે નહીં, તો પોતાની જાતને કે આવડતને નિષ્ફળ માનશે. એની મૂશ્કેલી એ હોય છે કે એના ચિત્તમાં બીજા કોઈ વિકલ્પ આવતા નથી. એ કોઈ બીજો રસ્તો વિચારતો નથી.

ત્રીજા પ્રકારના લોકો પોતાની એક સમસ્યાના અનેક વિકલ્પોની શોધ કરે છે. માત્ર એક જ નહીં, બલ્કે બીજા રસ્તાઓનો વિચાર કરે છે. એ વિકલ્પો વિચારે છે કે કામ કરવાની મારી પદ્ધતિમાં કોઈ મૌલિક અભિગમ કે નવીન વિચાર પ્રગટ કરીને પ્રગતિ કરું. એ વિચારે છે કે એના કામમાં સાથીઓનો પૂરતો સહકાર મળતો નથી, તો સાથી કર્મચારી સાથે મનમેળ સાધીને હસીને કામ કરું તો પણ સહિયારા પ્રયાસથી સફળતા મળે. એ વિચારે કે મારા કામમાં વિશેષ લગન લગાડું, જેથી મારી તરક્કી થાય. આમ, આવી વ્યક્તિ પાસે એક પ્રશ્નના અનેક ઉપાય હોય છે. જો બોસ અસંતુષ્ટ થશે, તો બધું નિષ્ફળ જશે, એવું એક જ ઔષધ એની પાસે હોતું નથી.

એક જ સમસ્યાનો એક જ ઉકેલ શોધનારને માટે બીજા સઘળા રસ્તા બંધ થઈ જશે. એની વિચારધારા એકમાર્ગી રસ્તે જ દોડે છે. એની પાસે એક સવાલનો એક જ જવાબ છે અને જો એ જવાબ મેળવવામાં નિષ્ફળતા પામે, તો એ પોતાને સદંતર નિષ્ફળ માનશે. પ્રયત્નથી પરવારી જશે.

એક સવાલના અનેક ઉત્તરો શોધવાની વૃત્તિને કેટલાક લોકો અનિર્ણયાત્મકતા કહે છે, તો કેટલાક એને દ્વિધા તરીકે ઓળખાવે છે. એ વ્યક્તિ 'આ કરવું કે તે કરવું' એ નક્કી કરી શકતી નથી એમ પણ એને કહે છે. કેટલાક એવું દ્રષ્ટાંત પણ આપે છે કે એક વ્યક્તિએ પાણી કાઢવા માટે જમીનમાં ત્રીસ ફૂટ ઊંડો કૂવો ખોધો. એમાં પણ નિષ્ફળતા મળતાં ત્રીજી જગાએ ત્રીસ ફૂટ ઊંડો કૂવો ખોધો. એને એક કૂવામાંથી પાણી ન મળ્યું. હકીકત એ હતી કે જો એણે એક જ જગાએ ચાલીસ ફૂટ ઊંડો કૂવો ખોદ્યો હોત, તો એને પાણી મળી ચૂક્યું હોત.

આવી અનિર્ણયની મન:સ્થિતિ વિશે અનેક કથાઓ મળે છે, પરંતુ અહીં એ અનિર્ણયાત્મકતાની વાત નથી, પણ નિર્ણય કરતાં પહેલાં દરેક માર્ગ, દરેક શક્યતા કે દરેક ઉકેલો વિચારવાની વાત છે. આનું કારણ એ કે ક્યારેક આવો વિચાર કરતાં આપણને સાવ જુદો માર્ગ પણ જડી આવે. આપણા સવાલનો કોઈ જુદો ઉકેલ પણ મળી આવે.

પોતાના સંતાનને અભ્યાસમાં નિષ્ફળતા મળે, તો કેટલાક એમ સ્વીકારીને જ ચાલશે કે એને વિદ્યા ચડતી નથી. અભ્યાસમાં એ સાવ નબળો છે. કેટલાક આના ઉત્તરરૂપે તત્કાળ કહેશે કે એ રમતગમતમાં એટલો બધો સમય બગાડે છે કે એ અભ્યાસ અંગે ગંભીર નથી, તો કેટલાક એવી ફરિયાદ કરશે કે આખું વર્ષ મહેનત કરવાને બદલે એ છેલ્લો મહિનો જ અભ્યાસ કરે છે અને તેને પરિણામે સારો ગ્રેડ મેળવી શકતો નથી.

