Get The App

મેરી ‌બિલ્‍લી, તુઝકો મ્‍યાંઉ! .

Updated: Feb 9th, 2025


Google NewsGoogle News
મેરી ‌બિલ્‍લી, તુઝકો મ્‍યાંઉ!                               . 1 - image


- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા

‌- ગઈ કાલ સુધી Copycat/ કોપીકેટ/ નકલખોર ચીની ‌બિલ્‍લી આજે ‌વિજ્ઞાન-ટેક્નોલો‌જિના નહોર વડે જગતને ‘મ્‍યાંઉ’ કરતી શી રીતે થઈ?

- કોપીબાજીની પ્રે‌ક્ટિસ ચીની કોપીકેટે ઘણાં વર્ષ કરી. ચીજવસ્‍તુના ‌ડિઝાઇ‌નિંગથી માંડીને કાર્યક્ષમ ઉત્‍પાદનની ગડ આસ્‍તે આસ્‍તે કરતાં બેસી ગઈ, એટલે તેણે અત્‍યાર સુધી ટેબલના ખાનાંમાં મૂકી રાખેલી અકલને બહાર કાઢી.

‌કિસ્‍સો લગભગ બે દસકા પુરાણો છે. આટલાં વર્ષ તેને અહીં યાદ કરવાનું ચોક્કસ કારણ છે, જેની રસપ્રદ ચર્ચા માટે એકાદ-બે ફકરા રાહ જુઓ. દરમ્‍યાન ‌કિસ્‍સો જાણી લો.

વર્ષ ૨૦૦પના કો’ક ર‌વિવારે અમદાવાદના ખ્‍યાતનામ બૂક સ્‍ટોરની મુલાકાત વખતે New Arrivals/ નવાં પુસ્‍તકો ‌વિભાગમાં એક બૂક તરફ નજર ખેંચાઈ. કવર પેજ પર અમે‌રિકન રાષ્‍ટ્રધ્‍વજના બ્રોચને ‘Made in China’ એવું લેબલ ‌ચિપકાવેલું બતાવ્‍યું હતું. ‌ગ્રા‌ફિક ડિઝાઇનના દૃ‌ષ્‍ટિકોણે ‌ચિત્રમાં કંઈ ધ્‍યાનાકર્ષક નહોતું, પણ ‌ચિત્રનો ગૂઢાર્થ ધ્‍યાન ખેંચે તેવો હતો. ઉત્‍પાદન ખર્ચમાં કાપ લાવવા માટે દેશના રાષ્‍ટ્રધ્‍વજથી માંડીને ઇલેક્ટ્રો‌નિક્સ ચીજવસ્‍તુઓનું ‌નિર્માણ ચીનને સુપરત કરીને બેઠેલા મૂડીવાદી અમે‌રિકાનું ખુમારી ‌ગિરવે મૂકીને ખણખ‌ણિયાં પાડવાનું માટીપગું વલણ તે ‌ચિત્રમાં છતું થતું હતું. ‌ચિત્રની નીચે પુસ્‍તકનું શીર્ષક લખ્યું હતું—China, Inc.: How the Rise of the Next Superpower Challenges America and the World.

બૂકના કવર પેજની માફક તેનું શીર્ષક પણ ગૂઢાર્થવાળું જણાયું, એટલે China, Inc.ની એક નકલ ખરીદી લીધી. ર‌વિવારની એ રાત્રે પુસ્‍તકનાં કેટલાંક પાનાં વાંચ્‍યાં ત્‍યારે સમજાયું કે લેખક ટેડ ‌ફિશમેને ચીનનું શા‌બ્‍દિક ‌ચિત્રણ એક દેશ ન‌હિ, બલકે ઇન્‍કોર્પોરેશન અર્થાત્  વ્‍યાપારી કંપની તરીકે કર્યું હતું. એવી કંપની કે જે અમે‌રિકન બ્રાન્‍ડનાં વસ્‍ત્રો, જૂતાં, સ્‍ટેશનરી, રમકડાં, મોબાઇલ ફોન વગેરે સેંકડો ચીજવસ્‍તુઓનું મેઇડ‌-ટુ-ઓર્ડર જથ્‍થાબંધ ઉત્‍પાદન કરી આપતી હતી. બદલામાં મજૂરી પેટે એટલું નજીવું ‌બિલ ફાડતી કે અમે‌રિકન કંપનીઓને ઉત્‍પાદન ખર્ચ પાં‌ચિયા-દ‌સિયા જેવો ‌ચિલ્‍લર લાગતો. ઉત્‍પાદન ખર્ચ ઘટાડીને વધુ નફો રળવાના સાટામાં અમે‌રિકાએ પોતાની ખુમારી ‌ચીની લાલાને ત્‍યાં ‌ગિરવે મૂકી દીધી હતી. આથી દેશની ગ‌રિમા અને ગૌરવના પ્રતીક સમા રાષ્‍ટ્રધ્‍વજ બનાવવાનું કામ પણ ચીની કારખાનાંને સોંપી દેવામાં અમે‌રિકાને ક્ષોભ-સંકોચ નહોતો.

