ભીડ ભરાઈ જાણે રે... રહી ગયાનો રઘવાટ! સ્વર્ગ મેળવવાની લાહ્યમાં ધરતી નરક થઈ રહી છે!
- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- ધાર્મિક ટોળા એવું માને છે કે ધર્મની વાતમાં બધું ધ્યાન ઇશ્વર રાખશે, આપણે એણે આપેલી અક્કલ વાપરવાને બદલે બંધ કરીને દોટ મૂકવાની હોય!
બ ર્ટ્રાન્ડ રસેલ નોબેલ પ્રાઇઝ વિનર એવા વિખ્યાત તર્કશાસ્ત્રી, ગણિતજ્ઞા. એમની એક ટૂંકી વાર્તા 'થિયોલોજીયન્સ નાઇટમેર' ઓશોને બહુ ગમતી પોતાના અંદાજમાં થોડા ફેરફાર સાથે સંભળાવતા. ચાલો, બેઉ વર્ઝન્સ મેળવીને થોડી છૂટછાટ સાથે તૈયાર કરેલા આ સારાંશનો સ્વાદ લો :
એક ધર્મગુરૂ રાતના પોઢી ગયા ને પ્રભુને પ્યારા થઈ ગયા. એમને અહેસાસ થયો કે મૃત્યુ થયું છે, તો મોક્ષની આકાંક્ષા તો એમને હતી જ. પોતે નિત્ય જપતપ, સેવાપૂજા કરેલી છે વ્રતસંયમ ચુસ્તીથી કોઈને નડીને પણ પાળ્યા છે, તો સ્વર્ગમાં જ હશે એમ ધારી નજર દોડાવી તો મેઘધનુષી વાદળો વચ્ચે એક સ્વર્ણિમ ભવન દેખાયું. ધાર્મિક પાઠ કરતા કરતા ગુરૂએ પોતે આંબી પણ ન શકે એવો એનો દરવાજો ખટખટાવ્યો. એક વિરાટ આકૃતિએ ડોકાબારીમાંથી મોં બહાર કાઢ્યું. એને અગણિત આંખો હતી, અને મુખ તો દેખાય એમ નહોતું. સાક્ષાત પરમાત્માના દર્શન થયા છે, એમ માનીને ધર્મગુરૂ તો ઘૂંટણિયે પડી ગયા. પણ પેલા વિરાટ ઓજસ્વી આકારે કહ્યું, 'અરે, હું કોઈ ઇશ્વર નથી. એક મામુલી ચોકીદાર છું. ઇશ્વરને જોવા મળવાનું સદ્ભાગ્ય મને હજુ સાંપડયું નથી.'
ધર્મગુરૂ મૂંઝાયા. એમણે પૂછ્યું : 'તો આ સ્વર્ગ છે ?' દ્વારપાળે કહ્યું : 'સ્વર્ગની તો ખબર નથી. તમે જો ઈશ્વરના ધામની વાત કરતા હો તો એના વિશે મેં સાંભળ્યું છે, પણ કદી એ જોયું નથી.' ધર્મગુરૂને તો વીઆઇપી ટ્રીટમેન્ટની આદત પડી ગયેલી.એમણે અકળાઈને કહ્યું, 'પરમેશ્વરને મારો સંદેશો આપો કે પૃથ્વી પરથી ફલાણા ધર્મના ઢીંકણા મહાભક્ત એવા અનેક માનવોના ઉદ્ધારક માર્ગદર્શક મોટા ગુરૂ પધાર્યા છે.' ચોકિયાતે ઓર અચરજ સાથે પૂછ્યું, 'પૃથ્વી ? કઈ પૃથ્વી ? ને માનવ વળી શું ?'
