ગંગા નદી ..માનો તો માતા બાકી વહેતું પાણી
- સંગમ સ્થળમાં સ્નાન સાથે પ્રાયશ્ચિત કરશો તો જ પાપ ધોવાશે ..મન મેલું હોય અને તન ધોવાથી કંઈ ફર્ક ન પડે
- હોરાઈઝન-ભવેન કચ્છી
- નદીની શુદ્ધતા સાથે જાળવણી કરવી તેને પણ ધર્મના દાયરામાં સમાવવાની જરૂર
પાપ ધોવાય તેવી શ્રદ્ધા
એક ચોંકાવનારો વોટ્સ એપ મેસેજ મળ્યો અને વિચારોના ચકરાવે ચઢી જવાયું. મેસેજ કંઇક આવો હતો 'વૃધ્ધાશ્રમમાંથી મા બાપે ઘરે પોતાના દીકરાને ફોન કર્યો તો ખબર પડી કે વહુ અને દીકરો કુંભમેળામાં પુણ્ય કમાવવા ગયા છે.'
કુંભમેળાની વિરૂધ્ધ કે શ્રદ્ધાળુઓની લાગણી ઘવાય તેવો સહેજ પણ આ મેસેજ નથી પણ સમાજમાં જે નર્યો દંભ અને અજ્ઞાાન પ્રવર્તે છે તેની સામેનો આ કટાક્ષ છે.
એમ તો કહેવત છે જ ને કે 'સો ચૂહા મારકે બિલ્લી હજ કો ચલી' કહેવાનું તાત્પર્ય એ છે કે પાપ કરતા રહેવાના અને તે પછી પવિત્ર સ્થળે જવું.
પવિત્ર મનાતી નદીમાં સ્નાન કરી લેવું કે ધર્મની શ્રધ્ધાના શિરમોર પ્રતીક સમાન જાત્રા કરી લેવી અને પાપ ધોવાઈ જાય.
આવી માન્યતાએ વિષમ અને કળયુગી સમાજને જન્મ આપ્યો છે.
ખ્રિસ્તી ધર્મમાં પણ આવી પવિત્ર થઈ જવાની વિધિ છે. જૈન ધર્મમાં પણ વર્ષમાં એક વખત 'મિચ્છામી દુક્કડમ' સાથે બે હાથ જોડી માફી માંગી લીધા પછી વર્ષ દરમ્યાન વ્યવહારમાં તે હદની પારદર્શકતા જોવા નથી મળતી.
ઊર્જા અને દિવ્ય માહોલ
એવું પણ નથી કે તમામ કરોડો શ્રધ્ધાળુઓ કુંભમેળામાં પાપ ધોવાના ઇરાદાથી જાય છે.તેઓને તો હિન્દુ ધર્મની આસ્થાની પરમ શક્તિ બતાવતા મેળાવડામાં ભાગ લેવાનો ઉત્સાહ હોય છે. આ સ્નાન ત્રિવેણી સંગમમાં થતું હોઈ નવો ઉલ્લાસ અને ઊર્જા ભાવુકને તરબોળ કરે છે. આમ પણ પ્રત્યેક હિન્દુ ધર્મીમાં જન્મજાત અમુક નદીઓ,મંદિરો અને યાત્રા સ્થળોના દર્શન કરવા તે જનમનો ફેરો સાર્થક થયા સમાન મનાય છે. લાખો, કરોડો શ્રધ્ધાળુઓના માનવ મહેરામણમાં જોડાવવાનો દિવ્ય આનંદ જ અકલ્પનીય હોય છે. સંતો, મહાત્માઓ અને સિધ્ધ બાવાઓના એક સાથે આવા માહોલમાં દર્શન કરવા તે રોચક પણ બની રહે છે.
