Get The App

મિથિલા : સુપરફૂડ મખાનાની 85% જરૂરિયાત સંતોષતો વિસ્તાર

Updated: Feb 9th, 2025


Google NewsGoogle News
મિથિલા : સુપરફૂડ મખાનાની 85% જરૂરિયાત સંતોષતો વિસ્તાર 1 - image


- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

મિ થિલા નામ સાંભળીએ ત્યારે શું યાદ આવે? કથાઓ પ્રમાણે મહાજ્ઞાાની જનકરાજા જે રાજ્યના રાજા હતા એનું નામ હતું - મિથિલાનગરી. 

સીતાજી જે ભૂમિમાંથી પ્રગટ થયાં હતાં એ પવિત્ર સ્થળ એટલે મિથિલા. ભગવાન રામે શિવજીના ધનુષના જ્યાં ટૂકડાં કર્યા હતા એ ભૂમિ એટલે મિથિલા. રામ-સીતાના લગ્નમંડપનું સ્થળ એટલે મિથિલા. આજેય આ વિસ્તારના લોકગીતોમાં રામાયણની જુદી કથા મળે છે. એમાં સીતાજીને વિદાય આપવામાં આવતી નથી, ભગવાન રામને ઘરજમાઈ બતાવાયા છે! મિથિલાવાસીઓ પ્રેમપૂર્વક દલીલ કરે છે કે સીતાજીને વિદાય કરીએ તો વનવાસ આવી પડે. અમે ઈચ્છતા નથી કે મિથિલાની દીકરીને વનમાં જવું પડે. આવા લાગણીભીંના હૃદયોનું નિવાસ સ્થાન એટલે મિથિલા.

અત્યારે ઉત્તર બિહારના દરભંગા ને તેની આસપાસના વિસ્તારમાં પ્રાચીન મિથિલા નગરી હતી એમ કહેવાય છે. બિહારમાં ઉત્તર તરફનો આખો વિસ્તાર મિથિલાથી ઓળખાય છે. ઘણાં વિદ્વાનો તો ત્યાં સુધી દાવો કરે છે કે રાજા જનકની મિથિલાનગરીનો વિસ્તાર આજના બિહાર-ઝારખંડથી લઈને હિમાલયન રેન્જમાં ઘણે દૂર સુધી હતો અને એમાં આજના નેપાળનોય સમાવેશ થતો હતો.

એક સમયે અધ્યાત્મજ્ઞાાનના કારણે ભારતવર્ષમાં વિખ્યાત મિથિલાની મૂળ ઓળખ પછી ઝાંખી થતી ચાલી. જે મિથિલાનો ઉલ્લેખ પ્રાચીન કથાઓમાં બહુ અદબથી લેવાય છે એ વિસ્તાર પછી જુદા જુદા પ્રાંતોનો હિસ્સો બનીને રહી ગયો. એક સમયે બંગાળ પ્રેસિડેન્સીનો ભાગ બનેલો આ વિસ્તાર પછી બિહાર રાજ્યનો હિસ્સો બની ગયો. મિથિલાની લોકકળાઓ, લોકગીતો, સંસ્કૃતિમાં એની અસર રહી, પરંતુ આ મહેનતુ મિથિલાવાસીઓએ મોડર્ન સમયમાં જે નવી ઓળખ બનાવી એનું ફળ એટલે મખાના.

***

ઉત્તર બિહાર કે મિથિલા વિસ્તાર એટલે દરભંગા, મધુબની, સુપૌલ, અરારિયા, કિશનગંજ, પુર્ણિયા, સહરસા, કટિહાર એમ આઠ જિલ્લા. બહુ બહુ તો મુઝફ્ફરપુર અને સીતામઢીને એમાં ઉમેરી શકાય. આ વિસ્તારોના ખેડૂતો મખાનાની ખેતી કરે છે. મખાનાની ખેતી - એવો શબ્દ પ્રયોજવો એ ટેકનિકલી બરાબર નથી. ખેતી થાય છે એક પ્રકારના કમળની. એની લાંબી પ્રોસેસ પછી મખાના મળે છે. મખાનાનો પાક લેવા માટે વાવણી સામાન્ય રીતે ડિસેમ્બરથી ફેબુ્રઆરી કે માર્ચ સુધી કરવામાં આવે છે. ઓગસ્ટથી ઓક્ટોબર દરમિયાન એના બીજ પાકે છે.