ધર્મગુરૂ તો અચંબાથી ફસડાઈ પડયા ! 'અરે તને પૃથ્વી ને પરમાત્માની શ્રેષ્ઠ કૃતિ એવા માણસ વિશે ખબર નથી ? ગજબ બેવકૂફ છો !' એમની તોછડી ઉગ્રતા સાથે પરમ શાંતિથી દરવાને કહ્યું : 'સૃષ્ટિમાં તો અનેક બ્રહ્માંડ છે, અઢળક જીવો છે. આ કઈ જગ્યા ને કઈ પ્રજાતિની વાત છે એ હું જાણતો નથી. પણ હું જરા અમારા ઉપરી એવા લાયબ્રેરિયનને બોલાવું.'
ધર્મગુરૂ તો હવે રડમસ થઈ નીચે બેસી ગયા. લાયબ્રેરિયને એન્ટ્રી કરી, અને પહેરીગરે જણાવ્યું : 'આ કોઈ પૃથ્વી અને માણસ નામની જાતિની વાત કરે છે !' લાયબ્રેરિયને કહ્યું : 'આવું તો કદી સાંભળ્યું નથી !' ધર્મગુરૂ કહે : 'તપાસ તો કરો. સૂર્યમાળામાં છે એ પૃથ્વી. સૂર્ય શોધો !' લાયબ્રેરિયને નવાઈથી કહ્યું : 'કયો સૂર્ય ? ગણી ન શકાય એવા પ્રકાશિત સૂર્યો ને તારાઓ છે. તમે કયા સૂર્યની વાત કરો છો ?' ધર્મગુરૂએ પોક મૂકી. એ જોઈ લાયબ્રેરિયને કહ્યું : 'અબજો બ્રહ્માંડો છે. એમાં તમારા સૂર્ય ને તમારી પૃથ્વી ને એમાં ફરતા જંતુઓ તેવી તમારી ક્ષુદ્ર તુચ્છ માનવ નામની જાતિ શોધવામાં તો સદીઓ નીકળી જશે !'
ડઘાયેલા બેબાકળા ધર્મગુરૂના આ સાંભળીને મોતિયાં મરી ગયાં ! મૂર્છિત થવાની અણીએ એમણે બચવા માટે બૂમાબૂમ કરી અને આંખ ખૂલી તો જોયું કે પોતે પરસેવે રેબઝેબ થઈ પથારીમાં છે. પહેલાં તો થયું કે આવા સેતાની સપના માટે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. પછી તરત થયું કયા ભગવાન ? અને એ બેહોશ થઈ ગયા.
***
ધર્મ હોશ માટે હતો. પણ ધંધાદારીઓએ એને બેહોશી બનાવી દીધો ! એક સમયે અખાના છપ્પા ભણવામાં આવતા. હવે તો ભણેશરીઓ તાલિબાનની નકલ કરવાને સનાતન સનાતન કહીને એવા શૂરાતનમાં છે કે અખેદાસ સોનેરા આજે જીવતા હોત તો એમને 'ડીપ સ્ટેટ'ના અર્બન નકસલ કહીને એમના પૂતળાં બાળ્યાં હોત ! અરે, શું થયું વેદ વ્યાકરણ ભણે શું થયું ગંગાજળ પાન કીધે લલકારતા નરસિંહ મહેતાને ફરી નાતબહાર તો ઠીક, દેશનિકાલ કરી દીધા હોત ! કારણ કે આત્માને તત્ત્વદર્શન ના થાય ત્યાં સુધી આ બધાને તો મહેતાજી 'પ્રપંચ પેટ ભરવા તણા' કહેતા ! આવું અપમાન ત્રેવડ હોય તો બીજાનું કરી બતાવો એવું કહીને ટ્રોલિયાટપોરીઓ એમને તો શિવ ને કૃષ્ણ સાક્ષાત પ્રસન્ન હતા એ ભૂલી ગયા હોત !
