Get The App

જાત સાથેનું જોડાણ તૂટયું! .

Updated: Apr 8th, 2023


Google News
Google News
જાત સાથેનું જોડાણ તૂટયું!                            . 1 - image


- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

- જે લોકો પોતાની સાથે કે સામે નથી રહી શકતા તે અન્ય લોકો સાથે કનેક્ટેડ રહેવાની મથામણમાં છે. ત્રણ પ્યાલાં પાણી નથી પીતા પણ ડિજીટલ ફલોમાં ડૂબેલાં રહે છે

અ ને ફરીવાર સ્કુલ્સ અને કોલેજીસમાં વીસ-ત્રીસ દિવસની ઊનાળુ રજાઓ તોળાઈ રહી છે. એલન લાઈટમેનની એક ટેડ ટોક યાદ આવે છે. જેનો વિષય હતો, 'ઈન પ્રેઈઝ ઓફ વેસ્ટીંગ ટાઈમ'. એલન પંચોતેર વર્ષનો એક અમેરિકન ભૌતિકશાસ્ત્રી છે. તેમના ત્રીસથી વધારે પુસ્તકો છે, જેમાંના ઘણા બેસ્ટસેલર્સ છે. આપણને થાય કે તેના સફળ ભૌતિકશાસ્ત્ર પાછળ તેની અદભૂત જ્ઞાાનસાધના હશે પણ ના, માત્ર તે નથી. તેના બાળપણના શાળાના દિવસોની વાત સાંભળો, 'હું શાળાથી ઘરે જતી વખતે સૌથી દૂર પડતો જંગલનો રસ્તો પસંદ કરતો, મારા પગલાંથી પણ શાંતિમાં ખલેલ પડે તેવી કેડી, કાદવીઆ રસ્તે કાચબો ક્યાં જાય છે તે જોવા તેની પાછળ ચાલતો, તૂટેલા વૃક્ષોના કિલ્લા બનાવતો, મકાઈના ખેતર પડખેના તળાવ કાંઠે બેસી ટેડપોલ જોતો, સાંજે વાળુમાં શું હશે ? કે ભગવાન સ્ત્રી હશે કે પુરૂષ તેના વિચાર કરતો, મરનાર શું અનુભવતો હશે તેની ચિંતા કરતો, સંધ્યાકાળે ઘરે આવતો'

એલન માને છે કે મને સુખી કરવા માટે મારી પાસે બ્લેન્ડર્સ, વેક્યુમ ક્લીનર્સ, ડીશ વોશર,માઈક્રોવેવ, ટી.વી, કોપીઅર્સ, કન્ડીશનર્સ, હીટર, ગીઝર, ડીવીડી પ્લેયર, આઈપોડ, આઈપેડ, આઈફોન્સ, કાર, પ્લેન છે. આ બધાની કિમત રૂપે મેં મારું એકાંત મૌન, હળવાશ, મોકળાશ, અવકાશ અને અંગતતા ખોઈ નાખી. મારી પાસે નિષ્પ્રયોજન રખડપટ્ટીનો કોથળો ભરી સમય હતો તે ખોવાઈ ગયો છે.' અર્થાત, તેની પાસે આજે જગત છે, જાત નથી. તેને ચાલવું છે પણ ક્યાંયે પહોંચવું નથી. આ એક કટોકટીભરી પળ છે જ્યારે જગતની ગતિ ખૂબ જ છે પણ આપણે ક્યાં જઈ રહ્યા છીએ તેની આપણને ખબર નથી હોતી.

વિશ્વભર સાથે જોડાઈ રહેવા આપણે પાગલ થયા છીએ તેથી મનની સ્થિરતા, સર્જનની સહજતા નથી મળતી. આપણે પાર્કમાં વિડીઓ, રેસ્ટોરાંમાં ઈ-મેઈલ (જેને એલન ફાસ્ટફૂડ માને છે.) જોઈએ છીએ  અને પરિવાર વચ્ચે બેસી ક્યાંક દૂર ચેટીંગ કરીએ છીએ. મેં તો, ટ્રેનની બારીએ બેસીને મોબાઈલમાં ટ્રેનને ટ્રેક કરતા શૂરવીરો જોયા છે. તેવા લોકોને ડેટાનો લોભ એટલો છે કે અંતરંગને સભર કરે તેવી કોઈ પળ આવતી જ નથી કે જોઈતી જ નથી. જે લોકો પોતાની સાથે કે સામે નથી રહી શકતા તે અન્ય લોકો સાથે કનેક્ટેડ રહેવાની મથામણમાં છે. ત્રણ પ્યાલાં પાણી નથી પીતા પણ ડિજીટલ ફલોમાં ડૂબેલાં રહે છે, જૂઓ શી રીતે તે મોબાઈલમાં શબ્દો, અવતરણો, ચિત્રો, દ્રશ્યો, કથા, ફકરા, પંક્તિ, સંદેશા, સાચા-ખોટાં સમાચારો વગેરે જોયા કરીએ છીએ. જાણે આપણે શ્વાસ, લોહી માંસના નહીં પણ ગીગા કે મેગા કે ટેરા  બાઈટસના બન્યા છીએ. આધુનિક ટેકનોલોજી આપણા સંબંધ, સંવેદના, સમજ, ઓળખ, મૂલ્ય, કીંમત, સ્થળ, સમય, વિશ્વને સર્જે છે - વિખેરે છે. 

એલન કહે છે, 'મેં મને જ ખોઈ નાખ્યો છે. મારી અંગતતા-મારા સ્વમાંના મારા મૂળીઆ ખોવાઈ ગયા છે. મારું એકાંત, મારાં સૂર્ય અને ધરા છે. તે ખોવાયા છે. મારાં શ્વાસ અને હૃદયને સાંભળવા માટે મારે સ્થિરતા જોઈએ છે. મારા મનને મસમોટા મૌનના વિસ્તારો જોઈએ છે. મારે પાવક એકાંત જોઈએ છે. મારી આસપાસના આ વાયર્ડ વર્લ્ડનો હું કેદી બની ગયો છું.'

બોલો, શું કરીશું આપણે ? આ ઘાંઘા અને ઘોંઘાટીઆ, અધીરીઆ અને ઉતાવળા, બડબડીઆ અને વાતોડિયા જગતનું ? ચાલો, એલેનની  જેમ  સમય વેડફવાની કોઈ કલા શીખી લઈએ...

Tags :