એનો પાક લેવાની પદ્ધતિ અન્ય ફસલો કરતાં ઘણી જુદી છે. પહેલી નજરે તળાવ લાગે એવા ખેતરોને પાંચ-સાત ફૂટ ખોદીને ખાસ મખાનાનો પાક લેવા માટે તૈયાર કરવામાં આવે છે. એમાં પાણી સતત ભરાયેલું રહે છે. આ ખેતરોમાં કમળ ખીલવવામાં આવે છે ને એ કમલના ફૂલો પાકે ત્યારે જે બી બને છે એ મખાનાનું રફ મટિરિયલ. કમર સમાણાં પાણીમાં ખેતી કરતા ખેડૂતો પાણીમાંથી બીજ એકઠાં કરે છે ને એને ત્રણ-ચાર વખત ધોયાં પછી સૂકવવામાં આવે છે. લાંબી અને બેહદ મહેનત માંગી લેતી આ પ્રક્રિયા પછી આખરે કમળના બીજને ગરમ કરીને ધાણીની જેમ ફોડવામાં આવે છે. ફોડયા પછી જે થોડો સફેદ-થોડો રક્તવર્ણો જે પદાર્થ મળે છે એને કહેવાય મખાના.

દેશમાં મખાનાના કુલ ઉત્પાદનમાંથી ૮૦-૮૫ ટકા હિસ્સો બિહારના આ સીમાંચલના જિલ્લાઓનો છે. દેશમાં મખાનાની ખેતી ૧૩ હજાર હેક્ટરમાં થતી હતી. વધીને એ ખેતી હવે ૩૫,૦૦૦ હેક્ટરમાં થાય છે. સરકારે ઉત્તમ મખાનાના ઉત્પાદન માટે ૧૫ હજાર કિલો બીજ ખેડૂતોનો આપ્યા છે. દુનિયામાં મખાનાની ડિમાન્ડ સતત વધી રહી હોવાથી ભારતે ઉત્તમ ગુણવત્તાના મખાનાની નિકાસ વધારવાનો લક્ષ્યાંક સેટ કર્યો છે. આમેય ગ્લોબલ ડિમાન્ડમાંથી ૯૦ ટકા ભારત પૂરી કરે છે. ભારત સિવાય, ચીન, જાપાન, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં મખાનાની ખેતી થાય છે.

દેશમાં મખાનાનું કુલ ઉત્પાદન ૧૦૦૦-૧૨૦૦ કરોડ રૂપિયાનું છે. ૨૦૩૨ સુધીમાં આ ઉત્પાદન ૯થી ૧૦ ટકા વધીને ૧૮૦૦-૨૦૦૦ કરોડ રૂપિયાનું થાય તેવો અંદાજ છે. ૨૦૨૩-૨૪ના વર્ષમાં ૨૫૦૦ કરોડ મેટ્રિક ટન મખાના એક્સપોર્ટ થયા હતા. જોકે, સરકારના એક્સપોર્ટના અને કુલ માર્કેટના આંકડાંમાં વિરોધાભાસ જણાય છે. નિકાસની કિંમત ઘણી ઓછી હોય તો જ ૨૫૦૦ કરોડ મેટ્રિક ટનની કિંમત ૧૦૦૦ કરોડ રૂપિયા થઈ શકે!

***

સુપરફૂડ મખાનાના જૂનામાં જૂના પુરાવા તો છેક આઠ લાખ વર્ષ પહેલાંના મળે છે. એટલે કે માણસના અસ્તિત્વ પહેલાં કમળની અનેક જાતો પૃથ્વી પર હતી. માણસે ૧૦ હજાર વર્ષ પહેલાં એને આરોગવાનું શરૂ કર્યું હશે એવું ઈતિહાસકારો માને છે. હવે શહેરી વિસ્તારોમાં એનો ક્રેઝ વધતો જાય છે. વઘારીને કે શેકીને મખાના ખાવાથી વજન ઘટે છે એટલે કેટલાય લોકો મખાનાને રૂટિન ડાએટમાં સમાવે છે. ઘણાં લોકો મખાનાની ખીર પણ બનાવે છે.

