Get The App

ઓથારિયો હડકવા .

Updated: Apr 8th, 2023


Google NewsGoogle News
ઓથારિયો હડકવા                                                  . 1 - image


- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર

- 'બાપડાના મનમાં નિરંતર એમ જ થયા કરે છે કે હું કાંઈ લખું.. આ સમે એનો જે પરિતાપ, એના જે પછાડા... હડકાયેલા કૂતરાની અવસ્થા તો સો દરજ્જે સારી છે.'

જ ગતનો પહેલો 'હાસ્યનિબંધ' યુરોપમાં અઢારમી સદીના આરંભે લખાયો; તેના છેક દોઢસો-બસો વર્ષ પછી, ૧૮૮૩માં, નવલરામ પંડયાએ ગુજરાતીનો પહેલો હાસ્યનિબંધ 'ઓથારિયો હડકવા' લખ્યો. સુરતમાં જન્મેલા નવલરામ (૧૮૩૬-૮૮) વિવેચક, નિબંધકાર, કવિ, શિક્ષણશાસ્ત્રી, નાટયકાર અને પત્રકાર હતા. 'ઉત્તમ ગ્રંથનો પુરસ્કાર, નિર્માલ્ય ગ્રંથનો તિરસ્કાર અને આશાસ્પદ લેખકોને પ્રોત્સાહન-એ એમનો વિવેચક તરીકેનો અભિગમ હતો.' 'ઓથારિયો હડકવા' શ્રી ગુજરાત શાળાપત્રના અધિપતિ સાહેબને ઉદ્દેશીને લખાયેલું ચર્ચાપત્ર છે. (વાસ્તવમાં નવલરામ પોતે તે શાળાપત્રના તંત્રી હતા.) નિબંધની શરૂઆત આમ થાય છે :

'આપણામાં હાલ જે નવો ભયંકર રોગ ચોતરફ ફાટી નીકળ્યો છે તે જોઈ સઘળે ત્રાહે ત્રાહે થઈ રહ્યો છે... જેમ શીળીનો ઉપદ્રવ બહુધા બાળકોને જ થાય છે તેમ આ રોગમાં કિશોરાવસ્થાવાળા જ સપડાઈ પડે છે... આ રોગથી સંભાળ રાખવાનો ખરેખરો વખત ૧૫થી ૨૫ની ઉંમર સુધીનો છે... વખતે એથી મોટાને અને એકાદ-બે ડોસાને પણ આ રોગ ભયંકર રૂપમાં થયેલો સાંભળ્યો છે.'

લેખક રોગનું પૂર્વ રૂપ વર્ણવે છે : બુદ્ધિને શરીરમાં ઘણી ચંચળતા દેખાવી, કિંચિત માથા પર જ્વર રહેવો, સ્વભાવ ખાટો થવો. પછી રોગ પોતાનું ભયંકર રૂપ એકાએક પ્રકટ કરે છે. દરદીને નેત્રવિકાર થાય છે, 'એ પોતાનાં મા-બાપ, ગુરુ વગેરે પ્રાણીમાત્રને માખી જેવડાં જ અને પોતાને હાથી કરતાં પણ મોટો દેખે છે... અને પ્રાચીન કાળના સર્વમાન્ય અદ્ભુત પ્રચંડાંગી પુરુષોનાં નામ સાંભળી ચિડાઈ ઊઠે છે કે છિટ્! એ અલ્પ જંતુઓની મારી આગળ વાત ન કરો!'

ધીરે ધીરે રોગ સનેપાતમાંથી વકરીને હડકવાનું ત્રાસદાયક રૂપ ધારણ કરે છે. દરદીનું ડાચું ફાટેલું રહે છે, તેનું બોલ્યું સમજાતું નથી. 'જે કૂતરાને હડકવા હાલ્યો હોય છે તે જેમ પાણીનું પ્યાલું જોતાં મહા આક્રંદે ચડે છે, તેમ આ અભાગિયાની નજરે શાહીનો ખડિયો પડતાં જ એનો જીવ લેઊથલ થઈ જાય છે. જેમ હડકાયેલું કૂતરું પાણીના શોષથી વ્યાકુળ ચોતરફ દોડયા જ કરે છે, પણ તેને ગળે એક પણ ટીપું ઊતરી શકતું નથી અને તેથી તે છેક બાવરું, ગાભરું, ને ગાંડું બની જાય છે, તેમ જ આ બાપડાના મનમાં નિરંતર એમ જ થયા કરે છે કે હું કાંઈ લખું.. અને લખવા જાય છે ત્યારે એક પણ અક્ષર લખી શકાતો નથી. આ સમે એનો જે પરિતાપ, એના જે પછાડા... હડકાયેલા કૂતરાની અવસ્થા તો સો દરજ્જે સારી છે.'

લેખક વ્યંગનાં તીર છોડયે જાય છે : દરદી ખડિયો દીઠો કે ધાઈને બાઝે છે અને દસે આંગળાં બોળી લખવાનું કરે છે, પોતાના શરીર ઉપર લીટા પાડે છે, શાહીનો શીશો કાગળ પર છૂટો ફેંકે છે, તે ધંધોરોજગારની વાત કાને ધરતો નથી એ જાણીને કુટુંબીજનો ગંભીર હૈયાશોકમાં પડે છે, પણ દરદીનો આત્મા તો અહંપદમાં તલ્લીન હોય છે.