ટેડ ‌ફિશમેન ‌લિ‌ખિત China, Inc. પુસ્‍તક વાંચતો ગયો તેમ ચીનની ચાતુરીભરી ચાલના એક પછી એક આંચકા મળતા ગયા. ઘરઆંગણે સાવ સસ્‍તા ઉત્‍પાદન ખર્ચના છૂપા હ‌થિયાર વડે ચીની કારખાનાં અમે‌રિકન ઔદ્યો‌ગિક એકમો સામે બહારવ‌ટિયે ચડેલાં.   પરંતુ વધુ નાણાંના લોભમાં બ્‍લાઇન્‍ડ જુગારી બાજી ખેલી રહેલાં એકમોને તેની ગંભીરતા સમજાતી નહોતી. ‌ફિશમેનના પુસ્‍તકમાં જાણવા લાયક અનેક બાબતો પૈકી એક પ્રકરણ તો ખાસ વાંચવા લાયક હતું : Pirate Nation. અર્થાત્ ચાં‌ચિયાગીરી ખેલતું રાષ્‍ટ્ર!

લેબર વર્કના ધોરણે ઉત્‍પાદન માટે પોતાને ત્‍યાં જે કોઈ અમે‌રિકન ચીજ આવતી તેનું ચીની કારીગરો ‌રિવર્સ એ‌ન્‍જિ‌નિય‌રિંગ કરતા. નકલબાજી વડે હૂબહૂ તેના જેવી ચીજ બનાવી દેતા અને પછી ભારત સ‌હિત અન્‍ય એ‌શિયાઈ દેશોમાં એવા ડુ‌પ્‍લિકેટ સસ્‍તા માલનો થોકબંધ જથ્‍થો ખડકી દેતા. આ જાતની ઔદ્યો‌‌ગિક ચાં‌ચિયાગીરી વડે ચીન ત્‍યારે વર્ષેદહાડે ૮૦ અબજ ડોલરની માતબર રકમ કમાતું હતું.

ચીનની ખંધી વ્‍યાપારી રમત ‌વિશે ટેડ ‌ફિશમેને તેમના China, Inc. પુસ્‍તકમાં અમે‌રિકા આગળ લાલબત્તી ધરી હતી કે, ચીનનું આક્રમક વલણ જોતાં આજે તેને જો રોકવામાં ન‌હિ આવે તો આવતી કાલે તે આ‌ર્થિક તથા ઔદ્યો‌ગિક સુપરપાવર બની જશે.

■■■

જુઓ, આજે બરાબર વીસ વર્ષ પછી ટેડ ‌ફિશમેનની ભ‌વિષ્‍યવાણી સાચી પડતી દેખાય છે. ગઈ કાલ સુધી પારકી ટેક્નોલો‌જિની ચાં‌ચિયાવૃ‌તિ વડે તફડંચી કરતું નકલબાજ ચીન આજે ‌વિજ્ઞાન-ટેક્નોલો‌જિના ક્ષેત્રે ક્યાંનું ક્યાં આગળ નીકળી ગયું છે. આની પુ‌ષ્‍ટિ આપતો તાજો દાખલો ‘ડીપસીક’ નામનું ચીની બનાવટનું આ‌ર્ટિ‌ફિ‌શિયલ ઇન્‍ટે‌લિજન્‍સ/ Ai મોડલ છે, જેનું ગયા મ‌હિને આગમન થતાંવેંત અમે‌રિકન બ્રાન્‍ડનાં ‘ચેટ જીપીટી’, ‘કો-પાઇલટ’ અને ‘જે‌મિની’ જેવાં Ai મોડલ્‍સને અત્‍યંત માથાભારે પ્ર‌તિસ્‍પર્ધી મળ્યો છે. કારણ કે, ‘ડીપસીક’ થકી Ai ને બુ‌દ્ધિમત્તાની ‌નિસરણી પર બે સ્‍તર ઊંચે ચડવાનો મોકો મળ્યો છે.