મખાનાની ખેતીમાં પણ એ જ મુશ્કેલી છે જે અન્ય ફસલોમાં છે. ખેડૂતોને મહેનત પ્રમાણે વળતર મળતું નથી. છૂટક માર્કેટમાં એક કિલો મખાનાના ભાવ ૧૫૦૦-૨૦૦૦ સુધી બોલાય છે. તેની સામે ખેડૂતોને કિલોના માંડ ૨૦૦-૩૦૦ રૂપિયા મળે છે. હવે તો મખાના ઉત્પાદક ખેડૂતોનું સંગઠન બન્યું છે એટલે સ્થિતિ થોડીક સુધરી છે. નહીંતર હેક્ટર દીઠ લાખ રૂપિયાનો ખર્ચ થઈ જતો. સામે ઉત્પાદન પછી માંડ ૨૫ હજાર રૂપિયા મળતા. જીઆઈ ટેગ મળ્યું છે એટલે આ વિસ્તારના મખાનાને વિદેશમાં પણ સારો ભાવ મળે છે.

પણ એ વાસ્તવિકતા સ્વીકાર્યા સિવાય છૂટકો નથી કે નિકાસકારો જેટલી કમાણી કરે છે એટલો ફાયદો કલાકોના કલાકો કમર સમાણા પાણીમાં રહીને આકરી મહેનત કરતા ખેડૂતોને મળતો નથી.

મખાના બોર્ડ બન્યા પછી એ ખેડૂતોને લાભ થાય તો બજેટની બધી જાહેરાતો કામની, નહીંતર પાણી પર લકીર સાબિત થશે!  

મિથિલાંચલના મખાના પોસ્ટથી ઘરબેઠા મેળવી શકાય

મિથિલાંચલ મખાના ઉત્પાદક સંઘ નામનું સંગઠન રજિસ્ટર થયું ને મિથિલાના મખાનાને જીઆઈ ટેગ મળ્યું પછી પોસ્ટ વિભાગે ઘરબેઠા મખાના પોસ્ટ કરવાની સર્વિસ શરૂ કરી હતી. આ સંગઠન અને પોસ્ટ વિભાગ વચ્ચે થયેલા કરાર પ્રમાણે છેલ્લાં ત્રણેક વર્ષથી મિથિલાના મખાના ભારતમાં કોઈ પણ સ્થળે મેળવી શકાય છે. ઉત્પાદન સંઘને ઓર્ડર કરવાથી પોસ્ટલ ચાર્જ સાથે મખાનાનું પાર્સલ થોડાં દિવસમાં મળી જાય છે. વળી, બિહારમાં ફરવા જનારા પ્રવાસીઓને અનુકૂળ રહે તે માટે કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી મખાના ખરીદી શકાય એવીય વ્યવસ્થા કરવામાં આવી છે.

મખાના પોલિટિક્સ પાછળનું ગણિત

મખાનાના ખેડૂતોને જો આ બોર્ડ બનાવવાથી ફાયદો થાય તો એનો સીધો ફાયદો ભાજપને મળી શકે. બિહાર વિધાનસભાની ચૂંટણી આ વર્ષે ઓક્ટોબરમાં થવાની છે. તે પહેલાં બોર્ડ બની જાય તો હજારો ખેડૂતોમાં એની પોઝિટિવ અસર થશે. મખાના પોલિટિક્સ પાછળ ભાજપનું ગણિત સમજવા જેવું છે. બિહાર વિધાનસભાની કુલ ૨૪૩ બેઠકોમાંથી મિથિલા વિસ્તારના આઠ જિલ્લા -  મધુબની-૧૦, સુપૌલ-૫, અરારિયા-૬, કિશનગંજ-૪, પુર્ણિયા-૭, સહરસા-૪, દરભંગા-૧૦, કટિહાર-૭ મળીને ૫૩ બેઠકો થાય છે. ઉત્તર બિહારના મિથિલા વિસ્તારમાં સીતામઢી અને મુઝફ્ફરપુરને પણ ઉમેરીએ તો ૬૫થી વધુ બેઠકો થાય. આ આખોય વિસ્તાર મખાનાના ઉત્પાદન માટે જાણીતો છે. મખાના બોર્ડનો વ્યૂહ કારગત થશે તો ભાજપને કમળની ખેતી ફળશે.