આપણી પાસે પરિસ્થિતિનો સ્વીકાર કરવા માટે કારણો પણ તૈયાર હોય છે અને તેથી બીજા વિકલ્પોનો ક્યારેય વિચાર કરતા નથી. આપણે એમ વિચારતા નથી કે એને આર્ટ્સમાં રસ છે, તેમ છતાં સાયન્સ વિદ્યાશાખામાં અભ્યાસ કરવો પડે છે, તેથી કદાચ આમ થતું હોય. ઘણીવાર વ્યક્તિ જે ફેકલ્ટીમાં અભ્યાસ કરતો હોય, તેમાં એની રુચિ ન હોય તેથી આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. એને ક્રિકેટમાં રસ હોય, તેથી એ અભ્યાસ કરતો નથી એમ વિચારવામાં આવે છે, પરંતુ એવો વિચાર કરતા નથી કે એને રસ છે એવા ક્ષેત્રમાં પ્રોત્સાહન આપીએ તો એ ભવિષ્યમાં સારો ક્રિકેટર પણ બને. મહેન્દ્રસિંહ ધોની જેવા ક્રિકેટરોને સમય જતાં અભ્યાસને બદલે ક્રિકેટ અપનાવવું પડયું અને એ પ્રભાવશાળી કપ્તાન બન્યો.

પ્રત્યેક વ્યક્તિમાં એક વિશિષ્ટ રુચિ અને પ્રતિભા નિહિત હોય છે. જેમ શંકરાચાર્યમાં તીવ્ર સંન્યસ્તભાવ હતો, અર્જુનમાં બાણાવળી થવાની ઉત્કટતા હતી, શ્રીમદ્ રાજચંદ્રને ભલે વેપાર કરવો પડયો, પણ એમનું મન તો આત્મસાધના અને મોક્ષપ્રાપ્તિમાં રમમાણ હતું.

એવું પણ બને કે વ્યક્તિનું ચિત્ત એક ક્ષેત્રમાં કુશળ હોય અને એને બીજા ક્ષેત્રમાં કામ કરવું પડતું હોય. દરેક વ્યક્તિની સમસ્યાનો એકસરખો ઉકેલ હોતો નથી. એને માટે એણે કોઈ નવો વિચાર કરવો જોઈએ અથવા તો ઉકેલની નવી રીત શોધવી જોઈએ. એક વ્યક્તિ એવી હોય છે કે રાતદિવસ પોતાનું કામ ટેબલ પર બેસીને ખંતપૂર્વક કરી શકતી હોય છે અને બીજી વ્યક્તિ એવી હોય છે કે જેના ચિત્તમાં મૌલિક લાભદાયી વિચારો આવતા હોય છે. આથી એક વ્યક્તિને માટે આકરી મહેનત એ એનો ઉકેલ છે, તો બીજાને માટે મૌલિક ચિંતન એ એનો ઉકેલ અને ઉત્તર છે.

જેમ કેટલીક વ્યક્તિ માર્કેટિંગમાં કુશળ હોય છે, તો કેટલીક પરચેઝીંગમાં માહિર હોય છે. કોઈ સર્જકને તમે શિસ્તબદ્ધ એકધારા જીવનમાં બાંધી શકતા નથી, તો વૈજ્ઞાાનિકને આવું એકધારું શિસ્તબધ્ધ જીવન વિશેષ પસંદ પડે છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન કે થોમસ આલ્વા એડિસનના જીવનમાં આપણે એ જ જોઈએ છીએ કે એમણે લાંબો સમય પ્રયોગશાળામાં રહીને એક જ લક્ષ્ય સાથે પોતાનું કાર્ય કર્યું.

આનો અર્થ એટલો જ કે બધાને એક લાકડીએ હાંકી શકાય નહીં. સમસ્યાનો ઉકેલ એ એકમાર્ગી રસ્તો નથી, પણ અનેકમાર્ગી રસ્તો છે. આપણા રોજિંદા જીવનમાં આપણે 'ટૂ ડાયમેન્શન'નો વિચાર કરીએ છીએ. પરંતુ એક પ્રશ્નનાં ઘણાં પાસાં હોઈ શકે, માટે જીવનમાં 'થ્રી ડાયમેન્શન'થી વિચાર કરવો જરૂરી છે.

સમસ્યાના ઉકેલના અનેક માર્ગો પર દ્રષ્ટિપાત કરવાથી કોઈક નવી વસ્તુ પણ મળી આવે. મોટેભાગે લોકો પોતાની સમસ્યાનો એકમાત્ર ઉકેલ હોવાનું માને છે અને એનું પરિણામ એ આવે છે કે તેઓ એ સમસ્યાથી ઘેરાઈ જાય છે. ઘણી વાર એ સમસ્યા એમના ચિત્ત પર છવાઈ જાય છે અને ક્યારેક શેક્સપિયરના હેમ્લેટના પાત્રની માફક વ્યક્તિ પોતીકી સમસ્યામાં ઘેરાઈ જાય છે.