બીજો દાખલો, જે પણ તાજેતરનો છે. જગતભરના સ્‍ટીલ ઉત્‍પાદન કારખાનાંમાં બ્‍લાસ્ટ ફર્નેસ કહેવાતી પરંપરાગત પદ્ધ‌તિ વડે વર્ષોથી સ્‍ટીલ બનાવવામાં આવે છે. કાચા લોઢા પર ‌વિ‌વિધ સંસ્‍કરણો કરવામાં પાંચથી છ કલાક વીતે ત્‍યારે માંડ ઔદ્યો‌ગિક ગ્રેડનું સ્‍ટીલ બની રહે છે. સંસ્‍કરણો અને સમય બેયનો શોર્ટ-કટ અત્‍યાર સુધી કોઈ દેશ શોધી શક્યો નહોતો. ડિસેમ્‍બર, ૨૦૨૪માં ચીની ‌વિજ્ઞાનીઓએ સફળતાનું મોતી વીંધી બતાવ્યું. ફ્લેશ આયર્ન મે‌કિંગ નામની સાવ નવી રીતનો તેમણે આ‌વિષ્‍કાર કર્યો, જેના અંતર્ગત કાચા લોઢા પર વન-બાય-વન સંસ્‍કરણો કરવાનાં થતાં નથી. બ્‍લાસ્‍ટ ફર્નેસ રીતમાં પાંચ-છ કલાકે લોઢાનું સમૃ‌દ્ધિકરણ થતું, જ્યારે ફ્લેશ આયર્નની ચીની રીતમાં સમયાવ‌ધિ સંકોચાઈને પાંચ સેકન્‍ડ (હા, સેકન્‍ડ) થઈ ગઈ છે. જુદી રીતે કહો તો ચીની ‌વિજ્ઞાનીઓએ સ્‍ટીલ ઉત્‍પાદન પાછળ ખર્ચાતા સમયને ૩,૬૦૦ ગણો અને વીજળીક વપરાશને ૩૩ ટકા ઘટાડી નાખ્‍યો છે.

ત્રીજું ઉદાહરણ : પૃથ્‍વીના માથે છીછરી ભ્રમણકક્ષામાં (લો-અર્થ ઓરબીટમાં) ચક્કર કાપતા સંદેશાવ્‍યવહાર ઉપગ્રહો જોડે રેડિયો મોજાં થકી ઇન્‍ટરનેટ જોડાણ સ્‍થાપવામાં આવતો હોય છે. આમાં કશું નવું યા અસાધારણ નથી. વર્ષોથી એ રીતે જગતનો ઇન્‍ટરનેટ વ્‍યવહાર ચાલે છે. પરંતુ ચીને એ પ્રણાલીમાં બદલાવ લાવી બતાવ્યો છે. સંદેશાવ્યવહારના ચીની ઉપગ્રહે ભૂ‌મિગત કેંદ્ર જોડે રે‌ડિયો મોજાંને બદલે લેસર ‌કિરણના શેરડા વડે ઇન્‍ટરનેટ ‌લિંક સ્‍થાપી છે. રે‌ડિયો તરંગો કરતાં પ્રકાશના શેરડા પર ડેટાનું ક્યાંય વધારે અને ઝડપી વહન થાય. (ઓ‌પ્ટિકલ ફાઇબર તેનો દાખલો છે.) પ‌રિણામે ચીની ભૂ‌મિગત કેંદ્રને મળેલી ઇન્‍ટરનેટની ઝંઝાવાતી સ્‍પીડ હતી: ૧૦૦ ‌ગિગા‌બિટ્સ પ્ર‌તિ સેકન્‍ડ!

