અંગદાન છતાં આગેકૂચ .
- આજકાલ-પ્રીતિ શાહ
- અંકિતા એની સફળતાનો યશ તેને તાલીમ આપનાર સતીશકુમારને આપે છે કે જેણે તેને આવી રમત વિશે જાણકારી આપી
ગ્વા લિયરમાં જન્મેલી અને ભોપાલમાં ઉછરેલી અંકિતાએ નાની ઉંમરમાં જીવનના કેટલાય રંગો જોયા. બાળપણમાં માતા-પિતા એને દરેક વાતમાં પ્રેરણા અને પ્રોત્સાહન આપતા હતા. અંકિતા નાની હતી ત્યારથી જુદી જુદી રમતોમાં એને ખૂબ રસ હતો અને રાજ્યકક્ષાની ઘણી સ્પર્ધાઓમાં ભાગ લેતી હતી. સ્વિમિંગ અને બાસ્કેટબૉલમાં તો તે રાષ્ટ્રીય કક્ષાએ પણ રમવા જતી, પરંતુ તેની માતાને સિરોસીસ ઑફ લીવરની બીમારી લાગુ પડી. ઘણી સારવાર કરાવી અને ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે લીવરના દાતાની શોધ આદરી. એ સમય દરમિયાન અંકિતા મોટી થઈ ગઈ અને એનું બ્લડ ગ્રુપ માતાને મેચ થવાથી એણે પોતાનું લીવર આપવાનું નક્કી કર્યું. ૨૦૧૪માં વીસ વર્ષની ઉંમરે એણે પોતાની માતાને પોતાનું ૭૪ ટકા લીવર આપ્યું અને ફેબુ્રઆરી માસમાં આપરેશન થયું, પરંતુ કમનસીબી એટલી કે ચાર મહિનામાં જ એની માતાનું અવસાન થયું. જોકે માતાને લીવર આપ્યાનો અંકિતાને સહેજે અફસોસ નથી, બલ્કે માતા ચાર મહિના વધુ જીવ્યા, તેનો આનંદ છે.
એક બાજુ માતાના અવસાનનો આઘાત હતો, તો બીજી બાજુ હજી એની સારવાર ચાલતી હતી. કેવી રીતે બેસવું, ઊભા રહેવું અને કેવી રીતે ચાલવું તે સઘળું શીખતી હતી. આવી પરિસ્થિતિમાં બંને બહેનોને છોડીને પિતાએ ફરી લગ્ન કર્યા. ધીમે ધીમે અંકિતા આઘાતમાંથી બહાર આવવા લાગી અને નોકરી કરતી હતી તે દંપતીએ તેને દીકરીની માફક સાચવી. અંકિતાના જીવનમાં ઘણાં પરિવર્તનો આવ્યાં, પરંતુ રમત પ્રત્યેનો તેનો લગાવ હજી એવો જ હતો. કુટુંબના એક મિત્રે અંકિતાને 'વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગૅઇમ્સ' વિશે વાત કરી અને એમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરી. ૧૯૭૮થી યુ.કે.નું વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગૅઇમ્સ ફેડરેશન દર ચાર વર્ષે વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગૅઇમ્સનું આયોજન કરે છે, જેમાં અંગદાન કરનાર અને મેળવનાર ભાગ લઈ શકે છે. આને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા માન્યતા મળી છે અને વિશ્વના સાઠ દેશોના આ પ્રકારના નાગરિકો એમાં ભાગ લે છે.