અલગ મિથિલાંચલ રાજ્ય માટેય માગણી

૨૦૦૩માં મૈથિલીને દેશની માન્ય ભાષા ગણવામાં આવી હતી. બિહારના ૩૮માંથી ૨૬ જિલ્લામાં મૈથિલી ભાષા બોલાય છે અને રાજ્યના ૧૨.૫૮ ટકા લોકો આ ભાષા જાણે છે. મૈથિલી સંસ્કૃતિના રક્ષણ માટે અલગ મિથિલાંચલ રાજ્ય હોવું જોઈએ એવી માગણી ઘણાં સમયથી થતી રહે છે. બિહારની સંસ્કૃતિથી ઉત્તર બિહારની સંસ્કૃતિ થોડી અલગ પડે છે. મૈથિલી તહેવારો, મૈથિલી કેલેન્ડર જુદું છે. મૈથિલી ચિત્રોનો જુદો પ્રકાર છે, જે મધુબની આર્ટના નામેય ઓળખાય છે.

૨૦૧૮માં બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ અલગ મિથિલાંચલની માગણી વિધાન પરિષદમાં કરી હતી. એકાદ વર્ષ પહેલાં અખિલ ભારતીય મિથિલા રાજ્ય સંઘર્ષ સમિતિએ મિથિલાંચલ રાજ્યની ડિમાન્ડ સાથે દિલ્હીના જંતર-મંતરમાં દેખાવો કર્યા હતા. મિથિલા સ્ટેટ માટે એવી દલીલ થાય છે કે ભાષા પ્રમાણે રાજ્યોની રચના થઈ એમાં મૈથિલી બોલતા લોકોની અવગણના કરવામાં આવી હતી. 

પહેલીવાર છેક ૧૯૧૨માં બ્રિટિશ ઈન્ડિયા વખતે બંગાળ પ્રેસિડેન્સીથી અલગ બિહાર રાજ્ય બન્યું ત્યારે મૈથિલી ભાષી લોકોએ મિથિલા રાજ્યની માગણી કરી હતી. ૧૯૨૧માં દરભંગા રાજ્યના રાજા રામેશ્વર સિંહે મિથિલા રાજ્ય માટે અંગ્રેજોને રજૂઆત કરી હતી. ૧૯૩૬માં બિહારથી જુદું ઓડિશા રાજ્ય બન્યું ત્યારેય મિથિલા રાજ્ય ડિમાન્ડ થઈ હતી.૧૯૫૬માં તત્કાલિન પીએમ જવાહરલાલ નેહરુને મળીને પ્રતિનિધિ મંડળે અલગ મિથિલા રાજ્યની રજૂઆત કરીને દસ્તાવેજો સોંપ્યા હતાં.

મિથિલા મખાનાને જીઆઈ ટેગ

ઉત્તર બિહારના આઠ-દસ જિલ્લાઓ દેશના કુલ મખાનાના ઉત્પાદનમાંથી ૮૦-૮૫ ટકા ઉત્પાદન કરે છે. એના પરિણામે બિહારને મખાના માટે જ્યોગ્રાફિકલ ઈન્ડિકેશન આપવાની માંગણી ઘણાં વર્ષોથી ઉઠતી હતી. જ્યોગ્રાફિકલ ઈન્ડિકેશન એ પ્રોડક્ટને મળે છે કે જે એ વિસ્તારની આગવી ઓળખ હોય. મખાનાનું ઉત્પાદન બિહાર ઉપરાંત ઝારખંડ, બંગાળ અને યુપીના અમુક જિલ્લામાં પણ થાય છે. એ ખેડૂતો બિહારને જીઆઈ ટેગ મળે તેનાથી નારાજ હતા. આખરે મિથિલા વિસ્તારના જિલ્લાઓને ધ્યાનમાં રાખીને મિથિલા મખાનાને જીઆઈ ટેગ આપવા વારંવાર રજૂઆત થતી હતી. બિહાર ભાજપના નેતા અને દરભંગાના સાંસદ ગોપાલ ઠાકુરે સંસદમાં એકથી વધુ વખત આ મુદ્દો ઉઠાવ્યો હતો. બિહાર એગ્રીકલ્ચર યુનિવર્સિટીની પહેલથી આખરે 'મિથિલા મખાના'ને ૨૦૨૨માં જીઆઈ  ટેગ મળ્યું હતું.


Google NewsGoogle News