આનો અર્થ એટલો જ કે તમે એક સવાલના એક જવાબની વિચારધારામાંથી મુક્ત બનો. એક સવાલના જુદા જુદા જવાબો પણ હોઈ શકે. તમારે માત્ર એક જ કૂવામાં ઊંડે ખોદવાનું નથી, પણ તમે જુદા જુદા કૂવામાં પણ ઊંડે ખોદી શકો છો. એવું પણ બને કે જો તમે તમારી સમસ્યાનો એક જ ઉકેલને જોશો તો કદાચ ત્યાં જ અટકી જશો અને એને પરિણામે બીજા ઘણા ઉકેલોથી અજ્ઞાાત રહેશો. જ્યારે જુદા જુદા ઉકેલ શોધનાર વ્યક્તિ એના એક ઉપાયમાં નિષ્ફળતા મળતાં અટકી જશે નહીં, એ તરત જ બીજો ઉપાય અજમાવવાની કોશિશ કરશે અને અનેક જુદા જુદા રસ્તાઓ એને દેખાશે. એની પાસે સમસ્યાના ઉકેલ માટેની પદ્ધતિની પસંદગી રહેશે અને તેથી એવું પણ બને કે સમસ્યાના ઉકેલનો કોઈ મૌલિક, કારગત, લાભદાયી, સચોટ માર્ગ પણ હાથ લાગી જાય.

ક્ષણનો સાક્ષાત્કાર

અંધારી રાતે અફાટ સાગરમાં ફંગોળાતી નાવને દીવાદાંડીનો પ્રકાશ સાચો માર્ગ બતાવે છે, એમ જીવનમાં પણ પ્રગતિ માટે અને પરાજયો સામે ઝઝૂમવા માટે કોઈ માર્ગદર્શકની જરૂર રહે છે. તમારી પાસે કોઈ સ્વર્ગીય કે જીવંત વિભૂતિનો આદર્શ હશે, પણ એ આદર્શને તમે દૂરથી જોતા હશો, એને સ્પર્શી શકતા નહીં હો. ત્યારે વાસ્તવિક જીવનમાં કોઈ માર્ગદર્શક હોવો જરૂરી છે. જે માર્ગદર્શક પાસેથી તમને મૂલ્યવાન સૂચનો મળે. જીવનનાં વિનય, સંસાર, વ્યવહાર, વ્યાપાર કે પછી અન્ય જે કોઈ ક્ષેત્રમાં તમે ગતિ કરતા હો, ત્યારે આ માર્ગદર્શકની સૂઝ અને સૂચન તમારા પ્રયાસોને આસાન બનાવે છે.

વિશેષ તો તમારા ક્ષેત્રના એ માર્ગદર્શક પાસેથી મળતી જાણકારી અને એના અત્યંત કીમતી અનુભવો જીવનભર ઉપયોગી બની રહે છે. વળી ક્યારેક મુખ્ય માર્ગથી આડા ફંટાતા હો, ત્યારે એની 'લાલ આંખ' આપણે માટે સચ્ચાઈની અને વાસ્તવિકતાની 'ગ્રીન લાઈટ' બની જાય છે. એ આપણને સાચો રસ્તો બતાવીને સરળ માર્ગે ગતિ કરાવે છે. એની સાથે પરામર્શ કરીને આપણે ઘણી જાણકારી મેળવીએ છીએ.

માટે જીવનમાં માર્ગદર્શકની ખોજ કરો. દુર્ભાગ્યે આપણે ગુરુની ખોજમાં જીવન ગાળીએ છીએ અને અથાગ પ્રયત્નો કરીએ છીએ. પણ સાથે તમે તમારા ક્ષેત્રમાં સફળ વ્યક્તિને માર્ગદર્શક બનાવો અને એના સંચિત અનુભવ પાસેથી જ્ઞાાન મેળવો, તો એ તમને ઘણા નવા માર્ગો બતાવશે. ક્યારેક તમારું નાવ ઝંઝાવાતમાં ફસાયું હશે, તો તમને એ ઝંઝાવાતમાંથી બહાર કાઢી લાવશે. એનો સામનો કઈ રીતે કરવો, એની સૂઝ અને સમજ આપશે. જીવનની નબળી ક્ષણોમાં એ તમારો સહારો બનશે, એની પાસેથી કાર્યપદ્ધતિ જાણીને તમે તમારી પદ્ધતિમાં પરિવર્તન લાવી શકશો. આવા માર્ગદર્શક પ્રત્યે સદૈવ ઋણભાવની લાગણી રાખવી. એમણે તમને માર્ગદર્શન આપવા માટે ફાળવેલા સમયની ઊંચી કિંમત આંકવી અને સદાય એમના પ્રત્યે ઉપકૃત રહેવું.


Google NewsGoogle News