આવાં ઉદાહરણો બીજાં ઘણાં છે, પણ તેમનો ‌કુતૂહલ જગાડતો ‌સાર એટલો કે હજી બે-અઢી દસકા પહેલાં પ‌શ્ચિમી ટેક્નોલો‌જિની તફડંચી પર નભતું copycat/ કોપીકેટ ચીન આજે જગતમાં પોતાની ટેક્નોલો‌જિનો ડંકો વગાડતું શી રીતે થયું? ગઈ કાલ સુધી ઘૃણા-‌‌તિરસ્‍કારની નજરે જોવાતું Made in China લેબલ આજે સર્વસ્‍વીકૃત બ્રાન્‍ડ કેમ બની ચૂક્યું છે? ત્રણ ‌વિશ્લેષણાત્‍મક મુદ્દા વડે આનો જવાબ મેળવીએ.

■■■

• મુદ્દો નં.૧ : વળી પાછા ૨૦૦પના એ યુગમાં ચાલો કે જ્યારે ચીન પરદેશી ટેક્નોલો‌જિની નકલખોરી વડે અવનવી ચીજવસ્‍તુઓ બનાવતું હતું. કઈ ‌વિદેશી વસ્‍તુની નકલ કરવી અને શેની ન કરવી તે બાબતે તેણે કોઈ છોછ યા ધારાધોરણો રાખ્યા નહોતાં. બાળકોનાં રમકડાંથી માંડીને મોટેરાંનાં રમકડાં (મોબાઇલ ફોન) સુધીની સેંકડો આઇટમ્‍સ ચીની કારખાનાંમાં કોપી-પેસ્‍ટના ધોરણે બનતી હતી. રિવર્સ એ‌ન્‍જિ‌નિય‌રિંગ વડે મર્સિડીઝ, બેન્‍ટલે, પોર્શે, રોલ્‍સ રોઇસ જેવી વૈભવી મોટરોનાં તથા કાવાસાકી, હોન્‍ડા અને બજાજ જેવા બ્રાન્‍ડની મોટરસાઇકલોનાં ચાઇનીઝ હમશકલ તેણે બનાવી દીધાં—અને તે પણ સાવ નજીવા ભાવમાં!

જેમ કે, ‌બ્રિ‌ટિશ બનાવટની રોલ્‍સ રોઇસ ફેન્‍ટમનો ૨૦૧૦ની સાલમાં ભાવ ૩,૮૦,૦૦૦ ડોલર હતો. પરંતુ ચીને તે ગાડીની ‌ગિલી-GE નામની કોપી ફક્ત ૪૦,૦૦૦ ડોલરમાં વેચાણ અર્થે બજારમાં મૂકી હતી.

આવી નકલખોરી કરવા પાછળનો મકસદ થોકબંધ નાણાં રળવાનો ખરો. પરંતુ તે એકમાત્ર ઉદ્દેશ નહોતો. વાસ્‍તવમાં ચીને 'you fake it till you make it' ની‌તિ અપનાવી હતી. સરળ શબ્‍દોમાં તેનો અર્થ એ કે અસલ પ્રોડક્ટ બનાવવા માટે સક્ષમ ન બનો ત્‍યાં સુધી નકલ પ્રોડક્ટ બનાવવાની પ્રે‌ક્ટિસ કરતા રહો.