આ જ ગરબડ છે. બધાને બીજાનું જોઈને એની કટપેસ્ટ મારીને વધુ ને વધુ કટ્ટર ધાર્મિક થવું છે, પણ બીજાની ઘેલછા જોઈને ચેતીને વધુ જાગૃત વૈજ્ઞાાનિક નથી થવું ! સ્વતંત્ર વિચાર જ ના કરી શકે એ શું ખાખ પોતાના કર્મ બાબતે આત્મનિર્ણય લઈ શકે ? બધાને સ્પર્ધા કરવી છે, વધુ ને વધુ સાચા મુસલમાન થવાની કે હિન્દુ, શીખ, જૈન વોટએવર થવાની. પણ સાચા માણસ બનવામાં કાંટા લગાઆઆઆ ગાવું પડે એમ છે. હજયાત્રા હોય કે કુંભનો મેળો ભીડ ભેગી થાય ને જો એનું સાયન્ટીફિક મેનેજમેન્ટ ના થાય, તો ધક્કામુક્કી જ ધર્માચરણ બની જાય !
આપણે ભારતમાં આમ તો બહુ મોટી મોટી ફેંકીએ છીએ ધાર્મિક હોવા બાબતે. પણ ધર્મના નામે બહાદૂર તો બનતા નથી. ડરપોક ને ડોબા બનીએ છીએ, જેને કોઈ પણ અફવા ફેલાવીને ઉલ્લુ બનાવી જાય ! ચોરીચપાટી, ખૂનામરકી, બળાત્કાર કશું ઓછું નથી થતું. મોટા ભાગના ગુનેગારો નાસ્તિક નહિ, આસ્તિક નીકળે છે. જેલમાંથી કે સજામાંથી બચવા કોઈ ધર્મગુરૂ કે વિધિઓના શરણે જાય છે ! ધર્મ જો તમને ધંધાથી લઈને કોઈ પણ વહેવારમાં નૈતિક, પ્રામાણિક, ઇમાનદાર, સંવેદનશીલ, માનવતાવાદી ના બનાવી શકે તો એને ધર્મ કહેવાય કઈ રીતે ? એ તો કેવો ધાર્મિક માણસ જે અમુક સમય પૂરતું તપ કરે અને પછી પાપ કરવાની પરમિટ મેળવી લે ? અંતરાત્મામાં બેઠેલા પરમાત્મા ચોવીસ કલાક ચાલતું સીસીટીવી છે, એટલી ખબર ના પડે ! કે ભગવાનને છેતરવાના છે ભક્તિના નામે ?
આવા સવાલો થવા જોઈએ. તો જ પ્રગતિ થાય. જસ્ટ થિંક, જો ચોક્કસ તિથિએ ચોક્કસ જગ્યાએ સ્નાન કરવાથી જ પાપ ધોવાઈ જાય ને મોક્ષ મળી જાય એવું માની લેવું હોય, તો પછી સત્કર્મો સતત કરવાની જરૂર જ ક્યાં રહી ? ઘણા કુંડળી સેટ કરવા પ્લાન્ડ સીઝેરિયન કરી બાળકની પ્રસૂતિ કરાવે છે, એમ પ્લાન્ડ મોક્ષ થઈ જાય ! કોઈ સંન્યાસીએ વર્તમાન પ્રયાગરાજના મહાકુંભમાં મૌની અમાવસ્યાએ શાહી સ્નાન માટે જ ભગદડ મચી ને મોત થયા એ બાબતે પોકારીને કહ્યુ છે કે, 'આ તો શ્રદ્ધાની વાત છે.' અરે બાપજી શ્રદ્ધાની જ વાત હોય ને શ્રદ્ધા જ સર્વોપરી હોય તો ઘરમાં ટબૂડી ભરીને ન્હાઈ લેવામાં પણ ગંગા સ્નાનનું પુણ્ય મળે ! કેમ કે શ્રદ્ધા મહત્ત્વની છે ને એના જોરે ઘરની ડોલનું જળ પણ પવિત્ર થઈ ગયું ! આમે આપણે સ્વચ્છતામાં ગંદા ગોબરા છીએ, જ્યાં સ્વચ્છતા સરખી નથી, ત્યાં પવિત્રતા કેવી રીતે પ્રવેશી શકે ? એક એવો સમય હતો જ્યારે લોકપ્રિયતામાં સર્વોચ્ચ સ્થાને બેઠેલા અને ભારતીય હિન્દુ શાસ્ત્રોના આસ્થાવાન અભ્યાસુ મહાત્મા ગાંધી આવી બધી વાતો કરતા બેખૌફ. કારણ કે એમની ઇચ્છા સ્વરાજ માટે સારા નાગરિકો ઘડવાની હતી. ધર્મભીરૂ અને એથી જ ધર્મઝનૂની ઘેટાંઓના ટોળા ભેગા કરવાની નહોતી !
