ટનલનું પાણી બુલેટ ટ્રેન માટે જોખમી .
- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
- તાપમાન સામે સેફ્ટી રૂપે દર 100 કિ.મીટરે સેન્સર લગાડવામાં આવશે જે ટ્રેકના તાપમાન નોંધીને તાપમાન 65 સુધી પહોંચતા ટ્રેનને અટકાવી દેશે...!
બુ લેટ ટ્રેઈન માટે લોકોમાં ઉત્સુકતા વધતી જાય છે. વીસનગર ખાતે જાપાનીસ પ્રજા બુલેટ ટ્રેનના નકશા તૈયાર કરી રહી છે. ૩૫૦ની સ્પીડે ભાગી શકે એવી બુલેટ ટ્રેઈનના ટ્રેક જમીનથી ૧૫-૧૬ મીટર ઊંચાઈએ હશે.
આટલી ઊંચાઈએ પવનનો ડ્રેગ પણ લાગશે. વળી દક્ષિણ ગુજરાતનું ચોમાસું અને ચક્રવાત કે વાવાઝોડા સામે બુલેટ ટ્રેઈન કેવી રીતે ચાલશે ? એ પ્રશ્ન લોકોને મુંઝવી રહ્યો છે. એટલે જ ૮૦ જેટલા જાપાનીસ ઈજનેરો દિવસ રાત બધી ગણત્રી કરી સફર સલામત રહે એ માટે ડિઝાઈન તૈયાર કરી રહ્યા છે.
અમદાવાદથી મુંબઈ વચ્ચે ૫૦૮ કિ.મી.નું અંતર કાપતા બુલેટ ટ્રેઈનએ તોફાની પવનો અને ઊનાળામાં વધતા તાપમાનનો સામનો કરવો પડશે. ટ્રેઈન જ્યારે ૨૫૦-૩૦૦ ની સ્પીડે પાટા પર ગરમીમાં દોડે ત્યારે પાટા અથવા ટ્રેકનું તાપમાન ૫૦ થી ૬૫ ડિગ્રી થઈ જશે.
તાપમાન સામે સેફ્ટી રૂપે દર ૧૦૦ કિ.મીટરે સેન્સર લગાડવામાં આવશે જે ટ્રેકના તાપમાન નોંધીને તાપમાન ૬૫ સુધી પહોંચતા ટ્રેનને અટકાવી દેશે...!
બુલેટ ટ્રેનને હવાનો અવરોધ પણ લાગશે જેને માટે ગુજરાતની ૮ નદીઓ ઉપર હવાની સ્પીડ માપનારા મીટર લગાડવામાં આવશે. હવાની સ્પીડ ૩૦ કિ.મીટરથી વધશે તો કન્ટ્રોલ રૂમ (સાબરમતી)માં ઘંટડી વાગશે અને ટ્રેઈનને ઊભી રાખવામાં આવશે. વળી હવાની ઝડપ ૨૦ કિ.મીટરથી વધશે તો ટ્રેઈનની ઝડપ ૫૦ ટકા ઘટાડવામાં આવશે. જેટલો પવનનો મારો ઓછો એટલી ટ્રેઈન સલામત રહી શકશે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ૮૦ થી ૧૦૦ ઈંચ જેટલો વરસાદ પડે છે. ટ્રેઈન તો ૧૫ મીટરની ઊંચાઈએ હશે એટલે પાણી ભરાવાનો પ્રશ્ન નથી. છતાં ટ્રેઈન તો ટનેલમાં પણ દાખલ થઈને દોડશે એટલે પાણીનું લેવલ ચકાસવું પડશે આ માટે ટનલના બન્ને છેડે ૬ જગાએ સેન્સર લગાડવામાં આવશે આમ ગરમી, પવન અને પાણી સામે મુસાફરી સુરક્ષિત રહેશે.
અમદાવાદથી મુંબઈ હ વે તમે ૨ કલાક ૭ મિનિટમાં પહોંચશો એક ટ્રેન ૪ સ્ટેશન કરશે જ્યારે ૨ જી ૯ સ્ટેશનો કરશે. દિવસમાં ૩૫ ટ્રીપ એક તરફ અને ૩૫ ટ્રીપ બીજી તરફ કરતાં તમને ૧૫-૨૦ મિનિટે મુંબઈ સુધીની ટ્રીપ મળશે.
આ ટ્રેઈન ૭ કિ.મી.નો પ્રવાસ દરિયાની નીચે બનાવવામાં આવેલી ટનેલમાં કરશે. ૨૦૨૩માં જે ટ્રેઈન આપણને મળવાની હતી તે ટ્રેઈનનું આગમન કોવિડને કારણે અને મહારાષ્ટ્રની જમીન સંપાદનની લંબાયેલી પ્રક્રિયાને કારણે મોડું થયું છે. ભારતીય રેલ્વેને વિશ્વાસ છે કે ૨૦૨૬ના જૂન-જુલાઈમાં આ ટ્રેઈન ચાલુ થશે.
બુલેટ ટ્રેનને કારણે નવી નોકરી ઊભી થશે, ટુરિઝમ વધશે અને વેપારની તકો પણ વધશે. મુંબઈનો માલ સવારે આંડગિયાને ઓર્ડર કરો ને સાંજે તમારે ત્યાં આવી જશે.
૨૦૨૬માં પ્રથમ આ ટ્રેઈન ગુજરાતમાં સુરત-બિલિમોરા વચ્ચે દોડશે. અમદાવાદ-મુંબઈનો સ્ટ્રેચ ૨૦૨૮માં શરૂ થશે. આ બાબતે ઝડપથી કામ ચાલી રહ્યું છે.
સાબરમતીથી ઉપડેલી ટ્રેઈનનું અંતિમ સ્ટેશન બ્રાન્દા કોમ્પ્લેક્ષ હશે. બુલેટ ટ્રેઈનના બધા જ ડબ્બા, એજિંન ઈમ્પોર્ટેડ હશે ગાદીવાળી તેની લક્ઝુરીયસ સીટ સામે નાસ્તા-પાણી તેમજ ઓફિસવર્ક માટે ફોલ્ડિંગ ટેબલ હશે. સામે સ્ક્રીન પર પસાર થતા સ્ટેશન અને સ્પીડ પણ જોઈ શકાશે.
ટિકિટ એરફેરથી ઓછી અને ફર્સ્ટક્લાસથી દોઢી હોય શકે છે જે ફિગર ત્રણ હજાર રૂપિયાની આસપાસ હશે..! અહીં વધારાના લગેજનો ચાર્જ નથી અને બે કલાક વહેલા રિપોટિંગની જરૂર નથી...!!!