કોપીબાજીની પ્રે‌ક્ટિસ ચીને ઘણાં વર્ષ કરી. ચીજવસ્‍તુના ‌ડિઝાઇ‌નિંગથી માંડીને કાર્યક્ષમ ઉત્‍પાદનની ગડ આસ્‍તે આસ્‍તે કરતાં બેસી ગઈ, એટલે તેણે અત્‍યાર સુધી ટેબલના ખાનાંમાં મૂકી રાખેલી અકલને બહાર કાઢી. પોતાની કંપનીઓ સ્‍થાપી અને તેમના બેનર હેઠળ ‌વિ‌વિધ ચીજવસ્‍તુઓનું ‌નિર્માણ હાથ ધર્યું. આ ગેમ-પ્લાન હજી સરળતાથી સમજવો હોય તો મોબાઇલ ફોનનું દૃષ્‍ટાંત લો. વર્ષો પહેલાં ચીની કારખાનાં નો‌કિયા, મોટરોલા અને સેમસંગ જેવાં ‌વિદેશી ફોનની સસ્‍તી નકલ તૈયાર કરતાં. કોપીબાજી વડે ફોન બનાવવાની લાંબી પ્રે‌ક્ટિસ પછી આજે શાઓમી, રેડમી, હુઆવે, ઓપો, પોકો, ‌વિવો વગેરે ચીની કંપનીઓનાં મોબાઇલ ફોન જગતભરમાં પ્રસરી ચૂક્યાં છે. અમે‌રિકન, ‌બ્રિ‌ટિશ, ઇટા‌લિયન તથા જર્મન ગાડીઓની સસ્‍તી કોપી બનાવનાર ચીન આજે હેક્ટર બ્રાન્‍ડની અદ્યતન ગાડીઓ બનાવીને (ભારત જેવા ઘણા દેશોમાં) વેચી રહ્યું છે. વીસેક વર્ષ પહેલાં રોલ્‍સ રોઇસ ફેન્ટમની નકલ વડે પોતાની કાર‌‌કિર્દી શરૂ કરનાર ચાઇનીઝ ‌ગિલી કંપની આજે જગતભરમાં ૨૧.૭ લાખ મોટરો વેચતી થઈ છે. ઇલે‌ક્ટ્રિક કારની ટેક્નોલો‌જિમાં તો ચીની કાર કંપનીઓ સૌથી મોખરે છે.

■■■

• મુદ્દો નં.૨ : 'You fake it till you make it' ની‌તિ લાંબો સમય અપનાવ્યા પછી ચીને નકલને બદલે અકલથી કામ લેવાનું શરૂ થર્યું ત્‍યારે દેશમાં યુવા બુ‌દ્ધિધનની જરૂ‌રિયાત ઊભી થતાં ‌બિ‌જિંગ સરકારે Thousand Talents Plan નામનો મહત્ત્વાકાંક્ષી પ્‍લાન ઘડી કાઢ્યો. પ્‍લાનનો ઉદ્દેશ પરદેશમાં સ્‍થાયી થયેલા અથવા ભણી રહેલા ચીની ભેજાબાજોને પાછા બોલાવી  તેમની પાસે દેશના ટેક્નોલો‌જિકલ ‌વિકાસ માટે કામ લેવાનો હતો.

પ‌શ્ચિમી દેશોમાં સોફ્ટવેર, હાર્ડવેર, પ્રોગ્રા‌મિંગ, ઇજનેરી, તબીબી, ‌વિજ્ઞાન, ‌વિમાન‌વિદ્યા, રોકેટશાસ્‍ત્ર, શોધ-સંશોધન જેવી ‌વિ‌વિધ શાખામાં કામકાજ કરતા ચીની યુવક-યુવતીઓને ‌બિ‌જિંગ સરકારે સ્‍વદેશ પાછા ફરવા તેડું મોકલાવ્યું. પ‌શ્ચિમી દેશોમાં તેમને જે પગાર મળતો તેના કરતાં ક્યાંય તગડા પગારભથ્થાંની ઓફર કરી એટલું જ ન‌હિ, પગાર ઉપરાંત વીમો, તબીબી, સસ્‍તી હાઉ‌સિંગ લોન જેવી સવલતો પણ આપી.

પ્‍લાન ચુંબકીય હોવાથી અનેક ચીની બુ‌દ્ધિજીવીઓ ખેંચાઈ આવ્યા. જેમ કે, ૨૦૧૨ના વર્ષ દરમ્‍યાન ૨,૭૨,૯૦૦ ચાઇનીઝ યુવક-યુવતીઓ સ્‍વદેશ પાછા ફર્યા. અધૂરો અભ્‍યાસ ઘરઆંગણે પૂરો કર્યો અને પછી જે તે ક્ષેત્રે ‌બિઝનેસ કરતી ચીની કંપનીમાં આકર્ષક પગારે જોડાઈ ગયા. દેશનું ‌કિંમતી બુ‌દ્ધિધન દેશને પાછું મળે એ માટે Thousand Talents Plan અંતર્ગત સરકારે બહુ સમજદારીનું પગલું ભર્યું. જો કે, હજી તેમાં એક વધારાનું ડગલું આગળ વધવાનું બાકી હતું—દેશમાં નવાં વ્‍યાપારી સાહસોને પ્રોત્‍સાહન આપવાનું!