લીવર ટ્રાન્સપ્લાન્ટને એક વર્ષ પૂરું થયું અને ડાક્ટરે જ્યારે સામાન્ય જીવન જીવવાની મંજૂરી આપી, તે પછી તેણે ફિટનેસ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા. દરરોજના છ કલાક તેની પાછળ ગાળીને વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગૅઇમ્સમાં પોતાની જાતને પ્રવેશ મેળવવા માટે યોગ્ય બનાવી. અંકિતા કહે છે કે ટ્રાન્સપ્લાન્ટ સર્જરી પછી એથ્લેટ બનવું જરાય સહેલું નથી. ત્રણ વર્ષ સુધી શિસ્તબદ્ધ જીવન અને આહારમાં પરેજી પાળી. વહેલી સવારે ચાર વાગ્યે ઊઠીને ટ્રેન દ્વારા ભોપાલના સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા સેન્ટર પર પહોંચી જતી. સાડા દસ વાગ્યે કોચને મળવાનું અને ત્યારબાદ સાંજ સુધી પ્રૅક્ટીસ કરીને પાછી ફરતી. આવી કઠિન તાલીમનું ફળ એને ૨૦૧૯ની યુ.કે.માં યોજાયેલી વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગૅઇમ્સમાં મળ્યું. અંકિતાએ લાંગ જમ્પ અને બોલ થ્રોમાં સુવર્ણચંદ્રક અને સો મીટર દોડમાં રજતચંદ્રક મેળવ્યો. ભારતની પ્રથમ અને સૌથી નાની વયની વ્યક્તિ તરીકે ચંદ્રકો મેળવનાર અંકિતા શ્રીવાસ્તવનું નામ લિમ્કા બુક ઑફ રેકોર્ડમાં અંકિત થયું. અંકિતા એની સફળતાનો યશ તેને તાલીમ આપનાર સતીશકુમારને આપે છે કે જેણે તેને આવી રમત વિશે જાણકારી આપી. તે ઉપરાંત તેના કોચ, ડાયેટીશયન, જિમના કૉચ, ફિટનેસ એક્સપર્ટ સહુનો આભાર વ્યક્ત કરે છે.
અંકિતા કહે છે કે આ બધા માટે ફંડ મેળવવું મુશ્કેલ હોય છે, પરંતુ તે પોતાની જાતને નસીબદાર માને છે. દિલ્હીમાં આવેલ પરાશર ફાઉન્ડેશન દેશમાં ઓર્ગેન ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટેશનને આસાન બનાવે છે અને તેની ટીમ આવું ફંડ એકત્ર કરવામાં મદદ કરે છે.
ઍથ્લેટ બનવાની સાથે સાથે તે સિરિયલ એન્ટરપ્રેન્યોર પણ છે. ઇન્ટલેકચ્યુઅલ પ્રોપર્ટી, મીડિયા, એન્ટરટેઇન્મેન્ટ અને એડટેકના ક્ષેત્રે તે છેલ્લા સાતેક વર્ષથી કાર્યરત છે. જેણે તેને દીકરીની જેમ સાચવી તે સ્વાતિ અને મનીષ રજોરિયા તેના વ્યવસાયમાં ભાગીદાર છે. તેઓએ આઠ બ્રાન્ડ બનાવી છે અને પચીસ દેશોમાં તેને ઓળખ મળી છે. પર્પલ ટર્ટલ અને અન્ય પ્રિ-સ્કૂલ એનિમેશન કેરેક્ટર સાડા ત્રણસો પુસ્તકમાં અને ડિસ્કવરી કિડ શૉમાં સ્થાન પામ્યા છે. ઍરફિટ નામનું હેલ્થ અને ફિટનેસનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે, જેમાં ઍરપોર્ટ પર ક્રૉસફિટ સેન્ટર સ્થાપવામાં આવશે. જે લોકો નિયમિત વર્કઆઉટ કરે છે અથવા તો અત્યંત વ્યસ્ત રહે છે કે રોજિંદા જીવનમાં વર્કઆઉટમાં આળસ કરે છે તેવા લોકો ઍરપોર્ટ પર વર્કઆઉટ કરી શકશે.
અત્યારે તે અમેરિકાની યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયાની વૉર્ટન બિઝનેસ સ્કૂલમાં એમ.બી.એ. કરી રહી છે અને આગામી સપ્તાહે ૧૫થી ૨૧ એપ્રિલ દરમિયાન ઑસ્ટ્રેલિયાના પર્થમાં યોજાનારી ૨૪મી વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગૅઇમ્સમાં જવાની તૈયારી કરી રહી છે. તે આસ્ટ્રેલિયાથી પાછી ફરીને એવા અનેક ક્ષેત્રોમાં કામ કરવા માગે છે કે જેમાં હજી ઘણી સંભાવનાઓ રહેલી છે. તે ટ્ર્રાન્સપ્લાન્ટ કરાવેલી વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા માગે છે. યંગ ઇન્ડિયન્સ, ઑર્ગન ઇન્ડિયા જેવી સંસ્થાઓની સભ્ય છે અને લોકોમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાનું કામ પણ કરે છે. તે દિલ્હીની નેશનલ ઑર્ગન ઍન્ડ ટીસ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન સાથે પણ કામ કેર છે. તે પોતાના જીવનના અનુભવ દ્વારા પરિવર્તન અને પુરુષાર્થની વાત કરીને લોકોને પ્રોત્સાહિત કરે છે.