જગદ્ગુરુ કહેવાતા આદિ શંકરાચાર્યે બુદ્ધ અને મહાવીરની શ્રમણ સંસ્કૃતિનો પ્રભાવ વધેલો જોઈને અખાડાઓને ઓર્ગેનાઇઝ્ડ કર્યા, એ પછી અર્ધ, પૂર્ણ અને મહાકુંભ જેવા મેળા આરંભે તો વિવિધ સાધુસંન્યાસીઓ ભેગા થઈને અનુભવોની આપ-લે કરે એ માટે હતી. વાર્ષિક સભા કે મીટીંગ જેવું કારોબારીની ! ધીરે ધીરે એમા જનસામાન્યનો પ્રવાહ પણ જોડાતો ગયો. બાકી પ્રમાણભૂત વેદ કે ઉપનિષદોમાં કુંભમેળાની વિધિવિધાનો કે શાહી કે મહાન સ્નાનોના ઉલ્લેખ નથી. અમૃતમંથનની પુરાણકથા છે. પણ ચાર ટીમો પડતાં ચાર મેળા ભરાયા, એવું એ દેવદાનવોએ વાસુકિ નાગના દોરડાથી મંદાર પર્વતનું વલોણું કર્યું, એમાં નથી. જો કે, આવું તો ઘણું કોઈ ચોક્કસ તવારીખી ઇતિહાસ વિના લોકસંસ્કૃતિમાં ભળી જાય છે. દિવાળીના ફટાકડા, સંક્રાતિની પતંગ, હોળીના રંગો કે નવરાત્રિના રાસની માફક !
સરસ. મોકો મળે, અનુકૂળતા હોય ને ચાલવાની, ભીડ ખમવાની ત્રેવડ હોય તો જરૂર જવાય કુંભમેળામાં. એક ઘટના તરીકે એ વિરલ છે સંસારમાં.પણ એક બાળકની વિસ્મયભરી આંખ લઈને જવું જોઈએ તીર્થક્ષેત્રમાં, અંધશ્રદ્ધાથી મીંચાયેલા પોપચા લઈને નહિ ! આકાશ તરફ મીટ માંડો ટેલીસ્કોપ લઈને કે દરિયાના પેટાળમાં ડૂબકી મારો- આ બધી અજાયબીનો રોમાંચ છે. વિવિધ કળાઓ કે તમામ પ્રકારના સૌંદર્યને માણવામાં જાત ખોવાઈ જાય છે. ભૂલાઈ જાય છે. આ જ તો મૂળ વાત છે ભક્તિની પણ જાતને ભૂલી જવી એ. પરમાત્માની પ્રકૃતિ હોય કે આત્માની સર્જકતા હોય. અગત્યનું છે આ 'હું'ના હોવાપણાનું વિસ્મરણ. એ મમતા કુલકર્ણીની ફિલ્મમાં મળે તો એના મહામંડલેશ્વર હોવા કે ના હોવાની પણ ફિકર શા માટે કરવી ? ગોળ વાળેલો લાડુ ખાવ કે છૂટું ચૂરમુ જમો. સ્વાદ બદલાવાનો નથી !
