Get The App

વય અને આલય વગરનો પ્રણય

Updated: Feb 8th, 2025


Google NewsGoogle News
વય અને આલય વગરનો પ્રણય 1 - image


- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- એ પ્રણય પ્રભુની જેમ સર્વત્ર છે. વાડ ઉપર ચઢતો વાલોળનો વેલો પ્રણય છે. વરસતો વરસાદ પ્રણય છે. વાદળો જોઈ થતો મયૂર ટહુકાર પ્રણય છે

પ્ર ણય શું છે? પ્રણય ક્યાં છે? પ્રણય એટલે શું? જગતમાં અને જીવનમાં એનું સ્થાન છે, વર્ચસ છે, પણ એનું ક્યાંય સ્થિર સરનામું નથી. ભમ્યા કરે છે. પવનની જેમ જ એને લય છે પણ વય નથી. સૌમાં વસે છે પણ એને ક્યાંય ઘર નથી. કોઈને નજરમાં દેખાય, કોઈને નજરથી દેખાય, કોઈને આકારમાં દેખાય, કોઈને અંતરમાં દેખાય, કોઈ શબ્દથી પામે તો કોઈ સ્પર્શથી પામે કે પામવા કોશિશ કરે. આકર્ષણના આંગણામાં પગલી પાડે પણ ત્યાં ના પણ હોય. મત્સ્યગંધાથી મેનકા સુધીનો એનો પ્રલંબ વિસ્તાર છે અને સ્થૂળથી સુક્ષ્મ એની ભૂમિકાઓ છે.

'ભમે છે ઘેલૂડો પ્રણય, જગમાં ક્યાંય ઘર ના.'

- સુંદરમ્

લયલા-મજનુથી માંડી રાધા-ગોપીના કૃષ્ણપ્રેમ સુધીની યાત્રા પ્રણયની છે એ પ્રણયે સંયમી યોગીઓનાં વ્રત તોડયાં છે. પ્રણયને પામવાનું ગણિત નોખું નોખું હોય છે. ક્યારેક એ ગણિત ખોટાં પણ પાડે છે. નિત નૂતન કેડીએ એ વિહરે છે. કોઈને પુષ્પના આકારમાં દેખાય છે, તો કોઈને પુષ્પની ગંધની શક્તિમાં દેખાય છે, તો કોઈને રંગ-ગંધના સંવાદમાંથી સર્જાતી તેજઝાંયમાં દેખાય છે, તો વળી કોઈને ભ્રમર કે પતંગિયાના સંગે થયેલા સાહજિક મિલનમાં દેખાય છે. એ શબ્દમાં પણ હોય અને મૌનમાં પણ હોય, એના સ્વરૂપનું યથાતથ વર્ણન અશક્ય છે.

પ્રણય કાયાના કામણમાંથી પસાર થાય છે, ત્યારે જ્યાં થોભે છે ત્યાં સૌંદર્યનું સરનામું હોય છે. એ પોતે નિરાકાર છે છતાં આકારમાં એનું સ્થાન છે! એ રંગવિહિન છે છતાં લોકો એને રંગગંધમાં શોધે છે અને પામવાનો પ્રયત્ન પણ કરે છે! એની પ્રાણશક્તિ પણ ગજબની છે! હેમંત-શિશિરનો તડકો, ગ્રીષ્મનો ગુલમહોર શરદનો ઉત્સવ અને મેઘનો મુકુટ જેમ પ્રણય છે. તેમ એ વસંતની વ્યથા અને પાનખરની પીડા પણ છે. પ્રણય એક એવું ફળ છે. કોઈને પકવ લાગે છે તો કોઈને અપકવ. કોઈ ચાખે છે, કોઈ ખાય છે. કોઈ જુએ છે, કોઈ રમાડે છે. કોઈને લલચાય છે. જાદુઈ છે પ્રણયની સૃષ્ટિ!! પ્રણય કરનારાંને પરાજિત કરીને જે પ્રણય વિજયી રહ્યો છે. તે પ્રણય તૃષાતુર છે, ક્ષુધાતુર છે. તૃપ્તિ નામના સ્ટેશને તો એની ગાડી પહોંચતી જ નથી. પ્રણયની ટિકિટનો નંબર ઝંખનાના ડબ્બામાં હોય છે. પ્રણય ભ્રમણ કરે છે. પ્રણયની સાથે પીડા નામની ચૂડેલ વળગેલ હોય છે.