■■■

• મુદ્દો નં.૩ : પરદેશથી દેશગમન કરી ચૂકેલા બુ‌દ્ધિધનને  નાના-મોટાં વ્‍યાપારી સાહસોમાં વાળી શકાય એ માટે ‌બિ‌જિંગ સરકારે સ્‍ટાર્ટ-અપને પ્રોત્‍સાહન આપતી ‌વિ‌વિધ યોજનાઓને અમલમાં મૂકવાનું શરૂ કરી દીધું. યોજનાઓને મૂર્ત કરવા માટે નાણાંકોથળી પણ ઢીલી કરી. જેમ કે, ૨૦૧પના એક જ વર્ષમાં ‌બિ‌જિંગ સરકારે સ્‍ટાર્ટ-અપ યોજનાઓ પાછળ ૨૩૧ અબજ ડોલર ખર્ચી નાખ્યા.

સરકારે ભરેલું આ‌ર્થિક ઉપરાંતનું માસ્‍ટર-સ્‍ટ્રોક પગલું તો કોલેજના ‌વિદ્યાર્થીઓ માટેનું હતું. ચાલુ અભ્‍યાસે રખે તેઓ એકાદ કારગત આઇ‌ડિયા અથવા પ્રોડક્ટ વડે પોતાની સ્‍ટાર્ટ-અપ કંપની સ્‍થાપવા માગતા હોય અને કોલેજ/યુ‌નિવ‌ર્સિટીને તેમાં દમ દેખાતો હોય તો ‌વિદ્યાર્થી પોતાના અભ્‍યાસમાંથી બ્રેક લઈ શકે. આવો ‌વિરામ બેથી આઠ વર્ષનો હોઈ શકે, જે દરમ્‍યાન ‌વિદ્યાર્થી તેની સ્‍ટાર્ટ-અપ કંપનીને કાર્યરત કરી નાખે. કંપની પગભર થયા બાદ વળી એ જ કોલેજ/યુ‌નિવ‌ર્સિટીમાં અધૂરું ભણતર આગળ વધારીને ‌ડિગ્રી પ્રાપ્‍ત કરે.

આવા બધા કી‌મિયાનું પ‌રિણામ એ આવ્યું કે ચીનમાં સ્‍ટાર્ટ-અપ કંપનીઓનો રાફડો ફાટ્યો. ‌વિજ્ઞાન, ટેક્નોલો‌જિ, ટે‌લિકોમ, સંદેશાવ્‍યવહાર, રોબો‌ટિક્સ, ઓટોમોબાઇલ, ‌બિનપરંપરાગત ઊર્જા જેવાં કેટકેટલાં ક્ષેત્રે અવનવી કંપનીઓ જાત-ભાતના આઇ‌ડિયા તેમજ ઉત્‍પાદનો સાથે કાઠું કાઢવા લાગી. ‌વિદેશી રોકાણકારો આવી કંપનીમાં માતબર રકમ રોકવા લાગ્યા, એટલે ચીનના અર્થતંત્રમાં ‌વિદેશી ભંડોળ ઠલવાવા માંડ્યું. આજે ૧ અબજ ડોલર કરતાં વધુ બજારુ મૂલ્‍ય ધરાવતી હોય તેવી યુ‌નિકોર્ન શ્રેણીની ૩૪પ કંપનીઓ ચીનમાં છે.

આ બધાં અને આવાં તો બીજાં ઘણાં બધાં કારણોએ ગઈ કાલના કોપીકેટ ચીનને આજે ‌વિજ્ઞાન-ટેક્નોલો‌જિના નહોર આપ્‍યા છે. સ્‍ટાર્ટ-અપ ઇ‌ન્‍ડિયા અને મેક ઇન ઇ‌ન્‍ડિયા જેવી યોજનાઓ પર આપણે વજન મૂકી રહ્યા છીએ ત્‍યારે અહીં વર્ણવેલા મુદ્દા નં.૨ તથા મુદ્દા નં.૩ને ખાસ ધ્‍યાનમાં લેવા જેવા છે. પોતાની અકલ વાપરીને તેમની નકલ કરી લેવાય તો પણ ખોટું શું?■


Google NewsGoogle News