ક્રિયાકાંડ બદલી ન શકે
તો બીજી તરફ લાખો અંધશ્રદ્ધાળુઓ એવા પણ છે જેઓ કુંભમાં કે પ્રાચીન નદીઓમાં સ્થાન કરવાથી પાપ ધોવાઇ જાય તેવી માન્યતા સાથે જ આવે છે.આવા સ્નાનાર્થીઓએ જરા આત્મમંથન કરવાની જરૂર છે. એમ સ્નાન કરવાથી ભૂતકાળના પાપો ધોવાઇ જાય અને હવે પછી નવા પાપ કરવા માટેનું ખાતું નવેસરથી ફરી ખૂલતું હોય તેમ માનવું ઘોર અજ્ઞાાન છે. હા, જૂના પાપ કે કુકર્મો નદીમાં પધરાવી દીધા અને 'હવે હું શક્ય હોય ત્યાં સુધી કુકર્મ નહીં કરું' તેવા સંકલ્પ સાથે પવિત્ર નદીમાં શ્રદ્ધા ઉમેરીને સ્નાન કરો તો તે આવકાર્ય છે.
આપણી સૌથી મોટી સમસ્યા એ છે કે કુકર્મો અને ચાલાકી કરવી, સામી વ્યક્તિની લાગણીને ફટકો પહોંચાડવો, અનીતિ આચરવી, દગો દેવો જેવા કૃત્યો કરવા છે પણ બદલાવ લાવવાની પ્રક્રિયા સામી વ્યક્તિ ,વ્યક્તિ સમૂહ કે દર્શન અને પવિત્ર સ્નાન પર છોડી દેવી છે. પરિવર્તન સ્વયં આત્મ નિરીક્ષણ કરીને પોતાનામાં બદલાવ લાવવાથી જ થતું હોય છે. આપણો અહંકાર હંમેશા એવો ભ્રમ પેદા કરે છે કે આપણે તો બરાબર જ છીએ. જે સમસ્યા, દુ:ખ કે પીડા છે તેને માટે સામી વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ જ જવાબદાર છે. તેઓ બદલાય તો જ સુખ પ્રાપ્ત થાય.આપણે આપણું દુ:ખ, મનની અશાંતિ માટે બીજાને જ જવાબદાર ગણીએ છીએ તે તો ઠીક પણ પીડા તો બાહ્ય પરિબળો જ બદલે આપણે તો બરાબર જ છીએ આવી માનસિકતાને કારણે સમાજ અને પરિવારો તૂટી રહ્યા છે.
કોઈ પરવાનો નથી મળી જતો
આપણે અહંકાર હેઠળ એવો સ્વબચાવ કરીને છૂટી જઈએ છીએ કે મેં જે કુકર્મો કર્યા તે તો મારા પર લાદી દેવામાં આવ્યા છે. મારે ખરાબ વર્તન કરવું જ પડે તેમ હતું કોઈ છૂટકો જ નહોતો.
સામી વ્યક્તિ કે સમાજ સુધરે છેલ્લે અમને નદીનું સ્નાન પવિત્ર કરશે પણ અમે અમારી જાતે વિચારોને શુભ દિશામાં વાળીને સારા બનવાનો તો પ્રયત્ન નહીં જ કરીએ તેવો તો આપણો અહમ્ હોય છે.
આપણે ભગવાનનની મૂર્તિ સમક્ષ કે કોઈપણ સ્થળે ધ્યાન ધરીને મનની શાંતિ અને સુખ , સમૃધ્ધિ આપો તેમ અર્જ કરતા દસ મિનિટ પણ આત્મમંથન માટે બેસવું નથી અને સુખ શાંતિ મેળવવા આપણા વતી ક્રિયાકાંડ કરનારને મંત્રો, અભિષેક કે રુદ્રી કરવાના રૂપિયા આપીને છૂટી જવું છે.
હવે તો એવા દાતાઓ પણ વધતા જાય છે જેઓ ભયંકર અનીતિ, ભ્રષ્ટાચાર, રાષ્ટ્રદ્રોહ અને માનવતાને પગ નીચે કચડતા કૃત્યો કરે છે અને ભ્રામિક માનસિક સમાધાન કરવા કે દોષની લાગણી ન અનુભવાય તેથી મંદિરોમાં દાન કરી દેતા હોય છે. જાત્રા અને સ્નાન પુણ્ય કમાવવા નીકળી પડે છે.