પ્રણય આખરે છે શું? પ્રણય પ્રભુ હશે કે શું? એ પ્રણય પ્રભુની જેમ સર્વત્ર છે. વાડ ઉપર ચઢતો વાલોળનો વેલો પ્રણય છે. આકાશમાંથી વરસતો વરસાદ પ્રણય છે. વાદળો જોઈ થતો મયૂર ટહુકાર પ્રણય છે. આમ્રકુંજમાં કોયલનો ટહુકાર ધરતીમાંથી ફૂટતા અનાજના અંકુર પ્રકારાન્તરે પ્રણય છે. પ્રણય ઉપર કોઈનો ઈજારો નથી ધનકુબેરોનો જેટલો હક તેટલો જ હક ગરીબ માણસનો તેની ઉપર છે. પ્રણય હવા છે, કૃપા છે, જીવાડે છે અને મારે પણ છે. પ્રણય ઘોર રાત્રિ છે અને સોનેરી સવાર પણ છે. પ્રણય સરવાળો છે અને બાદબાકી પણ છે. ગુણાકાર છે અને ભાગાકાર પણ છે. જ્ઞાાન છે અને અજ્ઞાાન પણ છે. પ્રણય આંખો છે, કાન છે, ટેરવાં છે, નજર છે, શબ્દ છે, ગંધ છે અને સ્પર્શ પણ છે. તેનામાં જેટલી જીવાડવાની શક્તિ છે તેટલો એ માફક પણ છે. તેને પૃથ્વી ઉપર જ નહિ, સાતે લોકમાં અવરજવર કરવાની છૂટ છે. દૈવીલોકમાં અને અસુર યોનિમાં એનું સ્થાન છે એ રાજમહેલોમાં જેટલી મસ્તીથી નિવાસ કરે છે એટલી જ મસ્તીથી ગરીબની ઝૂંપડીમાં પણ વસે છે. કંટાળો માર્ગ પ્રણયની હાજરીમાં જ સુવાળો અને સુવાસિત થઈ જતો હોય છે. પ્રણય અંધારાને પણ ઊજળો કરે છે એની હાજરીમાં રાત્રિમાં સૂરજ ફૂટે છે. હૃદયના સિંહાસન સુધી એ વિહાર કરે છે. પ્રણય કેવળ મિલનમાં જ નહિ, વિરહમાં પણ નિવસે છે. આશ્લેષ કે આલિંગનમાં જ નહિ, ઉપેક્ષા અને અવહેલનામાં પણ તેને સ્થાન છે. સજીવ સાથે તેને દોસ્તી હોય એવું માની લેવું પર્યાપ્ત નથી. મૃત સાથે પણ સંયોજાઈ શકે છે. પ્રણયને જાત-ભાત સાથે સંબંધ ભલે ના રહ્યો, પણ પ્રણયના સંપર્કો જિંદગીમાં ભાત જરૂર પાડે છે. કવિતા, નવલિકા અને નવલકથાના પૃષ્ઠો ઉપર એ પતંગિયાની પેઠે ઊડે છે, એના સંસર્ગમાં આવેલા પાત્રો અમર થઈ જાય છે. પ્રણય અમર બનાવી શકવાનું સામર્થ્ય ધરાવે છે. કવિ પાસે પ્રણય પહોંચે તો કાવ્યરૂપ લઈ લે. અને લેખક પાસે પ્હોંચે તો કથાનું રૂપ લઈ લે પ્રણયને બહુરૂપી પણ કહી શકાય. પ્રણયને હિંચકા, ચગડોળ સાથે નાતો હોય છે, સાવ એવું નથી એ ગાડામાં, ટ્રેકટરમાં, ટ્રકમાં, ટ્રેઈન અને એરોપ્લેનમાં પણ મુસાફરી કરે છે. બાગમાં, ખેતરમાં, નિશાળમાં, કોલેજમાં એનાં થાણાં દેખી શકો. મધુરસમાં મધમાખીનું બલિદાન છે શું? પ્રણયનું સમર્પિત રૂપ!!

પ્રણયને લપસણી ભૂમિમાં જ પ્રવાસ કરવાનો હોય છે. પ્રણયને બંધિયાર હવા માફક આવતી નથી, એને લ્હેરવું ગમે છે. એ કાયામાં છે, પ્રાણમાં છે, મનમાં છે અને હૃદયમાં પણ નિવસે છે. આકર્ષણથી સમર્પણ સુધીની એની યાત્રા છે. પ્રણય શરીર પાસેથી સ્પર્શની ભાષા શીખે છે. સૌંદર્યના ઘાટીલાં તત્વ સાથે જોડાઈને એનો પ્રભાવ ઊભો કરે છે. પ્રાણ પાસેથી અખૂટ શક્તિ અને તાકાતથી પ્રભાવિત થાય છે. શક્તિમાં પ્રવેશીને તે પોતાનો જાદુ પાથરે છે. મનની વિવિધ ભૂમિકાઓમાંનો જ્ઞાાનના તેજો વલયોમાંથી પસાર થાય છે, પ્રણય કાયા, પ્રાણ, મનની અવસ્થાઓમાં અંકુરો નાખે છે. આત્મા-હૃદયની જ્યાં સરહદ શરૂ થાય છે ત્યાં પ્રણય મોકળે અને વિહાર કરીને શુદ્ધ પ્રેમાલાપ કરે છે. ખાસ પ્રણય સંકીર્ણ દ્વારમાંથી પસાર થઈને પ્રેમના મહાલયમાં જઈને પૂજાય છે ત્યારે એનો જનમારો સફળ થાય છે. પ્રણય એ પ્રેમયાત્રાનું એક સોપાન છે. આપણે તે સોપાનથી શિખરે પહોંચીએ.


Google NewsGoogle News