રોગની આખરની અવસ્થામાં દરદી 'હું ઓથાર, હું ઓથાર' બરાડતો ગામમાં ફરે છે. (ઓથાર એટલે દુ:સ્વપ્ન.) અંગ્રેજી ભણેલાનું કહેવું છે કે અંગ્રેજીમાં ગ્રંથકર્તાને ઓથાર કહેવાય માટે 'હું ઓથાર' 'હું ઓથાર'નો મતલબ કે હું મોટો ગ્રંથકર્તા થઈ ગયો. 'ગાંડાઈની પરિસીમા એ જ કે ગાંડાઈનું અભિમાન કરી ફુલાવું.'

નવલરામ જેટલા મોટા વિવેચક તેટલા જ મોટા હાસ્યકાર. તેમણે મોલિયેરના નાટક પરથી 'ભટનું ભોપાળું' પ્રહસન રચ્યું હતું. નર્મદે તેમાં રહેલી કચાશ બતાવી તેથી નારાજ થઈને નવલરામે નર્મદને હાસ્યનો ઔરંગઝેબ કહ્યો હતો. બાળલગ્ન પર કટાક્ષ કરતાં નવલરામે લખ્યું હતું, 'વરરાજા બે માસનું બાળ, બેં બેં કરતું/ ઝડપાયું ઝટ ઝોળીમાં, મન માડીનું ઠરતું.'

લેખક ઝટ ફોડ પાડતા નથી કે ઓથારિયો હડકવા એટલે શું. સાર્થ જોડણીકોશ મુજબ કોઈ છાતી પર ચડી બેઠું હોય તેવું દુ:સ્વપ્ન આવે, તેને 'ઓથાર' કહેવાય. લેખકે વર્ણવેલા રોગના લક્ષણો હડકવાને બરાબર લાગુ પડે છે : શરીરમાં ચંચળતા આવવી, સ્વભાવ ચીડિયો થવો, જળ જોઈને ગભરાવું (હાઇડ્રોફોબિયા.) 'હું ગ્રંથકર્તા છું' એવી મિથ્યા માન્યતા ધરાવનારા પ્રત્યે લેખકને કેવી ચીડ હશે કે તેમને 'હડકાયા' કહ્યા! આવો ઠઠ્ઠો કરનારા નવલરામ પહેલા નહોતા. કાલિદાસે રઘુવંશના પહેલા સર્ગમાં લખ્યું છે, 'કવિ તરીકેનો યશ પ્રાપ્ત કરવા ઇચ્છતો હું મૂર્ખ છું. કેવળ ઊંચા પુરુષથી પહોંચાય તેવા ફળને મેળવવા હાથ લંબાવનાર ઠીંગુજીની જેમ હું ઉપહાસનું પાત્ર બનીશ.' દયારામનું પદ છે, 'વૈષ્ણવ નથી થયો તું રે/ શીદને ગુમાનમાં ઘૂમે!' લાભશંકર ઠાકરે બની બેઠેલા કવિઓને તુચ્છકારતાં લખ્યું, 'કવિવર નથી થયો તું રે, શીદને ગુમાનમાં ઘૂમે?'

લેખક નોંધે છે કે આ રોગ બહુધા કિશોરોને થાય છે. આપણે ઉમેરીએ કે જેમની પ્રજ્ઞાા વિકસિત નથી થઈ, અને કિશોરો જેવી જ રહી ગઈ છે, તેવા (બાળકબુદ્ધિ) પણ આ રોગનો શિકાર બને છે. હિંદી ભાષા માટે કહેવાય છે કે જન્મે તે કવિ અને લખે તે મહાકવિ! 'બાપડાના મનમાં નિરંતર એમ જ થયા કરે છે કે હું કાંઈ લખું.. આ સમે એનો જે પરિતાપ, એના જે પછાડા... હડકાયેલા કૂતરાની અવસ્થા તો સો દરજ્જે સારી છે.' નવલરામે વોટ્સેપ અને ફેસબુક પર ફરતી 'કવિતાઓ' વાંચી હતે તો કેવાં આકરાં વેણ કાઢતે! આ સંદર્ભે એક રચના સાંભરે છે, જેનું શીર્ષક છે, 'ઝેરોક્સ સાહિત્ય.'

'અમરતલાલ પુરાણાં પુસ્તકો વાંચતા જાય ને છીંકો ખાતા જાય. ડોક્ટર કહે, બુક ડસ્ટની એલર્જી છે!

-એટલે જૂનાં પુસ્તકો નહિ વાંચવાનાં? સાવ?

-વાંચોને તમતમારે, પણ ઝેરોક્સ કરાવીને.

હવે અમરતલાલ એ જ વાંચે છે: રમેશ પારેખની ઝેરોક્સ, કલાપીની ઝેરોક્સ, મરીઝની ઝેરોક્સ... હવે એમને છીંકો નથી આવતી. હવે એમને ઉબકા આવે છે.'

બની બેઠેલા લેખકોના અહમ્ને પોષવા માટે એક નવો પ્રકાર શરૂ થયો છે, 'સેલ્ફ પબ્લિશિંગ.' તમે ગૂગલ સર્ચ કરશો તો આવા પ્લાન મળશે. રૂપિયા ૫૦,૦૦૦/ ચૂકવે તેને પોતે લખેલા પુસ્તકની પાંચ નકલ મળે અને વધારાની નકલ ૨૦ ટકા વળતરથી. રૂપિયા ૧,૦૦,૦૦૦/ ચૂકવે તેની સોશિયલ મીડિયામાં એક મહિના સુધી જાહેરાત થાય. રૂપિયા ૧,૫૦,૦૦૦/ ચૂકવનારના પુસ્તકનાં ૪-૫ અવલોકનો કરાવવામાં આવે. રૂપિયા ૨,૦૦,૦૦૦/ ભરે તેના પુસ્તકને સન્માન સમારંભમાં એવોર્ડ અપાય.

કહેતા બી દીવાના ઔર સુનતા બી દીવાના!


Google NewsGoogle News