તો મોકો મળ્યે મહાકુંભમાં જવું હોય તો જવું જ. ખોટા ખર્ચ કરીને ઘાંઘા થઈને નહિને નહિ. સાહજીક જઈ શકાય તો ફાવે ને ઠંડી ના લાગે તો ડૂબકી પણ મારવી. પણ એને પાપ ધોવાનો પાસપોર્ટ અને મોક્ષ મેળવવાનો વિઝા સમજીને નહિ. આમ તો પૃથ્વી શૂન્યાવકાશમાં છે એટલું તો ચંદ્રયાન કે સુનીતા વિલિયમ્સ થકી પણ સાબિત થયું છે. પણ માણસને કહાની ગમતી હોય છે બાકી, 'ઉપરવાળો' જે કોઈ હોય એ એક ડૂબકીથી તમારા બધા ગુના સાફ કરીને, નવા ગુના માટે માફ કરીને બેસી જાય એવો અન્યાય કરતો લેભાગુ લીડર ના હોય.
ગંગા તો આ દેશમાં યુગોથી વહે છે. ધર્મના નામે 'રામ તેરી ગંગા મૈલી હો ગઈ, પાપીઓ કે પાપ ધોતે ધોતે' જેવી પ્રદૂષિત માણસોએ કરી નાખી. કુંભમેળા પણ સદીઓથી ભરાય છે એને કારણે કંઈ હજારો વર્ષની ગુલામી ઘટી નહિ કે અત્યાચારો ઓછા થયા નહિ. આ લેખ લખાય છે એ બોલપેન કે વંચાય છે એ પ્રિન્ટિંગ ટેક્નોલોજી કે ડિજીટલ ટેક્નોલોજી પણ અહીં અમૃત મંથન થકી સ્વયંભૂ પ્રગટી નહિ. અરે, હમણાં જ તો કોવિડમાં ત્રાહિમામ્ પોકારી ગયેલા બધા ! રસી શોધાઈ નહિ ત્યાં સુધી ઘરમાં ઘૂસીને કાચબાની પેઠે સંકોરાઈને બેઠેલા એ ભૂલી ગયા ? આ બધા ધ.ધૂ.પ.પૂ.ઓ યાને ધર્મધુરંધરપરમપૂજ્યશ્રીઓ પોતે ઠંડી ના લાગે, સૂર્યપ્રકાશ પર જીવી શકે, હવામાંથી ફળ પેદા કરે એવા 'ચમત્કારો' કરી શકતા હશે, પણ એક અદ્રશ્ય વાઇરસ સામે તક હતી તો કોઈ ધર્મના કોઈ પણ ખેરખાંએ આખી દુનિયાનું સંકટ ટળે અને જીવ બચે એવો ચમત્કાર દેખાડયો નહિ !
સ્વયં શંકરાચાર્ય અહં બ્રહ્માસ્મિના નાદે કહી ગયા 'ચિદાનંદ રૂપં શિવોહમ્ શિવોહમ.' અંદરનું અમૃત મળી જાય તો મૃત્યુનો ભય ટળી જાય, એ એમનો ભાવ હતો. જેને અસ્તિત્વ કહીએ એના ત્રણ દરવાજા તો સત્ય, પ્રેમ અને કરૂણા છે ! આપણે ત્યાં સંસ્કૃતમાં ધર્મ શબ્દ ધારયતે ઇતિ ધર્મ એમ આવ્યો છે. જે ધારણ કરો એ ધર્મ. આ વેશ કે ટીલાંટપકાં કરવાની વાત નથી. આપણા ભગવાનો સંસારી છે, સંન્યાસી નથી. આ છે સ્વનિયંત્રણ, સ્વઅનુશાસન ધારણ કરવું તે. જેલમાં પરાણે ઉપવાસ કરવામાં આદેશનું પાલન છે પણ મહેલમાં બેસી પ્રલોભનો અનુકૂળતા હોવા છતાં ઉપવાસ કરવામાં ઉદ્દેશ માટેનું અનુશાસન છે. શિસ્ત અને નીતિ ન હોય, ત્યાં ટોળાઓ ધક્કામુક્કી કર્યા કરે !