પાઘડી બની સાચી પહેચાન
અમર સિંહ માને છે કે કોઈ પણ વ્યક્તિને સહાય કરવામાં ધર્મ, ભાષા કે સંસ્કૃતિ બાધારૂપ ન બનવી જોઈએ
આજથી પચીસ વર્ષ પહેલાં ૧૯૯૮માં અમર સિંહનો પરિવાર પણ પોતાના વતન પંજાબ છોડીને ઑસ્ટ્રેલિયા આવ્યો, ત્યારે અમર સિંહની ઉંમર માત્ર પંદર વર્ષની હતી. માતા અને ત્રણ ભાઈ-બહેનો સાથે ઑસ્ટ્રેલિયા આવવા નીકળ્યા, ત્યારે કિશોરવયના અમર સિંહના મનમાં એક બાજુ આનંદ હતો, તો બીજી બાજુ કુટુંબીજનો અને મિત્રોને છોડવાનું દુ:ખ પણ હતું. ઍરપોર્ટ જતી વખતે મનમાં રોમાંચ હતો કે સિડની કેવું હશે, પરંતુ જ્યારે ઍરપોર્ટ પર ઉતર્યો, ત્યારે એકલાપણું કોરી ખાવા લાગ્યું. જ્યાં તમે કોઈને ઓળખતા નથી, ત્યાંની ભાષા, સંસ્કૃતિ, વ્યવહાર બધું જ તદ્દન ભિન્ન ! આજે એને યાદ કરતાં ૪૧ વર્ષના અમર સિંહ કહે છે, 'વતન છોડીને અન્યત્ર જતાં પ્રત્યેક પ્રવાસી માટે મને માન છે, કારણ કે ત્યાં જઈને જે નોકરી મળે તે પહેલાં તો લઈ લેવાની છે. કારણ કે કુટુંબને ટેબલ પર બે ટંક ભોજન આપવાનું હોય છે.'
પારકા દેશમાં પોતાની જગ્યા બનાવવા માટે એક સંઘર્ષ કરવાનો હોય છે. જેમાંથી અમર સિંહ પણ પસાર થયા છે. સિડનીની સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો, પરંતુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એમનું નામ બોલવામાં તકલીફ પડતી હતી. એક ક્ષણ તો એમણે પોતાનું નામ બદલીને ડેવિડ રાખવાનું વિચાર્યું, પરંતુ પછી વિચાર આવ્યો કે બીજા લોકો માટે થઈને મારી પોતીકી ઓળખ શા માટે બદલી નાખું? બે વર્ષમાં તો એમને ઑસ્ટ્રેલિયાની નાગરિકતા મળી ગઈ, તેથી આત્મવિશ્વાસ પણ વધ્યો, પરંતુ લોકોના રોજબરોજના વ્યવહારમાં ખાસ કંઈ ફેર પડયો નહીં. ન્યૂયૉર્કમાં ટ્વીન ટાવરની ઘટના બની, તેથી અમેરિકા સહિત પશ્ચિમના બધા દેશોમાં લોકો શીખોની સામે શંકાભરી દ્રષ્ટિએ જોવા લાગ્યા. અમેરિકામાં નફરતથી થયેલી હિંસામાં ભોગ બનનાર પહેલી વ્યક્તિ પાઘડીધારી શીખ જ હતી. ૨૦૧૪માં એક દિવસ સિડનીના વોલોંગૉન્ગમાં તેઓ ટ્રક ચલાવી રહ્યા હતા, ત્યારે કેટલાક લોકોએ તેમને અપમાનજનક શબ્દો કહ્યા. એમને સમજાતું નહોતું કે તેઓ શું કરે? એની વાત કોણ સાંભળે? એમની ઇચ્છા સામો જવાબ આપવાની નહોતી. અમર સિંહે મનોમન નક્કી કર્યું કે સ્થાનિક લોકોમાં શીખોના પહેરવેશ વિશે અને તેમાંય ખાસ કરીને પાઘડી વિશે જે આશંકાઓ છે એને દૂર કરીશ. એકવાર મારા સાથીદારે મને કહ્યું કે હું આતંકવાદી જેવો દેખાઉં છું. રસ્તા પર મળતાં અજાણ્યા લોકો ઘણી વાર પૂછતા કે શું પાઘડીમાં બૉમ્બ લઈ જાઓ છો અથવા તો શું છુપાવી રહ્યા છો? અમર સિંહ ઇચ્છતા હતા કે આ બધા લોકો શીખોને એવા રૂપમાં જુએ કે જેના પર વિશ્વાસ મૂકી શકાય. અમર સિંહે એક વખત રેડિયો જોકી રે હેડલીને પોતાની વાત કહેવાનું નક્કી કર્યું અને કાર્યક્રમ દરમિયાન જ જે વ્યક્તિએ એને આંતકવાદી કહ્યો હતો, તેમણે રેડિયો પર માફી માગી. આ જોઈને અમર સિંહ તો ઊંડા આશ્ચર્યમાં પડી ગયા.