યાદ રહે પવિત્ર નદીમાં સ્નાન કે જાત્રા નવા પાપો કરવા માટેનું રીન્યુલ લાયસન્સ કે પરવાનો નથી.
નદી માતા આવી મલિન?
વિદેશમાં નદીમાં કોઈ બાહ્ય ઘન કે પ્રવાહી પદાર્થ નાંખી નથી શકાતા. વિદેશીઓ તો ન જ કરે પણ અસ્થિ વિસર્જન, સ્નાન કે ફૂલ હાર જેવી કોઈ વિધિ ત્યાં આપણા ભારતીયો પણ નથી કરી શકતા.
આપણે ભારતમાં તો પવિત્ર નદીઓ જોડે પણ દંભ આચરીએ છીએ. નદીને માતા કહીએ અને તે જ નદીમાં ફેકટરીના મલિન અને ઝેરી રસાયણો તેમજ પ્રવાહી ઠલવાય તે માટે ગેરકાયેદસર જોડાણો નદી જોડે જોડાતા હોય તેવા નખાયા હોય. ઉત્તર પ્રદેશમાં કતલ ખાનામાં પશુઓના ચામડા ધોવા માટે પુષ્કળ પાણી જોઈએ તે પાણી પણ નદીમાંથી જ મેળવાય અને નદીમાં જ છોડી દેવાતું હોય છે. ગંગા નદીના ઘાટમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવે તો મોક્ષ મળે તેવી માન્યતાને લીધે નનામીને ગંગાના પાણીમાં જ તરતી મૂકીને પછી તેને ખોલવામાં આવે છે. કેટલાયે શબો તો મૃતકની અંતિમ ઈચ્છા પ્રમાણે નદીમાં છોડી મુકાય છે. રોજેરોજ હજારો દીવડી, ફૂલો, હાર અને પૂજાપો નદીમાં ઠલવાય છે. શું આપણે નદીને માતા અને પવિત્ર માનતા હોઈએ તો તેની આવી હાલત કરીએ તે યોગ્ય છે ખરું? ભારતની ઘણી નદીઓના તો કિનારે ઊભા જ ન રહી શકાય તેવી દુર્ગંધ મારતી હોય છે. ગામનો ઉકરડો પણ ત્યાં જ ખડકી દેવાય છે.
ગંગા શુધ્ધિકરણ પ્રોજેક્ટ છે પણ જ્યાં સુધી ફેક્ટરી, ઉદ્યોગો, કતલખાના અને આપણી ગંદકી કરતી સિસ્ટમ છે ત્યાં સુધી કોઈ પરિણામ શક્ય નથી.
નદી નજીક દબાણો
ખરેખર આપણે નદીનું માતાની જેમ જતન કરીએ છીએ કે પશ્ચિમના દેશો તે વિચારવાની જરૂર છે.
જેમ જંગલો,પર્વતીય સ્થળો પર ગેરકાયદેસર દબાણને પર્યાવરણની સમતુલા ખોરવાઈ ગઈ છે અને તે વિસ્તારના ગામો પણ ધસી પડયા છે તેમ નદીઓના કિનારે પણ ગેરકાયદેસર બાંધકામ, હોટલો, આશ્રમોનો રાફડો ફાટતો જાય છે. આ એક સુનિયોજિત ્રભ્રષ્ટાચાર અને મિલી ભગતથી શક્ય બન્યું હોય છે.
આવા બધા પાપો કરીને નદીમાં સ્નાન કરી લેવાનું. મોટી રકમનું દાન આપી દેવાનું. શુદ્ધિકરણની આપણી વ્યાખ્યા જ દેશને મલિન કરવા માટે જવાબદાર છે.