હવે તો આપણે સનાતનના ઓઠાં નીચે ઘડિયાળના કાંટા ઉંધા ફેરવીને બધા સુધારા પર પાણી ફેરવીને ન્હાઈ નાખવાનું જોશ ચડયું છે. એમાં બુદ્ધિ કે જ્ઞાાનની, પ્રેમ કે રસની વાત કરવી એ પણ પાપ લાગે એવો માહોલ થતો જાય છે. બધે ટોળાઓ ઉભરાય છે. ટ્રાફિક જામ જોઈ લો, અધીરાઈથી
આગળ નીકળવામાં બધા ફસાઈ જાય છે. એક જરાક સુંદર આંખવાળી સાધારણ છોકરી દેખાઈ તો ત્યાં લાઇક્સ માટે ભીડ ભેગી થઈ ગઈ ! ટોળું આ કોઈ આધ્યાત્મિક નથી. મસાલાનું ભૂખ્યું છે નિતનવા. સંસારત્યાગીઓ બીજાઓને પાડી દેવાની, દેખાડી દેવાની હરીફાઈઓ કરે છે ! મોક્ષ જો તદ્દન નિર્વિકાર અવસ્થા હોય તો અહંકારથી પશ્ચિમ કે ફિલ્મો કે યૌવન કે રસિકતાને વખોડયા કરવાના રિએક્શન આપનારને એ ્પ્રાપ્તિ ક્યાંથી થાય ? અહીં રેલ્વે સ્ટેશનથી લગ્નના રિસેપ્શન સુધી ભીડના ભડાકા છે. બધાને એવું લાગે છે કે આપણે રહી જવાના છીએને બીજા લ્હાવો લઈ જવાના છે. આ દેખીતી કામના પર કંટ્રોલ નથી ને વાત ધર્મસંયમની કરવી છે ! બીજાને કચડીને પણ ગભરાટ કે લાલચમાં દોટ મૂકતી ભીડને ભીડભંજન ન મળે.
અધ્યાત્મ એકાંતમાં ખીલે ને શાંતિમાં ભુલે શોરબકોર ને ઉતાવળ એ અ-ધાર્મિક આસુરી લક્ષણ છે. તમસ છે સ્વર્ગના સ્વપ્નો જોવા કરતાં કોઈને નડયા વિના જવાબદારીને હોંશથી કામ કરીને આ ધરતી જ સ્વર્ગ બનાવો ને ! ઉપર શું છે, એ તો જોયું નથી. તો નીચે સ્વર્ગ ને બદલે નરક જેવી ગંદકી ને ભીડના ઠોંસા સર્જીને દુ:ખી શા માટે થવું ? કર્મને પકડે ને કર્મકાંડને છોડે, એ ખરી સાધુતા છે. આપણે ત્યાં જેટલી ધર્મની વાતો થાય છે એથી વધુ ધનનો મોહ છે. સ્વાર્થને બદલે સાત્ત્વિકતા હોત તો ઘડીઘડી ઇમાનદારી અને માનવતા ડૂબી ન જતા હોત ! તો મહાકુંભને એક 'ઇવેન્ટ' બનાવીને માર્કેટિંગ ના થયું હોત ! ટ્રેજેડી તો એ છે કે આપણે પણ જખ મારીને બચવા કે ટકવા માટે આ ટોળામાં ધક્કામુક્કી કરતા શીખવું પડે છે !
મંથન વિના અમૃત મળતું નથી, ને મંથન કરવામાં બધાએ ભેગા થવું પડે છે, ઝેર પણ સહન કરવું પડે છે ને અન્ય મોહમાં ગૂંચવાયા વિના અમૃતકુંભ સુધી જવું પડે છે, એટલું સમજાય તો પણ ગંગા નાહ્યા ! બાકી કુંભના ભક્તો કરતા કોલ્ડપ્લેના ફેન્સમાં વધુ અનુશાસન છે. એ આધુનિકતાને આવકારનો ચમત્કાર છે !
ફાસ્ટ ફોરવર્ડ
જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી
ઝાકળના બિંદુમાં જોયો
ગંગાનો જળરાશિ !
(હરીન્દ્ર દવે)