અમર સિંહને ખાતરી થઈ કે આ લોકો આ બાબતથી અજ્ઞાાત હોવાથી ડરે છે કે શંકા સેવે છે. ૨૦૧૫માં એમણે 'ટર્બન્સ ૪ ઑસ્ટ્રેલિયા' નામના સંગઠનની સ્થાપના કરી. ત્યારથી આ સંગઠન પશ્ચિમ સિડનીના વિસ્તારમાં દર રવિવારે ધર્મ અને જાતિના ભેદભાવ વિના સાડા ચારસો ભૂખ્યા ગરીબ લોકોને ભોજનના પેકેટ અને રાશનના વાઉચર આપે છે. ક્વીન્સલૅન્ડમાં માર્સિઆ વાવાઝોડા વખતે અસરગ્રસ્તોને, દુષ્કાળ વખતે ખેડૂતોને, લિસમૉરમાં આવેલા પૂર વખતે તેમજ સાઉથ કાસ્ટમાં જંગલમાં આગ લાગી, ત્યારે આ સંગઠને આ દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારના લોકોને ભોજન અને દવા પહોંચાડયા. કોવિડ-૧૯ની મહામારી સમયે પોતાની આસપાસના લોકોને ભોજન અને દવા પહોંચાડયા. જે જે લોકોએ મદદની માગણી કરી, તે સહુને પોતાનાથી શક્ય તેટલી તમામ મદદ કરી. બ્રિસ્બેનમાં ફૂડ વેનની શરૂઆત કરી છે, જેથી બેઘર લોકોને ભોજન આપી શકે. આજે આ સંગઠનમાં ત્રણસોથી વધુ સ્વયંસેવકો કામ કરે છે.
અમર સિંહ માને છે કે કોઈ પણ વ્યક્તિને સહાય કરવામાં ધર્મ, ભાષા કે સંસ્કૃતિ બાધારૂપ ન બનવી જોઈએ. સાચી સમજ આવે તે માટે તેઓએ 'ટર્બન ફેસ્ટ'ની ઉજવણી કરી, ભાંગડા નૃત્ય અને પંજાબની માર્શલ આર્ટ દર્શાવી. શીખો માટે પાઘડી અને દાઢી રાખવી એ મૂળભૂત બાબત છે. ૨૦૨૨માં ગ્રીન ઍન્ડ ગૉલ્ડ ચેરિટી લોજિસ્ટીક્સ ટ્રાન્સપોર્ટ કંપનીની શરૂઆત કરી જે જરૂરિયાતવાળા લોકોને તાત્કાલિક સહાય પહોંચાડવા માટે જાણીતી છે. આ બધાના પરિણામ સ્વરૂપે ૨૦૨૨ની ત્રીજી નવેમ્બરે ન્યૂ સાઉથ વેલ્સની સરકારે લોકલ હીરોની શ્રેણીમાં 'ઑસ્ટ્રેલિયન ઑફ ધ યર' ઍવૉર્ડ અમર સિંહને એનાયત કરવાની જાહેરાત કરી. રાત-દિવસ એમની સાથે રહીને કામ કરનાર તમામ કાર્યકર્તાઓને આ ઍવૉર્ડનો શ્રેય આપ્યો અને કહ્યું કે, 'હું ગર્વ સાથે કહું છું કે અમારું આ સંગઠન બહુસંસ્કૃતિવાદ અને સામાજિક એકતાને આગળ વધારશે. આશા રાખું છું કે મારી ટીમ આ દાન અને અનુકંપા દ્વારા દરેક ધર્મના લોકો વચ્ચે સતત સંવાદિતા સાધતી રહેશે. કોઈ વ્યક્તિ નફરત સાથે જન્મતી નથી તે તો જન્મ્યા પછી શીખે છે. આવી નફરતને, ધૃણાને દૂર કરવી પડશે.' આજે અમર સિંહને આનંદ એ વાતનો છે કે લોકોને સમજાઈ ગયું છે કે આ પાઘડી એ માત્ર કપડાંનો ટુકડો નથી, એની સંસ્કૃતિ, પરંપરા અને આસ્થાની ઓળખ છે.