જુહી મહેતાની નૃત્ય નાટિકા
આવે વખતે કેટલાક વર્ષો પહેલા પોરબંદર સ્થિત આર્ય કન્યા ગુરુકુળ સંસ્થાના એક વાર્ષિક કાર્યક્રમમાં આ સંસ્થા જેમની આગવી દ્રષ્ટિથી આકાર પામેલી તેવા શ્રેષ્ઠી નાનજી કાલિદાસ પરિવારના પુત્રવધૂ ફિલ્મ અભિનેત્રી જુહી જય મહેતા (ચાવલા)ના નિર્દેશનમાં બનેલી ગંગા માતાની વેદનાને વાચા આપતી નૃત્ય નાટિકા યાદ આવી જાય. આવા વિષય પર સર્જકોનું ધ્યાન ઓછું જતું હોય છે. શા માટે ગંગા પવિત્ર નદી મનાય છે અને આપણે સૌએ કઈ હદની જાગૃતિ તેની અસ્મિતા જાળવી રાખવા કેળવવાની છે તે બોધ વેધક રીતે અપાયો છે.
ફિલ્મો અને ગંગા નદી
સ્વ. રાજ કપૂર શા માટે જીનીયસ હતા તેનું એક ઉદાહરણ એવું પણ આપી શકાય કે ગંગા નદીના ઉચ્ચતમ માપદંડ તરફ તેમણે નિર્દેશ કરતા 'જીસ દેશ મેં ગંગા બહતી હૈ' ફિલ્મ બનાવી હતી. ફિલ્મમાં ડાકુનું પ્રાયશ્ચિત અને હૃદય પરિવર્તન જ્યાં ગંગા વહેતી હોય તેવા દેશમાં જ થઈ શકે તેનો મેસેજ વણી લેવાયો છે.
રાજ કપૂરે જ વર્ષો પછી 'રામ તેરી ગંગા મૈલી' બનાવી ભારતની નારીની સ્થિતિ અને પીડા ગંગા નદી જેવી ગણાવી. દંભી સમાજ નદી અને નારી જોડે અત્યાચાર કરીને તેના પાપ ધોઈ નાંખે છે. આ ફિલ્મનું ટાઇટલ ગીત જ ગંગાનો ચિત્કાર વ્યક્ત માટે છે. તેની એક પંક્તિ છે 'નદી ઔર નારી રહે, ઔરો કા કલંક સર ઢોતે..'
એમ તો રાજજીના 'સંગમ' ફિલ્મના 'મેરે મન કી ગંગા ઓર તેરે મન કી ગંગા કા બોલ રાધા બોલ સંગમ હોગા કે નહીં' ગીતે પણ જમાવટ કરી જ હતી ને.
'ગંગા જમુના', 'ગંગા કી લહરે', 'ગંગા તેરા પાની અમૃત' , 'ગંગા કી કસમ ', 'ગંગા', જેવી ફિલ્મોના નામમાં ગંગા છે. આવી જ રીતે ગંગા અને પવિત્ર નદીઓ ભારતવર્ષની ગૌરવ ગાથા હોય તેમ ગીતોમાં વણી લેવાઈ છે.
કહેવતમાં ગંગા
ખરેખર જીવન ઉદાહરણીય રીતે જીવવું જોઈએ. તે માટે ગંગા નદીમાં સ્નાન કરવું જરૂરી નથી તે ભાવ વ્યક્ત કરતી કહેવત પણ છે જ ને 'મન ચંગા તો કથરોટ મેં ગંગા'. વધુ એક કહેવત 'આપણે તો ઘેર બેઠા ગંગા' છે.
તો ચાલો સંગમ તીર્થ સ્નાનમાં જઈ આવ્યા હોઈએ તો હવે વધુ બદલાયેલું પાવક જીવન જીવીએ અને ન જઇ શકાયું હોય તો આપણા વડીલો જેમ સ્નાન કરતા તેમ માથા પર એક એક કળશો કે ડબલું ભરીને પાણી રેડતા મૂળ સંસ્કૃતમાં છે તેનું ભાષાંતર કરીને બાથરૂમમાં એવું નામ સ્મરણ કરીએ કે 'ગંગામાં, નાહ્યા, યમુનામાં નાહ્યા, સરસ્વતીમાં નાહ્યા, કાવેરીમાં નાહ્યા, ક્ષિપ્રામાં,નાહ્યા, ગોદાવરીમાં નાહ્યા, કાવેરીમાં નાહ્યા.